નવાઝ શરીફે પાકિસ્તાનનું વડાપ્રધાનપદ સંભાળ્યાના ગણતરીના મહિનાઓમાં જ આતંકવાદી
પ્રવૃત્તિઓને ડામવા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું હતું. તાલિબાનો સાથે સંવાદ સિવાય
બીજો કોઈ ઉપાય નથી એમ માનીને આગળ વધી રહેલા નવાઝ શરીફે સૌથી પહેલાં અમેરિકા સાથે
વાતચીત કરીને તેમને તાલિબાન પ્રભાવિત વિસ્તારોમાં હવાઈ હુમલા બંધ કરવા માટે મનાવી
લીધા છે. સ્વાભાવિક રીતે જ પાકિસ્તાનના વડા તરીકે નવાઝ શરીફની આ બહુ મોટી સિદ્ધિ
છે. ઓસામા બિન લાદેનને પકડવા માટે અમેરિકાએ પાકિસ્તાન સરકારને જાણ કર્યા વિના
એબોટાબાદમાં પોતાના સૈનિકો મોકલ્યા હતા.
પાકિસ્તાનને વિશ્વાસમાં લીધા વિના જ અમેરિકાએ તેમની ધરતી પર આવીને લાદેનનો
ખાત્મો બોલાવી દેતા રૂઢિચુસ્તો જ નહીં પણ બૌદ્ધિક વર્ગ પણ ગુસ્સે ભરાયો હતો. આજે
પણ પાકિસ્તાનનો સરેરાશ નાગરિક માને છે કે, ઓસામા બિન લાદેનને પકડવા માટે અમેરિકાએ પાકિસ્તાનની ધરતી પર
કરેલું એ ઓપરેશન પાકિસ્તાનના સાર્વભૌમત્વ પર કલંક સમાન છે.
આ ઐતિહાસિક ઘટના પછી પણ અમેરિકાએ તાલિબાનોને ખદેડવા માટે પાકિસ્તાન સરકારની ‘મંજૂરી’ લઈને હવાઈ હુમલા ચાલુ રાખ્યા હતા. આ સંવેદનશીલ મુદ્દે પાકિસ્તાનમાં જ બે-મત પ્રવર્તે છે. જોકે, હવે નવાઝ શરીફ અમેરિકાની બરાક ઓબામા સરકારને વિશ્વાસમાં લઈને હાલ પૂરતા હવાઈ હુમલા બંધ કરાવી દીધા છે. પાકિસ્તાને અમેરિકાને તાલિબાનો સાથે શાંતિપ્રક્રિયા સારી રીતે આગળ વધારશે એ મુજબની ખાતરી આપી છે. આ મુદ્દે અમેરિકાએ પણ સત્તાવાર નિવેદન કર્યું છે કે, “અમે શાંતિપ્રક્રિયા આગળ વધતી હોય ત્યારે કોઈ દરખાસ્તનો અસ્વીકાર ના કરી શકીએ.” જોકે, અમેરિકા હવાઈ હુમલા બંધ કરવા પાછળ લાંબા ગાળાના લાભ જોઈ રહ્યું છે. ભારત અને ચીન પર દેખરેખ રાખવા માટે અમેરિકાને પાકિસ્તાનની હંમેશાં જરૂર રહેશે. અમેરિકાને કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનમાંથી પોતાનો લશ્કરી બેઝ ગુમાવવો પોસાય એમ નથી.
નવાઝ શરીફ |
પાકિસ્તાનમાં નવાઝ શરીફે સત્તા સંભાળી ત્યારથી તેઓ તાલિબાનો સાથે વાટાઘાટો કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા હતા. પરંતુ નવેમ્બર, 2013માં અમેરિકાના એક હવાઈ હુમલામાં તાલિબાની નેતા હકીમુલ્લાહ મહેસૂદનું મોત થતાં પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેની વાટાઘાટોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. મહેસૂદના મોત પછી તહેરિક-એ-તાલિબાન (પાકિસ્તાન) નામના જૂથે પાકિસ્તાન સરકાર સાથે તમામ બેઠકો રદ કરી દીધી હતી. ત્યાર પછી શાંતિપ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને પાકિસ્તાન સરકાર તેમજ આંતરરાષ્ટ્રીય શાંતિ જૂથોએ દોષનો ટોપલો અમેરિકા પર ઢોળ્યો હતો. તહેરિક-એ-તાલિબાને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર ખૂબ જ પ્રભાવ ધરાવે છે. તાલિબાની વિચારસરણી ધરાવતા પાકિસ્તાનના તમામ ઉગ્રવાદી જૂથોનું સંચાલન તહેરિક-એ-તાલિબાન અંતર્ગત થાય છે. આ શાંતિપ્રક્રિયામાં પાકિસ્તાન સરકારે અન્ય પક્ષોને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ ઈમરાન ખાન જેવા કેટલાક નેતાઓએ આ આમંત્રણ ફગાવી દીધું હતું. પાકિસ્તાનના ઉદારમતવાદી પક્ષોના અનેક નેતાઓ પોતાને તાલિબાનોથી જુદા પાડવા માટે જાહેરમાં આવા કાવાદાવા કરતા રહે છે. હા, ગમે તે ભોગે ઈસ્લામિક દેશોમાં શરિયત કાનૂન લાગુ કરવા માગતા તાલિબાનો જેવા જૂથો સાથે શાંતિસંવાદ રાખીને આગળ વધવું કેટલું યોગ્ય છે તે પણ એક પ્રશ્ન છે.
