15 August, 2013

સ્વતંત્રતા દિને લશ્કરને ‘સ્વતંત્રતા’ આપવી જરૂરી


હજુ તો ભારતીય લશ્કરના પાંચ જવાનોની હત્યાને અઠવાડિયું પણ થયું નહોતું ત્યાં પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક સાત હજાર રાઉન્ડ ફાયરિંગ કર્યા. આ દરમિયાન ભારતીય લશ્કરે પણ સામી કાર્યવાહી કરવા મજબૂર થવું પડ્યું અને આ ધમાસાણ સતત સાતેક કલાક સુધી ચાલ્યું. ભારત-પાકિસ્તાન સરહદ પર સામસામે ગોળીબારી કે નાની મોટી ઉશ્કેરણીજનક ઘટનાઓ સામાન્ય છે, પરંતુ આ વખતની ઘટનાઓ કંઈક વધારે અસામાન્ય છે. કારણ કે, પાકિસ્તાને ભારતીય સરહદમાં અર્ધો કિલોમીટર અંદર આવીને પાંચ જવાનોની દગાખોરીથી હત્યા કરી. આ ઘટનાના પ્રચંડ પ્રત્યાઘાત પડવા છતાં થોડા જ દિવસમાં પાકિસ્તાની લશ્કરે કાશ્મીર વેલીમાં કંચક સેક્ટરમાં ફાયરિંગ કરીને એક બીએસએફ જવાનને ઈજાગ્રસ્ત કર્યો. ત્યાર પછી તુરંત જ જમ્મુ કાશ્મીરના મેંધર જિલ્લામાં ભારતીય લશ્કરની પાંચ પોસ્ટ પર હુમલો કર્યો. કેટલાક શાણા લોકો કહે છે કે, નવાઝ શરીફની સરકાર મજબૂર છે અને પાકિસ્તાન લશ્કર પર તેમની સરકારનો કોઈ કાબૂ નથી. જો ખરેખર આવું હોય તો ભારત સરકારે પણ સ્વતંત્રતા દિન નિમિત્તે ભારતીય લશ્કરના જવાનોને થોડી ઘણી સ્વતંત્રતા આપવી જોઈએ.

હજુ જાન્યુઆરી મહિનામાં જ પાકિસ્તાન લશ્કરના જવાનો બે ભારતીય જવાનોની હત્યા કરીને એકનું માથું પોતાની સાથે લઈ ગયા હતા. આ ઘટના બાદ પણ રાજકારણીઓએ નિર્લજ્જ રાજકીય નિવેદનબાજી કરી હતી અને લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે એસએમએસની મદદથી રાજકારણીઓ સામે રોષ ઠાલવ્યો હતો. સામાન્ય નાગરિક તો ફક્ત રોષ ઠાલવી શકે છે પરંતુ હવે પાકિસ્તાન કે ચીન સરહદને લગતી બહાદુરીભરી નીતિ ઘડવાનું કામ રાજકારણીઓએ કરવાનું છે. સંરક્ષણ મંત્રી એ. કે. એન્ટનીએ પાંચ જવાનોની હત્યા પછી ઘટનામાં ઊંડે જવાની પણ તસ્દી ના લીધી અને નિવેદન ફટકારી દીધું કે, પાકિસ્તાન લશ્કરના વેશમાં આવેલા કેટલાક લોકોએ આ કૃત્ય કર્યું છે, પરંતુ આ નિવેદન સામે હોબાળો થતાં તેમણે હંમેશાંની જેમ ફેરવી તોળ્યું. જો તેમને આ ઘટનાની પૂરતી જાણકારી ન હતી તો સંરક્ષણ મંત્રીના નાતે સત્તાવાર નિવેદન કરીને વ્યૂહાત્મક સ્તરે ભારતને હાર અપાવવાની જરૂર ન હતી.


