ફ્રાંસના જાણીતા
સમાજશાસ્ત્રી અને તત્ત્વવેતા મોરિસ હૉલ્બવેકે વર્ષ 1950માં ‘ધ કલેક્ટિવ મેમરી’
નામના પુસ્તકમાં ‘મેમરી’ વિશે વિષદ છણાવટ કરી હતી. મોરિસ કહેતા કે, મેમરી એટલે કે
યાદો ફક્ત વ્યક્તિગત નહીં, સામૂહિક પણ હોય છે. દરેક વ્યક્તિની ભૂતકાળની વ્યક્તિગત
સમજની અસર આખા સમાજ પર પડતી હોય છે. આવી અનેક વ્યક્તિઓથી સમાજ બને છે, અને સમાજની
સામૂહિક યાદને મોરિસ ‘કલેક્ટિવ મેમરીઝ’ કહેતા હતા. (જેમ કે, ગુજરાતી સમાજની
સામૂહિક યાદો ગોધરાકાંડ, અનુગોધરાકાંડ, સુરતમાં પ્લેગ-પુર, કચ્છનો ભૂકંપ હોઈ શકે) ફિલ્મમેકર
કમલ સ્વરૂપને ફ્રેંચ સમાજશાસ્ત્રીની આ વાત સ્પર્શી ગઈ હતી. વર્ષ 1982માં રિચર્ડ
એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહેલા કમલ સ્વરૂપને
વિચાર આવતો હતો કે, મોરિસની ફિલોસોફીના આધારે ભારતીયો માટે પણ એક ફિલ્મ બનવી જોઈએ.
‘ગાંધી’ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં જ કમલ સ્વરૂપે એક પટકથા તૈયાર કરી અને ‘ઓમ
દરબદર’ નામની ફિલ્મ બનાવી. આ ફિલ્મ 12મી ફેબ્રુઆરી, 1988ના રોજ બર્લિનમાં
પ્રદર્શિત થઈને રાતોરાત ‘કલ્ટ ક્લાસિક’ કેટેગરીમાં આવી ગઈ હતી.
‘ઓમ દરબદર’ની વાર્તા
રાજસ્થાનના અજમેરમાં રહેતા ઓમ (આદિત્ય લાખિયા) નામના યુવકની આસપાસ ફરે છે. કિશોરવયના
ઓમના પિતાએ (લક્ષ્મીનારાયણ શાસ્ત્રી) સરકારી નોકરી છોડીને ફૂલટાઈમ
જ્યોતિષશાસ્ત્રના વ્યવસાયમાં ઝંપલાવ્યું હોય છે. ઓમની મોટી બહેન (ગોપી દેસાઈ) એક
લોફર જેવા યુવક (લલિત તિવારી) સાથે ડેટિંગ કરતી હોય છે. ઓમને વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર
બંનેમાં રસ હોય છે. ઓમના આ બંને રસના વિષયોની મદદથી ફિલ્મ દર્શકોને પૌરાણિક
માન્યતાઓ, કળા, રાજકારણ અને તત્ત્વજ્ઞાનની અનોખી દુનિયામાં લઈ જાય છે. આ ફિલ્મ
આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં વખણાઈ એ પછી પણ તેની એકમાત્ર વીએચએસ પ્રિન્ટ કમલ
સ્વરૂપ પાસે હતી. ફક્ત આ એક પ્રિન્ટ દેશભરના ફિલ્મ રસિયાઓના જૂથો, ફિલ્મ મેકિંગના
વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક લોકો પાસે સતત 26 વર્ષ સુધી ફરતી રહે છે. ફિલ્મ એન્ડ
ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા, પૂણેના વિદ્યાર્થીઓ આજે પણ આ ફિલ્મના સોગંધ લે
છે. એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓ માટે ‘ઓમ દરબદર’ ઈન્ડિયન સિનેમાની માસ્ટરપીસ છે.
‘ઓમ દરબદર’ ફિલ્મનું પોસ્ટર |
હાલ તો કમલ સ્વરૂપ શોર્ટ
ફિલ્મો અને લેખનમાં વ્યસ્ત રહે છે. આજે પણ તેઓ ‘ઓમ દરબદર’ને યાદ કરીને રોમાંચિત થઈ
જાય છે. કમલ સ્વરૂપ જેવી ફિલ્મો બનાવવા ઈચ્છતા હતા એ જોવા સામાન્ય દર્શકો ક્યારેય
મલ્ટીપ્લેક્સ સુધી ના આવે અને કદાચ એટલે જ તેમણે 26 વર્ષ પહેલાં જ ફૂલલેન્થ ફિલ્મો
બનાવવાનું બંધ કરી દીધું હતું. આ અંગે તેઓ કહે છે કે, “આઝાદી પછી ભારતીય સમાજની સામૂહિક
યાદ (કલેક્ટિવ મેમરી) શું હતી? આઝાદી પછી ભાગલા,
હિન્દી-ચીની ભાઈ-ભાઈ, સાયકલ ચલાવતી ભારતીય નારી સ્વતંત્ર થઈ ગઈ એ મતલબનું નહેરુનું
ભાષણ, જાતિવાદ, પ્રદેશવાદ, ચંદ્ર પર જનારો પહેલો માણસ, ફિલ્મો, નાટકો અને રાજકીય
ગોટાળા અને તેમાંથી નીકળતો બેસૂરો ધ્વનિ. હવે આ બધું જ 70 એમએમની પટ્ટી પર સંવાદો
અને અવાજ સાથે જોઈ શકાય છે.” કદાચ કમલ સ્વરૂપ ‘ઓમ દરબદર’ બનાવીને આઝાદી પછીના ભારતીય
સમાજની સામૂહિક યાદ પર વ્યંગ કરવા માગતા હતા. આ ફિલ્મમાં કમલ સ્વરૂપે ધારદાર વ્યંગ
કર્યા છે. જેમ કે, ફિલ્મના એક દૃશ્યમાં નાયિકા નાયક (લલિત તિવારી)ને પૂછે છે કે,
“શું સ્ત્રી પુરુષની મદદ વિના ખરેખર માઉન્ટ એવરેસ્ટ સર કરી શકે?” ત્યારે લલિત જવાબ
આપે છે કે, “કેમ નહીં, દેવી પાર્વતીએ એ કર્યું જ છે.” જોકે, આ તો એક નાનકડું
ઉદાહરણ છે. ફિલ્મના દરેક દૃશ્યમાં પ્રતીકાત્મક રીતે ધારદાર વ્યંગ કરાયા છે.
ફિલ્મ ખેરખાંઓ ‘ઓમ
દરબદર’ને પોસ્ટમોડર્નિસ્ટ એટલે કે આધુનિક ગણાવે છે અને તેના વખાણ કરતા થાકતા નથી,
પરંતુ સામાન્ય દર્શકોને આ ફિલ્મ પસંદ ના પડે. વળી, આ એક નોન-લિનિયર પદ્ધતિથી બનાવેલી
ફિલ્મ છે. આ પ્રકારની પદ્ધતિથી બનતી ફિલ્મોનું એક પણ દૃશ્ય એકબીજા સાથે તંતુ
ધરાવતું હોય એ જરૂરી નથી. કદાચ એટલે જ 26 વર્ષ પહેલાં બનેલી આવી ‘અઘરી’ ફિલ્મ છેક
17મી જાન્યુઆરી, 2014ના રોજ પીવીઆરની મદદથી દેશના માત્ર પસંદગીના સિનેમાઘરોમાં પ્રદર્શિત
થઈ અને જતી પણ રહી. 26 વર્ષ પહેલાં ‘ઓમ દરબદર’ની ફક્ત વીડિયો રિલીઝ થઈ હતી અને નેશનલ ફિલ્મ
ડેવલપમેન્ટ કોર્પોરેશને આ ફિલ્મ બનાવવા આટલા વર્ષ પહેલાં રૂ. દસ લાખની આર્થિક સહાય
કરી હતી. હવે, એનએફડીસીએ આ ફિલ્મની પ્રિન્ટ ‘રિસ્ટોર’ કરીને તેને સિનેમાઘરો સુધી
પહોંચાડવામાં કમલ સ્વરૂપને મદદ કરી છે.
‘ઓમ દરબદર’ એક કોમર્શિયલ
ફિલ્મ ન હતી અને છતાં તેણે શરૂઆતથી જ સેન્સર સહિતની અનેક મુશ્કેલીઓનો સામનો કરવો
પડ્યો હતો. જેમ કે, આ ફિલ્મના એક દૃશ્યમાં દેડકાના ડિસેક્શનનું પ્રતીકાત્મક દૃશ્ય
છે, જેમાં દેડકો મારવાના કારણે એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધી ગુસ્સે ભરાયા
હતા અને સેન્સર બોર્ડે પણ તેમાં ચાર ‘કટ’નું સૂચન કર્યું હતું. આ અંગે કમલ સ્વરૂપ
કહે છે કે, “આ દૃશ્યમાં ઓમે ગળામાં એક લોકેટ પહેર્યું હોય છે, જેમાં એક નાનકડું
પુસ્તક હોય છે. સેન્સર બોર્ડ માનતું હોય છે કે, તે પુસ્તક કુરાન છે.” સેન્સર
બોર્ડનું માનવું હતું કે, ગળામાં કુરાન પહેરેલો ઓમ દેડકો કાપી રહ્યો છે એવું દૃશ્ય
બતાવીને ફિલ્મમેકર કંઈક એવું કહેવા માગે છે જેનાથી કોઈની લાગણીઓ દુભાઈ શકે છે.
જોકે, આ વાતને પણ કમલ સ્વરૂપ હસી કાઢે છે અને પોતાની જ ફિલ્મ પર વ્યંગ કરતા કહે છે
કે, “આ દૃશ્ય કાઢી નાંખ્યા પછી પણ મારી ફિલ્મને વિતરકો મળ્યા ન હતા. બધા જ લોકો
તેને ‘મેડ’ ફિલ્મ કહેતા હોય છે.”
60 વર્ષીય કમલ સ્વરૂપ યુવાનીમાં
વાસ્તવવાદથી અત્યંત પ્રભાવિત હતા. જે બૌદ્ધિકો યુદ્ધ અને અશાંતિના મૂળમાં
સાંસ્કૃતિક અસંવાદિતાને જવાબદાર ગણે છે તેઓ વાસ્તવવાદી (સરરિયાલિસ્ટિક) તરીકે
ઓળખાતા હોય છે. કમલ સ્વરૂપની વીએચએસ ટેપ હવે સીડી કે ડીવીડીમાં પરિવર્તિત થઈ ગઈ છે
અને અનેક લોકો સુધી પહોંચી રહી છે. નવાઈની વાત એ છે કે, આજનું ભારત 26 વર્ષ
પહેલાંના ભારતથી ઘણું જ બદલાઈ ગયું છે. હટકે ફિલ્મોના શોખીન હજારો યુવાનો ‘ઓમ
દરબદર’ ઓનલાઈન જોઈ રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. કમલ સ્વરૂપ નિખાલસ
કબૂલાત કરે છે કે, “હું ક્યારેય મનમોહન દેસાઈ કે પ્રકાશ મહેરા બનવા નહોતો માગતો.
હું અમિતાભ સ્ટારર ફિલ્મ બનાવવા પણ નહોતા ઈચ્છતો.” જોકે, યુવાન ફિલ્મ દિગ્દર્શક
ઈમ્તિયાઝ અલી આ ફિલ્મને ‘જૂનો દારૂ’ કહે છે. કારણ કે, જૂનો દારૂ ઉચ્ચ કક્ષાનો હોય
એવી માન્યતા છે. તો અનુરાગ કશ્યપે જાહેરમાં કબૂલ્યું છે કે, મારી ફિલ્મ ‘દેવ
ડી’નું ‘ઈમોશનલ અત્યાચાર’ ગીત ‘ઓમ દરબદર’ના ‘મેરી જાન’ ગીતથી પ્રભાવિત છે. આજના
ભારતની પેઢી પણ કમલ સ્વરૂપ જેવા ફિલ્મ જિનિયસને ધીમે ધીમે ઓળખવા માંડી છે.
