06 June, 2017

ભારતીય સર્કસ: એક ભૂલી હુઈ દાસ્તાં


૧૯મી સદીના છેલ્લાં દાયકાઓની વાત છે. ભારતભરમાં અંગ્રેજ હુકુમતની ફેં ફાટતી હતી. દેશના મોટા ભાગના વિસ્તારોના નાના-મોટા રજવાડા અંગ્રેજોના ખંડિયા રાજા હતા. મહારાષ્ટ્રના સાંગલીના પ્રિન્સલી સ્ટેટ ઓફ કુરુંદવાડમાં બાળાસાહેબ પટવર્ધનનું રાજ હતું. એ વખતનું કુરુંદવાડ એટલે આજનું કોલ્હાપુર. દેશના બીજા રજવાડાની જેમ કુરુંદવાડમાં પણ મનોરંજનનું મુખ્ય સાધન ગીતસંગીત, નાટકો અને ઘોડેસવારીને લગતી રમતો હતી. એ સમયે ઈટાલીમાં સર્કસ શૉ કરીને તગડી કમાણી કરતા ગિસેપ કિઆરિની નામના એક ઉદ્યોગસાહસિકે ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો નિર્ણય કર્યો. આશરે ૧૮૮૦માં કિઆરિનીની રોયલ ઈટાલિયન સર્કસની ટીમે બોમ્બેમાં સર્કસ શૉ કરવા ડેરા તંબૂ તાણ્યા. કુરુંદવાડના મરાઠા રાજા પટવર્ધન સાહેબ પણ પોતાનો કાફલો લઈને કિઆરિનીનો એ સર્કસ શૉ જોવા ગયા. 

 દરમિયાન એક એવી ઘટના બની જેણે ભારતમાં સર્કસની દુનિયાનો પાયો નાંખ્યો અને કદાચ એટલે જ મહાન અભિનેતા રાજકપૂર ‘મેરા નામ જોકર’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી શક્યા. 

એ શૉમાં ઘોડેસવારીના કરતબો અને અંગકસરતના ખેલ જોઈને રાજા અને તેમનો કાફલો દંગ રહી ગયો. શૉ પૂરો થતા જ પટવર્ધન સાહેબ અને કિઆરિની વચ્ચે ભારતનું પોતાનું સર્કસ તૈયાર કરવા અંગે વાતચીત થઈ, પરંતુ કિઆરિનીએ રાજાને ટોણો માર્યો કે, ભારત હજુ પોતાના સર્કસ માટે સક્ષમ નથી. અમારા જેવા ઘોડાના કરતબો કરતા તમને છ મહિના જેટલો સમય લાગી જાય! આ ટોણો પટવર્ધન સાહેબના તબેલાના વડા વિષ્ણુપંત મોરેશ્વર છત્રે (૧૮૪૦-૧૯૦૬)થી સહન ના થયો અને તેમણે એ જ ઘડીએ ભારતનું સર્કસ તૈયાર કરવાનો નિર્ણય કર્યો. રોયલ ઈટાલિયન સર્કસની તર્જ પર છત્રેએ ઘોડેસવારો, જાદુગરો, હાથી-વાઘ-સિંહ-પોપટને તાલીમ આપી શકે એવા ઉસ્તાદો તેમજ ટ્રેપિઝ કલાકારો (બે દોરડા વચ્ચે બાંધેલી લાકડી પર લટકીને કરાતો ખેલ) તૈયાર કરવાનું નક્કી કર્યું. આ કામમાં પટવર્ધન સાહેબે પણ છત્રેને પૂરેપૂરો સહકાર આપ્યો.