ઈતિહાસ સાક્ષી છે કે, ભારતના રાજકારણીઓએ ક્યારેય પરવા નથી કરી કે તેમના રાજકીય અને મૂર્ખતાપૂર્ણ નિવેદનોથી સરહદની રક્ષા કરતા જવાનોના મનોબળ પર કેવી અસર પડશે! સંરક્ષણ મંત્રી એ.કે. એન્ટનીએ કદાચ એવું કહ્યું હોત કે, આ કૃત્ય પાકિસ્તાનના લશ્કર સિવાય કોઈનું હોઈ જ ના શકે, તો આવો હોબાળો જ ના થાત. પરંતુ આવું નાનું સરખું નિવેદન કરવાની પણ આપણા નેતાઓમાં હિંમત નથી. કારણ કે, પાકિસ્તાન સરકારને ખોટું લાગી જાય એનો આપણા રાજકારણીઓને ડર લાગે છે, પરંતુ આપણા જવાનોના મનોબળનું જે થવું હોય તે થાય. વળી, રાજકારણીઓએ ભારતીય લશ્કરના હાથ પણ બાંધી રાખવા છે. પાકિસ્તાન કે ચીન સામેની લડાઈમાં વ્યૂહાત્મક રીતે માર ના ખાવો ના પડે એ માટે આપણે ધરખમ નીતિવિષયક ફેરફારોની જરૂર છે. કારણ કે, 21મી સદીના યુદ્ધો શસ્ત્રોથી ઓછા અને નીતિઓથી વધુ લડાય છે. કમનસીબી એ છે કે, આધુનિક યુદ્ધોમાં સરહદ પર જવાનો મરતા હોવા છતાં એકબીજા સાથે વેપારી સંબંધો તો જાળવી જ રાખવા પડે છે.

નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ સુધીર સખુજા કાઉન્ટર ઈન્સ્યોર્જન્સી (આતંકવાદીઓ સામે વળતો પ્રહાર કરવાની કળા) અને બોર્ડર મેનેજમેન્ટનો અનેક વર્ષોનો અનુભવ ધરાવે છે. કર્નલ સખુજાએ નવી દિલ્હીમાં ભારતીય લશ્કરના પ્રવક્તા તરીકે પણ પાંચ વર્ષ સુધી હોદ્દો સંભાળ્યો હતો. આ ઘટના પછી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, “એ. કે. એન્ટનીએ સંસદમાં આપેલું પહેલું નિવેદન ભારત સરકાર અને લશ્કર બંનેની વિશ્વસનિયતા સામે તરાપ છે.” જોકે, આવુ કંઈ પહેલીવાર નથી થયું. ભારતના રાજકારણીઓ એટલા ડરપોક છે કે પાકિસ્તાન અને ચીન દ્વારા સરહદના નીતિનિયમોના સતત ઉલ્લંઘન તેમજ ઘૂસણખોરીને પણ હંમેશાં છુપાવવાનો પ્રયાસ કરે છે. જોકે, પાંચ જવાનોની ક્રૂર હત્યા જેવા બનાવ થાય ત્યારે મીડિયાનું ધ્યાન તેના પર જાય છે. પરંતુ સરહદો પર પાકિસ્તાન અને ચીનની સતત જોહુકમીથી ત્રાસેલા ભારતીય લશ્કરમાં પણ હવે નવી નીતિ ઘડવા માટેની માગે જોર પકડ્યું છે.

ખાટલે મોટી ખોડ ક્યાં છે, એ જાણવા માટે થોડો ઈતિહાસ તપાસીએ. આઝાદી વખતથી લશ્કરની ત્રણેય પાંખનું સીધું નિયંત્રણ ભારત સરકારના હાથમાં છે. જોકે, ભારતના મોટા ભાગના રાજકારણીઓને લશ્કરી બાબતો સાથે બહુ લેવાદેવા નથી હોતી. આ રાજકારણીઓના કોઈ પણ ભોગે શાંતિ-મંત્રણા આગળ ધપાવ્યે રાખવાના વલણે પણ ભારતીય લશ્કરના મનોબળ પર કુઠારાઘાત કર્યા છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો ‘મેન ઈન યુનિફોર્મ’ તરફનો અણગમો જગજાહેર હતો. નવાઈની વાત તો એ છે કે, અહિંસક રાષ્ટ્ર તરીકે નહેરુનો વિચાર હતો કે, ભારતીય લશ્કરને વિખેરી નાંખવું જોઈએ અને લોકોની સુરક્ષા માટે તો પોલીસ જ પૂરતી છે. જોકે, આવો વિચાર કરીને નહેરુ બેસી નહોતા રહ્યા પરંતુ સપ્ટેમ્બર, 1947માં તેમણે લશ્કરી જવાનોનું સંખ્યાબળ બે લાખ એંશી હજારથી ઘટાડીને દોઢ લાખ કરવાનો નિર્ણય પણ લીધો હતો. આ દરમિયાન કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથેની અથડામણો પણ જારી હતી. એટલું જ નહીં, એ વખતે ચીનની જમીનની ભૂખના નાપાક ઈરાદાથી પણ આપણા રાજકારણીઓ પૂરતા વાકેફ હતા. આમ છતાં, વર્ષ 1951 સુધીમાં નહેરુ ભારતીય લશ્કરનું સંખ્યાબળ 50 હજાર સુધી લઈ જવા ઈચ્છતા હતા.

બ્રિટિશ લેફ્ટનન્ટ જનરલ સર ફ્રાન્સિસ રોબર્ટ રોય બુચર વર્ષ 1949 સુધી ભારતના કમાન્ડ ઈન ચીફ હતા. તેમના પછી ભારતમાં સૌથી સિનિયર લશ્કરી અધિકારી ફિલ્ડ માર્શલ કે. એમ. કરિઅપ્પા હતા. વર્ષ 1947-48માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં કરિઅપ્પાએ જોરદાર દેખાવ કર્યો હતો. આમ છતાં, નહેરુ આવા બહાદુર લશ્કરી અધિકારીને નહીં પણ તેમના જુનિયર એવા જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજી જાડેજાને કમાન્ડર-ઈન-ચીફનો હોદ્દો આપવા માગતા હતા, પરંતુ તેમણે આ હોદ્દો સ્વીકારવાનો ઈનકાર કરતા નહેરુએ અનિચ્છાએ કરિઅપ્પાની લશ્કરી વડા તરીકે નિમણૂક કરવી પડી હતી. નહેરુના લશ્કર પ્રત્યેના છુપા અણગમાનો લાભ લઈને ભારતીય અમલદારોએ મે, 1952માં લશ્કરી વડા મથકોને સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી ઓફિસ (એટેચ્ડ) તરીકે જાહેર કરી હતી. આ નાનકડી જાહેરાતના કારણે વિવિધ લશ્કરી વડા મથકોને નાની-મોટી નીતિઓ ઘડવાની જે સત્તા હતી તે પણ આપોઆપ દૂર થઈ ગઈ.

એક મત મુજબ, વર્ષ 1962માં ચીની લશ્કર સામે થયેલી ભારતની હાર માટે પણ આવી કેટલીક નીતિઓ જ જવાબદાર હતી. એ વખતે પણ તત્કાલીન લશ્કરી વડા કે.એસ. થિમય્યાએ નહેરુ અને સંરક્ષણ મંત્રી ક્રિષ્ન મેનનને ચીનની ઘૂસણખોરી મુદ્દે અગાઉથી ચેતવણી આપી હતી. પરંતુ આ ચેતવણીને ગંભીરતાથી ના લેવાઈ અને તેનું ફળ આજે પણ આપણે ભોગવી રહ્યા છીએ. આ ઉપરાંત લશ્કરી વડાની નિમણૂકમાં પણ વિવિધ સરકારો ઘોર બેદરકારી દાખવી ચૂકી છે. કારણ કે, મોટા ભાગના રાજકારણીઓને લશ્કરના કામકાજની ગંભીરતાનો ખ્યાલ નથી હોતો. જશવંતસિંહ જેવા અપવાદને બાદ કરતા સંરક્ષણ મંત્રીઓને પણ લશ્કરના મૂળભૂત માળખા કે તેની કાર્યપદ્ધતિની પૂરતી જાણ હોતી નથી. આ સ્થિતિમાં તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય? કદાચ આ અપેક્ષા વધારે પડતી હોય તો પણ એટલી અપેક્ષા તો રાખી જ શકાય કે, આ હોદ્દા પર બેઠેલા મંત્રી લશ્કરી વડા પાસે સલાહ-સૂચનો લેવા માટે આતુર હોવા જોઈએ.

પરંતુ આપણા સંરક્ષણ મંત્રીઓ મોટે ભાગે અમલદારો (બ્યુરોક્રેટ્સ) પર વિશ્વાસ રાખીને જ નિર્ણયો લે છે. આ અમલદારો લશ્કરી બાબતોના નિષ્ણાત તેમજ સરહદો પર ખડે પગે ફરજ બજાવતા જવાનોની લાગણી સમજી શકે એટલા સંવેદનશીલ નથી હોતા. આ ઉપરાંત ભારતમાં ફક્ત એક જ સંરક્ષણ સચિવ ત્રણેય લશ્કરી વડાઓની વાતચીત સાંભળે છે, તેમની મુશ્કેલીઓ જાણે છે અને વિવિધ બાબતો સંરક્ષણ મંત્રી સુધી પહોંચાડે છે. આમ લશ્કરી વડા અને રાજકારણીઓને સાંકળતી ચેઈનમાં આ અમલદાર સૌથી મહત્ત્વનો હોદ્દો ભોગવે છે. આ ચેઈનમાં સ્પેશિયલ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર અને ડેસ્ક પરના અધિકારીઓનો સમાવેશ કરી શકાય. આ અધિકારીઓ પૈકી રેન્ક પ્રમાણે નીચેનો હોદ્દો ધરાવતા અધિકારીઓ લશ્કરના કોઈ પણ અધિકારીની સરખામણીમાં ટેકનિકલી વધુ ‘શક્તિશાળી’ હોય છે. ભારતીય લશ્કરના ઉચ્ચ અધિકારીઓને વિવિધ મુદ્દે નિર્ણયો લેવા અને મંજૂરી મેળવવા આ અધિકારીઓ પર આધાર રાખવો પડે છે.

એટલું જ નહીં, આ અધિકારીઓના નિર્ણય ‘પથ્થર કી લકીર’ જેવા હોય છે અને કર્નલ સ્તરની બઢતી પણ ‘સરકારી’ મંજૂરી વિના શક્ય નથી હોતી. આ ઉપરાંત લશ્કર માટે મહત્ત્વનો સાધન-સરંજામ ખરીદવા માટે મોકલેલી ફાઈલો પણ મંથર ગતિએ આગળ વધે છે. આટલું ઓછું હોય એમ અર્જન્ટ ઓપરેશન માટે જરૂરી હોય એવું બજેટ પાસ કરવામાં નાણાં ખાતું રોડા નાંખતું રહે છે. લશ્કરની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે લશ્કરી અધિકારીઓએ ત્યાં કાર્યરત સરકારી અધિકારીઓ સામે પણ ઘૂંટણિયે પડવું પડે છે. આપણું નસીબ એટલું સારું છે કે, ભારતીય લશ્કર પર હજી રાજકારણ હાવી થયું નથી. પાકિસ્તાની લશ્કરનો દાખલો આપણી નજર સામે છે. પાકિસ્તાનમાં સ્થાપિત હિતો લશ્કરની મદદથી ગમે ત્યારે સત્તા પોતાના હાથમાં લઈ લે છે. ભારતીય લશ્કરના વડાઓ રાજકીય મહત્ત્વાકાંક્ષાઓથી દૂર રહ્યા છે અને આ હોદ્દાનું ગૌરવ જાળવી રાખ્યું છે.

આમ છેલ્લાં 60 વર્ષથી રાજકારણ અને અમલદારશાહીએ ભારતીય લશ્કરનો ભરડો લીધો છે. આજ સુધી એક પણ સરકારે ભારતીય લશ્કર અને અમલદારશાહી વચ્ચેનું અંતર ઘટાડવાના પ્રયાસ કર્યા નથી. આવી તમામ મુશ્કેલીઓને નિવારવા વિકસિત દેશોમાં સંરક્ષણ મંત્રી હોવા છતાં લશ્કરી વડા જ વડાપ્રધાનના સ્ટ્રેટેજિક એડવાઈઝર હોય છે. આ હોદ્દે રહેલી વ્યક્તિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) તરીકે ઓળખાય છે. આ માળખાના વિરોધી લોકોની દલીલ છે કે, આમ કરવાથી ઉચ્ચ લશ્કરી અધિકારીઓમાં રાજકીય મહત્ત્વાકાંક્ષા વધી શકે છે. આ દલીલ કરનારા પણ મોટે ભાગે અમલદારો જ છે. પરંતુ હવે ભારતીય લશ્કરને ખરા અર્થમાં ‘સ્વતંત્ર’ કરવાનો સમય પાકી ગયો છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.

No comments:

Post a Comment