21 September, 2013

તણાવને નાથવા તેને સમજવો જરૂરી


ભાગદોડભરી અને વ્યસ્ત જીવનશૈલીના કારણે આજે વધુને વધુ લોકો તણાવ એટલે કે સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે. તણાવ જેવા માનસિક રોગોનું પ્રમાણ વિકસિત દેશોમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એક અંદાજ મુજબ, ભારતમાં પણ તણાવના દર્દીઓનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તણાવ માનસિક રોગ છે અને આ બીમારી ધરાવતા દર્દીઓના આંકડાનો ફક્ત અંદાજ મેળવી શકાય છે, તેના ચોક્કસ આંકડા મળવા મુશ્કેલ છે. ભારત તો ઠીક વિકસિત દેશોમાં પણ તણાવના દર્દીઓના ચોક્કસ આંકડા મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જોકે તણાવના દર્દીઓના વધી રહ્યા છે એવું માનવાના મનોવિજ્ઞાનીઓ પાસે પૂરતા કારણો છે. તણાવથી દૂર રહેવા માટે આપણે આ ગંભીર બીમારી વિશે જાણવું જરૂરી છે.

અમેરિકન સાઈકોલોજિકલ એસોસિયેશનના તાજા આંકડા મુજબ, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, સંબંધો, કુપોષણ, અપૂરતી ઉંઘ અને ટેલિવિઝન, રેડિયો કે સોશિયલ નેટવર્કિંગના વ્યસન જેવા પરિબળો તણાવમાં જોરદાર વધારો કરે છે. તણાવ જેવી બીમારી માટે આમાંથી એક કે એકથી વધુ પરિબળો જવાબદાર હોઈ શકે છે. વિશ્વના સૌથી યુવાન દેશ ભારતમાં પણ તણાવના દર્દીઓમાં સતત વધારો કરવામાં આ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે, છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણા દેશમાં નાઈટ જોબ કરતા યુવાનોની સંખ્યા વધી છે. આ યુવાનો વત્તે-ઓછે અંશે તણાવના દર્દીઓ હોઈ શકે છે. તણાવના કારણે બીજા પણ કેટલાક શારીરિક અને માનસિક રોગો થતા હોવાથી આ બીમારી બીજી બીમારીઓ કરતા વધુ ગંભીર ગણી શકાય.


સામાન્ય રીતે આપણે તણાવને ફક્ત એક માનસિક અને ભાવનાત્મક બીમારી ગણીએ છીએ પણ તણાવ શારીરિક પણ હોઈ શકે છે. શારીરિક તણાવ પણ માનસિક તણાવ જેટલો જ ગંભીર છે. શારીરિક કે માનસિક તણાવ વ્યક્તિની વિચારવાની ક્ષમતા અને વર્તન પર ઊંડી અસર કરે છે. આ બંને પ્રકારનો તણાવ શારીરિક ક્રિયાઓ પર પણ અસર પાડે છે. કારણ કે, આપણું મગજ અને શરીર સતત એકબીજાના સંપર્કમાં જ હોય છે. તણાવના કારણે શરીરમાં અમુક પ્રકારના હોર્મોનમાં અચાનક વધારો થાય છે. જ્યારે તમારું શરીર તણાવ અનુભવે છે ત્યારે હાયપોથેલેમસ નામનો મગજનો એક નાનકડો હિસ્સો એડરનલાઈન અને કોર્ટિસોલ નામના હોર્મોન પેદા કરે છે. તણાવ અને ડિપ્રેશન બિલકુલ અલગ રોગ છે. જોકે ડિપ્રેશન તણાવ કરતા વધુ ગંભીર છે, જેમાં મગજમાં ભારે રાસયણિક અસંતુલન તેમજ જનીનિક કારણોસર થતો રોગ છે. ખૂબ લાંબા ગાળાનો તણાવ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

કુદરતે માનવ શરીરની બાહ્ય અને આંતરિક રચના કંઈ એવી રીતે કરી છે કે જેથી તે કોઈ પણ વિપરિત સંજોગોનો સામનો કરી શકે. હાયપોથેલેમસ નામના મગજના એ નાનકડા હિસ્સાના સંદેશને પગલે શરીરમાં એડરનલાઈન અને કોર્ટિસોલ નામના જે બે હોર્મોન પેદા થાય છે તે વ્યક્તિને શારીરિક-માનસિક દબાણ સામે લડવામાં મદદરૂપ થાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં ‘ફાઈટ-ઓર-ફ્લાઈટ રિસ્પોન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. એડરનલાઈન હોર્મોન શરીરના ધબકારામાં વધારો કરે છે, લોહીનું દબાણ પણ વધારી દે છે અને માનવ શરીરને વધારાની ઊર્જા આપે છે. કોર્ટિસોલ પણ આવું જ ‘સ્ટ્રેસ હોર્મોન’ જ છે, જે લોહીમાં ગ્લુકોઝ છોડીને માનવ શરીરને હંગામી ધોરણે ઊર્જા પ્રદાન કરવાનું કામ કરે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી માનસિક અને શારીરિક દબાણ સહન કરવાની શક્તિ મળે છે. આ દરમિયાન શરીરને જે પ્રક્રિયા તાત્કાલિક કરવાની જરૂર ના હોય તે બંધ થઈ જાય છે. જેમ કે, પાચનક્રિયા. વ્યક્તિ દબાણ હેઠળ હોય ત્યારે તેની પાચનક્રિયા થોડા સમય પૂરતી બંધ થઈ જાય છે.

