12 September, 2013

જો દેશ કે કામ ના આયે, વો બેકાર જવાની હૈ


વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ચાર કરોડ, ત્રીસ લાખ યુવાનો પહેલીવાર મત આપવાના હતા. આ યુવા મતદારોએ 15મી લોકસભામાં 79 સાંસદો એવા ચૂંટ્યા હતા, જેમની ઉંમર 40 વર્ષ કરતા ઓછી હતી. આ યુવા સાંસદોને લઈને લોકોમાં તો ઠીક મીડિયામાં પણ ખાસ્સોઉત્સાહદેખાતો હતો. દેશના યુવા મતદારોને આ યુવા નેતાઓની આંખમાં કદાચ આશાનું કિરણ દેખાયું હશે. આ ઉપરાંત વર્ષ 2009ની ચૂંટણી વખતે સરેરાશ યુવા મતદારોમાં ખડ્ડુસ રાજકારણીઓ, ભ્રષ્ટાચાર અને વાહિયાત સિસ્ટમ પ્રત્યેની નફરતનો પણ યુવા નેતાઓને લાભ મળ્યો હોઈ શકે છે. હવે વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીની આવી રહી છે ત્યારે આશરે 11 કરોડ યુવાનો પહેલીવાર મત આપવાના છે, પણ વર્ષ 2009માં જીતેલા તમામ યુવા નેતાઓ હવે કદાચ અઠંગરાજકારણીબની ગયા છે અને એટલે જ આ યુવા સાંસદોએ ચાર વર્ષમાં શું કર્યું છે તેનોહિસાબકરવાનો સમય થઈ ગયો છે.

એક આંકડા મુજબ હાલ ભારતની 65 ટકા વસતીની ઉંમર 35 વર્ષથી ઓછી છે. આ યુવાનો યુવા સાંસદો પાસેથી શું અપેક્ષા રાખે છે એ સવાલનો જવાબ સમજવા માટેરોકેટ સાયન્સભણવાની જરૂર નથી. વર્ષ 2009થી યુવા સાંસદો સંસદમાં હાજરી આપવાથી લઈને જરૂરી સવાલો પૂછવામાં કે ગંભીર ચર્ચામાં ભાગ લેવામાં ઊણા ઉતર્યા છે. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીની જ સંસદમાં 50 ટકાથી પણ ઓછી હાજરી છે. આ ઉપરાંત ચાર વર્ષમાં તેમણે સંસદમાં એક સવાલ સુદ્ધાં નથી કર્યો અને ફક્ત એક જ વાર ચર્ચામાં ભાગ લીધો છે. 15મી લોકસભામાં 36 સાંસદો એવા છે જેમણે અત્યાર સુધી એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. જોકે રાહુલ ગાંધી તો સત્તાધારી પક્ષના ઉપપ્રમુખ છે અને એટલે તેમનું માઈક્રો સ્કેનિંગ થઈ રહ્યું છે, પણ લગભગ તમામ પક્ષના અનેક યુવા સાંસદો 15મી લોકસભામાં પ્રશ્નો પૂછવામાં અને ગંભીર ચર્ચામાં ભાગ લેવામાં ઉણાં ઉતર્યા છે.


લોકસભામાં યુવા સાંસદોના મૌન માટે શું તેમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી શકાય? કેટલાક ઉદાર રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, સંસદના દરેક સત્રમાં ખૂબ ઓછા સમયમાં અનેક ખરડા પસાર કરવાના હોય છે અને એટલે ચર્ચાનો અવકાશ જ નથી હોતો. આ ઉપરાંત દરેક પક્ષ લોકસભામાં તેના સભ્યોના પ્રમાણમાં ચોક્કસ સમય ફાળવે છે. એવી જ રીતે, કોઈ સાંસદ કોઈ મુદ્દે જરૂરી વાત કરવા માગતા હોય ત્યારે તેમને સમય ઓછો ફાળવવામાં આવે એવું પણ બને છે. આ પ્રકારના મુદ્દે મીડિયાનું ધ્યાન પણ નહિવત હોય છે. જોકે, આ વાત સાચી હોય તો પણ આવા ઉદાહરણો ખૂબ ઓછા છે. વર્ષ 2009થી અત્યાર સુધીનું યુવા સાંસદોનું સરવૈયું જોતા કહી શકાય કે, દેશના સળગતા પ્રશ્નો ઉકેલવામાં, તેની ચર્ચા કરવામાં કે નીતિવિષયક નિર્ણયોમાં આગવા વિચારો રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

લોકસભામાં થતી ચર્ચા અલગ વાત છે, પરંતુ અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કે નવી દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનામાં આખા દેશના યુવાનોમાં રોષ હતો ત્યારેય યુવા સાંસદોએ યુવાનોની લાગણીમાં સામેલ થવાનુંજોખમલીધું ન હતું. ઊલટાનું રાજકારણીઓએ તો મીણબત્તી લઈને શાંતિથી પોતાની લાગણી વ્યક્ત કરતા યુવાનોને ઉતારી પાડતાટ્વિટકર્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તરપ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ અને કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવ્યો ત્યારે પણ યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ તેનો વિરોધ કર્યો હતો. ઓનર કિલિંગની સરેઆમ સરાહના કરતી ખાપ પંચાયતો મુદ્દે હરિયાણાના બે યુવા સાંસદો નવીન જિંદાલ અને દિપેન્દરસિંગ હુડા ચૂપ છે. સામાન્ય માણસને રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો હક મળે એ માટે જિંદાલે સતત નવ વર્ષ સુધી કાયદાકીય લડત કરી હતી. આ લડતના કારણે તેઓ હરિયાણામાં જ નહીં, સમગ્ર દેશમાં લોકપ્રિય થયા હતા. જોકે જિંદાલ ખાપ પંચાયતોની વિરુદ્ધ એક શબ્દ ઉચ્ચારતા નથી. જિંદાલનું મૌન તો સમજી શકાય એમ છે, પણ નવાઈ તો એ વાતની છે કે તેઓ ખાપ પંચાયતોને ટેકો આપે છે. એવી જ રીતે, જાટ મત બેંકને ધ્યાનમાં રાખીને હુડા પણ ખાપ પંચાયતો મુદ્દે મૌન ધારણ કરી લે છે અને મગનું નામ મરી નથી પાડતા.

સુપરપાવર દેશ બનવાની વાતો કરવાના બદલે તકવાદી રાજકારણના ભૂતકાળમાંથી બોધપાઠ લેવો સમાજના હિતમાં છે. રાજકારણીઓ વચનો આપે છે પરંતુ તે પૂરા કરતા નથી એ નવી વાત નથી. સામે પક્ષે યુવા મતદારોએ પણ એ વિચાર કરવો જોઈએ કે, આખરે રાજકારણીને મત બેંકની આટલી ચિંતા કેમ થાય છે? ઝીણું કાંતતા રાજકીય વિશ્લેષકો કહે છે કે, ‘સમાજના હિતમાં લેવાયેલું અપ્રિય પગલુંતેમને રાજકીય નુકસાન પહોંચાડી શકે છે. હાલ પૂરતું આ દલીલ માન્ય રાખીએ તો પણ યુવા સાંસદોની રાજકીય કારકિર્દીના બીજા એવા ઘણાં પાસાં છે જેમના પર તેમનો સંપૂર્ણ કાબૂ છે. જેમ કે, કુશળ વહીવટ, ભ્રષ્ટાચારમુક્ત શાસન અને લોકોના નેતા તરીકેનું ઉદાહરણ પૂરું પાડવા જેવા મુદ્દે પણ યુવા સાંસદો સરેઆમ નિષ્ફળ ગયા છે. વર્ષ 2009થી અત્યાર સુધી અનેક યુવા સાંસદો પર પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ આરોપો લાગી ચૂક્યા છે.

દ્રવિડ મુનેત્ર કઝગમના 49 વર્ષીય સાંસદ એ. રાજા અને કરુણાનિધિની 45 વર્ષીય પુત્રી કનિમોઝીનું નામ આ યાદીમાં ટોચ પર મૂકી શકાય. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં આ બંને સાંસદો જેલની હવા ખાઈ આવ્યા છે. આ બંને સાંસદો પર આમ તો ઘણાં આરોપો છે, જેમાંનો એક આરોપ રૂ. 214 કરોડની લાંચ લેવાનો પણ છે. કોંગ્રેસના 43 વર્ષીય સાંસદ નવીન જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્ર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. કોલસા કૌભાંડમાં જિંદાલ પર પણ સીબીઆઈના આરોપ લાગી ચૂક્યા છે. ખાણ ઉદ્યોગમાં લાભ મેળવવા માટે ખોટી માહિતી આપવાના કેસમાં પણ જિંદાલ આરોપી છે. એનસીપીના વડા શરદ પવારના 44 વર્ષીય પુત્રી સુપ્રિયા સુળે પર કોઈ આરોપો નથી, પરંતુ આઈપીએલથી લઈને લવાસા પ્રોજેક્ટમાં તેમની ભૂમિકા શંકાસ્પદ છે. કેશ-ફોર-વૉટ કૌભાંડમાં ભાજપના 44 વર્ષીય સાંસદ અશોક અરગલે વરવી ભૂમિકા ભજવી હતી. ઝારખંડના 42 વર્ષીય સ્વતંત્ર સાંસદ મધુ કોડા તો રૂ. ચાર હજાર કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઝડપાયા હતા.

સંસદના સત્તાવાર ડેટાની મદદથી આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ કે, જે તે સાંસદે સંસદમાં હાજરી આપી કે નહીં? આ આંકડા મુજબ, અનેક સાંસદો સંસદમાં હાજરી આપે છે, પરંતુ સંસદના રજિસ્ટરમાં તેમની સહી ફક્ત તેમનીહાજરીદર્શાવે છે, આ સાંસદોએ સંસદમાં કેટલો સમય વીતાવ્યો તેની કોઈ માહિતી નથી મેળવી શકાતી. હા, સાંસદોએ કેટલા પ્રશ્નો પૂછ્યા અને કેટલી ચર્ચામાં ભાગ લીધો તે જાણીને આપણે સાંસદોની વ્યક્તિગત હાજરીની ગુણવત્તાનું અંશતઃ માપ કાઢી શકીએ છીએ. સંસદની નીતિરીતિથી સારી રીતે વાકેફ કેટલાક પત્રકારોનું અવલોકન છે કે, અનેક યુવા સાંસદો સંસદમાં માંડ વીસેક મિનિટ હાજરી આપે છે, અને પછી તેઓ કેન્ટિનમાં ચ્હા કે કોફી પીતા પીતા ગપાટા મારતા જોવા મળે છે. બપોર સુધીમાં તો કેન્ટિન પણ સૂમસામ થઈ જાય છે.

યુવા સાંસદોને લઈને બીજો એક મહત્ત્વનો પ્રશ્ન સંપત્તિનો છે. આજે સંસદમાં એવા પણ અનેક સાંસદો છે જેમની સંપત્તિમાં વર્ષ 2004થી વર્ષ 2009 સુધીમાં એક હજારથી લઈને 1500 ગણો વધારો થયો છે. ‘પોલિટિક્સ ઈઝ લુક્રેટિવ બિઝનેસ’, એ વાતને યુવા સાંસદોએ સાચી સાબિત કરી છે. કર્ણાટકના ચિત્રદુર્ગા મતવિસ્તારના ભાજપના 45 વર્ષીય સાંસદ જનાર્દન સ્વામી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના વિદ્યાર્થી છે. એક સમયે જનાર્દનની ગણના ભાજપનારાઈઝિંગ સ્ટારમાં થતી હતી. પરંતુ આ આશા પણ ઠગારી નીવડી. કારણ કે, મુખ્યમંત્રી ક્વૉટાની ચાર હજાર સ્ક્વેર ફૂટ જમીનનો લાભ લેવા તેમણે ખોટો દાવો કર્યો હતો કે, મારી પાસે ઘર નથી... આ શિક્ષિત યુવા સાંસદ એટલે યાદ આવ્યા કે તેઓ કર્ણાટકની જ નહીં, દક્ષિણ ભારતના રાજકારણમાં મજબૂત યુવા નેતાગીરીના પ્રતીક સમાન હતા. એવી જ રીતે, ભાજપ જેમને રાહુલ ગાંધીનોજવાબમાનતું હતું તે હિમાચલ પ્રદેશના હમીરપુરના 38 વર્ષીય યુવા સાંસદ અનુરાગ સિંગ ઠાકુર હાલ વિજિલન્સ ઈન્ક્વાયરીનો સામનો કરી રહ્યા છે. ક્રિકેટના શોખીન આ યુવા સાંસદે ક્રિકેટ સ્ટેડિયમ અને ક્રિકેટરો માટે લક્ઝુરિયસ હોટેલ બાંધવા ધર્મશાલામાં જમીન કેવી રીતે મેળવી તેની તપાસ ચાલી રહી છે.

જેમની સામે પોલીસ ચોપડે ગુના નોંધાયા હોય એવા યુવા સાંસદોની પણ કોઈ કમી નથી. જો પચાસ વર્ષથી નીચેની ઉંમરના સાંસદોને યુવા ગણીએ તો કુલ 225 યુવા સાંસદોમાંથી 75 સાંસદો પર નાના મોટા ગુના નોંધાયા છે, જ્યારે 37 યુવા સાંસદો પર તો ગંભીર ગુના છે. એટલે કે, કુલ યુવા સાંસદોમાંથી 33 ટકા પર આરોપો છે અને 16 ટકા પર ગંભીર ગુનાના આરોપ છે. વર્ષ 2009માં વિવિધ ઉમેદવારોએ ફાઈલ કરેલી એફિડેવિટ મુજબ, લોકસભાના 543માંથી 162 સાંસદો પર ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ કેસની રેન્જ ડબલ મર્ડર, ખંડણી અને હેટ સ્પિચ સુધી વિસ્તરેલી છે. ભાજપના વરુણ ગાંધી (33), ઑલ ઈન્ડિયા મજલિસ--ઈત્તેહાદુલ મુસ્લિમિનના સાંસદ અસાઉદ્દીન ઓવૈસી (44), ટીડીપીના વેણુગોપાલ રેડ્ડી (47), સમાજવાદી પક્ષના ઘનશ્યામ અનુરાગી (40), બીજુ જનતા દળના કલિકેશ સિંઘ (39) અને તૃણમૂલ કોંગ્રેસના સુવેન્દુ અધિકારી (42) સહિતના તમામ યુવા સાંસદો પર હત્યા, અપહરણ, કોમી વૈમનસ્ય ભડકાવવું, અશ્લીલતા, લૂંટફાટ જેવા વિવિધ આરોપો છે.

જોકે, યુવા સાંસદો એક વાર ગાદીએ આવી જાય પછી થોડા કેસમાં નિર્દોષ જાહેર થાય છે, કોઈ કેસ પાછા ખેંચી લેવાય છે, કોઈમાં શંકાનો લાભ મેળવવાના હકદાર બને છે તો કોઈમાં સાક્ષીઓ ફરી જાય છે. આ ચમત્કારો કેવી રીતે થાય છે એ સમજાવવાનીસ્માર્ટફોન જનરેશનને જરૂર નથી. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ યુવા સાંસદો અને યુવા મતદારોએ દેશ ખાતર, સમાજ ખાતર પોતાનું મૂલ્યાંકન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment