11 June, 2013

હમ દોનો હૈ અલગ અલગ...


આપણે ફિલ્મોમાં જોઈએ છે કે, જોડિયા ભાઈ કે બહેનોનો જુદી જુદી રીતે ઉછેર થયો હોવાથી તેઓ એકબીજાથી વિપરિત સ્વભાવના હોય છે. જો જુદી જુદી રીતે ઉછેર થયો હોય તો તેમનો સ્વભાવ અલગ હોઈ શકે, પરંતુ જોડિયા ભાઈ કે બહેનનો એક જ માતાપિતાએ, એકસરખી રીતે અને એક જ છત નીચે ઉછેર કર્યો હોય તો પણ તેઓ હંમેશાં એકબીજાથી વિપરિત પ્રકૃતિના જ હોય છે. આ રહસ્યનો જવાબ શોધવા વિશ્વના અનેક વિજ્ઞાનીઓ પ્રયત્નશીલ હતા. જોકે, થોડા સમય પહેલાં બ્રિટિશ વિજ્ઞાનીઓએ આ રહસ્ય ઉકેલી નાંખ્યાનો દાવો કર્યો હતો. આ વિજ્ઞાનીઓએ કેટલાક જોડિયા પર જન્મથી લઈને તેઓ પુખ્ત થયા ત્યાં સુધી સતત 21 વર્ષ સંશોધન કરીને જોડિયા બાળકોનો બાહ્ય દેખાવ જેટલો સરખો હોય છે, એટલા જ તેઓ અંદરથી જુદા કેમ હોય છે? એ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે

બ્રિટનની લંડન સ્થિત કિંગ્સ કોલેજના ટ્વિન રિસર્ચ યુનિટના વડા અને પ્રોફેસર ટીમ સ્પેક્ટરે બે દાયકાથી પણ વધુ સમય પહેલાં આ રહસ્ય ઉકેલવાનું બીડું ઝડપ્યું હતું. પ્રો. ટીમે 21 વર્ષ પહેલાં કિંગ્સ કોલેજના ટ્વિન રિસર્ચ સેન્ટરમાં બ્રિટનના સાત હજાર જોડિયા બાળકોની નોંધણી કરીને આ સંશોધનકાર્ય ચાલુ કર્યું હતું. નવાઈની વાત તો એ છે કે, આ સંશોધનો માટે વિજ્ઞાનીઓએ તમામ બાળકોને જીવનના પ્રથમ 18 વર્ષ એક જ સ્કૂલમાં શિક્ષણ અપાવ્યું હતું, બાળપણથી તેઓ સમાન વાતાવરણમાં ઉછર્યા હતા, એક જ પ્રકારની રમતો રમતા હતા, એક જેવું ખાતાપીતા અને તેમની આસપાસનો માહોલ પણ એકસરખો હતો. અહીં આપણે આઈડેન્ટિકલ ટ્વિન્સની વાત કરી રહ્યા છીએ. વૈજ્ઞાનિક ભાષામાં તેઓ મોનોઝાયગોટિક તરીકે ઓળખાય છે. મોનોઝાયગોટિક ટ્વિન્સે એક જ ફલિત ઈંડામાંથી જન્મ લીધો હોય છે. આ પ્રકારના ટ્વિન્સ મેટરનલ ટ્વિન્સ તરીકે પણ ઓળખાય છે.


જોડિયા બાળકો એક જ જનીનનો ભાગ હોવાથી આશ્ચર્યજનક સમાનતા ધરાવતા હોય છે. જોકે, આ સમાનતા દેખાવ, ઊંચાઈ કે વજન જેવી બાબતોને લઈને હોય છે, પરંતુ તેમની પ્રકૃતિ બિલકુલ અલગ હોય છે. જેમ કે, જોડિયા બાળકોનો સ્વભાવ બિલકુલ અલગ હોય છે અને તેઓ ક્યારેય એક જ રોગથી મૃત્યુ નથી પામતા. ટ્વિન રિસર્ચ યુનિટમાં અન્ય ટ્વિન્સની સાથે બાર્બરા ક્રિસ્ટિન ઓલિવર નામની બે બહેનોની પણ નોંધણી કરાઈ હતી. આ બંને બહેનોનો સંપૂર્ણ મેડિકલ ડેટા એકત્રિત કરીને તેમના વચ્ચેની સમાનતા, અસમાનતા અને તેઓ વચ્ચે અસમાનતા જીવનના કયા વર્ષે, કેવી રીતે સર્જાવાની શરૂઆત થઈ- તે તમામ ઝીણી ઝીણી વિગતો નોંધી લેવાઈ હતી. જોડિયા બાળકોની જેમ બાર્બરા અને ક્રિસ્ટિન વચ્ચે પણ લાગણીમય સંબંધ હતો. બંને બહેનો નાનપણમાં એકસરખા કપડાં પહેરવાનું પસંદ કરતી અને તેમની હેર સ્ટાઈલ પણ એકસરખી હતી.

જોકે, આ સંશોધનો દરમિયાન વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે, કિશોરાવસ્થામાં પહોંચવાની શરૂઆત થતાં જ જોડિયા બહેનોની પ્રકૃતિ બદલાવાની શરૂ થઈ હતી, અને હવે તેમની પસંદ-નાપસંદ જુદી હતી. બાર્બરા સ્કર્ટ પહેરવાનું પસંદ કરતી, પણ ક્રિસ્ટિન જેકેટ પહેરતી. એવી જ રીતે, તેમના વ્યક્તિત્વમાં પણ નોંધપાત્ર ફેરફારો નોંધાવા માંડ્યા. ક્રિસ્ટિન કર્તવ્યનિષ્ઠ અને ભાવુક હતી, જ્યારે બાર્બરા ક્રિસ્ટિનથી થોડી વધુ આત્મવિશ્વાસુ હતી. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ તેમનું વ્યક્તિત્વ એકબીજાથી જુદું થઈ ગયું. આ સંશોધનોમાં તમામ જોડિયાની જેમ આ બંને બહેનોએ પણ આ કબૂલાત કરી છે. ક્રિસ્ટિને કબૂલ્યું હતું કે, “હું ખૂબ જ ભાવુક હતી અને ક્યારેક તણાવ અનુભવતી. પરંતુ બાર્બરામાં આવું કંઈ ન હતું. અમે આઈડેન્ટિકલ ટ્વિન્સ હતા, પરંતુ બીજી બધી રીતે અલગ હતા.બસ, આ વાત વિજ્ઞાનીઓને પરેશાન કરતી હતી. એક જ જનીનમાંથી સર્જાયેલા બે બાળક દેખાવમાં સરખા હોય એ સમજી શકાય, પણ તેમનું વ્યક્તિત્વ કેમ હંમેશાં જુદુ હોય છે?

પ્રયોગની શરૂઆત અને તારણો

પ્રો. ટીમે કિંગ્સ કોલેજ લંડન સ્કૂલ ઓફ મેડિસિનના કેમ્પસમાં આવેલી સેન્ટ થોમસ હોસ્પિટલમાં જોડિયા બાળકોની નોંધણી શરૂ કરીને આ સંશોધનકાર્યની શરૂઆત કરી. વિજ્ઞાનીઓને આશા હતી કે, જો મોનોઝાયગોટિક કે ડાયઝાયગોટિક બાળકો (બે જુદા જુદા ઈંડામાંથી એક જ સમયે ગર્ભમાં ઉછરેલા જોડિયા, જે ફ્રેટરનલ, નોન આઈડેન્ટિકલ અને બાયોવુલર ટ્વિન્સ તરીકે ઓળખાય છે)ની સરખામણી કરીને વિવિધ બીમારી સામે તેમની સંવેદનશીલતા ચકાસવામાં આવે તો જનીનો પર પર્યાવરણની શું અસર થાય છે એ વિશે જાણી શકાય એમ છે. આ સંશોધનો શરૂ થયા ત્યારે આધુનિક જનીનશાસ્ત્રની શરૂઆત થઈ ચૂકી હતી. એંશી અને નેવુંના દાયકામાં આધુનિક મોલેક્યુલર બાયોલોજીની મદદથી વિવિધ વારસાગત રોગો માટે જવાબદાર ઘણાં જનીનો ઓળખાઈ ગયા હતા. આ દરમિયાન હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગો માટે એકથી વધારે જનીનો જવાબદાર હોય છે એના પુરાવા પણ મળી ચૂક્યા હતા.

પ્રો. ટીમ સ્પેક્ટર 

આ દરમિયાન વર્ષ 1984માં જ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના સહયોગથી હ્યુમન જિનોમ નામનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટ હેઠળ માનવ જનીનના ડીએનએની ત્રણ બિલિયન બેઝ પેર (મૂળ એકમ)ના આધારે જનીનોને વર્ગીકૃત કરવાનું ચાલુ કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત થયેલા સંશોધનોનો લાભ પણ પ્રો. ટીમને મળ્યો. પ્રો. ટીમ કહે છે કે, “અમારી પાસે સાત હજાર ટ્વિન્સ હતા, એટલે કે, 3,500 જોડિયા ભાઈ કે બહેન હતા. આમાંથી અડધાથી પણ વધુ લોકોની જિનોમ સિક્વન્સ (વંશસૂત્રોનો સમગ્ર ઘટનાક્રમ) નોંધી લેવાઈ હતી.આ ઉપરાંત દર વર્ષે જોડિયાના લોહીના નમૂના, હાડકાઓની ઘનતા, ફેફસાની કામગીરી, સમગ્ર શરીરનું સ્કેનિંગ અને સાઈકોમેટ્રિક ટેસ્ટિંગ પણ સતત ચાલી રહ્યા હતા.

આ સંશોધનો વખતે વિજ્ઞાનીઓને સમજાઈ ગયું હતું કે, જોડિયા બાળકોનું વ્યક્તિત્વ બદલાઈ જવા પાછળ કોઈ જનીનિક પ્રક્રિયા જ જવાબદાર છે. વિજ્ઞાનીઓએ હવે જોડિયા બાળકોમાં જન્મ વખતની સમાનતા કરતા તેઓ વચ્ચે કેવી અસમાનતા હોય છે એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જનીનોનું ઊંડુ સંશોધન કરતા જાણવા મળ્યું કે, જોડિયાનું મૃત્યુ એકસાથે થવાની સંભાવના 25 ટકા જ હોય છે. એવી જ રીતે, એકને હૃદયરોગ થાય તો બીજાને પણ એ રોગ થવાની સંભાવના 30 ટકા જ હોય છે. જ્યારે બંનેને સંધિવા થવાની શક્યતા માંડ 15 ટકા હોય છે. આટલું જાણ્યા પછી વિજ્ઞાનીઓ સમજી ગયા હતા કે, આ તમામ રોગો ચોક્કસ જનીનિક પેટર્ન પર આધારિત છે. જોડિયામાં આ પેટર્ન પણ એકસરખી રીતે વર્તે એવું બનતું નથી. એવું નહોતું કે આ વાત વિજ્ઞાનીઓ જાણતા ન હતા. તેઓને ખાતરી હતી કે, આ માટે જનીનિક પેટર્ન જવાબદાર છે પરંતુ અત્યાર સુધી વિજ્ઞાન પાસે કોઈ પુરાવા ન હતા.

જોડિયા બાળકોનો ઉછેર ભલે સરખા વાતાવરણમાં થાય પણ કિશોરાવસ્થાથી તેમનામાં બદલાવની શરૂઆત થઈ જાય છે, પણ એવા કયા જનીનિક ફેરફારો થાય છે, જે તેમનું સમૂળું વ્યક્તિત્વ બદલી નાંખે છે? આ સૌથી મોટો સવાલ હતો. છેવટે પ્રો. ટીમને જવાબ મળ્યો કે, હ્યુમન એપિજિનોમમાં ફેરફાર થવાથી આવું થાય છે. આ અંગે પ્રો. ટીમ કહે છે કે, “માનવ જનીનો પર પર્યાવરણની અસરથી જે કોઈ ફેરફારો થાય તે શાસ્ત્ર એપિજિનેટિક્સ કહેવાય છે. જનીનોમાં મિથાઇલેશન નામની પ્રક્રિયા થતી હોય છે. આપણા કોષોની અંદર ચારેય તરફ મિથાઈલ નામનું કેમિકલ તરતું હોય છે, જે તેને ડીએનએ સાથે જોડી દે છે. પરંતુ આવું થાય છે ત્યારે તે જનીનિક પ્રક્રિયા હેઠળ પ્રોટીન ઉત્પાદનની ક્રિયા પણ રોકી દે છે અથવા ધીમી પાડી દે છે.

મહત્ત્વની વાત એ છે કે, ડીએનએ મિથાઇલેશન પર જીવનના તમામ પ્રસંગોની અસર હોય છે. જેમ કે, ડાયટ, નાની-મોટી બીમારી, ઉંમર, પર્યાવરણમાં રહેલા રસાયણો, ધુમ્રપાન અને દવાઓ વગેરે. એક જ વાતાવરણમાં ઉછરેલા, એક જ સ્કૂલમાં ભણનારા, એક જેવું ખાતા-પીતા અને એક જેવી રમતો રમતા બાળકો કિશોરાવસ્થામાં બદલાઈ ગયા. કારણ કે, તેમનું ડીએનએ મિથાઇલેશન જુદી રીતે થયું હતું અને તેને કાબૂમાં રાખવું અશક્ય છે. એપિજિનેટિક્સમાં નાનકડા ફેરફારો વ્યક્તિની રોગ થવાની સંભાવના પણ બદલી નાંખે છે. આ સંશોધનોમાં પ્રો. ટીમને જાણવા મળ્યું છે કે, જોડિયા બાળકોની પ્રકૃતિ જુદી હોવા પાછળ ડીએનએ મિથાઇલેશન જ જવાબદાર છે. એટલું જ નહીં, માણસની સહનશક્તિ અને વિવિધ રોગો થવાની સંભાવના પાછળ પણ ડીએનએ મિથાઇલેશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે

એપિજિનેટિક્સના કારણે ટ્વિન્સના સ્વભાવ અને વર્તન જુદું હોય છે એ બાર્બરા-ક્રિસ્ટિન સહિતના લોકો પર પણ લાગુ પડે છે. ક્રિસ્ટિન કહે છે કે, “કુદરતી રીતે જનીનોમાં ફેરફાર થવાથી અમે જુદા છીએ. બાર્બરાએ પહેલાં લગ્ન કર્યા. ઘણાં જોડિયા કહેતા હોય છે કે, આવું થાય છે ત્યારે બીજો ટ્વિન શોકમગ્ન થઈ જાય છે. આવું મારી સાથે પણ થયું. પછી હું લ્યુકેમિયાનો ભોગ બની અને મારા છુટાછેડા પણ થઈ ગયા. કોઈ પણ વ્યક્તિ માટે આ દુઃખદ ઘટના હોઈ શકે. પરંતુ નસીબ જેવું પણ કંઈક ભાગ ભજવતું હશે!

એપિજિનેટિક્સની લાંબા ગાળાની અસર

એપિજિનેટિક્સમાં થતા ફેરફાર સામાન્ય નથી હોતા, તે વ્યક્તિની જનીનિક પેટર્ન નક્કી કરે છે અને તેની અસર ત્રણ પેઢી સુધી રહે છે. એટલે કે, માણસજાતને પ્રક્રિયાનો પણ વારસો મળે છે. દ્વિતિય વિશ્વયુદ્ધમાં ભયાનક દુષ્કાળનો સામનો કરી ચૂકેલી એક ગર્ભવતીના બાળક અને તેના પૌત્ર પર થયેલા સંશોધનો પરથી માલુમ પડ્યું છે કે, તે બંને એકસરખી મનોવિકૃતિ અને ડાયાબિટીસની સંભાવના ધરાવતા હતા. જનીનોની મદદથી કુદરતી રીતે પેઢી દર પેઢી આવા સામાન્ય ફેરફારો થતા રહે છે. તેમાં દુષ્કાળ કે મોટી બીમારી જેવા સંજોગોમાં ફેરફારો પણ થાય છે, પરંતુ તમે તુરંત તમારા જનીનો બદલી શકતા નથી. પ્રો. ટીમ કહે છે કે, “એપિજિનેટિક્સની મદદથી આપણે જાડા કે પાતાળા બાળકો પેદા કરી શકીએ છીએ. ફેરફારો બે કે ત્રણ પેઢી સુધી રહે છે.” માણસજાતનું ભલું કરવા જનીનશાસ્ત્રની આ શાખાનો પણ મક્કમ ગતિએ વિકાસ થઈ રહ્યો છે.

No comments:

Post a Comment