09 August, 2013

ઈસ રાત કી સુબહ હોગી


હિન્દી ફિલ્મો જોઈને મોટા થયેલા લોકો બખૂબી જાણતા હોય છે કે, ભારતના રાજકારણીઓ પ્રામાણિકતાથી કામ કરતા અધિકારીઓની બદલી કરી નાંખે છે, ડરાવે-ધમકાવે છે કે પછી તેમને હેરાન-પરેશાન કરીને કે વારંવાર સસ્પેન્ડ કરીને તેમનું મનોબળ તોડી નાંખે છે. જોકે, જૂની હિન્દી ફિલ્મો વખતના અને અત્યારના જમાનામાં કંઈ ખાસ ફર્ક નથી પડ્યો એવું ઉત્તરપ્રદેશના સસ્પેન્ડેડ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દુર્ગા નાગપાલના કિસ્સાએ ફરી એકવાર સાબિત કરી નાંખ્યુ છે. રાજકારણીઓની કદમપોશી નહીં કરતા અને કડક હાથે કામ કરતા પ્રામાણિક અધિકારીઓની આપણા દેશમાં કેવી હાલ થાય છે તેનું સૌથી વાસ્તવિક ચિત્રણ હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે.

વર્ષ 2010ની બેચના ઉત્તર પ્રદેશ કેડરના 28 વર્ષીય આઈએએસ અધિકારી દુર્ગા નાગપાલ પર આરોપ છે કે, તેમણે રમઝાન માસ ચાલતો હોવા છતાં કોમી લાગણીઓની પરવા કર્યા વિના ઉત્તરપ્રદેશના કાદલપુર ગામની મસ્જિદની દીવાલ તોડી પડાવવાની ગંભીર ભૂલ કરી હતી અને તેમની આ ભૂલથી કોમી તણાવ સર્જાઈ શક્યો હોત. જોકે, બધા લોકો જાણે છે કે, કોમી તણાવ ફેલાવવાનું કામ અધિકારીઓ નહીં પણ રાજકારણીઓ કરતા હોય છે. વળી, આ આરોપો પણ પાયાવિહોણા સાબિત થઈ ગયા છે. હકીકત એ છે કે, દુર્ગા નાગપાલ ગૌતમબુદ્ધ નગરના રેત માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરતા હતા અને આ વાત ઉત્તરપ્રદેશના નરેન્દ્ર ભાટી જેવા સ્થાપિત હિતોને સતત ખૂંચતી હતી. નરેન્દ્ર ભાટી ઉત્તરપ્રદેશ એગ્રો કોર્પોરેશનના અધ્યક્ષ છે અને મીડિયાએ કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં તેઓ બડાઈ હાંકી રહ્યા હતા કે, તેમણે કેવી રીતે ફક્ત 41 મિનિટમાં જ દુર્ગા નાગપાલની બદલી કરાવી દીધી હતી.

દુર્ગા નાગપાલ

અશોક ખેમકા

આ વીડિયો ટેપ એ વાતની સાબિતિ છે કે, સ્થાપિત હિતો એક ઈમાનદાર અધિકારીને સજા આપવા માટે કેવી રીતે એક થઈ જાય છે. આ કેસમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને દુર્ગા નાગપાલના કિસ્સામાં તપાસ કરવાનું સૂચન કર્યું છે. પરંતુ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ અને મુખ્યમંત્રી અખિલેશ યાદવ સતત એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, દુર્ગા નાગપાલના સસ્પેન્શનનો નિર્ણય બિલકુલ યોગ્ય છે અને જે અધિકારી ગંભીર ભૂલ કરશે તેમને સજા થશે જ. કારણ કે તેઓ જાણે છે કે, દેશનો મોટા ભાગના રાજકીય પક્ષોના કબાટોમાં હાડપિંજરો ખખડી રહ્યા છે. આ મુદ્દે સમાજવાદી પક્ષના સિનિયર નેતા નરેશ અગ્રવાલે કોંગ્રેસને શાનમાં સમજાવી દીધું છે કે, “સોનિયા ગાંધીએ વધુ બે પત્રો લખવા જોઈએ. પહેલો, હરિયાણાના મુખ્યમંત્રી દ્વારા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી અશોક ખેમકા માટે અને બીજો રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારીઓ માટે...” કહેવાની જરૂર નથી કે, આ બંને કેસ કોંગ્રેસને પરેશાન કરી શકે છે. કારણ કે, આ બંને આઈએએસના સસ્પેન્શનમાં પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાનું હિત સમાયેલું છે. આ કેસ જમીનોના સોદાને લગતા છે.

હરિયાણા કેડરના 47 વર્ષીય આઈએએસ અધિકારી અશોક ખેમકાની 21 વર્ષની કારકિર્દીમાં 43 વાર બદલી થઈ ચૂકી છે. અશોક ખેમકા વર્ષ 1991ની હરિયાણા કેડરના આઈએએસ અધિકારી છે અને વર્ષ 2005થી અત્યાર સુધી ભૂપિન્દરસિંઘ હૂડા સરકારે જ તેમની 19 વાર બદલી કરી છે. તેમણે ઓક્ટોબર 2012માં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરા અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી કંપની ડીએલએફ વચ્ચેનો ગુરગાંવ જિલ્લાની એક જમીનનો રૂ. 58 કરોડનો સોદો રદ કર્યો હતો. તેમણે વર્ષ 2005 પછી વાડરાએ કરેલા ચાર જમીનના સોદામાં તપાસના પણ આદેશ આપ્યા હતા. ખેમકાએ એક પછી એક શંકાસ્પદ સોદાઓના તપાસના આદેશ આપતા જ હરિયાણા સરકારે હરિયાણા સીડ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેમની બદલી કરી દીધી હતી. પરંતુ ખેમકાએ અહીં પણ ફક્ત પાંચ મહિનાના કાર્યકાળમાં એક આંતરરાષ્ટ્રીય કંપની પાસેથી ફૂગનાશકની ખરીદીના કૌભાંડનો પર્દાફાશ કરતા તેમને તેમની લાયકાત કરતા પાંચ ગણો નીચેનો હોદ્દો આપી દેવાયો હતો. બીજી તરફ, રોબર્ટ વાડરાને તમામ કેસમાં ક્લિનચિટ આપી દેવાઈ છે. અશોક ખેમકાએ વિવિધ વિભાગોમાં ચાર-પાંચ દિવસથી લઈને આઠ મહિના અને ક્યારેક વધુમાં વધુ એક વર્ષ સુધી ફરજ નિભાવી છે.

પંકજ ચૌધરી 

ગગન બિહારી સ્વૈન

એવું નથી કે, કોઈ પ્રામાણિક અધિકારીની પહેલીવાર આવી રીતે કનડગત કરાઈ છે. પરંતુ આ કિસ્સો પણ દિલ્હીમાં પેરા-મેડિકલની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કારના કિસ્સા જેવો છે. દુર્ગા નાગપાલના કિસ્સાના કારણે જ અશોક ખેમકા અને રાજસ્થાનના આઈએએસ પંકજ ચૌધરીના કિસ્સા સપાટી પર આવ્યા છે. રાજસ્થાનના જેસલમેરના એસ.પી. પંકજ ચૌધરીએ કોંગ્રેસના વિધાનસભ્ય સાલેહ મોહમ્મદના પિતા અને સ્થાનિક નેતા ગાઝી ફકીરની ગુનાઇત કુંડળીની ફાઈલ ફરીવાર ખોલતા જ તેમની બદલી કરી દેવાઈ છે. નવાઈની વાત તો એ છે કે, ગાઝી ફકીરની ફાઈલ છેક વર્ષ 1965માં ઓપન કરાઈ હતી અને ત્યાર બાદ આ ફાઈલ વર્ષ 1984માં ગુમ થઈ ગઈ હતી. છેવટે વર્ષ 1990માં ફરીવાર આ ફાઈલ ખોલાઈ હતી અને મે, 2011માં એએસપી રેન્કના એક અધિકારીએ ફાઈલ બંધ કરી દીધી હતી. રાજસ્થાન પોલીસની વિવિધ નોંધ મુજબ, ગાઝી ફકીર છેલ્લાં બે દાયકાથી ભારત-પાકિસ્તાન સરહદે દાણચોરી અને અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. જોકે, પંકજ ચૌધરીએ પણ પ્રામાણિકતાની કિંમત ચૂકવી છે અને તેઓ કહે છે કે, “કોઈ હિસ્ટ્રી શીટર સામે કાર્યવાહી કરવાનો મને કોઈ પસ્તાવો નથી. મેં મારી ફરજ નિભાવી છે.”

આ તો દુર્ગા નાગપાલના કેસને લઈને સપાટી પર આવેલા કિસ્સાની વાત છે. પરંતુ ઈતિહાસ ગવાહ છે કે, આપણા દેશમાં ભ્રષ્ટ રાજકારણીઓએ નહીં પણ ઈમાનદાર અધિકારીઓએ જ સજા ભોગવવી પડી છે. હજુ જૂન, 2013માં જ ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આઈએએસ અધિકારી ગગન બિહારી સ્વૈનની લાશ ભુવનેશ્વર રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. તેઓ સ્ટેટ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. ગગન બિહારીએ તેમના પુત્રના લગ્નના ચાર દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી હતી. તેમના કુટુંબીજનોનું કહેવું હતું કે, તેઓ સતત બદલીના કારણે માનસિક તણાવમાં રહેતા હતા. ગગન બિહારીએ આત્મહત્યા કરી લીધી હતી કે પછી હત્યા કરીને તેમની લાશ રેલવે સ્ટેશન પર ફેંકી દેવાઈ હતી એ અંગે પણ યોગ્ય તપાસ થઈ નથી.

દમયંતી સેન

કે. શ્રીનિવાસન રેડ્ડી 

અરુણાચલ પ્રદેશના આઈપીએસ અધિકારી મયંક ચૌહાણે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમના રૂ. એક હજાર કરોડના કૌભાંડમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્ય, મંત્રીઓ અને અરુણાચલ પ્રદેશના કેટલાક આઈએએસ અધિકારીઓ સહિત 56 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આ અધિકારીનું ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અપહરણ કરાયું હતું એ ગાળામાં જ આઈએએસ અધિકારી અશોક ખેમકાની બદલીને લઈને મીડિયામાં વિવિધ અહેવાલો આવી રહ્યા હતા અને લોકોમાં રોષ હતો. પરિણામે મયંક ચૌહાણના કિસ્સામાં લોકો વધુ ગુસ્સે ભરાયા હતા. આમ છતાં, આઈપીએસ મયંક ચૌહાણ ઈટાનગરથી ટ્રકમાં તેમનો અંગત સરસામાન ભરીને નવી દિલ્હી જતા રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, રાજકીય માફિયાઓના ડરે તેઓ સરકારી કારના બદલે ટ્રકમાં મુસાફરી કરીને નવી દિલ્હી પહોંચ્યા હતા.

જ્યારે એપ્રિલ, 2012માં કોલકાતાના પોલીસ વિભાગની પહેલી મહિલા આઈપીએસ દમયંતી સેનની પાર્ક સ્ટ્રીટનો બહુચર્ચિત બળાત્કારનો કેસ ઝડપથી ઉકેલી નાંખવા બદલ બદલી કરી દેવાઈ હતી. ક્રાઈમ બ્રાંચમાં સંયુક્ત પોલીસ કમિશનરનો હોદ્દો ભોગવતા દમયંતી સેનને બળાત્કાર કેસ ઉકેલી દીધા પછી બરાકપોર પોલીસ તાલીમ વિભાગમાં ખસેડાયા હતા. નવાઈની વાત તો એ છે કે, આ કેસમાં પણ મમતા બેનરજીએ આ એક બનાવટી સ્ટોરી છે અને મારી સરકારને બદનામ કરવાનું કાવતરું છે, એ મતલબનું બેશરમ નિવેદન કર્યું હતું. એપ્રિલ, 2012માં આંધ્રપ્રદેશમાં પણ આવા જ એક પ્રામાણિક અધિકારી કે. શ્રીનિવાસન રેડ્ડીને કોસ્ટલ વિંગમાં બઢતી આપી દેવાઈ હતી. વિવાદોથી બચવા ક્યારેક રાજકારણીઓ બહુ નડતરરૂપ ના થાય એવી જગ્યાએ બઢતી આપીને પણ કાંટો દૂર કરી દે છે. એન્ટી કરપ્શન બ્યુરોમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ વિંગના વડા તરીકેની જવાબદારી સંભાળતા રેડ્ડીએ લિકર માફિયાઓને ધમરોળી નાંખ્યા હતા. રેડ્ડીએ લિકર માફિયાઓને સીધી કે આડકતરી રીતે સહકાર આપતા મંત્રીઓ, ધારાસભ્યો, આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સામે પુરાવા એકત્રિત કર્યા હતા.

યશવંત સોનવણે

જોકે, બધા રાજકારણીઓ એટલા નસીબદાર નથી હોતા કે તેમની બદલી કરી દેવાય. માર્ચ 2012માં બિહાર કેડરના આઈપીએસ નરેન્દ્રકુમારની ખાણ માફિયાઓએ હત્યા કરી નાંખી હતી. જ્યારે થોડા પાછળ જઈએ તો, જાન્યુઆરી, 2012માં માલેગાંવના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર યશવંત સોનવણેને ઓઈલ માફિયાઓએ જીવતા સળગાવી દીધા હતા. આ તો તાજેતરના ઈતિહાસની વાત થઈ, આ સિવાય પણ અનેક પ્રામાણિક અધિકારીઓ કે નાના કર્મચારીઓનો બદલી, ધાક-ધમકી અને ભ્રષ્ટાચારના ખોટા કેસો જેવા હથિયારોનો ઉપયોગ કરીને કાંટા કાઢી નાંખવામાં આવે છે તો કેટલાકની ખુલ્લેઆમ હત્યા કરી દેવાય છે. દરેક અધિકારીઓ કંઈ દૂધે ધોયેલા નથી હોતા એ દલીલ કરતા પહેલાં એ યાદ રાખવું જોઈએ કે, યુપીએસસી પાસ કરીને દેશસેવાના શમણાં સેવીને આવતા યુવાન અધિકારીઓને ભ્રષ્ટ કરવામાં રાજકારણ (વાંચો સિસ્ટમ) મહત્ત્વનું પરિબળ હોય છે. જોકે, જ્યાં સુધી આવા અધિકારીઓ હશે ત્યાં સુધી આ ઘોર અંધકારમાં પણ આશાનું કિરણ દેખાતું રહેશે.

ભ્રષ્ટ રાજકારણીઓ જેમની બદલી કરીને થાકી ગયા છે તે અશોક ખેમકાનું કહે છે કે, “હું સિસ્ટમનો હિસ્સો છું અને એમાં જ રહીશ. મારી સતત બદલીઓ થતી રહે એની મને બિલકુલ ચિંતા નથી.” તેમના કહેવાનો એવો અર્થ કરી શકાય કે, સિસ્ટમ બદલવા માટે સિસ્ટમનો હિસ્સો હોવું જરૂરી છે.

2 comments:

  1. નાગરિક, અધિકારી કે રાજકારણી.. ભલે પ્રતિજ્ઞા લેતા હોય.. પણ આ દેશમાં વફાદાર રહેવા માટે પણ સાલી કિંમત ચૂકવવી પડે છે... હોદ્દો સંભાળતી વખતે રાજકારણીઓ કે નોકરી જોઇન કરતી વખતે અધિકારી-કર્મચારીઓને વફાદારીના લેવડાવાતા શપથ બંધ કરાવી દેવા જોઇએ. કમ સે કમ.. શપથ અને પ્રામાણિકતા શબ્દની આબરૂ તો બચે.. રાજકારણમાં અડંગો જમાવીને બેઠેલા સફેદપોશ જંગલીવરૂઓ અને અજગરોએ સિસ્ટમ પોતાના વશમાં કરી લીધી છે... કોર્પોરેટ કંપની માટે રાતોરાત નિયમ બદલાઈ જાય... ચૂંટણી ટાણે ગરીબો માટે રાતોરાત મકાનો,જમીનો આપવાની (અ)નીતિ બની જાય.. (ગુજરાત વિધાનસભાની ચૂંટણી) .. શું કહેશો? આ એક એવો સંગ્રામ છે.. જે સતત ચાલતો રહેવાનો .. અહીં પ્રામાણિકતાથી અને સમાધાન વિના જીવવાનો મતલબ છે સતત લડાઈ.. સત્ય મેવ જયતે ભાગ્યે જ થાય છે.. બાકી દેખીતી રીતે તો શેક્સપિયરના નાટકની જેમ સફેદપોશ વરૂઓ જ (નેગેટિવ પાવર) જીતે છે અને પ્રામાણિક યોદ્ધાને પોતે પ્રામાણિક રહ્યાનો આનંદ રહે છે.. પ્રામાણિકતાનો મારગ છે કાંટાનો... નહીં કાયરનું કામ જોને... ઇસ રાત કી સુબહ હોગી.. સુપર્બ આર્ટિકલ

    ReplyDelete