06 September, 2013

અદાલતોમાં ટેક-ક્રાંતિના પ્રણેતા જસ્ટિસ ભરુકા


હિન્દી ફિલ્મોની પૂરતી જાણકારી નહીં ધરાવતા લોકો પણ જાણે છે કે, ભારતની અદાલતોની કાર્યવાહી એટલી મંથર ગતિએ ચાલે છે કે, ન્યાયાધીશો બદલાઈ જાય છે પણ ‘તારીખ પે તારીખ’ અટકવાનું નામ નથી લેતી. સર્વોચ્ચ અદાલતના તાજા આંકડા પ્રમાણે દેશમાં ત્રણ કરોડથી પણ વધારે કેસો ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીની એક પણ સરકારે અદાલતી કાર્યવાહીનું ભારણ ઘટાડવાના પૂરતા પ્રયાસ કર્યા નથી. દેશને કેટલાક પ્રામાણિક અને નિષ્ઠાવંત ન્યાયાધીશો મળ્યા છે જેમણે અદાલતી કાર્યવાહીમાં સુધારો કરવાનો પ્રયાસ કર્યો છે, પણ સામે પક્ષે અદાલતોમાં કેસોનું ભારણ, ન્યાયાધીશોની અપૂરતી સંખ્યા અને ન્યાયતંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારના કારણે ગમે તેટલા નિષ્ઠાપૂર્વક કરાયેલા પ્રયાસોનું લગભગ કોઈ ફળ મળતું નથી. પરંતુ આ બધા વચ્ચે નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકાના પ્રયાસો બીજા કરતા અલગ અને વિશિષ્ટ પ્રકારના છે. ભરુકા ટેક્નોલોજીની મદદથી અદાલતી કાર્યવાહીમાં ક્રાંતિ લાવવા પ્રયત્નશીલ છે.

અદાલતી પ્રક્રિયામાં રાતોરાત સુધારા ના આવી શકે એવું કહેનારા લોકોને પણ ભરુકાના કામમાં રસ પડ્યો છે. બેંગલુરુમાં કર્ણાટક હાઈકોર્ટના એક્ટિંગ ચિફ જસ્ટિસ ફરજ બજાવતા જી. સી. ભરુકાએ વર્ષ 2008માં નિવૃત્ત થઈને જીસીબી જ્યુડિશિયલ ટેક્નોલોજીસ લિમિટેડ નામની કંપની હેઠળ વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી (Worldjudiciary.org) નામના પોર્ટલની રચના કરી છે. ભરુકાનું માનવું છે કે, અદાલતી કાર્યવાહીમાં ફક્ત ટેક્નોલોજીની મદદથી જ પ્રાણ ફૂંકી શકાય છે. જો અદાલતોને વેબ આધારિત સિસ્ટમથી સાંકળી લેવામાં આવે તો ‘પેપર વર્ક’ ઘટી જાય અને આખા દેશની અદાલતોનું એકબીજા સાથેનું સંકલન અત્યંત સરળ થઈ જાય. જો આવું શક્ય બને તો અદાલતોને ઝડપથી ચુકાદા આપવામાં સરળતા રહે, તારીખ પે તારીખની બબાલ ઓછી થઈ જાય અને પેન્ડિંગ કેસોનું ભારણ પણ આપોઆપ ઘટી જાય. કંઈક આ પ્રકારનો વિચાર કરીને ભરુકાએ આ કંપની શરૂ કરી છે.

