21 February, 2014

અફઘાનિસ્તાનનું ભવિષ્ય દાવ પર લગાવતા કરઝાઈ


અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને નાટોનું લશ્કર સંપૂર્ણપણે પાછું નહીં ખેંચી લેવા મુદ્દે અમેરિકા-અફઘાનિસ્તાનનું કોકડું વધારે ને વધારે ગુંચવાયું છે. અમેરિકાનું માનવું છે કે, અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે અમેરિકા અને નાટો દેશોના સૈનિકોનીમર્યાદિત હાજરી’ (લિમિટેડ પ્રેઝન્સ) જરૂરી છે. કારણોસર અમેરિકા અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈને અમેરિકા-અફઘાનિસ્તાન સુરક્ષા સંધિ પર હસ્તાક્ષર કરવા દબાણ કરી રહ્યું છે. વર્ષ 2012માં અમેરિકામાં યોજાયેલી શિકાગો સમિટમાં નાટો દેશોએ નક્કી કર્યું હતું કે, વર્ષ 2014ના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી નાટો સૈન્ય તબક્કાવાર પાછું ખેંચી લેવામાં આવશે અને ત્યાર પછી દસેક હજાર જેટલા વિદેશી સૈનિકો અફઘાનિસ્તાનના સૈન્યને તાલીમ આપીને આતંકવાદી વિરોધી યુદ્ધ ચાલુ રાખશે. પરંતુ હવે અફઘાનિસ્તાન સરકાર માની રહી છે કે, તેમને અમેરિકા કે નાટોના સૈન્યની તાલીમની પણ જરૂર નથી અને વિદેશી સૈનિકોએ અફઘાનિસ્તાનની ધરતી પરથી પ્રયાણ કરી દેવું જોઈએ. જોકે, અમેરિકાને તમામ સૈનિકો પાછા બોલાવી લેવાનો નિર્ણય અયોગ્ય લાગી રહ્યો છે. અમેરિકન સરકારનું કહેવું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે યુદ્ધ કરી રહેલા અફઘાન સૈન્યને તાલીમ આપવા માટે અમેરિકા અને નાટો સૈન્યની મર્યાદિત હાજરી અત્યંત જરૂરી છે.

જોકે, અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈ પાંચમી એપ્રિલ, 2014ના રોજ અફઘાનિસ્તાનમાં યોજાનારી ચૂંટણી નજીક છે ત્યારે સંધિ પર હસ્તાક્ષર કરવામાં મોડું કરી રહ્યા છે. જ્યારે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતો બરાક ઓબામા સરકારને સંધિ પર ઝડપથી હસ્તાક્ષર કરાવીને આગળ વધવાની સલાહ આપી રહ્યા છે. અમેરિકાના પેન્ટાગોનસ્થિત સુરક્ષા નિષ્ણાતોને ચિંતા છે કે, અફઘાનિસ્તાનમાં હમીદ કરઝાઈ બાદ આવનારા નેતા સાથે કામ પાડવું અઘરું થઈ જાય એવા સંજોગો સર્જાઈ શકે છે. હમીદ કરઝાઈએ સંધિ પર સહી કરવામાં મોડું કરીને સ્વાભાવિક રીતે અમેરિકાની નારાજગી વ્હોરી લીધી છે. નવાઈની વાત તો છે કે, અફઘાનિસ્તાનની ચૂંટણી નજીક છે ત્યારે કરઝાઈ અમેરિકા સામે યુદ્ધે ચડ્યા હોય એવું વલણ દાખવી રહ્યા છે. હમીદ કરઝાઈ સરકારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીકની પરવન જેલમાં બંધ 65 બળવાખોરોને છોડી મૂક્યા છે. અમેરિકન સરકારે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ વિરોધી યુદ્ધ અંતર્ગત પરવન ડિટેન્શન ફેસિલિટી નામે અત્યાધુનિક જેલનું નિર્માણ કરાવ્યું હતું, જે હવે અફઘાનિસ્તાન સરકારના તાબા હેઠળ છે.

