06 February, 2014

તાનિયામ હત્યાકેસઃ ભારત માટે ‘વેક અપ’ કૉલ


અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નીડો પવિત્રાના પુત્ર તાનિયામની નવી દિલ્હીમાં હત્યા થઇ ગઇ. આ ઘટના પછી એક સવાલ થઈ રહ્યો છે કે, ભારતનું વૈવિધ્ય તેની શક્તિ છે કે નબળાઈ? બાળકોને નાનપણથી ‘વિવિધતામાં એકતા’ના પાઠ ભણાવાતા હોવા છતાં તે ખુલ્લા મગજથી બીજાનો સ્વીકાર કેમ નથી કરી શકતા? આજે પણ ભારતમાં જાતિવાદના જોરે ચાલતા સ્થાનિક પક્ષોની બોલબાલા છે. શિક્ષણનો ફેલાવો થવો અને ‘સાક્ષરતા’માં વધારો થવો એ બે વાતમાં આસમાન-જમીનનો ફરક છે. ભારતીય સંસ્કૃતિ તેના વિવિધ ધર્મો, સંપ્રદાયો, જાતિઓ, પેટા જાતિઓ, ભાષાઓ અને બોલીઓના કારણે વિશ્વની બીજી બધી સંસ્કૃતિઓમાં અલગ તરી આવે છે, પરંતુ ભારતીય સમાજનો બહુ મોટો વર્ગ આ વૈવિધ્યતાનું સાચા દિલથી ગૌરવ લેતો હોય તો જ તે આપણી શક્તિ બને. નહીં તો અત્યારે વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાયો અને તેનાય પેટા ફિરકાના કારણે સમાજ કેટલો વિભાજિત છે એ આપણે જાણીએ છીએ. 

નીડો તાનિયામની હત્યાથી સમાજના અમુક હિસ્સાને સરકારી લાભોથી વંચિતતા, ઈશાન એટલે કે ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોને રાજકીય-આર્થિક નીતિઓમાં અન્યાય તેમજ આ રાજ્યોના લોકોને શંકાના નજરે જોવા જેવા વિવિધ મુદ્દાની ચર્ચા થઈ રહી છે. જોકે, કેટલાક લોકોને તાનિયામની હત્યામાં પ્રદેશવાદ, જાતિવાદ કે સાંસ્કૃતિક ઘર્ષણનું તત્ત્વ નથી દેખાઈ રહ્યું. તેમની દલીલ છે કે, આ ઘટના બીજી કોઈ વ્યક્તિ સાથે પણ ઘટી શકી હોત. ગુજરાતીઓને દાળભાતિયા કહીને મજાક કરાય છે, સરદારના જોક તો આપણા રોજિંદા જીવનનો હિસ્સો છે અને તમામ દક્ષિણ ભારતીયોને પણ ભારતના લગભગ બધા રાજ્યોમાં ‘મદ્રાસી’ કહીને સામાજિક અલગાવ સર્જવામાં આવે છે, પરંતુ આ દલીલ કરનારા ભૂલી જાય છે કે, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યોના લોકો તેમના દેખાવ, પહેરવેશ, રહેણીકરણી, સાંસ્કૃતિક રીતરિવાજોના કારણે ભારતના મુખ્ય પ્રવાહમાં હજુ ભળી શક્યા નથી. 

વળી, સરકાર અને બીજા રાજ્યોના લોકો સતત તેમને અન્યાય કરીને બળતામાં ઘી હોમી રહ્યા છે. દાખલા તરીકે, નવી દિલ્હી આવતા ઉત્તર પૂર્વીય રાજ્યોના વિદ્યાર્થીઓ પાસેથી વધુ ભાડું વસૂલાય છે. તેમને ‘ચિંકી’ કહીને બોલાવાય છે. આ વાતની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી સર્વોચ્ચ અદાલતે તેમને ‘ચિંકી’ કહેવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ગુના બદલ પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે છે.  ગુજરાતીઓ, પંજાબીઓ કે મદ્રાસીઓ ભારતના મુખ્ય પ્રવાહમાં સામેલ છે. તેમની સાથે થતા નાના-મોટા અન્યાયને ઉત્તરપૂર્વ ભારતના લોકો સાથે સરખામણી ના કરી શકાય. ત્યાંના અનેક રાજ્યોમાં આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર) એક્ટ (આફસ્પા) અમલમાં છે. આ કાયદાના કારણે પણ તેઓ વર્ષોથી પરેશાન છે અને આજેય અનેક તબક્કે અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. 

નીડો તાનિયામની હત્યાનો વિરોધ કરતા ઈશાન ભારતીયો 

તાનિયામ નવી દિલ્હીના લાજપતનગરમાં એક મીઠાઈવાળાની દુકાને સરનામું પૂછવા ગયો હતો અને ત્યાં બેઠેલા લોકોએ તેની હેર સ્ટાઈલને લઈને તેની મજાક કરી. યાદ રાખો કે, આવી જ હેરસ્ટાઈલ ધરાવતા ગુજરાતી, બંગાળી કે દક્ષિણ ભારતીય યુવક કરતા તાનિયામ વધુ ‘ઈઝી ટાર્ગેટ’ હતો. આ દરમિયાન કોઇ કોમેન્ટથી ઉશ્કેરાયેલા તાનિયામ અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ, પછી ઝપાઝપી થઈ અને મીઠાઈની દુકાનનો એક કાચ ફૂટી ગયો. આ ઘટનાથી ઉશ્કેરાયેલા કેટલાક દુકાનદારોએ તાનિયામને લાકડીઓ અને લોખંડના પાઈપથી ક્રૂર રીતે માર્યો. દિલ્હી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને બંને પક્ષોને સમાધાન કરી લેવાની સલાહ આપી. તાનિયામ અને તેના મિત્રોએ પોલીસના કહેવાથી દુકાનદારને કાચ ફૂટવાથી થયેલા નુકસાનના રૂ. દસ હજાર પણ ચૂકવી દીધા. પોલીસે બંને જૂથો વચ્ચે સમાધાન કરાવીને જતી રહી, પરંતુ લાજપતનગરના કેટલાક દુકાનદારોનો એક ‘ચિંકી’ પરનો ગુસ્સો ઓછો નહોતો થયો. એ દુકાનદારોએ તાનિયામનો પીછો કરી ફરી એકવાર મૂઢ માર માર્યો.

છેવટે તાનિયામ અને તેના મિત્રો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયા પણ પોલીસ હજુ તેમને સમાધાન કરવા સમજાવતી હતી. અહીં એ પણ નોંધવું જોઈએ કે, દિલ્હી પોલીસ કોંગ્રેસના ધારાસભ્ય અને સંસદીય સચિવ નીડો પવિત્રાના પુત્રની ફરિયાદ નોંધવામાં ગલ્લાં-તલ્લાં કરતી હોય તો સામાન્ય માણસની શું વિસાત? તાનિયામના એક મિત્રના કહેવા પ્રમાણે, તાનિયામ 30મી ફેબ્રુઆરીની રાતે અપમાનની ભાવના અને મૂઢ મારના કારણે વ્યથિત હતો અને આખી રાત સૂઈ નહોતો શક્યો. દુકાનદારોએ તેને અસંખ્ય લાફા માર્યા હતા અને તેની આંખમાં મરચું નાંખ્યું હતું. તે સવારે છ વાગ્યા સુધી જાગતો હતો અને અસ્વસ્થતા અનુભવતો હતો. છેવટે તે બપોર સુધી પથારીમાં ઉઠ્યો ન હતો અને તેથી તેને ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર માટે લઈ જવાયો અને ત્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. લાકડી અને લોખંડના પાઈપથી માર મારવાના કારણે તાનિયામના આંતરિક અવયવોને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું.

તાકમ સંજોય

અરુણાચલ પ્રદેશના સાંસદ તાકમ સંજોય કહે છે કે, “...આ એક સામાન્ય ઝઘડો હતો પણ તરત જ વંશીય ઝઘડામાં પરિવર્તિત થઈ ગયો હતો. તાનિયામ પર થયેલા ક્રૂર હુમલા પાછળ તેના મોંગોલોઈડ ફિચર્સ જવાબદાર હતા. મેઈનસ્ટ્રીમ ઈન્ડિયાની આ ગંભીર મુશ્કેલી છે...” તાકમ સંજોયે ઉઠાવેલો મુદ્દો ઘણો મહત્ત્વનો છે. શું ઉત્તર પૂર્વીય ભારતના લોકો ભારતીય નથી? ઈન્ડિયન ફેસિયલ ફિચર્સ એટલે શું? ઉત્તર-પૂર્વના અનેક રાજ્યોમાં અલગતાવાદી જૂથોનો પ્રભાવ વધી રહ્યો છે. નાગાલેન્ડ જેવા રાજ્યની સત્તાવાર ભાષા તો અંગ્રેજી છે અને આજે પણ ત્યાં જતા પ્રવાસીઓને ક્યારેક એવો પ્રશ્ન પણ સાંભળવા મળે છે કે, “આર યુ કમિંગ ફ્રોમ ઈન્ડિયા?” ચીન જેવા જમીન ભૂખ્યા ખંધા દેશ સામે ટક્કર લેવા નાગાલેન્ડના લોકો પોતાના રાજ્યને ભારતનું જ અવિભાજ્ય અંગ સમજે એ ખૂબ જરૂરી છે. તાકમ સંજોયે એવું કહેવું પડ્યું છે કે, “તાનિયામની હત્યા કરાઈ છે અને બીજા લોકો માટે જે કાયદો છે તે અમારા માટે પણ હોવો જોઈએ. જો સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર એવું માને છે કે, ભારતીય બંધારણ સમાજના ચોક્કસ સમાજ માટે જ છે તો અમે પણ અમારા હકો માટે અરવિંદ કેજરીવાલની જેમ રસ્તા પર ઉતરીશું...”

આઝાદીના સાઠ દાયકા પછી પણ ઉત્તરપૂર્વ ભારત દેશના મુખ્ય પ્રવાહમાં લાવી શકાયું નથી. ત્યાંના લોકો કાયેદસરના ભારતીય નાગરિકો છે, પણ દેશના બીજા નાગરિકો હજુ તેમને સ્વીકારી શક્યા નથી. દેશના કોઈ પણ અભ્યાસક્રમમાં પૂર્વોત્તર ભારતના રાજ્યોનો ઈતિહાસ ભણાવાતો નથી. ફિલ્મ જેવું મજબૂત માધ્યમ આખા દેશને એક તાંતણે જોડી શકવાની તાકાત ધરાવે છે, પરંતુ હિન્દી ફિલ્મોમાં પંજાબી, ગુજરાતી કે દક્ષિણ ભારતીય જેટલું મહત્ત્વ ત્રિપુરા, સિક્કિમ, મણિપુર કે નાગાલેન્ડના લોકોને ક્યારેય નથી મળ્યું. આપણે દક્ષિણ ભારતીય, પંજાબી, મુસ્લિમ કે ગુજરાતી કલાકારોને ચાહીએ છીએ, તેમની ફિલ્મો જોઈએ છીએ. આપણે હોલિવુડની ફિલ્મોના ગોરા કલાકારોને પણ પસંદ કરીએ છીએ પણ પૂર્વોત્તર રાજ્યનો મોંગોલોઇડ ફેસિયલ ફિચર્સ ધરાવતો કોઈ કલાકાર હિન્દી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવે એવો વિચાર સુદ્ધાં નથી કરી શકતા. મીડિયામાં પણ ઉત્તરપૂર્વ ભારતના સમાચારોને ખાસ મહત્ત્વ મળતું નથી. દેશની કેટલી સમાચાર ચેનલોમાં મોંગોલોઈડ દેખાવ ધરાવતા એન્કર છે

ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોને દેશના બીજા રાજ્યો સાથે જોડવા (સેનાની મદદથી ફક્ત બંદૂકના જોરે નહીં) સીબીએસઈ અને એનસીઈઆરટી અભ્યાસક્રમમાં સમગ્ર પૂર્વોત્તર ભારતનો  ઈતિહાસ પણ સામેલ કરવો જોઈએ. દેશના તમામ નાગરિકો લાલ કિલ્લા કે તાજમહેલની જેટલી માહિતી ધરાવે છે એટલી જ માહિતી ઈશાન રાજ્યોની પણ ધરાવતા હોય એ જરૂરી છે. ગુજરાતી, પંજાબી, મરાઠી, બંગાળી, મુસ્લિમ અને દક્ષિણ ભારતીયો એકબીજાની ભાષા નહીં જાણતા હોવા છતાં એકબીજા વિશે ઘણું બધું જાણે છે, પરંતુ પૂર્વોત્તર ભારત વિશે આપણે કેટલું જાણીએ છીએ? આ ઉપરાંત ઉત્તરપૂર્વ ભારતના મોટા ભાગના લોકો હિન્દી પણ સારી રીતે બોલી નહીં શકતા હોવાના કારણે મુશ્કેલીમાં મૂકાય છે. યાદ રાખો, દક્ષિણ ભારતીયો પણ હિન્દી નથી બોલતા પણ તેમને એવી કોઈ મુશ્કેલી નથી પડતી કારણ કે, તેઓ દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ છે. એવી જ રીતે, એક સરેરાશ ભારતીય ઉત્તરપૂર્વના લોકોને ‘વિદેશી’ સમજે છે અને તેમની સાથે એવો વ્યવહાર પણ કરે છે. આપણે વિદેશમાં જઈને હકની વાત કરીએ છીએ અને આપણી જ ધરતી પર બીજા લોકો સાથે ઓરમાયું વર્તન કરીએ છીએ, જે આપણા બેવડા ધોરણો, બેશરમી અને દંભની પરાકાષ્ઠા છે. એ વાત અલગ છે કે, ભારતમાં વિદેશીઓ સાથે પણ ખૂબ ખરાબ વર્તન થાય છે. 

તાનિયામના મૃત્યુને સમજાવવું સહેલું નથી. તાનિયામ તો એક ઉદાહરણ માત્ર છે, પરંતુ આજે પણ દેશના તમામ રાજ્યોમાં પૂર્વોત્તર ભારતના નાગરિકોને સતત અપમાનિત કરાઈ રહ્યા છે. આ પ્રકારની ગુનાખોરીની એક ચોક્કસ પેટર્ન છે. તાનિયામના મૃત્યુ જેવી ઘટનાઓ બને ત્યારે તેઓ સતત ડર અનુભવે છે. પૂર્વોત્તર ભારતમાં પહેલેથી જ અલગતાવાદી લોકોનું જોર છે અને અત્યારે પણ આ રાજ્યોમાં પચાસથી વધુ સશસ્ત્ર બળવાખોર જૂથો સરકાર વિરુદ્ધ ચળવળ ચલાવી રહ્યા છે. આ મુશ્કેલી ફક્ત કાયદો અને વ્યવસ્થાની નથી અને એટલે જ તેનો અંત લાવવાનો કોઈ ‘શોર્ટ કટ’ નથી. 

તાનિયામના મૃત્યુએ ફરી એકવાર ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોનો અવાજ બુલંદ કર્યો છે. આશા રાખીએ કે, આ નાગરિકોને પણ ભારતના લોકો પોતાના સમજે અને આખા દેશને સામાજિક-સાંસ્કૃતિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે.   

નોંધઃ બંને તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

2 comments:

 1. વિવિધતામાં એકતા ? હા, ઘણા લોકોના મોઢે સાંભળી છે આ ટર્મ... પણ બદનસીબે હજુ ખરેખર ક્યાંય જોઈ નથી.

  નીડો તાનિયામ બસ એક નામ છે. 18 વર્ષનું સંતાન મૃત્યુ પામે પછી પરિવારમાં શું થાય તે વિચાર હજુ પહોંચની બહાર છે.

  સમસ્યા માત્ર ઈશાન ભારતના નાગરિકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો છે ? આ મુદ્દો માનસિકતાનો છે. સમાજનું માનસ બીમાર છે અને વધુ બીમાર બની રહ્યુ છે.

  ચાલો સારું છે કે ક્ષણિક આનંદ અને અનંત આશા સાથે અસંખ્ય લોકો હજુ જીવી રહ્યા છે.

  ReplyDelete
 2. કમેન્ટ કરવા બદલ આભાર...
  અને હા, સમસ્યા માત્ર ઈશાન ભારતના નાગરિકોને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાનો નથી પણ એ મૂળભૂત પ્રશ્ન છે. આ મુદ્દો માનસિકતાનો તો છે જ અને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના પ્રયત્નો કરવામાં આવે તો જ આ પ્રશ્ન ઝડપથી ઉકેલાઈ શકે. ઈવન, સમાજ (ટોળાં)ની માનસિકતા બદલવામાં પણ કદાચ મદદ મળે...

  ReplyDelete