વિષ્ણુપંત મોરેશ્વર છત્રે અને ગિસેપ કિઆરિની

આખરે ૨૦મી માર્ચ, ૧૮૮૦ના રોજ ભારતના પોતાના ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસનો પહેલો શૉ રજૂ થયો. છત્રેએ પણ યુરોપિયન સર્કસ ટીમની જેમ દૂર સુધી પ્રવાસો ખેડીને સર્કસ શૉ કરવાનું શરૂ કર્યું. ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસ ઉત્તરથી લઈને દક્ષિણ ભારત અને શ્રીલંકા સુધી ફરી વળ્યું. એ જમાનામાં ભારતીયો તો ઠીક, બ્રિટીશરો માટે પણ સર્કસ શૉ જોવો મોટો લહાવો ગણાતો. છત્રેએ મદ્રાસ પ્રેસિડેન્સીના મલબાર જિલ્લામાં પણ એક શૉ કર્યો. અહીં તેઓ કલ્લરીપટ્ટયુ માર્શલ આર્ટના નિષ્ણાત કિલેરી કુન્હીકન્નનને મળ્યા. કુન્હીકન્નન હરમાન ગુન્ડેર્ટ ('સિદ્ધાર્થ' નવલકથાના લેખક હરમાન હેસના પિતા) દ્વારા શરૂ કરાયેલી મલબારની વિખ્યાત બેસલ ઈવાન્જેલિકલ મિશન સ્કૂલનમાં માર્શલ આર્ટ અને જિમ્નાસ્ટિક શીખવતા. છત્રે જાણતા હતા કે, અમેરિકા અને યુરોપિયન સર્કસની સરખામણીમાં સ્વદેશી સર્કસમાં એક્રોબેટિકના ખેલ ઘણાં નબળાં છે. એટલે કુન્હીકન્નન સાથે મુલાકાત થતાં જ મરાઠા લડવૈયાની કુનેહ ધરાવતા છત્રેને વિચાર આવ્યો કે, કલ્લરીપટ્ટયુનો આ શિક્ષક મારા સર્કસમાં ઘણો મદદરૂપ થઈ શકે છે!

ભારતમાં પહેલું સર્કસ રજૂ કરવાનો શ્રેય છત્રેને જાય છે, પરંતુ છત્રે જાણતા ન હતા કે આ મુલાકાત કુન્હીકન્નનને ભારતીય મોડર્ન સર્કસના પિતામહનું બિરુદ અપાવવામાં નિમિત્ત બનશે! આ દરમિયાન છત્રેએ કુન્હીકન્નને ગ્રાન્ડ ઈન્ડિયન સર્કસના કલાકારોને એક્રોબેટિકના ખેલ શીખવવાની ભલામણ કરી. છત્રેને કુન્હીકન્નનું સર્કસ જોઈને આ કળામાં રસ પડ્યો જ હતો એટલે તેમણે આ પ્રસ્તાવ ખુશીથી સ્વીકારી લીધો. ત્યાર પછી કિલેરી કુન્હીકન્નને ઈસ. ૧૯૦૧માં કેરળના કોલ્લમ જિલ્લાના ચિરક્કરા ગામમાં રીતસરની સર્કસ સ્કૂલ શરૂ કરી. એ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સર્કસ મેનેજમેન્ટથી લઈને સર્કસના જુદા જુદા ખેલ શીખવવામાં આવતા. ઈસ. ૧૯૦૪માં આ સ્કૂલના પારિયાલી કન્નમ નામના વિદ્યાર્થીએ ગ્રાન્ડ મલબાર સર્કસ શરૂ કર્યું, જે માંડ બે વર્ષ ચાલીને બંધ થઈ ગયું. એ પછી તો આ સ્કૂલમાંથી ભારતના અનેક જાણીતા સર્કસ અને મલયાલી કલાકારોનો જાણે રાફડો ફાટ્યો.  


