28 July, 2013

આ આઈસક્રીમ આઠ કલાક સુધી ઓગળશે નહીં


વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વ્યાપ જેટલો વધી રહ્યો છે તેટલા જ તેની સામે નવા નવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે અને એના ઉકેલો શોધવા માટે ફરી આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી તરફ નજર દોડાવવી પડે છે. છેક સોળમી સદીથી અનેક વિજ્ઞાનીઓએ કરેલા પ્રયોગો બાદ આજે આપણને જાતભાતના પ્લાસ્ટિક મળ્યા છે અને આ જ પ્લાસ્ટિક આજે વિજ્ઞાનીઓ માટે માથાનો દુઃખાવો બની ગયું છે. કારણ કે, કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ એટલે કે જમીનમાં વિઘટિત થઈ શકે એવું નથી. પરિણામે વિજ્ઞાનીઓ રોજિંદા જીવનમાં વ્યવહારુ બની શકે એવું બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક વિકસાવવા પણ સતત સંશોધનો કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક ઈન્વેન્ટરો અવનવા ખ્યાલ અમલમાં મૂકીને વિશ્વને પ્લાસ્ટિકથી બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા જ બે ઈન્વેન્ટર છે ડેવિડ એડવર્ડ અને ફ્રેન્કોઈસ એઝમબર્ગ. ડેવિડ અને એઝમબર્ગે દુનિયામાં સૌથી વધુ વેચાતા ખાદ્યપદાર્થ આઈસક્રીમ માટે એવી પદ્ધતિ શોધી છે જેના પેકેજિંગ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ જ નથી કરવો પડતો. તેઓને આશા છે કે, જો આ પદ્ધતિ વ્યવહારુ બનાવી શકાય તો દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખાસ્સો ઘટી જાય.

આજકાલ બજારમાં મોટા ભાગના ખાદ્યપદાર્થોનું પેકેજિંગ પ્લાસ્ટિકનું હોય છે. કારણ કે, દરેક ખાદ્યો માટે પૂંઠાનું પેકેજિંગ કરવું શક્ય નથી હોતું. આઈસક્રીમ સ્કૂપ કે ફેમિલી પેક માટે કરોડો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. જો એવી કોઈ પદ્ધતિ શોધવામાં આવે કે આઈસક્રીમ ખાવા માટે પ્લાસ્ટિકના ડબ્બાની જરૂરિયાત જ ના રહે તો હજારો ટન પ્લાસ્ટિક કચરાથી પૃથ્વી બચી જાય અને જમીનનું પ્રદૂષણ થતું અટકે. જોકે, આ પદ્ધતિ વિશે વાત કરતા પહેલાં પ્લાસ્ટિક વિશે થોડું જાણી લઈએ. પ્લાસ્ટિકના મૂળભૂત બે જ પ્રકાર છે, એક થર્મોપ્લાસ્ટિક અને બીજું થર્મોસેટિંગ પોલિમર્સ. પરંતુ આ બંને પ્લાસ્ટિકના અનેક પેટા પ્રકારો છે અને તે બધાનો ઉપયોગ જુદા જુદા કામમાં થતો હોય છે. આ તમામ પ્લાસ્ટિક નોન-બાયોડિગ્રેડેબલ એટલે કે જમીનમાં વિઘટિત થઈ શકે એવા નથી. કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકનું વિઘટન થતા હજારો વર્ષ લાગે છે.

આ આઈસક્રીમ આવી રીતે હાથમાં પકડીને ખાઈ શકાશે

જોકે, આગળ કહ્યું તેમ આશરે 400-500 વર્ષોમાં અનેક સંશોધકોએ કરેલા પ્રયોગો પછી આપણને વિવિધ પ્રકારના પ્લાસ્ટિક મટિરિયલ મળ્યા છે. ધાતુ અને કાચની સરખામણીમાં પ્લાસ્ટિક ઘણું જ હલકું છે. એટલે વર્ષે દહાડે ઠંડા પીણાંની કરોડો બોટલો વેચતી પેપ્સી કે કોકાકોલા જેવી મહાકાય કંપનીઓ પ્લાસ્ટિક બોટલનો જ ઉપયોગ કરે છે. એક અંદાજ પ્રમાણે, પ્લાસ્ટિક વજનમાં હલકું હોવાથી ટ્રાન્સપોર્ટેશન વખતે પણ 25 ટકા ઊર્જાની બચત થાય છે, પરંતુ હવે પ્લાસ્ટિક જ મુશ્કેલી બની ગયું ત્યારે શું કરવાનું? વર્ષ 1950થી દુનિયામાં હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ ચૂક્યો છે. આ પ્લાસ્ટિકની પર્યાવરણ પર કેવી અસર પડે તે સમજી શકાય એમ છે. આ પ્રશ્ન ડેવિડ અને ફ્રેન્કોઈસને પણ સતાવતો હતો.

ડેવિડ એડવર્ડ હાવર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઈડ સાયન્સમાં બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર છે. આ ઉપરાંત તેઓ વિઝ ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલી ઈન્સ્પાયર્ડના સભ્ય પણ છે. જ્યારે ફ્રેન્કોઈસે ફ્રાંસમાં ઈલેક્ટ્રો-ટેક્નિક્સમાં તાલીમ લઈને પેરિસની કોલેજ ઓફ એપ્લાઈડ આર્ટ્સમાં અભ્યાસ કર્યો છે. આ બંને વિજ્ઞાનીઓ મટિરિયલ સાયન્સમાં ઊંડો રસ ધરાવે છે અને વર્ષ 2009થી તેઓ ફૂડ પેકેજિંગને નાબૂદ કરી નાંખે એવી ટેક્નોલોજી શોધવા મથી રહ્યા હતા. આ ટેક્નોલોજીની ઓળખ તેઓ ‘વિકિ-સેલ્સ’ તરીકે આપે છે, જે ખાદ્યપદાર્થોમાંથી જ પાતળું પડ વિકસાવવાની એક પદ્ધતિ છે. આ ખાઈ શકાય એવું પડ પૌષ્ટિક સ્ત્રાવથી એકબીજા સાથે મજબૂત રીતે જોડાયેલું હોય છે. તેમનો હેતુ ફક્ત પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો નહીં પણ પ્લાસ્ટિક દૂર કરીને માણસને વધુને વધુ પૌષ્ટિક ખાદ્ય મળી શકે એ પણ હતો.

ડેવિડ એડવર્ડ

ફ્રેન્કોઈસ એઝમબર્ગ

સાદી ભાષામાં કહીએ તો વિકિ-સેલ્સ બાયોડિગ્રેડેબલ પોલિમર કે ફૂડ પાર્ટિકલ્સમાંથી ખાઈ શકાય એવું મટિરિયલ બનાવવાની ટેક્નોલોજી છે. આ પડ ઈંડાના પડ જેવું મજબૂત હોય છે. વળી, આ મટિરિયલને ઓરેન્જ, એપલ, ગ્રેપ, ચોકલેટ અને વાઈન એમ કોઈ પણ ફ્લેવરમાં બનાવી શકાય છે. જોકે, હાલના તબક્કે આટલું વૈવિધ્ય નથી, પરંતુ ભવિષ્યમાં પેપ્સી, કોકાકોલા કે બિયરની બોટલ કે ટીન પણ ખાઈ શકાય એવા મટિરિયલમાંથી બનતા હશે. આ બોટલ કે ટીનનો સ્વાદ પણ એની અંદર રહેલા પીણાં જેવો જ આવતો હશે. એવી જ રીતે, ટોમેટો કેચઅપની અને ઓરેન્જ જ્યૂસની બોટલ પણ એક ખાદ્યપદાર્થ જ હશે. એડવર્ડ તો ત્યાં સુધી કહે છે કે, આપણે ભવિષ્યમાં વિકિ-સેલ્સ મશીન પણ વિકસાવી શકીશું, જેની મદદથી લોકો પોતાને જોઈતી ફ્લેવરની બોટલ બનાવી શકશે.

એડવર્ડ અને ફ્રેન્કોઈસે આશરે પાંચેક વર્ષના સંશોધનો પછી ‘વિકિ-પર્લ’ નામનો આઈસક્રીમ વિકસાવ્યો છે, જે આ ટેક્નોલોજીના ઉપયોગથી પેદા કરાયેલો પહેલવહેલો ખાદ્યપદાર્થ છે. હાલ વિકિ-પર્લ ફક્ત ત્રણ જ ફ્લેવરમાં આવે છે અને તેના એક સ્કૂપમાં 50 કેલરી હોય છે. વિકિ-પર્લનો મેંગો સ્કૂપ કોકોનટ (કોપરું) સ્કીન, ચોકલેટ સ્કૂપ હેઝલનટ (એક પ્રકારનો સૂકોમેવો) સ્કીન અને વેનિલા સ્કૂપ પીનટ (મગફળી) પડમાં ઉપલબ્ધ છે. હાલ પ્રાયોગિક ધોરણે ડેવિડ એડવર્ડે પેરિસના લુવ્ર મ્યુઝિયમ નજીક ‘વિકિ-બાર’ નામની નાનકડી શૉપ શરૂ કરીને આ આઈસક્રીમ વેચવાનું સાહસ શરૂ કર્યું છે. એડવર્ડનું માનવું છે કે, વર્ષ 2025ને ધ્યાનમાં રાખીને કોઈ ટેક્નોલોજી ડેવલપ કરાતી હોય ત્યારે લોકો તેના વિશે શું વિચારે છે એ જાણવું જરૂરી છે. આ આઈસક્રીમની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે સતત આઠ કલાક સુધી પીગળતો નથી. જોકે, આ આઈસક્રીમ કપ, કોન્સ કે શેકના રૂપમાં નથી પણ એક નાનકડા સ્કૂપ જેવા બૉલના રૂપમાં છે. આ સ્કૂપ દેખાવમાં સામાન્ય આઈસક્રીમ જેવો જ છે પણ તેનું પડ ઝડપથી ઓગળતું નહીં હોવાથી તેને લાડુની જેમ ખાઈ શકાય છે. આમ છતાં, વિકિ-પર્લને ઠંડો રાખવા માટે વિકિ-બારમાં એક ખાસ કૂલર પણ ડિઝાઈન કરાયું છે.

સ્ટાઈલિશ વિકિ-બાર

વિકિ-બારમાં વિકિ-પર્લનું વિકિ-મેન્યૂ   :-)

જોકે ડેવિડ અને ફ્રેન્કોઈસ ભારપૂર્વક કહે છે કે, આ કોઈ ફ્રોઝન ફૂડ નથી, પરંતુ સાચુકલો આઈસક્રીમ છે. ડેવિડ અને ફ્રેન્કોઈસને આશા છે કે, આ તો હજુ શરૂઆત છે. વિકિ-સેલ્સ ટેક્નોલોજીનો હજુ પણ વિકાસ થશે અને ભવિષ્યમાં બજારમાં હજારો ખાદ્યપદાર્થો ઉપલબ્ધ હશે જેનું પેકેટ ખાઈ શકાય એવું હશે. જો આ પ્રકારના ખાદ્યપદાર્થો લોકો પસંદ કરવા માંડશે તો નજીકના ભવિષ્યમાં જ વિકિ-સેલ્સ ખાદ્યપદાર્થો સ્ટોર્સ અને સુપરમાર્કેટમાં મળતા થઈ જશે. એટલું જ નહીં, આ પ્રકારના ખાદ્યપદાર્થો પીરસતી રેસ્ટોરન્ટ્સ ખૂલવા માંડે તો નવાઈ નહીં. અમેરિકામાં આ જ વર્ષે વ્યવસાયિક ધોરણે વિકિ-સેલ્સ ખાદ્યોનું વેચાણ શરૂ થઈ જશે, જ્યારે માસાચ્યુસેટ્સના કેમ્બ્રિજમાં બીજો એક વિકિ-બાર શરૂ થઈ ગયો હશે. ડેવિડનો અંદાજ છે કે, વર્ષ 2014 સુધીમાં ‘વિકિ-વેન્ડિંગ મશીન’ પણ આવી ગયા હશે અને ગ્રાહકો પોતે જ પોતાનો આઈસક્રીમ અને એનું પડ પસંદ કરી શકશે. ડેવિડ કહે છે કે, “જો તમે વિકિ-બારમાં ફ્રેન્ચ ફ્રાઈઝના પડમાં ઓરેન્જ સોડા ઈચ્છતા હશો તો તે પણ મળશે. વળી, ઓર્ડર મશીન જ તૈયાર કરી આપશે. વિકિ-ટેક્નોલોજીની મદદથી મા-બાપ ઘરે બેઠા બેઠા જ તેમના બાળકો માટે પૌષ્ટિક નાસ્તો બનાવી શકશે. આ અમલમાં મૂકી શકાય એવી શોધ છે.” આ ઉપરાંત આફ્રિકાના પછાત ગામડાંઓને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પણ આ ટેક્નોલોજી અકસીર સાબિત થશે એમ પણ ડેવિડનું માનવું છે.

જો ગમે તેવી એડવાન્સ ટેક્નોલોજીને લોકો સ્વીકારે નહીં તો તેનો કોઈ અર્થ નથી. આપણે અનેક વર્ષોથી આઈસક્રીમ પ્લાસ્ટિક કપમાં કે સોડા બોટલ કે ગ્લાસથી પીવા માટે ટેવાયેલા છીએ, એટલે એક નાનકડા બોલમાં આઈસક્રીમ ખાવો કે સોડા પીવી થોડો વિચિત્ર અનુભવ હોઈ શકે. કદાચ એટલે જ ડેવિડ અને ફ્રેન્કોઈસે લોકોનો અનુભવ શું કહે છે એ જાણવા માટે આઈસક્રીમ કાઉન્ટરથી શરૂઆત કરી છે. આઈસક્રીમ પછી દહીં અને ચીઝ જેવી ચીજવસ્તુઓ પણ ‘વિકિ-બૉલ’માં મળશે. કારણ કે, આ ખાદ્યપદાર્થોને બૉલના રૂપમાં ખાવા થોડી ઓછી વિચિત્ર અનુભૂતિ છે. સંશોધકો પણ કબૂલે છે કે, “આ વાત કહેવામાં ઘણી સરળ છે, પરંતુ લોકોની આદત બદલવી ઘણી અઘરી છે.” જોકે, આજકાલ બજારમાં નાનામાં નાની ચીજ પ્લાસ્ટિક પેકેટમાં હોય છે અને તે ખાઈ શકાય એવું મટિરિયલ નથી હોતું. એટલે ડેવિડ અને ફ્રેન્કોઈસને આ ટેક્નોલોજીના વિકાસમાં બહુ મોટી સંભાવના દેખાઈ રહી છે.

No comments:

Post a Comment