આ પહેલાં અમેરિકાએ વર્ષ 2011માં સતત છ અઠવાડિયા સુધી હવાઈ હુમલા બંધ કર્યા હતા, પરંતુ તેનું કારણ જુદું હતું. એ હુમલામાં સરહદ પરની એક પોસ્ટ પર 24 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા હતા. આ ઘટનાથી સ્વાભાવિક રીતે જ પાકિસ્તાનના સાર્વભૌમત્વનો સંવેદનશીલ મુદ્દો સપાટી પર આવી ગયો હતો. ડિસેમ્બર, 2013માં અમેરિકાએ તાલિબાનોના ગઢ ગણાતા પાકિસ્તાનના વજિરિસ્તાન પ્રદેશમાં કુતલ ખેલ નામના ગામ પર બે મિસાઈલની મદદથી હુમલો કર્યો હતો. આ મિસાઈલો તાલિબાનોના અડ્ડા પર પડવાના બદલે કોઈના ઘર પર પડી હતી, જેમાં ત્રણ નિર્દોષ આરબ નાગરિકો કમોતે માર્યા ગયા હતા. અમેરિકાનો દાવો છે કે, તેઓ અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પૂરતી જાણકારી મેળવીને જ હવાઈ હુમલા કરે છે. અમેરિકાના હવાઈ હુમલા તેમની જાસૂસી સંસ્થા સીઆઈએની મદદથી થઈ રહ્યા છે, જેના માટે તેઓ ડ્રોન એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.
જોકે, ખાસ લશ્કર માટે વિકસાવાયેલા આ પાયલોટવિહિન એરક્રાફ્ટને કંઈ મોટું નુકસાન થાય તો અમેરિકાને બહુ બહુ તો આર્થિક નુકસાન જાય છે. જ્યારે પાકિસ્તાનની ધરતી પર થઈ રહેલા હવાઈ હુમલામાં પાકિસ્તાની જવાનો કે નિર્દોષ નાગરિકોના મોત થાય છે ત્યારે પાકિસ્તાની લશ્કર અને પ્રજાનું આત્મસન્માન પણ ઘવાય છે. આ સ્થિતિ સર્જાય ત્યારે પાકિસ્તાની મીડિયા સાર્વભૌમત્વનો મુદ્દો ઉઠાવે છે, જે કોઈ પણ સરકારને પોસાય એમ નથી. બીજી તરફ, નવાઝ શરીફ સરકાર એ પણ જાણે છે કે તાલિબાનો સામેની લડાઈમાં અમેરિકાનો સાથ મળવો ખૂબ જ જરૂરી છે. આ સંજોગોમાં નવાઝ શરીફે અમેરિકાને હવાઈ હુમલા બંધ કરવા રાજીખુશીથી મનાવી લઈને ખરેખર બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
અમેરિકાએ હવાઈ હુમલા બંધ કરવાની જાહેરાત સાથે એવું સત્તાવાર નિવેદન પણ કર્યું છે કે, અમે અફઘાનિસ્તાનના યુદ્ધ સાથે સંકળાયેલા કોઈ પણ આતંકવાદી ભયને ડામી દેતા અચકાઈશું નહીં. ભલે તે વિસ્તાર અફઘાનિસ્તાનની બહાર કેમ ના હોય... આ નિવેદને સાબિત કર્યું છે કે, અમેરિકા પાકિસ્તાનને હવાઈ હુમલા બંધ કરવાનું વચન આપીને મુશ્કેલીમાં પડવા નથી માગતું. પાકિસ્તાનમાં રહેલા અમેરિકન પ્રતિનિધિઓનો પણ એ જ સૂર છે કે, અમેરિકાએ હવાઈ હુમલા બંધ કરવાની ભૂલ ના કરવી જોઈએ. કારણ કે, કાઉન્ટર-ટેરરિઝમના ભાગરૂપે કરાઈ રહેલા હવાઈ હુમલા બંધ કરી દેવામાં આવે તો તાલિબાનોને કોઈ ‘જોખમી આયોજન’ કરવાનો સમય મળી શકે છે. કદાચ એટલે જ પાકિસ્તાનમાં પણ તાલિબાનો સામે અમેરિકાની કામગીરીને યોગ્ય ઠેરવતો એક નાનકડો વર્ગ છે. વળી, છેલ્લાં કેટલાક વર્ષોમાં તાલિબાન સહિતના જૂથોના આતંકવાદી હુમલાઓના કારણે પાકિસ્તાનના જ અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે. આ સ્થિતિમાં પાકિસ્તાની નાગરિકોમાં તાલિબાનો સહિતના જૂથો સામેનો સૂર વધુ મજબૂત બની રહ્યો છે.
અમેરિકાએ જણાવ્યું છે કે, પાકિસ્તાની નાગરિકો તાલિબાનો વિરુદ્ધ શું વિચારે છે એ જાણવા માટે નવાઝ શરીફ ‘લોકમત’ લેવાનું સૂચન કરી રહ્યા છે. તાલિબાનો સાથેની શાંતિપ્રક્રિયા હંમેશા નિષ્ફળ ગઈ છે, પરંતુ નવાઝ શરીફ સરકાર સાચી દિશામાં શાંતિપ્રક્રિયા આગળ વધારી રહી હોવાનો દાવો કરી રહી છે. ખેર, હાલના તબક્કે તો પાકિસ્તાનની ધરતી પર અમેરિકાના હવાઈ હુમલા બંધ કરાવીને નવાઝ શરીફ ‘નેશનલ હીરો’ જેવું સન્માન મેળવીને પોતાનું સ્થાન મજબૂત કરવામાં સફળ થયા છે એ વાતમાં કોઈ શંકા નથી.
No comments:
Post a Comment