નિવૃત્ત ન્યાયાધીશ જી. સી. ભરુકા

વર્લ્ડજ્યુડિસિયરી.ઓઆરજી એ બીજું કંઈ નહીં પણ ઈન્ટરનેટ આધારિત મેનેજમેન્ટ સિસ્ટમ છે. અમેરિકાએ પણ તેના તંત્રને વધુ સક્ષમ બનાવવા આ જ સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમની મદદથી કોઈ પણ અદાલતમાં ચાલી રહેલા કેસની માહિતી બીજી અદાલતમાં ફરજ બજાવતા ન્યાયાધીશ પણ સતત જોઈ શકે છે. જોકે, ન્યાયાધીશો પોતાના કેસોની માહિતી સહેલાઈથી વેબ પર મૂકી શકે એ માટે ‘યુઝર ફ્રેન્ડ્લી’ સિસ્ટમ ડિઝાઈન કરાઈ રહી છે. આ માહિતી ક્લાઉડ કમ્પ્યુટિંગની મદદથી તમામ ન્યાયાધીશો અને અન્ય સ્ટાફના કમ્પ્યુટર પર જોઈ શકાશે. આ માહિતી એક અદાલતમાંથી બીજી અદાલતમાં આટલી ઝડપથી પહોંચશે તો ચુકાદા પણ ઝડપથી આવશે, અને અત્યાર કરતા ચાર ગણી ગતિથી કેસોનો નિકાલ આવવા માંડશે. ન્યાયતંત્ર કોઈ પણ કેસ પર ઓનલાઈન જ દેખરેખ રાખી શકશે. ભારત જેવા વિશાળ અને જટિલ અદાલતી કાર્યવાહી ધરાવતા દેશમાં આ કામ કરવું ઘણું અઘરું છે. બિહારની ત્રણ નીચલી અદાલતોમાં પ્રયોગાત્મક ધોરણે આ સિસ્ટમ અમલી થઈ ગઈ છે.

ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી એક ટેક્નોલોજી કંપની શરૂ કરવાની પ્રેરણા તમને કેવી રીતે મળી એ પ્રશ્નનો જવાબ આપતા ભરુકા કહે છે કે, “હું હાઈસ્કૂલ વિદ્યાર્થી હતો ત્યારથી મેં મારા ગામમાં લોકોને પીડાતા જોયા છે, ગ્રામ્ય અદાલતોમાં લોકોને ધક્કા ખાતા જોયા છે. એ વખતે મને આશ્ચર્ય થતું હતું અને હું વિચારતો હતો કે કદાચ દેશ માટે કંઈ કરી શકું...” એક વકીલ તરીકે, એક ન્યાયાધીશ તરીકે ભરુકાને સતત એવું લાગ્યા કરતું હતું કે, ટેક્નોલોજીની મદદથી ઘણી મુશ્કેલીઓ હળવી કરી શકાય એમ છે. આપણે કોઈ પણ દેશની અદાલતી પ્રક્રિયામાં ટેક્નોલોજીની મદદથી ઓછામાં ઓછા ખર્ચે સુધારા લાવી શકીએ છીએ. કારણ કે, આપણી પાસે ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે.

આજે દેશના ત્રણ કરોડ પેન્ડિંગ કેસોમાંથી 95 ટકા કેસો તો નીચલી અદાલતોમાં જ છે. વળી, આ 95 ટકામાંથી મોટા ભાગના કેસો ગોકળગાય ગતિએ આગળ વધે છે. હાલ અદાલતી પ્રક્રિયામાં દરેક સ્તરે ચોક્કસ સમય નક્કી કરાયો હોય છે, પણ આ નીતિનિયમોનો ખુલ્લેઆમ ભંગ થાય છે અથવા તો તેનો અમલ કરવો અશક્ય હોય છે. અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવા માટે મૂળમાં જવું પડે અને આ કામમાં ટેક્નોલોજીનો વ્યવહારુ ઉપયોગ ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. ભરુકાની કંપનીના મતે, દેશની તમામ નીચલી અદાલતોના ન્યાયાધીશો અને તેમના સ્ટાફને કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સુવિધા આપવામાં આવે તો આ કામ ઘણું સરળ થઈ જાય. એક આંકડા મુજબ, ન્યાયતંત્રમાં 65 ટકા જેટલો સ્ટાફ વહીવટી કામ કરે છે. વળી, આમાંના મોટા ભાગના લોકોની ઉંમર 35 વર્ષ કરતા ઓછી છે, એટલે કે આમાંના મોટા ભાગના લોકો ટેક્નોલોજી ફ્રેન્ડ્લી છે. વિશ્વના સૌથી યુવાન દેશ તરીકેનું ગૌરવ લીધા કરવાથી કંઈ ના થાય. ખરેખર એ યુવા ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જરૂરી છે. 

કેટલાક લોકો એવી પણ શંકા વ્યક્ત કરે છે કે, જો અદાલતોમાં ચાલી રહેલા કેસોને લગતી બધી જ માહિતી જાહેર કરી દેવામાં આવે તો તેનો દુરુપયોગ થઈ શકે છે. આજે પણ દેશમાં જાહેરહિતની અરજી કરનારાઓને ધમકાવાય છે, અપહરણ કરાય છે કે પછી ખુલ્લેઆમ હત્યા કરી દેવાય છે. જો આવા અરજદારોની માહિતી ઓનલાઈન જાહેર થઈ જાય તો? જોકે, આ તમામ શંકા પાયાવિહોણી છે. કારણ કે, પહેલેથી જરૂર પૂરતી માહિતી અપલોડ કરવાનો વિકલ્પ છે જ. ઊલટાનું કાયદા પ્રમાણે જાહેર જનતા માટે ઉપયોગી માહિતીને ઓનલાઈન આપી દેવામાં આવે તો ઘણી સરળતા થઈ જાય. ભરુકા માટે આ કંપની વ્યવસાયિક સાહસ નથી. આ અંગે તેઓ કહે છે કે, “મેં મારી જાતને કેટલાક વચન આપ્યા છે અને હું એના માટે કામ કરું છું. હું એકલો આખા દેશમાં આ સિસ્ટમ અમલી કરી ના શકું. મેં મારી સાથે કેટલીક આઈટી કંપનીઓ પણ જોડી છે, પણ તેમણે ફક્ત સોફ્ટવેર સિસ્ટમના અમલ અને મેઇન્ટેનન્સનું કામ સંભાળવાનું છે.”

નવાઈની વાત તો એ છે કે, આટલા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ભરુકા વ્યવસાયિક કરારોથી પણ દૂર રહે છે. જોકે, આ પ્રોજેક્ટ પર કોઈ અસર ના પડે એ માટે તેમની સાથે કામ કરી રહેલી પ્રોફેશનલ આઈટી કંપનીઓ પર તેઓ કોઈ પ્રતિબંધો નથી લાદતા. કારણ કે, તેમની પ્રાથમિકતા આ સિસ્ટમનો અમલ કરાવવાની છે. આ પ્રોજેક્ટમાં ભરુકાને કોઈ આર્થિક ફાયદો થશે તો એ પૈસાની મદદથી તેઓ બીજુ કંઈક સારું કામ કરવા ઈચ્છે છે. તેઓ કહે છે કે, “હું કોમર્શિયલ માણસ નથી...”

નેવુંના દાયકાથી સતત પ્રયત્નશીલ

દેશની વિવિધ અદાલતોના રોજેરોજના કેસો, હુકમો અને ચુકાદા જોવા માટે વેબસાઈટ બનાવી છે જ, પરંતુ આ વેબસાઈટ નિયમિત અપડેટ થતી નથી. આ કંગાળ સિસ્ટમથી સારી રીતે પરિચિત ભરુકા કંઈક ક્રાંતિકારી કરવા માગતા હતા. છેક નેવુંના દાયકાથી ભરુકા અદાલતોનું કમ્પ્યુટરાઈઝેશન કરવા પ્રયત્નશીલ છે. વર્ષ 1990માં જી. સી. ભરુકાની બિહારની પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ ત્યારે તેમણે હાઈકોર્ટનું કમ્પ્યુટરાઈઝેશન કર્યું. બાદમાં ભરુકાને કર્ણાટક હાઈકોર્ટમાં ખસેડાયા અને અહીં પણ તેમણે કમ્પ્યુટરાઈઝેશન કર્યું. છેવટે વર્ષ 2005માં કેન્દ્ર સરકારે અદાલતોનું કમ્પ્યુરાઈઝેશન કરવા માટે એક યોજના બનાવી અને તેના વડા તરીકે જી. સી. ભરુકાની નિમણૂક કરી. આ દરમિયાન ભરુકાએ દેશના દરેક ન્યાયાધીશને લેપટોપ, પ્રિન્ટર અને બેઝિક ઈન્ટરનેટની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારને મનાવી લીધી હતી. આ ઉપરાંત ભરુકા કેન્દ્ર સરકારે બનાવેલી ઈ-કોમર્સ કમિટીના અધ્યક્ષપદે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ કમિટીનું કામ અદાલતી કાર્યવાહીને ટેક્નોલોજીની મદદથી કેવી રીતે સરળ બનાવી શકાય એ માટે સૂચનો કરવાનું હતું. આમ ભરુકા છેલ્લાં ઘણાં વર્ષોથી ટેક્નોલોજીની મદદથી અદાલતી પ્રક્રિયામાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

1 comment:

  1. khub saras.... aa problem solve karvano samay aavi gayo che..

    ReplyDelete