17 August, 2013

શું માણસ આપોઆપ સળગી શકે ખરો?


તાજેતરમાં સમાચાર હતા કે, તામિલનાડુના ચેન્નાઈ શહેરનો રાહુલ નામનો ફક્ત અઢી મહિનાનો બાળક શરીરમાં ગમે ત્યારે આગ લાગી જવાની વિચિત્ર બીમારીથી પીડાઈ રહ્યો છે. જોકે, આ પ્રકારની ઘટના જવલ્લે જ જોવા મળે છે અને મેડિકલની ભાષામાં તેને સ્પોન્ટેનિયસ હ્યુમન કમ્બશન-એસએચસી (Spontaneous Human Combustion) કહેવાય છે. જોકે, રાહુલના લોહી અને યુરિન સેમ્પલ સામાન્ય છે. તેથી કેટલાકને શંકા છે કે, આ કેસ બાળ અત્યાચારનો પણ હોઈ શકે છે. ખેર, તબીબોનું કહેવું છે કે રાહુલના શરીરમાં આપમેળે આગ લાગી હોય એ શક્ય નથી. પરંતુ વર્ષ 1995માં આ પ્રકારની બીમારી ધરાવતા લોકોની નોંધ કરવાનો પ્રયાસ થયો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લાં 300 વર્ષમાં આવા 200 કેસ નોંધાયા છે. જોકે, આવી ઘટનાને કોઈ બીમારી સાથે સાંકળવી જોઈએ કે નહીં એ મુદ્દે પણ વિજ્ઞાનીઓ એકમત નથી. આ રહસ્યમય ઘટના કેવી રીતે બને છે તે જાણવા વિજ્ઞાનીઓ છેલ્લાં ઘણાં સમયથી પ્રયાસ કરી રહ્યા છે.

આવી ઘટનામાં વ્યક્તિનું શરીર કોઈ પણ પ્રકારના બાહ્ય જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં આવ્યા વિના જ આગની જ્વાળાઓમાં લપેટાઈ જાય છે. અનેક વિજ્ઞાનીઓ એસએચસી નામની બીમારીનું અસ્તિત્વ નકારતા હોવા છતાં તેના ચોક્કસ પુરાવા આપી શકતા નથી. વળી, માનવ શરીરમાં લાગતી આ આગ સામાન્ય નથી હોતી. જેમ કે, અઢી મહિનાના રાહુલના શરીરમાં આગ લાગી ત્યારે તેના શરીરને દસ ડિગ્રી બર્ન જેટલું નુકસાન થઈ ચૂક્યું હતું. રાહુલને સતત બે અઠવાડિયા સુધી ઈન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવી પડી હતી અને અત્યાર સુધી રાહુલ ચાર વાર આગની લપેટમાં આવી ચૂક્યો છે. આવી ઘટના કેવી રીતે થાય છે તેના ચોક્કસ કારણો જાણવા મળ્યા નથી, પરંતુ આ બીમારીના અસ્તિત્વ સામે જ વિજ્ઞાનીઓએ ઘણાં વર્ષો સુધી શંકા સેવી હતી. આ ઉપરાંત કોઈ વ્યક્તિની બળી ગયેલી લાશ મળવી અને તેની આસપાસ જ્વલનશીલ પદાર્થના કોઈ નમૂના ન મળવા, એ પ્રકારની અનેક ઘટનાઓએ એસએચસી જેવું કંઈક હોઈ શકે છે એ માનવા અનેક વિજ્ઞાનીઓને મજબૂર કર્યા હતા.

વિશ્વના અનેક દેશોમાં આવા કેસ નોંધાયા એ પછી વિવિધ વિજ્ઞાનીઓએ આ રહસ્યની જુદી જુદી સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ દિશામાં સંશોધન કરી રહેલા મોટા ભાગના સંશોધકો એસએચસી માટે મિથેન વાયુને જવાબદાર ઠેરવે છે. આ થિયરીમાં માનતા લોકોનું કહેવું છે કે, માણસ જે કંઈ ખોરાક લે છે તે શરીરની અંદર મિથેન વાયુમાં પરિવર્તિત થાય છે. બાદમાં મિથેન વાયુ શરીરમાં રહેલા છિદ્રોમાંથી બહાર આવે છે અને કોઈ બાહ્ય સ્રોતના કારણે શરીરમાં આગ લાગે છે. આ બાહ્ય સ્રોત મીણબત્તી, સિગારેટ, સ્ટવ કે સિલ્કના કપડાં પણ હોઈ શકે છે. વર્ષ 1984માં એસએચસી બીમારીથી પીડાતા 30 દર્દીઓ પર સતત બે વર્ષ સંશોધનો કરીને તેના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરાયા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ દર્દીઓના શરીરમાં આગ લાગવાના ચોક્કસ કારણો હતા જ. એટલે કે, આ લોકો એવા કોઈ સ્રોતની નજીક હતા જેની મદદથી શરીરમાં આગ લાગવી સ્વાભાવિક હતી.

હોસ્પિટલના બિછાને પડેલો રાહુલ

એસએચસીને સમજાવતી આ સૌથી લોકપ્રિય થિયરી ગણાય છે. કારણ કે, મિથેન વાયુ પાચક રસોની મદદથી સળગી શકે છે. પરંતુ આ થિયરી પણ શંકાસ્પદ છે કારણ કે, એસએચસીના દર્દીઓમાં મિથેન વાયુના કારણે આગ લાગતી હોય તો તેમના આંતરિક અંગોને નુકસાન કેમ નથી થતું? આ અભ્યાસ મુજબ, આગ લાગવાના ચોક્કસ કારણો હતા એવું માની લઈએ તો પણ અનેક પ્રશ્નો ઊભા જ છે. જેમ કે, આ દર્દીઓના શરીરમાં મિથેનની સાથે એવી કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે જેથી આખું શરીર આગની લપેટમાં આવી જાય છે? શું આવી વ્યક્તિ માટે આગની નજીક જવું જોખમી હોય છે? જો રાહુલનું શરીર આપમેળે સળગવા માંડે એ શક્ય ના હોય તો એવું તો શું થયું કે તેની સાથે ચાર-ચાર વાર આવી ઘટના બની? જો રાહુલનો કેસ બાળ અત્યાચારને લગતો હોય તો એ વાત પણ ક્યાં સાબિત થઈ છે? આ મુજબના સવાલો શોધવાનો પ્રયાસ આજકાલનો નહીં પણ સદીઓથી થઈ રહ્યો છે.

કેટલાક સંશોધકો મિથેન વાયુને લગતી થિયરી ફગાવતા કહે છે કે, માનવ શરીરની સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી અથવા તો બાહ્ય જિયોમેગ્નેટિક ફોર્સ (ભૌગોલિક ચુંબકીય દબાણ)ના કારણે આવું થવાની સંભાવના વધુ છે. સાદી ભાષામાં કહીએ તો આપણે કેટલીકવાર એકાદ સેકન્ડ માટે કોઈ પણ બાહ્ય સ્રોતની ગેરહાજરીમાં પણ વીજળીનો ઝાટકો અનુભવીએ છીએ તેને સ્ટેટિક ઈલેક્ટ્રિસિટી કહેવાય છે. એવી જ રીતે, કેટલાક સંશોધકો માનવશરીર સળગી જાય એ માટે પાયરોટોન નામના અણુને જવાબદાર ઠેરવે છે. કારણ કે, આ અણુઓ અન્ય અણુઓ સાથે સંયોજન કરીને નાનકડો ધડાકો કરવા સક્ષમ હોય છે. પરંતુ માનવ શરીરમાં આવા કોઈ અણુ હોય છે તે વાત આજ સુધી પુરવાર થઈ શકી નથી. વર્ષ 2005 સુધી વિશ્વની એક પણ જર્નલમાં એસએચસીને લગતા યોગ્ય ખુલાસા થઈ શક્યા નથી. જો માનવ શરીર ખરેખર આપમેળે સળગી શકતું હોય તો એવી કઈ પ્રક્રિયા હોઈ શકે છે જે માણસને જીવતો સળગાવી દે છે?

અત્યાર સુધીના અનેક કેસોનો ઊંડો અભ્યાસ કર્યા પછી એવું તારણ કઢાયું છે કે, માનવ શરીર સળગી જવા પાછળ વિક ઈફેક્ટ-Wick Effect જવાબદાર હોઈ શકે છે. Wick શબ્દનો અર્થ દીવેટ થાય છે. વિક ઈફેક્ટ એ બીજું કંઈ નથી પરંતુ સિગારેટ, મીણબત્તી, અર્ધસળગેલા પદાર્થ કે અત્યંત ગરમ પદાર્થના સંપર્કમાં આવવાથી થતી પ્રક્રિયા છે. મીણબત્તી જ્વલનશીલ ફેટી એસિડમાંથી બનાવવામાં આવી હોય છે અને તેની વચ્ચે એક દીવેટ હોય છે. એવી જ રીતે, માનવ શરીર પણ ક્યારેક આવું વર્તન કરે છે અને માણસના વાળ કે કપડાં અચાનક દીવેટ જેવું કામ કરવા માંડે છે. જો માનવ શરીર સળગી જાય એટલું ગરમ થઈ જતું હોય તો સૌથી પહેલાં ખૂબ ધીમે ધીમે ચરબી ઓગળવાનું શરૂ થશે. એટલે કે, ચરબી મીણ જેવું કામ કરશે. આ પ્રક્રિયામાં શરીરના આંતરિક ભાગોને નુકસાન થાય એવી શક્યતા બહુ ઓછી છે. એટલું જ નહીં, ચરબી અંદરથી ઓગળતી હોવાના કારણે કપડાંને પણ નુકસાન નહીં થાય.

પરંતુ એસએચસીના મોટા ભાગના કેસમાં હાથ અને પગ પણ બળી ગયા હોય છે એનું શું? વિક ઈફેક્ટ થિયરીના સમર્થક વિજ્ઞાનીઓ પાસે આ વાતનો પણ જવાબ છે. આ અંગે તેઓ કહે છે કે, માનવ શરીરનો ઉપરનો હિસ્સો નીચેના હિસ્સા કરતા વધુ ગરમ હોય છે. જ્યારે આપણે સળગતી દીવાસળી પકડીએ છીએ ત્યારે કેટલીકવાર તેની ઝાળ ઝડપથી નીચેના છેડા સુધી આવે છે અને એનો રંગ બદલાઈ જાય છે. કારણ કે, દીવાસળીનો નીચેનો ભાગ ઉપરના ભાગ કરતા ઠંડો હોય છે. જો વિક ઈફેક્ટ લાંબો સમય ચાલે તો માનવ શરીરમાં પણ આવું થઈ શકે છે. આ ઉપરાંત આપોઆપ સળગી ગયેલા લોકો જે સ્થળે પડ્યાં હોય છે તેની દીવાલો કે છત પર કાળાં ડાઘ પણ જોવા મળતા હોય છે. આ અંગે વિક ઈફેક્ટના તરફદારોનું કહેવું છે કે, માનવ શરીરની ચરબી બળીને ધુમાડો થાય ત્યારે આવું થઈ શકે છે.

જોકે કેટલાક સંશોધકોએ એવું પણ તારણ રજૂ કર્યું છે કે, આપોઆપ સળગી જતા મોટા ભાગના લોકો ધુમ્રપાનની આદત ધરાવતા હતા. આમાંથી મોટા ભાગના લોકોનું મૃત્યુ થયું ત્યારે તેમના હાથમાં સિગારેટ, સિગાર કે પાઈપ હતી. આ ઉપરાંત તેમના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ પણ ઊંચુ હતું. આ કારણોસર તેઓ મુવમેન્ટ-રિસ્ટ્રિક્ટિંગ ડિસીઝ એટલે કે ઝડપથી હલનચલન નહીં કરી શકવાની બીમારીથી પીડાતા હતા. આ સંજોગોમાં તેઓ આગથી બચવા સ્ફૂર્તિ દાખવી ના શકે એવું પણ બની શકે છે. આ દિશામાં પણ ચોક્કસ સંશોધનો થવા જોઈએ. આ ઉપરાંત વિજ્ઞાનીઓએ ચકાસેલા અનેક કેસોમાં ગુનાઈત કૃત્યની સંભાવના પણ નકારી શકાય એમ નથી. ટૂંકમાં આ પ્રકારની ઘટનાઓ કે બીમારીના આજ સુધી ક્યારેય સંતોષજનક ખુલાસા થઈ શક્યા નથી.

આ બીમારીમાં ચાર્લ્સ ડિકન્સે પણ રસ લીધો હતો

ચાર્લ્સ ડિકન્સ
સ્પોન્ટેનિયસ હ્યુમન કમ્બશનની સૌથી પહેલી પ્રમાણિત નોંધ છેક વર્ષ 1663માં ડેનમાર્કના એનેટોમિસ્ટ (શરીરરચના વિજ્ઞાની) થોમસ બાર્થોલિને કરી હતી. તેમણે પેરિસની એક મહિલા નિદ્રાધીન હતી ત્યારે જ આપોઆપ કેવી રીતે સળગી ગઈ તેની વિસ્તૃત નોંધ કરી હતી. બાર્થોલિનના મતે, આ મહિલા ચટાઈ પર સૂઈ ગઈ હતી ત્યારે આપોઆપ સળગી ગઈ હતી અને ચટાઈને બિલકુલ નુકસાન થયું નહોતું. બાદમાં વર્ષ 1673માં ફ્રેન્ચ વિજ્ઞાની જોનાસ ડુપોન્ટે ‘દ ઈન્સેન્ડિસ કોર્પોરિસ હ્યુમેની સ્પોન્ટેનિસ’ નામે ફ્રેન્ચ ભાષામાં એસએચસી વિશેનો વિશ્વનો સૌથી પહેલો પ્રમાણિત ગ્રંથ તૈયાર કર્યો હતો. આ ગ્રંથમાં એ વખતના અનેક વિજ્ઞાનીઓએ રસ લીધો હતો. આ દરમિયાન આવા અનેક કેસ સામે આવ્યા હતા જેમાં દાવો કરાયો હતો કે, તે વ્યક્તિ આપોઆપ સળગી ગઈ છે અને તેના કપડાં કે આસપાસની ચીજવસ્તુઓ પર આગ લાગ્યાના કોઈ નિશાન ન હતા. પરિણામે એસએચસી નામનો કોઈ રોગ હોઈ શકે છે એવી શક્યતાને બળ મળ્યું હતું. ત્યાર પછી વિશ્વ વિખ્યાત બ્રિટિશ લેખક ચાર્લ્સ ડિકન્સે સાતમી ફેબ્રુઆરી, 1812થી નવમી જૂન, 1870 વચ્ચે વીસ હપ્તામાં લખેલી પ્રખ્યાત નવલકથા ‘બ્લિક હાઉસ’માં આ બીમારીનો ઉલ્લેખ કર્યો હતો. આ નવલકથામાં ક્રૂક નામનું એક પાત્ર હોય છે. દારૂ પીવાની આદત ધરાવતો ક્રૂક એસએચસીથી મૃત્યુ પામે છે. આ નવલકથાના કારણે લોકો એવું માનતા હતા કે, શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ વધી જાય તો માણસ આપોઆપ સળગી જઈ શકે છે.

No comments:

Post a Comment