હમીદ કરઝાઈ

અફઘાનિસ્તાનની ધરતી પર વિદેશી સૈનિકોની હાજરીથી નારાજ અનેક અફઘાન જૂથો અને અમેરિકા સહિતના વિદેશી સૈનિકો વચ્ચેની સશસ્ત્ર અથડામણો અફઘાનિસ્તાનની રોજિંદી ઘટના છે. કારણોસર અફઘાનિસ્તાન સરકારના 65 બળવાખોરોને મુક્ત કરવાના નિર્ણયનો અમેરિકન સૈન્યે જોરદાર વિરોધ કર્યો છે. અમેરિકન સૈન્યના મતે, 65 બળવાખોરો ખરેખર તાલિબાનો સાથે સંકળાયેલા છે અને તેઓ ફરી એકવાર અફઘાનિસ્તાનના સૈન્ય સામે મેદાને પડશે. અમેરિકા અને નાટોના સૈનિકોએ અફઘાનિસ્તાનને લાંબા ગાળાની સુરક્ષા આપવા માટે આટલા વર્ષોમાં અફઘાનિસ્તાનનું સુવ્યવસ્થિત સૈન્ય ઊભું કર્યું છે. અમેરિકા અને નાટોનું સૈન્ય આતંકવાદી વિરોધી યુદ્ધમાં સીધું સામેલ થવાના બદલે અફઘાનિસ્તાનના સૈન્યને લશ્કરી તાલીમ આપી રહ્યું છે. કારણોસર અમેરિકા ઈચ્છે છે કે, અમેરિકા અને નાટોના સૈન્યની અફઘાનિસ્તાનમાં મર્યાદિત હાજરી જરૂરી છે.

અફઘાનિસ્તાનમાં અમેરિકાના લશ્કરી ઓપરેશનનો 31મી ડિસેમ્બરે અંત આવી ગયો હતો, પરંતુ અમેરિકાને હજુ પણ અફઘાનિસ્તાનની ધરતી પર દસ હજાર સૈનિકો ખડકી રાખવા છે. જો અફઘાનિસ્તાનના પ્રમુખ હમીદ કરઝાઈ સુરક્ષા સંધિ પર સહી નહીં કરે તો વર્ષ 2014ના અંત સુધીમાં અમેરિકા અને નાટો સૈનિકોએ અફઘાનિસ્તાન છોડી દેવું પડશે. બરાક ઓબામા સરકારે તો થોડા ગુસ્સામાં જાહેર પણ કરી દીધું છે કે, “અમે વર્ષના અંત સુધીમાં અમારા તમામ સૈનિકોને પરત બોલાવી લઈશું...” અફઘાનિસ્તાનના અમેરિકા વિરોધી વલણના કારણે અમેરિકન સરકારે આવું નિવેદન આપવાની ફરજ પડી છે. અફઘાનિસ્તાનની જેલોમાં અમેરિકાએ પૂરેલા 65 બળવાખોરોને છોડતી વખતે હમીદ કરઝાઈએ અફઘાનિસ્તાનની ન્યાયિક બાબતોમાં દખલગીરી કરવા બદલ અમેરિકાની ટીકા કરી હતી. કરઝાઈએ કહ્યું હતું કે, “અમેરિકાએ અફઘાનિસ્તાનના સાર્વભૌમત્વને માન આપવું જોઈએ. જો અફઘાનિસ્તાન તેના કેદીઓને છોડવા માગતુ હોય તો અમેરિકાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.”

અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા પછી હમીદ કરઝાઈએ અમેરિકાને પરવન ડિટેન્શન ફેસિલિટીનું સંચાલન અફઘાન સરકારને સોંપી દેવાની વિનંતી કરી હતી. વિનંતીને માન્ય રાખીને અમેરિકાએ માર્ચ, 2013માં પરવન જેલનું સંચાલન કરવાની સત્તા અફઘાનિસ્તાન સરકારને સોંપી દીધી હતી. અમેરિકાના મતે, જેલોમાં અફઘાનિસ્તાનના સૌથી ખતરનાક કેદીઓ બંધ છે, જેને સરકારે મુક્ત કરી દીધા છે. અમેરિકન મિલિટરીએ પગલાંને અત્યંત જોખમી ગણીને પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે, કરઝાઈ સરકારે મુક્ત કરેલા અનેક કેદીઓ આતંકવાદી પ્રવૃત્તિમાં સીધા સંડોવાયેલા હોવાના પુરાવા છે. કેદીઓએ કરેલા હુમલાઓમાં અમેરિકાના 32 તેમજ અફઘાનિસ્તાનના 23 સૈનિકો અને નિર્દોષ નાગરિકો કમોતે માર્યા ગયા હતા. અમેરિકન સરકારે તમામ કેદીઓને અફઘાનિસ્તાનની અદાલતોમાં ઊભા કરીને તેમની સામે કેસ ચલાવવાનું સૂચન કર્યું છે. પરંતુ કરઝાઈ સરકારે એક પણ કેદી સામે પૂરતા પુરાવા નહીં હોવાનું કહીને અમેરિકાનું સૂચન ફગાવી દીધું છે. જોકે, અમેરિકાએ તો આમાંના અનેક કેદીઓને જીવતા જાગતા બોમ્બ ગણાવીને કહ્યું છે કે, બળવાખોરો અફઘાનિસ્તાનના સૈન્ય માટે નહીં પણ નિર્દોષ નાગરિકો માટે પણ મોટો ખતરો છે.

અફઘાનિસ્તાનમાં એપ્રિલ, 2014માં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હમીદ કરઝાઈ અમેરિકાની નારાજગી કેમ વ્હોરી રહ્યા છે વિશે કંઈ કહેવું અત્યારે ઘણું વહેલું છે. અફઘાનિસ્તાનના બંધારણ પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ ફક્ત બે વાર અફઘાનિસ્તાનના સર્વોચ્ચ પદ માટે ચૂંટાઈ શકે અને પ્રમુખપદની એક ટર્મ પાંચ વર્ષની હોય છે. આમ આગામી ચૂંટણીમાં પ્રમુખપદની રેસમાંથી હમીદ કરઝાઈ આપોઆપ બહાર છે. ચૂંટણીમાં અમેરિકા વિરોધ વલણ અખત્યાર કરીને તેમને કોઈ મોટો ફાયદો થવાનો નથી તો પછી તેઓ આવું કેમ કરી રહ્યા છે અમેરિકા માટે પણ એક સવાલ છે. જોકે, પ્રમુખપદની મુદત પૂરી થઈ ગઈ હોવાથી હમીદ કરઝાઈ અફઘાનિસ્તાનના રાજકારણમાં પોતાનું વજન વધારવા કે પોતાના સ્થાપિત હિતોને પોષવા માટે આવું વલણ અખત્યાર કરતા હોઈ શકે છે. હમીદ કરઝાઈની સરકારે નવેમ્બર, 2013માં અફઘાન સૈન્યને તાલીમ આપવા માટે વિદેશી સૈન્યની મદદની મંજૂરી મેળવવાલોયા જિરગાનું પણ આયોજન કર્યું હતું. લોયા જિરગા પશ્તુ ભાષાનો શબ્દ છે અને તેનો અર્થમહા સભાએવો થાય છે.

લોયા જિરગામાં અફઘાનિસ્તાનના ત્રણેક હજાર જેટલા કબીલાઓના વડા સામેલ થતા હોય છે અને અફઘાનિસ્તાનના રાજકારણમાં તેમનું જબરદસ્ત પ્રભુત્વ છે. સામાન્ય રીતે અફઘાનિસ્તાનની કોઈ સરકાર લોયા જિરગાની નારાજગી વ્હોરતી નથી. સભામાં પણ એવો નિર્ણય લેવાયો હતો કે, અફઘાનિસ્તાનના સૈનિકોને મદદ અને તાલીમ માટે વિદેશી સૈનિકોની મર્યાદિત હાજરી હોવી અનિવાર્ય છે. કારણ કે, વિવિધ કબીલાઓના વડાઓએ પણ એવી શંકા વ્યક્ત કરી હતી કે, વિદેશી સૈનિકોની ગેરહાજરીમાં તાલિબાનોનો સામનો કરવા મળતી આર્થિક મદદ પણ બંધ થઈ જઈ શકે છે. જો આર્થિક અને લશ્કરી મદદ મળતી બંધ થઈ જશે તો અફઘાનિસ્તાન એકદેશતરીકે ખતમ થઈ જઈ શકે છે. લોયા જિરગાનું વલણ જાણ્યા પછી પણ હમીદ કરઝાઈ અમેરિકા સામે ખુલ્લેઆમ દુશ્મની વ્હોરી રહ્યા છે. હમીદ કરઝાઈએ તો ત્યાં સુધી કહ્યું છે કે, અમેરિકાએ તાલિબાનો સાથે શાંતિ વાર્તા (પીસ ડાયલોગ) ચાલુ કરવી જોઈએ. તેમણે કહ્યું છે કે, “અમેરિકા આમ કરવા ના ઈચ્છતું હોય તો તેઓ દેશ છોડી શકે છે અને અમને અમારા ભરોસે છોડી દેવા જોઈએ...”

ખેર, હમીદ કરઝાઈના આવા વલણ છતાં બરાક ઓબામા સરકાર ધીરજ રાખીને બેઠી છે. કારણ કે, અફઘાનિસ્તાનના આગામી પ્રમુખ તરીકેના તમામ ઉમેદવારો અમેરિકા-તરફી છે અને અમેરિકાને આશા છે કે, અફઘાનિસ્તાનના આગામી પ્રમુખ સુરક્ષા સંધિને સ્વીકારી લેશે.

No comments:

Post a Comment