સામાન્ય સંજોગોમાં તણાવ વખતે શરીર આપોઆપ નિયમન કરી લે છે. જેમ જેમ હોર્મોનનું પ્રમાણ ઘટે છે તેમ તેમ હૃદયની સ્થિતિ અને લોહીનું દબાણ પાછું સામાન્ય થઈ જાય છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે, સારું જીવન જીવવા માટે થોડો ઘણો તણાવ જરૂરી છે. એક સાદું ઉદાહરણ જોઈએ તો મોટા ભાગના લોકો સવારે વહેલા ઉઠે છે કે આખો દિવસ સ્ફૂર્તિથી કામ કરે છે એ પાછળ થોડું દબાણ જવાબદાર હોય છે. એટલે કે, તણાવ પણ ચરબીની જેમ બે પ્રકારનો હોય છે, સારો અને ખરાબ. શરીરને નુકસાન કરતી ચરબી ટ્રાન્સફેટ તરીકે ઓળખાય છે. આ ચરબી જ શરીરમાં વિવિધ રોગોનું જોખમ વધારે છે. વધુ પડતો તણાવ વૈજ્ઞાનિક ભાષામાં ‘ક્રોનિક સ્ટ્રેસ’ તરીકે ઓળખાય છે. એવી જ રીતે, કોઈ વ્યક્તિ બહુ ઓછા પ્રમાણમાં તણાવ અનુભવતી હોય તો તેનાથી પણ માનસિક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તણાવનો બિલકુલ અનુભવ ના થતો હોય તે સ્થિતિ વૈજ્ઞાનિક ભાષામાં ‘અન્ડર-સ્ટિમ્યુલેટેડ’ તરીકે ઓળખાય છે.

જે લોકો બહુ લાંબો સમય તણાવ સહન કરતા હોય એનો અર્થ એ છે કે, તેમના શરીરમાં સતત સ્ટ્રેસ હોર્મોન કાર્યરત છે. આ હોર્મોનનું પ્રમાણ વધવાના કારણે જ વારંવાર માથું દુખવું, પાચનક્રિયા ખોરવાઈ જવી અને લોહીનું દબાણ જેવા રોગો થાય છે. સ્ટ્રેસ હોર્મોનના કારણે જ હૃદયરોગનો હુમલો આવે છે. તણાવના કારણે આ પ્રકારની શારીરિક બીમારીઓ થાય છે, પરંતુ તણાવના કારણે વ્યક્તિ અવિશ્વાસની લાગણી, ગુસ્સો, ચિંતા અને ડરની લાગણીથી પણ પીડાવા લાગે છે. આ પ્રકારની લાગણીઓના કારણે વ્યક્તિ લાંબા ગાળા સુધી ગૂમસૂમ અને એકલવાયી થઈ જાય છે. આ સ્થિતિમાંથી તેઓ વધુ ઝડપથી બહાર ના આવે તો તણાવના કારણે થતી શારીરિક અને માનસિક બીમારીઓનો ભોગ બની શકે છે. તણાવના કારણે જ વ્યક્તિ એન્ક્સિયટી ડિસઓર્ડર અને ડિપ્રેશનનો ભોગ બને છે.

જે વ્યક્તિ વારંવાર તણાવગ્રસ્ત થાય છે કે જે લોકો લાંબા ગાળા માટે તણાવ અનુભવે છે તેમની રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ નકારાત્મક અસર પડે છે. તાજેતરમાં થયેલા કેટલાક સંશોધનોએ પુરવાર કર્યું છે કે, તણાવના કારણે વાયરસને લગતા ચેપી રોગો થવાનું પ્રમાણ પણ વધી જાય છે. આ ઉપરાંત બીજા એક સંશોધન પ્રમાણે, નોકરીના ભારે તણાવથી પીડાતા લોકો ‘મેટાબોલિક સિન્ડ્રોમ’ એટલે કે ડાયાબિટિસ, હાઈ બ્લ્ડ પ્રેશર અને ઓબેસિટી (સ્થૂળતાપણું) જેવા ત્રણેય રોગોનો બહુ ઝડપથી ભોગ બને છે. તણાવગ્રસ્ત વ્યક્તિ આવા અનેક રોગોના ભોગ બનતા હોવાથી તેને ગંભીરતાથી લેવો જોઈએ.

જોકે, તણાવથી બહુ ગભરાવવાની પણ જરૂર નથી. કારણ કે, આ રોગમાંથી વ્યક્તિ આપોઆપ ખૂબ જ સહેલાઈથી બહાર આવી શકે છે. ઘણાં બધા રોગની જેમ આ રોગ પણ નિયમિત કસરત અને મનગમતા કામ કરવાથી કાબૂમાં રાખી શકાય છે. તણાવનો સંબંધ મગજ સાથે વધુ હોવાથી દરેક વ્યક્તિએ પોતે જ પોતાના તણાવનું કારણ શોધીને જીવનમાં હકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. તણાવને લગતા અનેક સંશોધનો પરથી સાબિત થયું છે કે, વ્યક્તિને ખુશ રાખવા પાછળ મગજના એન્ડોર્ફિન નામનો હિસ્સો મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કસરત કરવાથી તે સક્રિય થાય છે. આ ઉપરાંત નિયમિત કસરત આત્મવિશ્વાસ અને મૂડમાં પણ સુધારો કરે છે, ઉંઘ વધુ ગુણવત્તાયુક્ત બનાવે છે અને તણાવના કારણે થતા હૃદયરોગ, ડાયાબિટિસ જેવા રોગોનું જોખમ ઘટાડે છે.

તણાવગ્રસ્ત વ્યક્તિ તણાવ દૂર કરવા બિનઆરોગ્યપ્રદ આદતો અપનાવતા જોવા છે. જેમાં વધુ પડતી ચ્હા-કોફી, દારૂ, સિગારેટ કે તમાકુના વ્યસનનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત ખૂબ ઓછું ભોજન લેવું કે અકરાંતિયાની જેમ ખાધા કરવું એ પણ તણાવનું જ લક્ષણ છે. આજે ઘણાં યુવાનો ગૂમસૂમ રહે છે, મિત્રો-પરિવાર સાથે ભાગ્યે જ વાત કરે છે અને કલાકો સુધી ઈન્ટરનેટ સર્ફિંગ અને સોશિયલ મીડિયામાં રચ્યાપચ્યાં રહે છે. આ પ્રકારના લોકો મોટેભાગે તણાવ અનુભવતા હોય છે. જોકે કોઈ પણ વ્યક્તિ પોતાને કયા કારણોસર તણાવ થાય છે એ જાતે જ સમજીને તેને ભગાડી શકે છે. નિયમિત કસરત, મનગમતી પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું તેમજ હકારાત્મક અને રમૂજી વ્યક્તિઓ સાથે હળવા-મળવાની આદત તણાવની ઉત્તમ દવા સાબિત થઈ શકે છે.

તણાવની સારી-નરસી અસરો

કોઈ પણ વ્યક્તિ જીવનમાં આવતી હંગામી કે કાયમી મુશ્કેલીઓથી તણાવ અનુભવે છે. આ મુશ્કેલીઓ માનસિકથી લઈને શારીરિક અને નોકરીથી લઈને મોંઘવારી સુધીની હોઈ શકે છે. તણાવના કારણે જ દરેક વ્યક્તિને જીવનમાં ‘કંઈક’ કરવાનું બળ મળે છે. મનોવિજ્ઞાન પણ સ્વીકારે છે કે, કેટલીકવાર તો વધુ પડતો તણાવ પણ હકારાત્મક અસર કરે છે. જો કોઈ દિશાહીન યુવકના માતા કે પિતાનું અવસાન થાય અને તે લાંબો સમય તણાવ રહે તો એ યુવકને જીવનમાં દિશા મળી શકે છે. આવી વ્યક્તિને જીવનમાં કંઈક કરી બતાવવાનું બળ મળી શકે છે. એવી જ રીતે, મનોવિજ્ઞાનીઓ છૂટાછેડા લીધેલી વ્યક્તિનું પણ ઉદાહરણ આપે છે. કારણકે, સંબંધોને લઈને એકવાર તણાવ ભોગવી ચૂકેલી (ઠોકર ખાઈ ચૂકેલી) વ્યક્તિ બીજા સંબંધોમાં વધુ સમજદારીથી વર્તે છે. એવી જ રીતે, નોકરીમાં ભૂલોના કારણે અનુભવેલો તણાવ પણ બીજીવારની નોકરી વખતે વ્યક્તિના વ્યક્તિત્વ પર હકારાત્મક અસર કરી શકે છે. તણાવનો અનુભવ થોડો કે લાંબા ગાળાનો હોઈ શકે છે. લાંબા સમય સુધી અનુભવાતા તણાવને વૈજ્ઞાનિક ભાષામાં ‘ક્રોનિક સ્ટ્રેસ’ કહેવાય છે. દા. ત. ઘણાં લાંબા સમય સુધી બેકાર બેસી રહેલા યુવાનની થોડી ઘણી ચિંતા લાંબા ગાળે ક્રોનિક સ્ટ્રેસનું રૂપ લઈ શકે છે. સતત તણાવમાં રહેતા લોકો સંબંધોમાં પણ નિષ્ફળ જાય છે અને છેવટે તેઓ વધુ તણાવ અનુભવે છે. જોકે, દરેક વ્યક્તિ જુદા જુદા લોકો વચ્ચે રહેતી હોય છે, જુદી જુદી રીતે શિક્ષણ પામેલી હોય છે અને જુદી જુદી આદતો ધરાવતી હોય છે. તેથી વિવિધ સંજોગો પણ તેમની પર જુદી જુદી રીતે અસર કરે છે.

No comments:

Post a Comment