દુનિયાભરમાં લોકપ્રિય એવી ફેસબૂક અને વોટ્સએપ જેવી બે કંપનીઓનું મર્જર થયું એ પછી ફરી એ વાતે જોર પકડ્યું છે કે, ભારતીય કંપનીઓ સંશોધન અને ઈનોવેશનમાં કેમ પાછળ પડે છે? ભારતની આઈટી ઈન્ડસ્ટ્રીની ટીકા કરતા એવું કહેવાય છે કે, ભારતને આઈટી હબ કહેવું જરા વધારે પડતું છે. ભારતની આઈટી ઈન્ડસ્ટ્રી અમેરિકા સહિતના દેશોના આઉટસોર્સિંગના કારણે ફૂલીફાલી છે. આ દલીલમાં તથ્ય પણ છે. ભારતીય કંપનીઓમાં સંશોધનોને બહુ ઓછું મહત્ત્વ અપાય છે અને તેના મૂળિયા ભારતની શિક્ષણ વ્યવસ્થામાં છે. જો આપણે ફેસબૂક, એપલ કે વૉટ્સએપ જેવી કંપનીઓ ઊભી કરવા માગતા હોઈએ તો આ ક્ષેત્રની કંપનીઓએ જ તેમના એન્જિનિયરો (સ્ટાફ) અને વિદ્યાર્થીઓ (યુનિવર્સિટી સ્તરે) સંશોધનમાં રસ લે એવું વાતાવરણ વિકસાવવું જોઈએ.
આપણે કોઈ ભારતીય આઈટી કંપની વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મગજમાં કઈ કંપનીના નામ આવે છે? ઈન્ફોસીસ, નૌકરી.કોમ, મેકમાય ટ્રીપ અથવા ફ્લિપકાર્ટ. બરાબર?, પણ આ બધી જ કંપનીઓની સામાન્ય બાબત એ છે કે, આ બધી સર્વિસ આધારિત કંપનીઓ છે. આ કંપનીઓએ કોઈ આઈટી પ્રોડક્ટ નથી બનાવી. આઈટી પ્રોડક્ટમાં એપ્લિકેશન (એપ), ગેમ કે પછી ફેસબૂક જેવી નેટવર્કિંગ વેબસાઈટનો સમાવેશ કરી શકાય. ભારતમાં આઈટી ઈન્ડસ્ટ્રીનો ગમે તેટલો વિકાસ થયો હોય પણ આપણે વિશ્વકક્ષાની એક પણ કંપની ઊભી કરી શક્યા નથી. એ માટે ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિ ના ચાલે, રિસર્ચ અને ઈનોવેશનને મહત્ત્વ આપવું પડે.
બ્રાયન એક્ટન અને જેન કુમ |
એકવાર ઈન્ફોસીસના પૂર્વ વડા કે.આર. નારાયણમૂર્તિએ ન્યૂયોર્કમાં આયોજિત આઈઆઈટી પાન સમિટમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓના કથળતા સ્તરની ટીકા કરતા કહ્યું હતું કે, આજકાલ કોચિંગ ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાની ફોર્મુલા જાણી લે છે. આવી રીતે આઈઆઈટીમાં પ્રવેશ તો મળી જાય છે પણ વિશ્વકક્ષાએ તેઓ વામણાં પુરવાર થાય છે. આઈઆઈટીના બહુ ઓછા વિદ્યાર્થીઓ વિશ્વ સ્તરના હોય છે, બાકીના ગોખણિયા હોય છે. કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવાના વ્યૂહ શીખવાડાય છે, ચાલાકીથી પાસ થવાની પદ્ધતિઓ શીખવાડાય છે. આ જ કારણે આપણો દેશ શોધ-સંશોધન કરીને વિશ્વ કક્ષાની કંપનીઓ ઊભી કરવામાં નિષ્ફળ ગયો છે. આ વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને પરીક્ષામાં ફક્ત ‘સ્કોર’ કરી શકે છે...
નારાયણ મૂર્તિની વાત બિલકુલ યોગ્ય હતી પણ આ ટીકાનું બીજું પણ એક પાસું છે. આ ટીકાથી આઈઆઈટી-આઈઆઈએમના પૂર્વ વિદ્યાર્થી ચેતન ભગત ગુસ્સે થયા હતા અને તેમણે નારાયણ મૂર્તિને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, મૂર્તિજીની બધી વાત બરાબર હશે પણ ઈન્ફોસીસે આઈઆઈટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ સર્જનાત્મક કે સંશોધનને લગતા પ્રોજેક્ટમાં સામેલ કરવા કેટલા પ્રયાસ કર્યા છે? ઈન્ફોસીસે આવા જ વિદ્યાર્થીઓની મદદથી વિદેશી કંપનીઓનું કામ કર્યું છે અને હજારો કરોડની કમાણી કરી છે. આટલી કમાણી કર્યા પછી ઈન્ફોસીસે કેમ આગવી પ્રોડક્ટ માટે સંશોધન કરવા વિદ્યાર્થીઓને તક ના આપી? ચેતન ભગતના સવાલો વેધક છે, જ્યારે નારાયણ મૂર્તિના નિવેદનો કદાચ સાચા પણ અધકચરા હતા. કારણ કે, વિદ્યાર્થીઓને સંશોધનો માટે પ્રોત્સાહન આપવાની જવાબદારી ફક્ત સરકારની નહીં પણ સફળ બિઝનેસમેનો અને કંપનીઓની પણ છે.
ભારતીય ઉદ્યોગપતિઓએ વિદેશી કંપનીઓ અને બિઝનેસમેનો પાસેથી આ વાત જ શીખવાની છે. ભારતીય કંપનીઓ કમાણી ઘરભેગી કર્યા પછી પણ શિક્ષણ વ્યવસ્થાની કે વિદ્યાર્થીઓના ઉતરતા સ્તરની વાત કર્યા કરે છે. તે સંશોધનને પૂરતું મહત્ત્વ આપતી નથી. અમેરિકા કે યુરોપમાં પણ સરકારો નહીં પણ કંપનીઓ જ સંશોધનને વધુને વધુ મહત્ત્વ આપે છે. નારાયણ મૂર્તિ કે એમના જેવા આઈટી કંપનીઓના વડા સફળ બિઝનેસમેન જરૂર છે, પણ એપલના સ્ટિવ જોબ્સ કે ફેસબૂકના માર્ક ઝકરબર્ગ જેવા સફળ ટેક્નોક્રેટ નહીં. વળી, આઈઆઈટીથી થોડી ઉતરતી કક્ષાની સંસ્થાઓમાં ભણીને વિદેશ ગયેલા વિદ્યાર્થીઓ વિદેશી કંપનીઓમાં નોકરી કરીને સંશોધનો કરે જ છે અને કંપનીમાં મહત્ત્વના પદ સુધી પણ પહોંચે છે. જોકે, આવા વિશ્વ સ્તરના વિદ્યાર્થીઓ નારાયણ મૂર્તિ કહે છે એમ ‘બહુ ઓછા’ હોય છે. એટલે સાથે સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ સુધારા કરવા એટલા જ જરૂરી છે.
જો આપણી કંપનીઓ ઈનોવેશન અને સંશોધન યોગ્ય વાતાવરણ વિકસાવે તો આ વિદ્યાર્થીઓ અહીં પણ સંશોધનો કરવા સક્ષમ છે જ. જેને આઈટી ઈન્ડસ્ટ્રીનું થોડું વધારે જ્ઞાન છે એ કદાચ મોબસ્ટેક કે ટ્રુકૉલર જેવી કંપનીઓનું ઉદાહરણ આપીને કહેશે કે, આપણા દેશમાં પણ સારી પ્રોડક્ટ વિકસાવી હોય એવી આઈટી કંપની છે પરંતુ આ વાત સંપૂર્ણ સાચી નથી. કારણ કે આ કંપનીઓ હજુ વિકાસના તબક્કામાં છે. આપણે સારા એવા પ્રમાણમાં સર્વિસ આધારિત કંપનીઓ ઊભી કરી શક્યા છીએ તેનું કારણ એ છે કે, આપણા એન્જિનિયરોનું મુખ્ય લક્ષ્ય કંપનીને ખૂબ ઝડપથી સફળ બનાવવાનું હોય છે. સમાજશાસ્ત્રીઓ આ મુશ્કેલી પાછળ ભારતીય સમાજમાં ‘પૈસાની બોલબાલા’ના તત્ત્વને મહત્ત્વનું ગણે છે.
આ પ્રકારની કંપનીઓ સર્વિસ આપીને ઝડપથી કમાણી કરી શકશે એવી ખાતરી હોય છે. જેમ કે, ફ્લિપકાર્ટ પુસ્તકો સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે, ઈન્ફોસીસ ઓર્ડર પ્રમાણે સોફ્ટવેર બનાવી આપે છે અને આ બધી જ કંપનીઓ સર્વિસનું વેચાણ કરે એ પહેલાં જ તેમને પોતાની ફી મળી જાય છે. જ્યારે આઈટી પ્રોડક્ટ કંપનીઓમાં પહેલાં રોકાણ કરવું પડે છે, થાક્યા વિના સંશોધન કરવું પડે છે, પોતાના કોન્સેપ્ટમાં વિશ્વાસ રાખીને આગળ વધવું પડે છે અને પછી આ કંપનીઓ નફો કરતી થાય છે. ઈનોવેટિવ કોન્સેપ્ટ લઈને આવતી કંપનીએ નફો કરવા માટે આવક માટે ચોક્કસ મોડેલ વિકસાવવાનું કામ પણ પાર પાડવાનું હોય છે. આ બિઝનેસ મોડેલ નફો કરતું થઈ જશે એવું સાબિત થઈ ગયા પછી જ તેનો અમલ કરવાનો હોય છે. જોકે, બિઝનેસ મોડેલ તૈયાર કર્યા પછી પણ અનેક કંપનીઓ સરેઆમ નિષ્ફળ જાય છે અને એના માટે પણ તૈયાર રહેવું પડે છે.
હાલ, વિશ્વની મોટા ભાગની વેબ આધારિત વિશ્વ સ્તરીય કંપનીઓ અમેરિકાના સિલિકોન વેલીમાં આવેલી છે, જ્યારે વિશ્વ સ્તરીય સર્વિસ આપતી કંપનીઓ ભારતની છે. ભારતમાં સર્વિસ કંપનીઓના ઉદય પાછળ સસ્તા અને હોંશિયાર એન્જિનિયરો સહિતના અનેક પરિબળો જવાબદાર છે. સર્વિસ આપતી કંપનીઓ મેનેજરિયલ અને બિઝનેસ સ્કિલ ધરાવતા એન્જિનિયરોથી સફળ થઈ શકે છે. આ કંપનીઓમાં એન્જિનિયરોએ એવી રીતે કામ કરવાનું હોય છે કે, ઈનોવેશન કે ક્રિયેટિવિટીને કોઈ અવકાશ જ રહેતો નથી. આ માટે રોકાણકારો પણ જવાબદાર છે, જે નવા વિચારો સાથે આવતા એન્જિનિયરો કે ઈનોવેટરોને પ્રોત્સાહન આપવાના બદલે તેમને સતત હતોત્સાહ કરે છે. યુવાન એન્જિનિયરો રોકાણકારોને ‘ક્વિક મની’નું વચન આપી શકતા નથી અને છેવટે તેમણે ઈન્ફોસીસ જેવી કોઈ કંપનીમાં નોકરી સ્વીકારી લેવી પડે છે.
વૉટ્સએપ ફક્ત પાંચ વર્ષ પહેલાં શરૂ થયેલી કંપની છે અને તે કંઈ તગડો નફો પણ કરતી નથી. આમ છતાં, ફેસબૂકે આ કંપની 19 બિલિયન ડૉલરમાં ખરીદી લીધી છે. ફેસબૂકે આ કંપનીનું મૂલ્ય એકસો વર્ષ જૂની કંપનીઓથી પણ વધારે કર્યું છે. ભારતીય કંપનીઓએ, શિક્ષકોએ, સંશોધકોએ, એન્જિનિયરોએ કે ઈનોવેટરે વિદેશી કંપનીઓમાંથી અને ફેસબૂક કે વૉટ્સએપના જોડાણમાંથી આવી ઘણી વાતો શીખવાની છે, સમજવાની છે. હવે ભારતીય કંપનીઓએ ઝડપથી નફો કરી આપીને અદૃશ્ય થઈ જતી ‘કોપી કેટ’ કંપનીઓ કરતા ઈનોવેટિવ અને વિઝનરી મોડેલને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વર્ષ 2009માં જેન કુમ અને બ્રાયન એક્ટને વૉટ્સએપ શરૂ કરી અને પોતાની કોઈ નકલ કરી લેશે એવો ડર રાખ્ય વિના એક વર્ષ માટે યુઝર્સને ફ્રી સર્વિસ આપવાનું જોખમ પણ ઉઠાવ્યું હતું. આ દરમિયાન ચીનની એક કંપનીએ ભારતમાં વિચેટ લૉન્ચ કર્યું અને ટેલિવિઝન પર આક્રમક એડવર્ટાઈઝિંગ પણ શરૂ કર્યું. જોકે, આક્રમક માર્કેટિંગથી દરેક વસ્તુ વેચી નથી શકાતી. વિચેટ યુઝર્સનું દિલ જીતી ના શક્યું અને વૉટ્સએપની સફળતાના આપણે સૌ સાક્ષી છીએ.
અને છેલ્લે ઓર એક વાત. કંઈક નવું કે અલગ કરવાની વાતો કરતા યુવાનોએ એ યાદ રાખવાનું છે કે, જેન કુમ અને બ્રાયન એક્ટને વૉટ્સએપ ડિઝાઈન કરવાનો વિચાર કર્યો ત્યારે તેમણે ફક્ત કંઈક નવું કરવું હતું. હા, તેમને થોડી ઘણી કમાણીની આશા જરૂર હતી પણ આ એપ વિકસાવતી વખતે તેમણે બિલિયોનેર થવાના સપનાં જોયા ન હતા.
spark :)
ReplyDeletefull agree!
Thx mam :)
Deleteamazing...
ReplyDeleteThx Jaina :))
Delete