કિલેરી કુન્હીકન્નન

કિલેરી કુન્નહીકન્નનના ભાણેજ કે.એમ. કુન્હીકન્નને ૧૯૨૨માં વ્હાઈટવે સર્કસ શરૂ કર્યું, તો કલ્લન ગોપાલને ૧૯૨૪માં ગ્રેટ રેમેન સર્કસ કંપની શરૂ કરી. વર્ષ ૧૯૨૪માં કે.એન. કુન્હીકન્નને ગ્રેટ લાયન નામે નવી સર્કસ કંપનીની સ્થાપના કરી. કલ્લન ગોપાલને પણ નેશનલ સર્કસ અને ભારત સર્કસ નામે મજબૂત કંપનીઓ ઊભી કરી, જેના થકી તેમણે ધીકતી કમાણી કરી. આ જ અરસામાં અમર સર્કસ, ફેરી સર્કસ, ધ ઈસ્ટર્ન સર્કસ, ધ ઓરિએન્ટલ સર્કસ, ગ્રેટ બોમ્બે સર્કસ, રાજકમલ સર્કસ, રેમ્બો સર્કસ, કમલા સર્કસ અને જેમિની સર્કસ જેવી અનેક કંપનીઓ શરૂ થઈ. આ કંપનીઓના મોટા ભાગના માલિકો અને કલાકારો કુન્હીકન્નના વિદ્યાર્થીઓ હતા. 

એ યુગમાં સૌથી મોટું સર્કસ ગ્રેટ બોમ્બે ગણાતું, જેનો જન્મ ત્રણ સર્કસ કંપનીના જોડાણ થકી થયો હતો. બાબુરાવ કદમ નામના બિઝનેસમેને ૧૯૨૦માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ શરૂ કર્યું હતું. કે. એમ. કુન્હીકન્નને ૧૯૪૭માં ગ્રાન્ડ બોમ્બે સર્કસ ખરીદી લીધું અને તેને વ્હાઈટવે અને ગ્રેટ લાયન સર્કસમાં ભેળવી દીધું. આ સર્કસને તેમણે ગ્રેટ બોમ્બે સર્કસ નામ આપ્યું. દેશના સૌથી મોટા ગણાતા ગ્રેટ બોમ્બે સર્કસ પાસે ૩૦૦ કલાકારો સહિત વાઘ, સિંહ અને હાથી જેવા ૬૦ પ્રાણીઓનો કાફલો હતો.


જેમિની સર્કસના ડેરાતંબૂ

આ બધામાં સૌથી જાણીતું સર્કસ એટલે જેમિની. રસપ્રદ વાત એ છે કે, મૂળ કેરળના મૂર્કોથ વાંગાકંડી શંકરન અને કે. સહદેવને ગુજરાતના બિલિમોરામાં આ સર્કસની સ્થાપના કરી હતી. આ બંને યુવાનોએ પચાસના દાયકામાં વિજયા સર્કસ ખરીદીને તેને નામ આપ્યું, જેમિની સર્કસ. આ સર્કસના મુખ્ય કર્તાહર્તા એમ. વી. શંકરન હતા અને તેમનો જન્મ મિથુન (જેમિની) રાશિમાં થયો હતો. એટલે તેમણે આ કંપનીને જેમિની સર્કસ નામ આપ્યું હતું. એમ. વી. શંકરન દ્વિતિય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી ચૂક્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી તેમણે ચિરક્કરાની જ 'કિલેરી કુન્હીકન્નન ટીચર મેમોરિયલ સર્કસ એન્ડ જિમ્નાસ્ટિક્સ ટ્રેનિંગ સ્કૂલ'માં એરિયલિસ્ટ અને હોરિઝોન્ટલ બાર જિમ્નાસ્ટની તાલીમ લીધી હતી. આ સ્કૂલની સ્થાપના કિલેરી કુન્હીકન્નનના જ વિદ્યાર્થી એમ. કે. રમને કરી હતી.

જેમિની સર્કસનો પહેલો શૉ ૧૫મી ઓગસ્ટ, ૧૯૫૧ના રોજ યોજાયો હતો. સિત્તેરના દાયકામાં 'મેરા નામ જોકર' ફિલ્મ બનાવતી વખતે રાજકપૂરે પણ જેમિની સર્કસ સાથે જ શૂટિંગને લગતા કરારો કર્યા હતા. આજકાલ આપણા દેશમાં એન્ટરટેઇન્મેન્ટ અને આઉટિંગનું સૌથી મહત્ત્વનું માધ્યમ મલ્ટીપ્લેક્સમાં જઈને ફિલ્મ જોવી અને હોટેલમાં જઈને ડિનર લેવું એ છે, એવી રીતે બ્રિટીશકાળના ભારતમાં મનોરંજનનું મહત્ત્વનું સાધન સર્કસ હતું. જોકે, સર્કસની પહોંચ ફિલ્મો કરતા ઘણી જ ઓછી હતી, પરંતુ સર્કસની દુનિયાનો પ્રભાવ ફિલ્મોમાં પણ ઝીલાયો હતો. ‘મેરા નામ જોકર’ પછી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં સર્કસ કે પ્રાણીઓના દૃશ્યો દેખાયા હતા અને એ માટે ફિલ્મ ડિરેક્ટરો શંકરનને જ યાદ કરતા હતા. વર્ષ ૧૯૭૭માં તેમણે એપોલો, વાહિની અને જમ્બો સર્કસ પણ શરૂ કર્યા. એપોલો, જમ્બો, ગ્રેટ બોમ્બે અને જેમિની સર્કસના શૉ તો ગુજરાતમાં અમદાવાદ (મણિનગર ફૂટબોલ ગ્રાઉન્ડમાં) સહિતના શહેરોમાં પણ યોજાઈ ચૂક્યા છે.


હિસ્ટરી ઓફ સર્કસ પુસ્તકનું કવરપેજ (ક્લોકવાઈઝ), કન્નન બોમ્બાયોનું નામ
છાપીને  દર્શકોને આકર્ષવા ડિઝાઈન કરાયેલો પાસ અને કન્નન બોમ્બાયો

કિલેરી કુન્હીકન્નન ભારતના અનેક મોડર્ન સર્કસની સ્થાપનામાં નિમિત્ત બન્યા, એવી જ રીતે તેમના હાથ નીચે તૈયાર થયેલા કલાકારોએ ભારતમાં જ નહીં, વિદેશમાં પણ સર્કસ કલાકાર તરીકે નામ અને દામ મેળવ્યા. આવા જ એક વિદ્યાર્થી એટલે ૧૯૧૦માં કુન્હીકન્નનની સ્કૂલમાંથી રોપ ડાન્સિંગમાં સ્નાતક થયેલા, કન્નન બોમ્બાયો. ત્રીસીના દસકામાં અમેરિકા અને યુરોપના અનેક મોટા સર્કસમાં કન્નન બોમ્બાયો સ્ટાર પર્ફોર્મર તરીકે રજૂ કરાતા. બ્રિટનના વિશ્વ વિખ્યાત બરટ્રામ મિલ્સ સર્કસમાં પણ કન્નન બોમ્બાયોએ પર્ફોર્મ કર્યું હતું. ૩૦મી મે, ૧૯૦૭ના રોજ કેરળના ચિરક્કામાં જન્મેલા કન્નન બોમ્બાયોનું મૂળ નામ એન. પી. કુંચી કન્નન હતું.

ભારતીય સર્કસની અત્યંત દુર્લભ માહિતી આપતા 'એન આલ્બમ ઓફ ઈન્ડિયન બિગ ટોપ્સ-હિસ્ટરી ઓફ સર્કસ' નામના પુસ્તકમાં શ્રીધરન ચંપદ (પાના નં.૩૧-૩૨) નોંધે છે કે, ''... એ દિવસોમાં ઈન્ડિયા કરતા 'બોમ્બે' વધુ પ્રખ્યાત હતું. એટલે બરટ્રામ મિલ્સે તેમને કન્નન બોમ્બાયો તરીકે રજૂ કર્યા. એનો અર્થ હતો, કન્નન ધ ઈન્ડિયન. કન્નન બોમ્બાયો હાથી પર સવાર થઈને આવતો અને હાથીની પીઠ પરથી ૩૦ ફૂટ ઊંચે બાંધેલા દોરડા પર સમરસૉલ્ટ મારીને જતો...'' બરટ્રામ મિલ્સ સર્કસે એકવાર જર્મનીમાં 'બર્લિન શૉ' યોજ્યો હતો, જે જોવા ખુદ હિટલર આવ્યો હતો.

શ્રીધરન નોંધે છે કે, ''...કન્નનનું પર્ફોર્મન્સ જોઈને હિટલર આશ્ચર્યચક્તિ થઈને ઊભો થઈ ગયો હતો. શૉ પૂરો થયા પછી હિટલરે કન્નનને બોલાવીને તેના શૂઝ તપાસ્યા હતા. જોકે, હિટલરને તેના શૂઝમાંથી કશું જ ના મળ્યું. એ પછી હિટલરે કન્નનને ઓટોગ્રાફ આપીને લખ્યું કે, યુ આર ધ જમ્પિંગ ડેવિલ ઓફ ઈન્ડિયા... રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસ દર અઠવાડિયે કન્નન બોમ્બાયોને ૪૦૦ ડૉલર (એ જમાના પ્રમાણે રૂ. ચાર હજાર) ચૂકવતું. અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ, ઈટાલીના વડાપ્રધાન બેનિટો મુસોલિની, બ્રિટનના છઠ્ઠા રાજા કિંગ જ્યોર્જ જેવી હસ્તીઓ પણ કન્નનના વખાણ કર્યા હતા...''

***

આજેય બોમ્બાયોની ગણના ૨૦મી સદીના સૌથી મહાન સર્કસ કલાકારોમાં થાય છે. આ પુસ્તકમાં રિંગલિંગ બ્રધર્સના એકમાત્ર ભારતીય રિંગ માસ્ટર દામુ ધોત્રે વિશે પણ શ્રીધરને ૧૩ પાનાંમાં વિસ્તૃત માહિતી આપી છે. ધોત્રેએ વર્ષ ૧૯૪૦થી સળંગ દસ વર્ષ સુધી રિંગલિંગ બ્રધર્સના રિંગ માસ્ટર તરીકે કામ કર્યું હતું. અમેરિકાના ૧૪૬ વર્ષ જૂના રિંગલિંગ બ્રધર્સ : બાર્નમ એન્ડ બેલી સર્કસનો ૨૫મી મે, ૨૦૧૭ના રોજ કાયમ માટે પડદો પડી ગયો, ત્યારે ભારતીય સર્કસના આ સુવર્ણ ઈતિહાસને પણ યાદ કરવો જોઈએ.

કમનસીબે ભારતમાં તો શ્રીધરન ચંપદના પુસ્તક સિવાય સર્કસના મહામૂલા ઈતિહાસની ક્યાંય નોંધ નથી લેવાઈ, પરંતુ વર્ષ ૧૯૭૭થી ૨૦૧૬ સુધી કાર્યરત બિગ એપલ સર્કસે દુનિયાભરની સર્કસ કંપનીઓ અને કલાકારોની માહિતી આપતો સર્કસ એન્સાઇક્લોપીડિયા તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ યોજના હેઠળ વિશ્વના ૨૫૦ વર્ષના સર્કસના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરવાનું કામ હજુયે ચાલુ છે.

ભારતમાં છેલ્લાં ૧૩૭ વર્ષમાં ૩૦૦થી પણ વધુ નાના-મોટા સર્કસ શરૂ થયા અને બંધ થયા. આજે ય ભારતમાં કેટલીક સર્કસ કંપનીઓ કાર્યરત છે, પરંતુ ભારતીય સર્કસ કંપનીઓ વિદેશ સાથે સમયસર તાલ મિલાવવામાં સરેઆમ નિષ્ફળ ગઈ. વળી, વર્ષ ૨૦૧૩માં ભારત સરકારે સર્કસમાં સિંહ, વાઘ અને હાથી જેવા પ્રાણીઓ તેમજ બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો, જે સર્કસ ઉદ્યોગ માટે સૌથી જીવલેણ ફટકો સાબિત થયો!

2 comments: