09 September, 2013

કોફી કેટલા પ્રમાણમાં પીવી જોઈએ?


આપણે છાપાંઓમાં જાતભાતના સંશોધનો વિશે વાંચીએ છીએ કે, ચોકલેટ ખાવાથી મગજ સતેજ રહે છે, ચોકલેટ ખાવાથી ફિગર સારી રહે છે, ચ્યુઈંગમ ચાવવાથી મગજ તેજ થાય છે કે પછી રેડ વાઈનના કારણે ફ્રેન્ચોની તંદુરસ્તી સારી હોય છે વગેરે. એવી જ રીતે, કોફી વિશે પણ આપણે જાતભાતના સંશોધનો વાંચી-સાંભળી ચૂક્યા છીએ. જેમ કે, રોજના ચાર કપ કોફી પીવાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે, લીવર સ્વસ્થ રહે છે, આંતરડાના કેન્સરમાં કોફી લાભદાયી છે, કોફી પીવાથી પ્રોસ્ટેટનું કેન્સર મટી જાય છે, કોફીથી તણાવ ઘટે છે અને વધુ પડતી કોફી મૃત્યુ નોંતરી શકે છે વગેરે. આ પ્રકારના સમાચારો વાંચીને સામાન્ય માણસને મૂંઝવણ થવી સ્વાભાવિક છે. વિશ્વભરના અખબારોમાં આવા અધકચરા સંશોધનો પ્રસિદ્ધ થયા કરે છે. આ માટે અનેક લોકોમીડિયા મેનેજમેન્ટના ખાં ગણાતા પશ્ચિમી જગતના મૂડીવાદીઓ તરફ પણ આંગળી ચીંધે છે.

હવે અમેરિકાના કેટલાક વિજ્ઞાનીઓએ કોફીની અસરો પર ઊંડું સંશોધન કરીને અનેક જૂના સંશોધનોનો છેદ ઉડાવી દીધાનો દાવો કર્યો છે. આ અંગેના સમાચારો ગુજરાતી અખબારો સહિત વિશ્વભરના અખબારોમાં છપાયા હતા. કોફીની માનવશરીર પર કેવી અસર થાય છે એ જાણવા માટે અમેરિકાની જ્હોન ઓશનર હાર્ટ એન્ડ વાસ્ક્યુલર ઈન્સ્ટિટ્યુટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ચિપ લેવી તેમજ સાઉથ કેરોલિના યુનિવર્સિટીની આર્નોલ્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના આસિસ્ટન્ટ પ્રોફેસર ઝૂમેઈ સૂઈએ આશરે 50 હજાર માણસો પર સંશોધન કરીને સાબિત કર્યું છે કે, દિવસના ચારેક કપ કોફી ખૂબ જ નુકસાનકારક છે અને આટલી કોફીથી માણસ ધીમે ધીમે મૃત્યુની નજીક પહોંચે છે. આ સંશોધન મુજબ દિવસના ચાર કપ કોફી પીવાથી સૌથી વધુ નુકસાન 55 વર્ષથી ઓછી વયના લોકોને થાય છે.


ડૉ. ચિપ લેવી અને પ્રો. ઝૂમેઈ સૂઈનું સંશોધન પેપર માયો ક્લિનિક પ્રોસિડિંગ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયું છે. કોફીની માનવશરીર પર પડતી અસર અંગે થયેલા અત્યારના મોટા ભાગના સંશોધન કરતા આ સંશોધન વધુ ઊંડું અને પ્રમાણિત ગણાય છે. કારણ કે, આ સંશોધન માટે બંને વિજ્ઞાનીઓએ વિવિધ ઉંમરના 50 હજાર લોકો પર ઊંડો અભ્યાસ કર્યો છે. વળી, આ તમામ લોકોના શરીર પર થતી અસરો જાણવા માટે તેમનો ઝીણામાં ઝીણો મેડિકલ ડેટા નોંધી લેવાયો હતો. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિની કોફી પીવાની આદતમાં ફેરફાર થાય તો સંશોધકો તેની પણ નોંધ કરી લેતા હતા. જોકે, કેટલાક વિજ્ઞાનીઓ દૃઢપણે માને છે કે, આ પ્રકારના સંશોધનો પછી પણ રોજના કેટલા કપ કોફી પીવી જોઈએ?, કેટલી કોફી પીવાથી મૃત્યુ થઈ શકે? તેમજ કઈ ઉંમરના લોકોને કોફીથી વધુ નુકસાન થાય? વગેરે પ્રશ્નોના ચોક્કસ જવાબ આપવા મુશ્કેલ જ નહીં અશક્ય છે. આ માટેના તાર્કિક કારણો પણ છે.