ખેર, ફિલ્મના ખેરખાંઓ ‘ઓમ
દરબદર’ ફિલ્મને કેમ કલ્ટ ક્લાસિક કહીને નવાજી રહ્યા છે એ સમજવા આ ફિલ્મને ઘૂંટડે
ઘૂંટડે પીવી જરૂરી છે.
ફક્ત બે જ ફિલ્મ
બનાવનાર જિનિયસ ફિલ્મમેકર કમલ સ્વરૂપ
કમલ સ્વરૂપ |
કમલ સ્વરૂપનો જન્મ
કાશ્મીરમાં થયો હતો. તેમના પિતા એક સામાન્ય શિક્ષક અને માતા ગૃહિણી હતા. તેમનો
પરિવાર કાશ્મીરથી અજમેર સ્થાયી થયો હતો, જ્યાં તેમણે બાયોલોજીમાં સ્નાતકની પદવી
લીધી હતી. ત્યારપછી તેઓ પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં
ફિલ્મ દિગ્દર્શન શીખ્યા હતા. વર્ષ 1974માં એફટીઆઈઆઈની પદવી લઈને તેમણે થોડો સમય
ઈસરોમાં કામ કર્યું હતું. ઈસરોમાં તેઓ રશિયન પરીકથાઓની મદદથી બાળકોને વિજ્ઞાનમાં
રસ લેતા કરતા હતા. તેમણે થોડો સમય મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં લોકોને ફિલ્મ
મેકિંગ ભણાવવાનું કામ પણ કર્યું હતું. તેઓ મણિ કૌલ, મીરા નાયર, અપર્ણા સેન, સઈદ
અખ્તર મિર્ઝા, શ્યામ બેનેગલ અને સઈ પરાંજપે જેવા દિગ્ગજો સાથે કામ કરી ચૂક્યા છે.
જોકે, કમલ સ્વરૂપે તેમની
કારકિર્દીમાં કોઈ ખાસ ફિલ્મો બનાવી નથી. તેમના ખાતામાં ફૂલ લેન્થ ફિલ્મોના
દિગ્દર્શક તરીકે બે જ ફિલ્મો બોલે છે, એક ‘ઓમ દરબદર’ અને બીજી ‘ઘાસીરામ કોટવાલ’. આ
અંગે તેમણે એકવાર કહ્યું હતું કે, “તમે ફિલ્મ બનાવો અને પછી કેટલાક લોકોને બતાવો,
પછી બીજી એક સ્ટોરી શોધો. આ બધામાં મને કોઈ રસ નથી અને વર્ષ 1988 પછી મારા બધા
ભ્રમ ભાંગી ગયા. મેં ફિલ્મ દિગ્દર્શન કરવાનું જ બંધ કરી દીધું અને નાની ફિલ્મો પર
ધ્યાન કેન્દ્રિત કર્યું.” બાદમાં કમલ સ્વરૂપે દાદાસાહેબ ફાળકેથી દસ્તાવેજી ફિલ્મ
બનાવવાનું શરૂ કર્યું. આ ફિલ્મમાં તેમણે એ દર્શાવ્યું છે કે, ભારતીય સિનેમાના ભિષ્મ
પિતામહ્ ગણાતા દાદાસાહેબ ફાળકે ફિલ્મોના પ્રેમમાં કેવી રીતે પડ્યા હતા. છેલ્લાં
વીસ વર્ષમાં તેમણે દાદાસાહેબ ફાળકે પર સાત શોર્ટ ફિલ્મો બનાવી છે, જે તાજેતરમાં જ
પસંદગીના સિનેમાઘરોમાં પ્રદર્શિત કરાઈ હતી. આ ઉપરાંત તેમણે એનએફડીસી સાથે મળીને ‘ટ્રેસિંગ
ફાળકે’ નામનું એક કોફી ટેબલ પુસ્તક પણ ફિલ્મ રસિયાઓને આપ્યું છે. વર્ષ 2013માં
તેમણે ‘રંગભૂમિ’ નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
No comments:
Post a Comment