28 August, 2013

ગોળીથી ના થયું, એ ડુંગળી કરી બતાવશે?


ભારત અને પાકિસ્તાનની વિદેશ નીતિ જોતા ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે, 21 સદીના યુદ્ધ શસ્ત્રોથી ઓછા અને નીતિઓથી વધુ લડાય છે. બંને દેશોની સરહદો પર સૈનિકો ગોળીઓ ખાઈ રહ્યા છે, પણ ભારત કે પાકિસ્તાન બેમાંથી એક પણ દેશને એકબીજા સાથે સંબંધો બગાડવા પોસાય એમ નથી. પાકિસ્તાન સતત સરહદના નિયમોનો ભંગ કરી રહ્યું છે. પરંતુ ભારત સાથે સંબંધો સુધારવા પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ 362 માછીમારોને મુક્ત કરી દીધા છે. બીજી તરફ, ભારતે ડુંગળીના વધી રહેલા ભાવ કાબૂમાં રાખવા પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે. વૈશ્વિકરણના યુગમાં બંને દેશોએ એકબીજાના સૈનિકોને ગોળીઓ મારીને પણ ‘વેપારી સંબંધ’ જાળવી રાખવા પડે છે. આ વખતે પણ ગોળીની સામે ડુંગળી જીતી ગઈ છે અને બંને દેશોને વધુ એકવાર એકબીજાની જરૂરિયાત સમજાઈ છે.

ડુંગળીની આયાત માટે ભારત પાસે ચીન, ઈરાન અને ઈજિપ્ત જેવા વિકલ્પો હોવા છતાં ભારતે સૌથી પહેલો કળશ પાકિસ્તાન પર ઢોળ્યો છે. એવું માનવાની જરૂર નથી કે, ભારત સામે ચાલીને પાકિસ્તાન તરફ દોસ્તીનો હાથ લંબાવી રહ્યું છે. ખરેખર ભારત ઓછામાં ઓછા ખર્ચે ડુંગળી આયાત કરવા ઈચ્છી રહ્યું છે. સ્વાભાવિક રીતે જ ચીન, ઈરાન કે ઈજિપ્તથી ડુંગળી આવે એના કરતા પાકિસ્તાનથી આવતી ડુંગળી વધુ સસ્તી પડે એમ છે. કારણ કે, પાકિસ્તાનથી આવતી ડુંગળી વાઘા સરહદેથી લાવવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, જે કરાચી અને મુંબઈ વચ્ચેના શિપિંગ રૂટ કરતા અનેકગણો સસ્તો છે. આમ ભારત નજીવા વાહન વ્યવહાર ખર્ચે ડુંગળી આયાત કરી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાનથી આવતી ડુંગળી સમય પણ ઓછો લેતી હોવાથી વેસ્ટેજનું પ્રમાણ નહીંવત રહે છે. આમ પાકિસ્તાનથી ડુંગળી આયાત કરવામાં ભારત સરકારની કોઈ મજબૂરી નથી, પણ આ એક ‘બિઝનેસ’ છે.



ભારત એક ગરીબ દેશ છે અને ડુંગળી ગરીબોની કસ્તુરી છે. આજે પણ દેશના અનેક રાજ્યોમાં ગરીબોની થાળીમાં ડુંગળી એ પોષણનો મહત્ત્વનો સ્રોત છે. લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે યુપીએ સરકાર માટે કોઈ પણ સંજોગોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવને કાબૂમાં રાખવા જરૂરી છે. આ પહેલાં પણ ભારતીય રાજકારણમાં ડુંગળી મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે. વર્ષ 1998માં ભાજપની હાર માટે ડુંગળીનો ભાવવધારો એક મહત્ત્વનું પરિબળ હતું. આમ ડુંગળી એક ‘રાજકીય શાક’ છે. ભારતમાં સ્વાદિષ્ટ રસોઈ બનાવવા માટે જ ડુંગળીનો ઉપયોગ નથી કરાતો, પરંતુ ગરીબો પાસે જે દિવસે ખાવાના પૈસા ના હોય ત્યારે તેઓ રોટલી સાથે ડુંગળી ખાઈને પેટ ભરે છે.

આપણા દેશમાં ફાઈવસ્ટાર હોટેલથી માંડીને દાળવડાની લારી સુધી દરેક જગ્યાએ ડુંગળીનો મહત્તમ ઉપયોગ થાય છે. કદાચ એટલે જ ડુંગળીના ભાવ વધે ત્યારે સૌથી વધુ ઉહાપોહ થાય છે. ભારતમાં શાકભાજીના ભાવ કેટલા છે તે જાણવાનું બેરોમીટર ડુંગળી છે. ભારત સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાંનો એક છે અને ડુંગળીની નિકાસ કરવામાં પણ આપણે અવ્વલ છીએ. ગયા વર્ષે ડુંગળી પકવતા મુખ્ય રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દુકાળ પડવાના કારણે ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો થયો હતો. આ વખતે લગભગ દેશભરમાં ચોમાસું સારું રહ્યું છે પણ પાકમાં નિષ્ફળતા, બગાડ અને સંગ્રહખોરી જેવા કારણોસર બજારમાં પૂરતી ડુંગળી આવી શકી નથી. આ સ્થિતિમાં દેશમાં ડુંગળીનો સરેરાશ ભાવ એંશી રૂપિયે કિલોએ પહોંચી ગયો છે.

જોકે, ઘરઆંગણે ડુંગળીના ભાવમાં જંગી વધારો થવાના કારણે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસનો પ્રતિ ટન ભાવ વધારીને 650 ડૉલર કરી દીધો છે. નિકાસનો ભાવ વધારવા પાછળ સરકારનો હેતુ સ્થાનિક બજારમાંથી માલ બહારના બજારમાં ના ઠલવાય એ હોય છે. બીજી તરફ, સરકાર આયાત વધારી દે છે, જેથી કાળા બજારિયાઓ સંગ્રહખોરી કરીને સ્થાનિક બજારમાં કૃત્રિમ અછત સર્જતા હોય તો તેના પર કાબૂ રાખી શકાય. જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓમાં થયેલા ભાવવધારાને કાબૂમાં રાખવાનો આ અકસીર શોર્ટ-કટ છે. ચૂંટણી નજીક હોય ત્યારે પ્રજામાં રોષની લાગણી ના ફેલાય એ માટે દરેક સરકારો બહુ સચેત હોય છે. એટલે જ કેન્દ્ર સરકારે ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ખૂબ ઝડપથી મહત્ત્વના પગલાં લીધા છે.

આ પહેલાં વર્ષ 1998 અને 2011માં પણ શાકભાજીના ભાવ કાબૂમાં લેવા પણ ભારતે પાકિસ્તાનથી આયાત કરી હતી. શાકભાજીમાં ફુગાવાની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે નાના-મોટા ભારતીય વેપારીઓ પણ પાકિસ્તાનથી આયાત કરીને વેપાર કરતા હોય છે. આ વેપારીઓની મદદથી પણ અર્થતંત્રને ગતિ મળે છે અને સ્થાનિક બજારોમાં ભાવ કાબૂમાં રાખવામાં મદદ મળે છે. જોકે, આ વખતે દેશના અનેક રાજ્યોના વેપારીઓએ ભારતીય સૈનિકોની હત્યાના વિરોધમાં પાકિસ્તાનથી ડુંગળી આયાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. એશિયાના સૌથી મોટા શાકભાજી બજાર ગણાતા નવી દિલ્હી સ્થિત આઝાદપુર હોલસેલ ફ્રૂટ એન્ડ વેજિટેબલ માર્કેટ કમિટીના અધ્યક્ષ રાજિન્દરકુમાર શર્મા મીડિયા જણાવે છે કે, “અમે આયાત કરવાનું બંધ કરી દીધું છે. આપણે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ તેઓ સમજવા તૈયાર નથી.”
 
જોકે, આગળ કહ્યું તેમ સામાન્ય માણસની લાગણી અને વિદેશ નીતિમાં આસમાન-જમીનનું અંતર હોય છે. દેશમાં ડુંગળીના ભાવ કાબૂમાં લાવવા માટે ઓછામાં ઓછી 100 ટ્રક એટલે કે, 1,800 ટન ડુંગળીની જરૂરિયાત છે. ડુંગળીની અછતને પહોંચી વળવા પાડોશી દેશોની મદદ લેવામાં આવે તો જ ઓછા ખર્ચે વધુ ડુંગળી આયાત કરી શકાય એમ છે. ડુંગળીના નાના-મોટા આયાતકારોને ચીનમાંથી ડુંગળી આયાત કરવામાં બિલકુલ વાંધો નથી. આ અંગે શર્મા કહે છે કે, “થોડી ડુંગળી ચીનથી પણ આયાત કરાઈ છે. તમે જુઓ આપણા સંબંધો ચીન સાથે એટલા ખરાબ નથી. હજુ હમણાં જ ચીનના સૈનિકો ભારતમાં ઘૂસી ગયા હતા, પણ તેનાથી આ બે દેશના ડુંગળીના વેપાર પર કોઈ અસર નથી પડી. આપણે આ ઘટના વિશે સાંભળ્યું છે, પણ કમસેકમ તેમણે આપણા સૈનિકોની હત્યા નથી કરી.”

શર્માની વાતમાં સામાન્ય માણસની લાગણીનો પડઘો છે, પણ વિદેશ નીતિમાં જરા ઝીણું કાંતવું પડે છે. ખેર, ભારત સરકાર કમસેકમ ચૂંટણીની ચિંતામાં પણ ડુંગળીના ભાવ કાબૂમાં રાખવા ‘નિષ્ઠાપૂર્વક’ પ્રયાસ કરી રહી છે. કેટલાક આશાવાદીઓનું તો ત્યાં સુધી કહેવું છે કે, પાકિસ્તાન સાથે વાટાઘાટો આગળ ધપાવવા માટે વેપારી સંબંધો સિવાય કોઈ ઉપાય નથી. કદાચ આ આશા વધુ પડતી નથી, જે કામ ગોળીથી ના થયું તે ડુંગળીથી થઈ શકે છે.

1 comment: