02 August, 2013

સાંસદોને પગાર વધારાની જરૂર જ નથી!


આજે પણ પશ્ચિમી દેશોમાં સામાન્ય માણસોના મનમાં એવો ખ્યાલ હોય છે કે, ભારત મદારીઓ અને ચમત્કારોનો દેશ છે. પશ્ચિમી દેશોના નાગરિકો ત્યાં વસતા ભારતીયોને આજે પણ આવા સવાલો કરે છે. પશ્ચિમી નાગરિકો માટે તો આજે પણ ભારત એક સ્વપ્નસૃષ્ટિ છે અને કેટલાક લોકો તો ત્યાં સુધી કહે છે કે જેમણે ભારત નથી જોયું એણે કશું નથી જોયું. આજે કદાચ ભારત દેશના કરોડો નાગરિકો પણ કંઈક આવો જ અનુભવ કરી રહ્યા હશે. કારણ કે, ભારતીય આયોજન પંચે દેશમાંથી રાતોરાત ગરીબી નાબૂદ કરી નાંખવાનો ચમત્કાર કર્યો છે. જોકે આ ચમત્કાર ગરીબીની નવી વ્યાખ્યા જાહેર કરીને કરાયો છે. આ વ્યાખ્યા પ્રમાણે શહેરોમાં મહિને એક હજાર રૂપિયા કમાતી અને ગામડાંમાં મહિને રૂ. 816 કમાતી વ્યક્તિ ગરીબ નહીં ગણાય. એટલે કે, હવે શહેરમાં રોજના 33.33 અને ગામડાંમાં રોજના 27.2 રૂપિયા કમાતી વ્યક્તિ ગરીબીરેખાની ઉપર ગણાશે. આ નવી વ્યાખ્યાને પગલે દેશમાંથી રાતોરાત 13 કરોડથી પણ વધારે ગરીબો ગરીબ નથી રહ્યા. ગરીબીની આનાથી ક્રૂર મજાક બીજી કઈ હોઈ શકે?

રાજકારણીઓ કાચિંડાની જેમ પોતાનો રંગ બદલી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આયોજન પંચના અધ્યક્ષ પદે ખુદ વડાપ્રદાન ડૉ. મનમોહન સિંહ જેવા કાબેલ અર્થશાસ્ત્રી છે. કદાચ એટલે જ યુપીએના કેટલાક નેતાઓએ આડકતરી રીતે તેમના નિર્ણયનું સમર્થન કરવા મેદાનમાં ઉતરી પડ્યા હતા. શહેરોમાં રોજના 33.33 અને ગામડાંમાં રોજના 27.2 રૂપિયા કમાતી વ્યક્તિ ગરીબ ના હોઈ શકે એ વાત ગમે તેમ રીતે સાબિત કરવા માટે રાજ બબ્બર, રશીદ મસૂદ અને ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓ કૂદી પડ્યા હતા. કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા રાજ બબ્બરે કહ્યું હતું કે, “આજે પણ મુંબઈમાં ફક્ત રૂ. 12માં પેટ ભરીને ખાઈ શકાય છે.” જ્યારે કોંગ્રેસના ઉત્તરપ્રદેશના બીજા એક નેતા રશીદ મસૂદે તો ત્યાં સુધી કહી દીધું કે, “નવી દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં ફક્ત રૂ. પાંચમાં ભરપેટ ખાઈ શકાય છે.” જો રૂ.પાંચમાં ભોજન મળતું હોય તો પણ શું દેશના કરોડો ગરીબોને રોજ નવી દિલ્હી ભોજન કરવા મોકલવાના છે? જ્યારે યુપીએના સાથી પક્ષ નેશનલ કોંગ્રેસના ફારૂક અબ્દુલ્લા તો આ બંને નેતાઓથી પણ સવાયા નીકળ્યા અને તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, “આજે પણ દેશમાં રૂ. એકમાં પેટ ભરી શકાય છે, જ્યારે કદાચ રૂ. 100માં પેટ ભરીને ના પણ ખાઈ શકાય. તેનો આધાર તમે શું ખાવા માગો છો તેના પર છે.” સંસદની સબસિડી મેળવતી કેન્ટિનમાં પણ એક રૂપિયામાં ફક્ત ચ્હા મળે છે અને સૂપનો ભાવ પણ સાડા પાંચ રૂપિયા છે. હા આ કેન્ટિનમાં સાડા બાર રૂપિયામાં આખી થાળી જમવા મળે છે, પરંતુ દેશમાં બીજે ક્યાંય આટલા ઓછા પૈસામાં પૌષ્ટિક ભોજન નથી મળતું. યાદ રાખો કે, સબસિડી મેળવતી કેન્ટિનમાં પણ આખી થાળીના પચાસ પૈસા વધારે છે.

રાજ બબ્બર
ફારૂક અબ્દુલ્લા
રશીદ મસૂદ
હાસ્યાસ્પદ નિવેદનો કરીને ગરીબીનું મૂલ્યાંકન કરનારા આપણાં રાજકારણીઓ પોતાનો પગાર વધારો કરવામાં ખાસ્સા ઉદાર છે. રાજકારણીઓ પોતાનો પગાર વધારવાની વાત આવે છે ત્યારે ક્યારેય જાહેરમાં એમ કહેતા નથી કે, દેશમાં બહુ સોંઘવારી હોવાથી કે અમે કરોડપતિ હોવાથી અમારે પગાર વધારાની જરૂર જ નથી. આપણી કમનસીબી છે કે, ભારતમાં નેતાઓને પોતાનો પગાર અને અન્ય ભથ્થાં જાતે નક્કી કરવાનો અધિકાર અપાયેલો છે. આ અધિકારનો તેઓ સમયાંતરે સારી રીતે ઉપયોગ પણ કરતા રહે છે. હજુ વર્ષ 2010માં જ સાંસદોએ પોતાના પગારમાં 300 ટકાનો વધારો કર્યો હતો. આ સુધારા મુજબ સાસંદોએ પોતાનો પગાર માસિક રૂ. 16 હજારથી વધારીને રૂ. 50 હજાર કરી દીધો છે. આ સિવાય દૈનિક ભથ્થું રૂ. એક હજારથી વધારીને બે હજાર, મતવિસ્તારમાં ખર્ચ કરવા માટે અપાતું ભથ્થું રૂ. વીસથી વધારીને ચાળીસ હજાર અને વાહન ખરીદવા માટેની વ્યાજ વિનાની લોન રૂ. એક લાખથી વધારીને ચાર લાખ કરી દીધી છે. સાંસદોનું ઓફિસ ખર્ચ માટેનું ભથ્થું પણ રૂ. વીસથી વધારીને ચાળીસ હજાર કરી દેવાયું છે.

સાંસદો તેમના ઘરેથી દિલ્હીના સત્તાવાર નિવાસસ્થાને જવા માટે કોઈ પણ ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં પણ ગમે તેટલી વાર મુસાફરી કરી શકે છે. આ ઉપરાંત સાંસદોને નવી દિલ્હીની હવાઈ મુસાફરી માટે 34 એર ટિકિટો પણ અપાય છે. જ્યારે સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે સાંસદોની પત્નીઓ વર્ષે આઠ વાર નવી દિલ્હી સુધીની મફત હવાઈ મુસાફરી કરી શકે છે અને ટ્રેનમાં ઈચ્છે એટલીવાર આવન-જાવન કરી શકે છે. વળી, નવી દિલ્હીમાં તેમને રહેવા માટે મફતમાં બંગલો પણ ફાળવાય છે. આ બંગલામાં સાંસદોને દર મહિને 45 હજાર યુનિટ વીજળીની મફત સુવિધા અપાય છે. સાંસદોના સત્તાવાર નિવાસસ્થાનમાં ફ્રી ટેલિફોન સેવાની પણ સુવિધા હોય છે, અને તમામ સાંસદોને ઈન્સ્ટૉલેશન ચાર્જ વસૂલ્યા વિના ટેલિફોનના ચાર જોડાણ પણ અપાય છે. સાંસદોને શારીરિક અને માનસિક તણાવ ખૂબ રહે છે અને તેથી જ્યારે તેઓ કે તેમના પરિવારજનોની તબિયત બગડે છે ત્યારે તમામ ખર્ચ સરકારે ભોગવવો પડે છે. આ સિવાય પૂર્વ સાંસદોનું માસિક પેન્શન પણ રૂ. આઠ હજારથી વધારીને વીસ હજાર કરાયું છે. જો ખરેખર દેશમાં રૂ. એક, પાંચ અને બારમાં ભરપેટ ભોજન મળતું હોય એટલી સોંઘવારી હોય તો હવે સાંસદોને જંગી પગાર વધારાની જરૂર જ નહીં પડે.  

આઘાતજનક વાત તો એ છે કે, પગાર અને ભથ્થામાં આટલા વધારાથી પણ અનેક સાંસદોને અસંતોષ હતો. આ અસંતોષી સાંસદોની આગેવાની લાલુપ્રસાદ યાદવે લીધી હતી. કેટલાક સાંસદોએ પગાર વધારો કરવાનો વિરોધ કરતા લાલુપ્રસાદ યાદવે તેમને આડે હાથ લેતા કહ્યું હતું કે, “કરોડપતિ સાંસદો જાણતા નથી કે, સંસદના સામાન્ય સભ્યની સ્થિતિનું ભાન નથી.” લાલુની માગ હતી કે, સાંસદોનો પગાર સચિવ કરતા એક રૂપિયો વધારે એટલે કે રૂ. 16 હજારથી વધારીને રૂ. 80,001 કરવો જોઈએ. જો આ દેશની કમરતોડ મોંઘવારીમાં એક ‘સામાન્ય સાંસદ’ને આટલી તકલીફ હોય તો સામાન્ય માણસની હાલત કેવી હોય તે વાત સાંસદો આસાનીથી ભૂલી જાય છે. એક અંદાજ મુજબ, આપણા સાંસદો દેશના નાગરિકોના સરેરાશ પગાર કરતા 68 ગણો વધુ પગાર લે છે. આ ઉપરાંત સંસદના 304 સાંસદો તો એવા છે જેઓ વર્ષ 2004માં ચૂંટણી લડ્યા, એ પછી વર્ષ 2009માં બીજી વાર ચૂંટણી લડવા નામ નોંધાવ્યું ત્યારે તેમની મિલકતમાં 300 ટકાનો જંગી વધારો થયો હતો. અમેરિકામાં કોંગ્રેસનો કોઈ પણ સભ્ય તેના પગારના 15 ટકાથી વધુ આવક બહારથી મેળવી શકતો નથી.

વળી, મોટા ભાગના વિકસિત દેશોના સાંસદો તેમનો પગાર જાતે નક્કી નથી કરી શકતા. ફ્રાંસ અને જાપાનમાં સૌથી વધુ પગાર લેતા અમલદારને ધ્યાનમાં રાખીને જ નક્કી કરાય છે. જ્યારે જર્મનીમાં બે ટંક સારી રીતે ભોજન મળી શકે એટલા પૂરતો જ પગાર ચૂકવાય છે. યુ.કે.માં તો તમામ સાંસદો, ન્યાયાધીશો અને સુરક્ષા અધિકારીઓના પગાર નક્કી કરવા માટે કાયદાથી એક રિવ્યૂ બોડીની રચના કરાઈ છે. ભારતમાં તો ‘કોન્ફ્લિક્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ને લગતા પણ કોઈ નીતિનિયમ નથી. એટલે કે, ડિફેન્સ ઈક્વિપમેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલો સાંસદ ડિફેન્સ કમિટીને નીતિવિષયક નિર્ણયો લેતો હોય એવું પણ બને અને ઉડ્ડયન સેવામાં હિત ધરાવતો સાંસદ ઉડ્ડયન સમિતિનો વડો પણ હોઈ શકે!

જોકે, સાંસદોના પગારવધારાના વિવાદ પછી અનેક સાંસદોએ આ પ્રકારના નિર્ણયો લેવા માટે યુ.કે.ની જેમ એક સ્વતંત્ર સંસ્થાની રચના કરવાની માગ કરી હતી. જો આવી સંસ્થાની રચના કરવામાં આવે તો આપણે આશા રાખીએ કે, તે રાજ બબ્બર, રશીદ મસૂદ અને ફારૂક અબ્દુલ્લાની વાતોમાં આવ્યા વિના પગાર વધારાના નિર્ણયો લે!

2 comments: