18 September, 2013

મુઝફ્ફરનગરમાં સમાજવાદી પક્ષ જાણી જોઈને નિષ્ફળ ગયો છે


ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં છેલ્લાં કેટલાક દિવસોથી વ્યાપેલી કોમી તંગદિલી માટે એક યુવતીની છેડતી જવાબદાર હતી. એક યુવતીની છેડતીના કારણે કોમી તોફાનો થઈ જાય તે શક્ય છે. પરંતુ થોડા સમયમાં ચાળીસથી વધુ લોકોના મોત થઈ જાય અને ચાળીસેક હજાર લોકોને સ્થળાંતર કરવાનો વખત આવે તો રાજ્ય સરકારને એકસો ટકા કઠેડામાં ઊભી કરવી પડે. એક બાજુ વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં કોમી રાજકારણ ખેલવામાં કુખ્યાત સમાજવાદી પક્ષની સત્તા છે ત્યારે શંકા-કુશંકા થવી સ્વાભાવિક છે. બિનસાંપ્રદાયિકતા એકમાત્ર બંધારણીય સિદ્ધાંત છે. દેશના મોટા ભાગના પક્ષોને બિનસાંપ્રદાયિકતા સાથે કોઈ લેવાદેવા નથી અને મત મેળવવા માટે કોઈ પણ પક્ષ કોમવાદી રાજકારણ ખેલતા ખચકાતો નથી.

ઉત્તરપ્રદેશમાં પણ આ જ સ્થિતિ છે. અહીં પણ રાજકીય હેતુઓ પાર પાડવા માટે અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોમી તણાવ ઘટે એવા પ્રયાસ કરવાના બદલે તેને વધારવાના અથવા ‘જાણી જોઈને નિષ્ક્રિય’ રહીને મતબેંક ઉસેટવાના હોશિયારીપૂર્વકના પ્રયાસ કરાયા હતા. ભારતમાં મોટા ભાગના પક્ષોએ મુસ્લિમ મતોને અંકે કરવા માટે તેમને સતત ડરાવતા રહેવું પડે છે. મુસ્લિમ મતો પર સૌથી વધુ પ્રભાવ ધરાવતો સમાજવાદી પક્ષ સારી રીતે જાણે છે કે, મુસ્લિમ મત કબજે કરવા હશે તો લઘુમતી સમાજમાં સતત ડર વ્યાપેલો રહે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે, સમાજવાદી પક્ષની નીતિરીતિ સવર્ણોને બહુ માફક આવતી નથી. આ બધી વાત સમાજવાદી પક્ષ સારી રીતે જાણે છે અને એટલે જ મુઝફ્ફરનગરને સળગતું રાખવામાં તેઓ પોતાનું હિત જુએ છે. આમ ઉત્તરપ્રદેશ સરકાર ફક્ત રાજકીય લાભ મેળવવા માટે દેશ અને સમાજ માટે ખતરનાક સાબિત થઈ શકે એવી રમત રમી રહ્યા છે.સૈદ્ધાંતિક રીતે કોઈ પણ સરકાર ધર્મથી અલિપ્ત હોવી જોઈએ. રાજકારણીનો અંગત ધર્મ કે માન્યતા કોઈ પણ હોય પણ શાસનધુરા સંભાળ્યા પછી લગભગ બધા રાજકીય પક્ષો અને રાજકારણીઓનો એક જ ધર્મ હોય છે, મત બેંક. સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને રાજ્યના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આ વાત સાબિત કરી છે. લગભગ દરેક પક્ષો બિનસાંપ્રદાયિકતાની વ્યાખ્યા પોતપોતાની રીતે કરે છે અને તેમાંથી જુદી જુદી રીતે ‘રસ-કસ’ કાઢે છે. રાજકારણ ખરેખર ભલભલાને બદલી નાંખે છે. અંગત રીતે બિનસાંપ્રદાયિકતામાં માનતી વ્યક્તિ પણ સત્તા મેળવવા માટે ગમે તેટલું ખતરનાક રાજકારણ ખેલતા ખચકાતી નથી અથવા તો પોતાના જ પક્ષના નેતાઓની આવી ખતરનાક નીતિ સામે આંખમીંચામણા કરે છે.

મુઝફ્ફરનગરની ઘટનામાં પણ મુલાયમસિંઘે એવું જ વિચાર્યું હતું કે, એકવાર આગ લાગે પછી સંજોગો પારખીને નિર્ણયો લઈશું. આમ પણ રાજકારણ શક્ય બનાવવાની કળા છે. એટલે કે મુઝફ્ફરનગરની ઘટનાને લઈને ઉત્તરપ્રદેશ સરકાર નિષ્ફળ નથી ગઈ પણ જાણી જોઈને નિષ્ફળ જઈ રહી છે. મુઝફ્ફરનગરની ઘટના પહેલાં આપણે દુર્ગાશક્તિ નાગપાલની બદલીની ઘટના જોઈ. આ ઘટનામાં પણ રાજકારણીઓએ ફક્ત એક જ વાતનું રટણ કર્યે રાખ્યું કે, આ મહિલા અધિકારીએ બેજવાબદાર રીતે હુકમ કરીને મસ્જિદની દીવાલ તોડી પડાવી હતી અને તેમના કારણે કોમી તંગદિલી સર્જાઈ શકી હોત. જો રાજકારણીઓ કોમી તંગદિલી ના ફેલાય એ માટે આટલા બધા જવાબદાર હોય તો પછી મુઝફ્ફરનગરની કોમી આગ ઠરવાનું નામ કેમ નથી લેતી?

ઉત્તરપ્રદેશ સરકારે મુઝફ્ફરનગરમાં પણ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે. 27મી ઓગસ્ટના રોજ રાજ્ય પોલીસ વડા અરુણકુમારે મુઝફ્ફરનગરની મુલાકાત લીધી ત્યારે તેમણે મીડિયાને પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. અરુણકુમાર આરુષી હત્યા કેસ સફળતાપૂર્વક ઉકેલવા માટે જાણીતા છે. હવે સ્થિતિ કાબૂમાં હોવા છતાં મુઝફ્ફરનગરના વહીવટમાં રાજકારણીઓ લખનઉથી ‘કંટ્રોલિંગ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અખિલેશ યાદવ સરકારને સુભાષચંદ્ર દુબે નામના એક યુવાન આઈપીએસ અધિકારી ભારે પડી રહ્યા હતા. આ અધિકારીએ રાજકારણીઓનું ‘રિમોટ કંટ્રોલ’ બનવાની ના પાડતા ઉત્તરપ્રદેશ સરકારે ચાર દિવસ પછી તેમની ચૂપચાપ બદલી કરી દીધી હતી. આ સિવાય પણ સરકારે બીજા કેટલાક અધિકારીઓની ચૂપચાપ બદલી કરી દીધી છે. આ દરમિયાન સમાજવાદી પક્ષના નેતાઓને મુઝફ્ફરનગરની એટલી ચિંતા હતી તેઓ હેલિકોપ્ટરથી ચક્કરો માર્યે રાખ્યા હતા.

કમનસીબે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આપણે આવી અનેક ઘટનાઓ સાંભળીશું. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પણ આ ઘટનામાં મત બેંકની ચિંતા કરતા કરતા જ આગળ વધી રહી છે. આ ઘટના પછી કોંગ્રેસના નેતાઓએ મુઝફ્ફરનગરની ચિંતા કરવાના બદલે ફક્ત તેમનો જ પક્ષ લઘુમતીઓની ચિંતા કરી રહ્યો છે તેવું સાબિત કરવાના ખોખલા પ્રયાસ કર્યા છે. આમ કોંગ્રેસે પણ મુઝફ્ફરનગરની ઘટનામાં રાજકીય રોટલા શેકવાનો બખૂબી લાભ લીધો છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓને આશા છે કે, આ ઘટના પછી સમાજવાદી પક્ષના મુસ્લિમ મતો કોંગ્રેસને મળશે. આમ સમાજવાદી પક્ષ હોય કે કોંગ્રેસ બંને ભેગા મળીને કોમી રાજકારણમાંથી જેટલો રસ-કસ કઢાય એટલો કાઢી રહ્યા છે. કહેવાનો અર્થ એટલો જ છે કે, તેઓ બિનસાંપ્રદાયિકતાની આડમાં ગંદુ રાજકારણ રમી રહ્યા છે.

જોકે આ વખતની સ્થિતિ થોડી અલગ છે અને સદનસીબે ઉત્તરપ્રદેશના મુસ્લિમો યુવા મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે ભડક્યા છે અને આ બધા માટે તેઓ સરકાર અને સમાજવાદી પક્ષને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. મુસ્લિમ સમાજની આગેવાની ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ, જમિયત ઉલેમા એ હિંદ અને ઑલ ઈન્ડિયા મુસ્લિમ મજલિસ એ મશરવત નામના ત્રણ મુસ્લિમ સંગઠનોએ લીધી છે. આ ત્રણેય સંસ્થા મુસ્લિમ સમાજમાં પ્રભુત્વ ધરાવે છે અને તેમણે ઉત્તરપ્રદેશની સમાજવાદી પક્ષની સરકારને કોમવાદી ગણાવીને તાત્કાલિક અસરથી બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી છે. આ સંસ્થાઓના નેતાઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે કે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ સમાજવાદી પક્ષે આવું રાજકારણ ખેલ્યું છે. આ અંગે તેમણે વડાપ્રધાન સમક્ષ પણ રજૂઆત કરી છે.

ટૂંકમાં, રાજકારણીઓ તો સત્તા માટે ગમે તે તકનો ફાયદો ઉઠાવવાના જ છે. દરેક નાગરિકે અને સામાજિક આગેવાનોએ આવી સમજદારી દાખવીને તકવાદી રાજકારણ ખેલતા નેતાઓને પાઠ ભણાવવાનું શીખી લેવું જોઈએ. ટૂંકમાં હવે રાજકારણીઓએ નહીં લોકોએ સમજવાનું છે.

યોગાનુયોગ કે પછી...

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારોમાં કોમી તંગદિલીના બનાવોમાં અચાનક વધારો થઈ જાય એને યોગાનુયોગ માનવો એ ભોળપણ ઓછું અને મૂર્ખતા વધારે છે. આવા કેટલાક બનાવો પર એક નજર...

25 ઓગસ્ટે આસામના સિલાચરમાં મંદિરમાં ગૌમાંસ મળ્યાની અફવામાં કોમી તણાવ સર્જાયો અને 30 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

20મી ઓગસ્ટે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક નહેર નજીક કપાયેલી હાલતમાં ગાય મળતા કોમી તંગદિલી સર્જાઈ અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા.

10મી ઓગસ્ટે બિહારના નવાડા, બેત્તિઆહમાં યુવાનોના બે જૂથ વચ્ચે કોમી તણાવ સર્જાયો અને બે વ્યક્તિ મૃત્યુ પામ્યા.

નવમી ઓગસ્ટે, જમ્મુમાં ઈદની નમાજ વખતે પાકિસ્તાન તરફી નારા લાગ્યા અને કોમી તણાવ સર્જાયો. આ ઘટનામાં ત્રણના મૃત્યુ અને 60 લોકો ઈજાગ્રસ્ત થયા.

છઠ્ઠી એપ્રિલે, ઉત્તરપ્રદેશના મેરઠમાં કોઈએ ધાર્મિક લાગણીઓને ઠેર પહોંચે એવી ફેસબુક પોસ્ટ મૂકીને કોમી તણાવ ઊભો કર્યો. આ ઘટનામાં બે લોકો માર્યા ગયા અને 12 ઘાયલ થયા.

જાન્યુઆરીથી મે દરમિયાન આસામમાં નાની-મોટી ચૂંટણીઓમાં સર્જાયેલા કોમી તણાવમાં 31 લોકોના મૃત્યુ થયા.

No comments:

Post a Comment