હા, આપણે એટલું કહી શકીએ કે વધુ પડતી કોફી મૃત્યુ નોતરી શકે છે કે ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ દરેક માનવ શરીર જુદી જુદી સ્થિતિમાં જુદી જુદી રીતે પ્રતિક્રિયા આપે છે. એવી જ રીતે, કોફીના દરેક કપમાં કેફિનનું પ્રમાણ પણ જુદું જુદું હોઈ શકે છે. કાફે ચેઈનમાં ત્રણ શૉટમાં બનાવેલી મશીન કોફી અને અડધી ચમચી કોફી નાંખીને ઘરમાં તૈયાર કરેલા એક કોફી કપમાં કેફિનનું પ્રમાણ એકસરખું ના હોય. નવાઈની વાત એ છે કે, કોફીની અસરો પર ઊંડો અભ્યાસ કરવાનો દાવો કરનારા વિજ્ઞાનીઓ આ મુદ્દો ભૂલી ગયા છે. એવી જ રીતે, સંશોધકોએ માની લીધું છે કે, ચોક્કસ ઉંમરના લોકોમાં કોફી પીવાની આદત પણ નિશ્ચિત હોય છે. આ વિજ્ઞાનીઓના મતે, પુખ્યવયના લોકોમાં કોફી પીવાની આદત લગભગ સ્થિર હોય છે, પરંતુ વિજ્ઞાનીઓનો આ દાવો પણ તર્કહીન છે.

ડૉ. ચિપ લેવી

કારણ કે એવા પણ અનેક લોકો હોય છે જે આરોગ્ય સહિતના અનેક કારણોસર કોફી પીવાનું ધીમે ધીમે ઘટાડતા હોય છે. દાખલા તરીકે, સામાન્ય સંજોગોમાં વધુ કામ કરનારા લોકો કોફી વધુ પીતા હોય છે, પરંતુ કામમાંથી લાંબો સમય બ્રેક લેનારા કે પછી નિવૃત્તિકાળમાં કોફી પીવાનું ધીમે ધીમે ઘટી જાય છે. યાદ રાખો, અહીં કોફીની આદત હોય એવા લોકોની વાત થાય છે. આમ છતાં સંશોધકોએ એટલું તો સાબિત કર્યું જ છે કે, વધુ પડતી કોફી હાનિકારક છે. કોઈ પણ પ્રકારની કોફીમાં કેફિનનું વત્તે-ઓછે અંશે પ્રમાણ હોય જ છે. કોફીમાં રહેલું કેફિન શરીર પર હકારાત્મક અસર કરતું હોય છે, પરંતુ રોજિંદી 250 મિલિગ્રામની મર્યાદામાં લેવામાં આવે તો જ. આ ઉપરાંત ચ્હા, ઠંડા પીણાં અને અમુક દવાઓ (ખાસ કરીને એલર્જીની દવાઓમાં)માં પણ કેફિન હોય છે. એટલે એવું કહી શકાય કે, વ્યક્તિ નિયમિત ઠંડા પીણાં પીતી હોય કે એલર્જીના દર્દીની દવા ચાલતી હોય તો શરીરમાં કેફિનનું પ્રમાણ વધી શકે છે, જે નુકસાનકારક છે.

આ સંશોધનમાં કોફી પીનારા અને ક્યારેય કોફી નહીં પીનારા લોકોનું ઊંડું વિશ્લેષણ કરાયું હોવાથી તે અન્ય સંશોધનોથી થોડું અલગ તરી આવે છે. જેમ કે, સંશોધકોએ નોંધ્યું છે કે, કોફીનું વ્યસન ધરાવતા મોટા  ભાગના લોકોને સિગારેટનું પણ વ્યસન હોય છે અને આ લોકો બ્લડ પ્રેશરથી પણ પીડાતા હોય છે. પરંતુ ડૉ. ચિપ લેવી અને પ્રો. ઝૂમેઈ સૂઈએ પોતાના સંશોધનોમાં કોફીનો વ્યસની પુરુષ છે કે સ્ત્રી, તેઓ કેફિન ધરાવતા અન્ય પીણાં કે દારૂ કેટલા પ્રમાણમાં પીએ છે, શારીરિક કસરત કરે છે કે નહીં અને તેમનો બોડી માસ ઈન્ડેક્સ કેટલો છે વગેરે બાબતો ધ્યાનમાં લીધી છે. અત્યાર સુધીના મોટા ભાગના સંશોધનોમાં આવા વિવિધ મુદ્દાને ભૂલી જવાય છે તેથી આ અત્યાર સુધીનું સૌથી પ્રમાણિત સંશોધન ગણાય છે. આ સંશોધનમાં કોફીનું વ્યસન કરનારી વ્યક્તિ પર કેફિનની કેવી અસર થાય છે એની સચોટ જાણકારી મેળવવા ડાયાબિટિસ, હાયપર ટેન્શન, કોલેસ્ટેરોલ અને હૃદયરોગનો દર્દી હોય તો તેની મેડિકલ ફેમિલી હિસ્ટરીની પણ નોંધ કરાઈ છે.

પ્રો. ઝૂમેઈ ઝૂઈ

સંશોધકોએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કોફીની જે તે વ્યક્તિ પર કેવી અસર થાય છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. આમ છતાં, આ સંશોધનના આધારે ચોક્કસ ઉંમરની વ્યક્તિ પર કોફીની ચોક્કસ કેવી અસર થાય છે તે જાણવું અશક્ય છે. આ સંશોધન પ્રસિદ્ધ થયા પછી વિશ્વભરના અખબારોમાં સમાચાર હતા કે, 55 વર્ષથી નીચેની વયના લોકો પર કોફીની ઘાતક અસર થાય છે, પરંતુ જુદી જુદી ઉંમરના લોકોની આદતો એકસરખી હોય અને તે આદતોની તેમના શરીર પર એકસરખી અસર થતી હોય એવું શક્ય નથી. કહેવાનો અર્થ એ છે કે, આ તમામ લોકો પર વધુ પડતી કોફીની જુદી જુદી અસર થાય છે. સંશોધકો સરખી ઉંમરના, સરખા લક્ષણો ધરાવતા અને સરખી તંદુરસ્તી ધરાવતા લોકોને એક ખાનામાં મૂકીને તેમના પર કોફીની કેવી અસર થઈ તેના આધારે વિશ્લેષણ કરે તો કોફીની ચોક્કસ અસરો જાણી શકાય, જે શક્ય નથી.

ટૂંકમાં દરેક વ્યક્તિ પર કોફીની જુદી જુદી અસર થતી હોય છે. દારૂ, ધુમ્રપાનની આદત ધરાવતી વ્યક્તિને દિવસની બે કપ કોફી પણ વધુ નુકસાન કરી શકે છે, જ્યારે કોફી સિવાય કોઈ વ્યસન નહીં ધરાવતી અને નિયમિત કસરત કરતી વ્યક્તિને કદાચ તેનું ઓછું નુકસાન થતું હોઈ શકે. એવી જ રીતે, કેફિન ધરાવતી દવાઓ લેતા દર્દી માટે પણ કોફીનું વ્યસન ઘાતક બની શકે છે. આ સંશોધનના અંતે બંને સંશોધકોએ કોફીની આદતથી કેટલા લોકોનું મૃત્યુ થયું એ વાત નોંધી છે, પરંતુ તેમનું મૃત્યુ વહેલું થયું એ માટે બીજા કેટલાક પરિબળો પણ જવાબદાર હોઈ શકે છે. આમ છતાં, એક વાત યાદ રાખવી કે વધુ પડતી કોફીથી શરીરમાં કેફિન જાય છે અને રોજનું 250 મિલિગ્રામથી વધુ કેફિન શરીરમાં જાય તો કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. ચોકલેટ, કોકો પાવડર, વજન ઓછું કરવાની દવાઓ અને ઠંડા પીણામાં પણ કેફિન હોય છે

કોફી અંગેના વૈજ્ઞાનિક સંશોધનો કેટલા ચોક્કસ છે તે અલગ વાત છે, પણ બધા વિજ્ઞાનીઓ એકમતે સ્વીકારે છે કે, શરીરમાં કેફિનનું વધુ પડતું પ્રમાણ શારીરિક અને માનસિક બીમારીઓને આમંત્રણ આપે છે. ભારતના યુવાનોમાં પણ પશ્ચિમી દેશોની જેમ કોફી પીવાનો ટ્રેન્ડ જોર પકડતો જાય છે ત્યારે કોફી સિવાય કોઈ વ્યસન નહીં હોવાનું ગૌરવ લેતા યુવાનો માટે આ સંશોધન લાલ બત્તી સમાન છે.

કેફિનની શરીર પર થતી ઘાતક અસરો

જો રોજના 250 મિલિગ્રામથી વધુ કેફિન લેવામાં આવે તો બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. આજકાલ કેફિન વિનાની કોફી પણ મળે છે, પરંતુ કોફીમાંથી કેફિન કાઢવા માટે વપરાતા રસાયણોથી સ્વાદુપિંડ (પેન્ક્રિઆસ)નું કેન્સર થાય છે. કેફિન લોહીનું કેન્સર પણ કરી શકે છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ કેફિન જોખમી છે. કેફિન કામચલાઉ ધોરણે સ્ફુર્તિ આપતું હોવાથી લાંબા ગાળે માનસિક મુશ્કેલીઓ ઊભી થાય છે. કેફિન હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટાડવામાં પણ કારણભૂત છે. કારણ કે, તેનાથી લોહી બનાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે. વધુ પડતું કેફિન નપુંસકતા માટે જવાબદાર હોવાનું પણ સાબિત થયું છે. કોફીમાં શરીરનું પાણી શોષવાનો ગુણ હોવાથી ચામડીના રોગો થાય છે તેમજ જઠર, છાતી અને આંતરડામાં બળતરા થાય છે. આપણે જાણીએ છીએ કે, કોફી આંતરડાનો મળ સૂકાવવામાં મદદરૂપ થાય છે, એટલે વધુ પડતી કોફી કબજિયાત, હરસ, મસા અને ભગંદરને પણ આમંત્રણ આપે છે. ટૂંકમાં કોફી ઓછી પીતા હો તો સારું અને ના પીતા હો તો વધુ સારું.

કઈ વસ્તુમાં કેફિનનું કેટલું પ્રમાણ

43 ગ્રામની દૂધની એક ચોકલેટમાં 10 મિલિગ્રામ
કોફી મશીનમાં બનાવેલી 207 મિલિગ્રામ કોફીમાં 80થી 135 મિલિગ્રામ
કેફિન વિનાની 207 મિલિગ્રામ કોફીમાં પાંચથી 15 મિલિગ્રામ
44થી 60 મિલિગ્રામના એક એસપ્રેસો કોફી કપમાં 100 મિલિગ્રામ
બ્લેક, ગ્રીન અને અન્ય પ્રકારની 177 મિલિલિટર ચ્હામાં 22થી 74 મિલિગ્રામ
350 મિલિલિટર કોકાકોલાની બોટલમાં 34 મિલિગ્રામ
રેડ બુલ જેવા 250 મિલિલિટર એનર્જી ડ્રિંકમાં આશરે 80 મિલિગ્રામ

2 comments: