06 August, 2013

ફેસબુકની સફળતાનું વૈજ્ઞાનિક રહસ્ય


આજની ઝડપી જીવનશૈલીમાં એકબીજા સાથે સંપર્કમાં રહેવા અને સંવાદ કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. થોડાં વર્ષો પહેલાં સુધી એકબીજા સાથે સંપર્કમાં રહેવાની ટેક્નોલોજી ટેલિફોન કે પેજર સુધી જ મર્યાદિત હતી. અત્યારે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે પણ હવેનો યુગ એક્સટ્રીમ ટેક્નોલોજીનો છે. જૂની ટેક્નોલોજીની મદદથી એકબીજાના સંપર્કમાં રહેતા લોકોનો પરસ્પરનો સંપર્ક મર્યાદિત હતો અને તેઓ એકબીજાની સામે બેસીને વાત કરતા હોય એવી અનુભૂતિ નહોતા કરી શકતા, પણ ઈન્ટરનેટ યુગે આવી મર્યાદા મિટાવી દીધી છે. ઈન્ટરનેટને પગલે લોકો એકબીજા સાથે ઈ-મેઈલથી જોડાવા લાગ્યા અને ટેલિફોનિક વાતચીત માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થવા લાગ્યો. ત્યાર પછી સોશિયલ નેટવર્કિંગનો જમાનો આવ્યો. આજે પણ ઈ-મેઈલનો વ્યાપક ઉપયોગ થાય છે
, પરંતુ એકબીજાની દુનિયામાં ડોકિયું કરવા માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટનો વિચાર કારગર નીવડ્યો. કારણ કે, આ ટેક્નોલોજી ઈ-મેઈલ કરતા અનેક રીતે જુદી અને વિશિષ્ટ છે. આ જુદાપણું કે વિશિષ્ટતા જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની સફળતાનું રહસ્ય છે.

દુનિયાભરની તમામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં ફેસબુક એ બીજા કરતા વિશિષ્ટ અને આગવું પ્લેટફોર્મ છે. ઈ-મેઈલની મદદથી આપણે એકબીજા સાથે સંવાદ જ કરી શકીએ છીએ. પરંતુ ફેસબુક, ટ્વિટર, ઓર્કુટ, જી પ્લસ, પિન્ટરેસ્ટ, માય સ્પેસ, ઈન્સ્ટાગ્રામ, ટમ્બલર, ફિડ, લિંક્ડઈન અને ફ્લિકર જેવી જાતભાતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ અસ્તિત્વમાં આવી એ પછી લોકોનો એકબીજા સાથેનો સંવાદ વધુ મજબૂત થયો છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ગામના ચોરે કે ચ્હાની કિટલી પર થઈ શકે એવો સંવાદ પણ શક્ય છે. કારણ કે, આ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલીને એક સાથે હજારો લોકોને પોતાની માહિતી આપી શકાય છે, વિચારો અભિવ્યક્ત કરી શકાય છે, નિવેદન કરી શકાય છે, પોતાના કે બીજાના વીડિયો અને ફોટોગ્રાફ્સ શેર કરી શકાય છે તેમજ વ્યક્તિગત કે સામૂહિક ચેટિંગ પણ કરી શકાય છે. વળી, આ તમામ સંવાદ વખતે સોશિયલ નેટવર્કિંગનો યુઝર બીજા યુઝરની પ્રોફાઈલમાં જઈ તેના વિશે જાણી શકે છે અને તેની તસવીર પણ જોઈ શકે છે. એટલે જ આ સંવાદ ઈ-મેઈલના સંવાદ કરતા થોડો વધુ નજીકથી થતો હોવાની અનુભૂતિ કરી શકાય છે.


અમેરિકાના કેલિફોર્નિયામાં સાઓ પાઉલોમાં આવેલા ફેસબુક હેડક્વાર્ટરમાં મૂકાયેલી
આ ફેસબુક વૉલ પર કર્મચારીઓ-મુલાકાતીઓ ‘અપડેટ’ મૂકી શકે છે

જોકે, બધી જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં આવી અનુભૂતિ થાય એ જરૂરી નથી, પરંતુ એટલું કહી શકાય કે ફેસબુક આવો અનુભવ ચોક્કસ કરાવે છે. સામાન્ય રીતે, કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટમાં એક હદ પછી નેટવર્ક વિકસી શકતું નથી, પરંતુ ફેસબુક નેટવર્કની રીતે પણ આ બધાથી અલગ પડે છે. નેટવર્કિંગની આ મર્યાદા ટેકનિકલ ભાષામાં બ્રેકપોઈન્ટતરીકે ઓળખાય છે. ઈનોવેશનની ખેરખાં ગણાતી ગૂગલ જેવી કંપનીના સોશિયલ પ્લેટફોર્મ ઓર્કુટથી લોકો કંટાળી ગયા, પરંતુ ટેક્નોલોજિસ્ટોનું માનવું છે કે ફેસબુક સાથે આવું થવાની શક્યતા નહીંવત છે અને એ પાછળનું સૌથી મહત્ત્વનું કારણ છે ફેસબુકની નેટવર્કિંગ સ્ટાઈલ. આ વાત આપણે મગજના ઉદાહરણથી સમજીએ. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તેના મગજમાં મજ્જાતંતુઓ અને તેમના એકબીજા સાથે જોડાણ થવાની પ્રક્રિયા વિકસવાનું ચાલુ થાય છે અને બાળક પુખ્ત થતા તે બુદ્ધિમાન થઈ ગયો હોય છે. અહીં બુદ્ધિમતાનો અર્થ પ્રાથમિક બુદ્ધિને લગતો લેવાનો છે. જે બાળકમાં આ પ્રક્રિયા ધીમી હોય કે અમુક હદ પછી અટકી ગઈ હોય તે માનસિક બીમારીનો ભોગ બને છે. એવી જ રીતે, મોટા ભાગની સોશિયલ નેટવર્કિંગ સાઈટ પુખ્ત થતા સુધીમાં બીમાર પડી જાય છે, એટલે કે તેનો પણ બ્રેકપોઈન્ટ આવી જાય છે.

ઈન્ટરનેટ વીસમી સદીની સૌથી મોટી ટેક્નોલોજિકલ ક્રાંતિ કહેવાય છે અને એક અંદાજ મુજબ હવેના 100 વર્ષ સુધી અનેક ઈનોવેશનોનો ડ્રાઈવિંગ ફોર્સઈન્ટરનેટ ટેક્નોલોજી રહેશે. ત્યાર પછી કદાચ એનો પણ બ્રેકપોઈન્ટ આવી શકે છે. પરંતુ ફેસબુકના સોફ્ટવેરની રચના એવી છે કે તેનો બ્રેકપોઈન્ટ ઘણો મોડો આવશે. કારણ કે, ફેસબુકમાં મિત્રો બનાવવાની મર્યાદા હોવા છતાં કોઈ પણ યુઝર પોતાનું નેટવર્ક વધુને વધુ મજબૂત કરી શકે છે. ફેસબુક સિવાય એક પણ સાઈટ તેના યુઝર્સને આટલો સંતોષ આપી શકતી નથી. જોકે એક મત મુજબ વ્યાપક નેટવર્કના કારણે પણ અનેક લોકો ફેસબુકથી કંટાળો અનુભવી શકે છે. ફેસબુકમાં એક ઓળખીતી વ્યક્તિના ઓળખીતા લોકો સાથે નેટવર્કિંગ બનાવવાનો વિકલ્પ અપાયો છે. પરંતુ તમામ વ્યક્તિ એકબીજા સાથે જોડાઈ જાય એ વૈજ્ઞાનિક રીતે શક્ય નથી અને એ જ કદાચ ફેસબુકની તાકાત છે.

ફેસબુકની મદદથી કોઈ પણ વ્યક્તિ ડુનબાર નંબર (Dunbar’s Number) સુધી પહોંચી શકે છે. સાદી ભાષામાં કહીએ તો તમે તમારા ઓળખીતા લોકોને ઓળખતા તમામ લોકો સાથે સંબંધ વિકસાવી શકો છો. પરંતુ આ નેટવર્કની પણ એક હદ હોય છે તે વૈજ્ઞાનિક ભાષામાં ડુનબાર નંબર કે લિમિટ તરીકે ઓળખાય છે. આ થિયરીના પ્રણેતા બ્રિટિશ નૃવંશશાસ્ત્રી (એન્થ્રોપોલોજિસ્ટ) રોબિન ડુનબાર હતા અને એટલે જ તેમની અટક પરથી આ થિયરી ડુનબાર લિમિટતરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ ચોક્કસ સંખ્યામાં જ લોકો સાથે સ્થિર સંબંધ રાખી શકે છે અને તે વૈજ્ઞાનિક ગણતરીના આધારે જ રોબિન ડુનબારે આ થિયરી શોધી હતી. તાજા આંકડા પ્રમાણે કુલ ફેસબુક યુઝર્સના સરેરાશ મિત્રો ફક્ત 262 છે અને આટલો ઓછો આંકડો હોવા છતાં પણ મોટા ભાગના ફેસબુક યુઝર્સ પોતાના તમામ ફેસબુક મિત્રો સાથે સ્થિર સંબંધ વિકસાવી શકતા નથી.

નવાઈની વાત તો એ છે કે, હવે ફેસબુક કંપની પોતે જ આ નિરંકુશ વિકાસ અટકાવવા પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે જ ફેસબુકે નોટિફિકેશન સિસ્ટમમાં ધરખમ ટેકનિકલ ફેરફારો કરીને યુઝર્સને ઓછામાં ઓછા અને લાગતા-વળગતા જ નોટિફિકેશન મળે એવી પદ્ધતિ અમલી કરી છે. જો તમે ફેસબુક યુઝર હશો તો તમને ખ્યાલ હશે કે ફેસબુક તમને એવી જ વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાની ભલામણ કરશે જેને તમે ઓળખતા હશો, તમારા નજીકના મિત્રોનો જેમની સાથે વધુ સંવાદ હશે અથવા તો તેઓ તમારા ક્ષેત્ર સાથે સંકળાયેલા હશે. અહીં નજીકના મિત્રોનો અર્થ ફેસબુક પર તમારો સંવાદ જેમની સાથે વધુ હશે, એ અર્થમાં લેવાનો છે. પરંતુ અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના સોફ્ટવેરે હજુ પણ આ સુધારા કર્યા નથી કે કરી શક્યા નથી. જેમ કે, માય સ્પેસ પર તમને દર અઠવાડિયે એવી વ્યક્તિઓની ફ્રેન્ડ્સ રિકવેસ્ટ કરશે જેની સાથે તમારો દૂર દૂર સુધી સંબંધ નહીં હોય. પરંતુ ફેસબુક એવી વ્યક્તિઓની ભલામણ નહીં કરે. યાદ રાખો, અહીં સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા કરાતી પીપલ યુ મે નોપ્રકારની ફ્રેન્ડ રિકવેસ્ટની વાત છે, સાઈટ પર જઈને વ્યક્તિગત રીતે મોકલાતી રિકવેસ્ટની નહીં.

આમ ફેસબુક નેટવર્કનું પણ નેટવર્કછે અને એટલે જ તે અગાઉની કે અત્યારની કોઈ પણ સાઈટ કરતા સોશિયલ મીડિયાનું મજબૂત માધ્યમ બની શક્યું છે. વળી, ફેસબુકમાં વર્કપ્લેસ, રીજન, હાઈસ્કૂલ કે કોલેજ એમ ઘણાં બધા નેટવર્ક બનાવી શકાય છે અને આ બધા નેટવર્ક સાથે ખૂબ સરળતાથી સંપર્કમાં રહી શકાય છે. આ તમામ નેટવર્ક કે તેના કોઈ પણ સભ્યોને એકબીજા સાથે વર્ચ્યુઅલ ઓળખાણ પણ કરાવી શકાય છે. આ સભ્યો અપડેટ્સ મૂકીને અથવા તો ખાસ પેજ બનાવીને પણ કોઈ કાર્યક્રમની જાણ કરી શકે છે અને એકબીજાને આમંત્રિત કરી શકે છે. એટલે કે, વાસ્તવિક દુનિયામાં હળવા-મળવા માટે પણ ફેસબુક ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું છે. આ સમગ્ર નેટવર્ક મગજના મજ્જાતંતુઓ જેવું છે, જે તેના સબ નેટવર્કના તમામ મજ્જાતંતુઓ સાથે જોડાયેલા હોય છે.

એટલું જ નહીં, ફેસબુક યુઝર્સને મિત્રો બનાવવાની અને અનફ્રેન્ડના રૂપમાં મિત્રને મિત્ર નહીં રાખવાની પણ સુવિધા આપે છે. ફેસબુકમાં અનસબસ્ક્રાઈબ ફ્રોમ અપડેટ્સ, નોટિફિકેશન કે ચોક્કસ મિત્રોને બ્લોક કરવાની પણ સુવિધા છે. આ ઉપરાંત બીજી કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ કરતા ફેસબુક વધુ યુઝર ફ્રેન્ડ્લી છે. સામાન્ય રીતે એવું થતું હોય છે કે, કોઈ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બ્રેકપોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી તેનો ઉપયોગ કરનારા ઘટી ગયા હોય છે, પરંતુ ફેસબુક આ સ્થિતિમાંથી પસાર થઈ ગયું હોવા છતાં તેને હજુ સુધી કોઈ મુશ્કેલી પડી નથી.

વિપરિત સંજોગોમાં મોબાઈલ કામ લાગ્યો

સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ કે એપના વિકાસમાં સ્માર્ટફોનની ક્રાંતિએ પણ ચિનગારીનું કામ કર્યું છે. આજે વિશ્વભરમાં કમ્પ્યુટર અને મોબાઈલ ફોનમાં સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરીકે પણ સૌથી વધુ ઉપયોગ ફેસબુક એપનો જ થાય છે. આ માટે બે કારણો જવાબદાર છે. પહેલું, ફેસબુક એ પહેલી કંપની છે જેણે બેઝિક મોબાઈલ ફોન માટે પણ જાવા આધારિત ફેસબુક એપ વિકસાવ્યું છે. કદાચ એટલે જ આજે 100 મિલિયનથી પણ વધુ મોબાઈલ ફોનમાં ફેસબુક એપનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજું કારણ અત્યંત રસપ્રદ છે અને આ વાત પણ આપણે મગજના ઉદાહરણ પરથી સમજીશું. મગજમાં મજ્જાતંતુઓના એકબીજા સાથે જોડાવાની પ્રક્રિયાની પણ એક મર્યાદા હોય છે. તેથી આ પ્રક્રિયા જ્યારે બ્રેકપોઈન્ટ પર પહોંચી જાય છે ત્યારે મગજ નેટવર્ક મજબૂત કરવા કેટલાક મજ્જાતંતુઓને મારી નાંખે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં સેલ્યુલર સુસાઈડ કહેવાય છે. આ દરમિયાન મગજ બિનજરૂરી જોડાણો દૂર કરી દે છે અને સારા જોડાણો વધુ મજબૂત બનાવે છે. આ સ્થિતિમાં મગજ વધુ મજબૂત બને છે. પરંતુ ફેસબુક સાથે પણ આમ થયું છે. ફેસબુકે તેના મોબાઈલ વર્ઝન લૉન્ચ કર્યા ત્યારે ફેસબુક યુઝર્સ તેમના માટે સૌથી મહત્ત્વના લોકો સાથે જ વધુ સારી રીતે સંપર્કમાં રહી શકે એ વાતનું ધ્યાન રાખ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આવું કરવાનો ફેસબુકની ઈચ્છા ન હતી, પરંતુ તેની મજબૂરી હતી. કારણ કે, નાનકડા મોબાઈલમાં ફેસબુક તેના યુઝર્સને તમામ સુવિધા આપવા માગતી હતી. પરિણામે વર્ષ 2012માં ફેસબુક યુઝર્સે મોબાઈલ પર મહિનામાં સરેરાશ સાત કલાક અને કમ્પ્યુટર પર છ કલાક વીતાવ્યા હતા. આમ મોબાઈલ ફેસબુકિંગના રૂપમાં વધારાના તાંતણા કપાઈ જતા મગજની જેમ ફેસબુક પણ અગાઉથી વધુ મજબૂત બની શક્યું છે.  

2 comments:

  1. હવે ખ્યાલ આવ્યો કે શા માટે ફેસબુક વધુને વધુ ફેવરિટ બનતું જાય છે. ફેસબુક તો ઘણા લોકો ઘણા સમયથી વાપરે છે.. પરંતુ તેની વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.. અને આટલી જટિલ ટેકનિકલ માહિતીને આટલી સરસ અને સરળ ભાષામાં સમજાવવી અને આર્ટિકલ સ્વરૂપે લખવી એ કાબિલેદાદ છે.. વાહ વિશાલ.. લેખનના બ્રેક અપ પોઇન્ટને ઓળંગીને લેખનને વધુ સરળ બનાવવા માટે તારે પણ ફેસબુક અને દિમાગની જેમ જટિલ કવાયત કરવી પડી હશે જ.. બ્રેવો મેન.. મોર ધેન સુપર્બ..

    ReplyDelete
    Replies
    1. તમારી તો કમેન્ટ્સ પણ કાબિલેદાદ છે :-)

      Delete