એવું કહેવાય છે કે, ટ્રેજેડી એટલે કે કરુણ ઘટના વખતે માણસનું સારામાં સારું રૂપ પ્રગટ થાય છે, પરંતુ ટ્રેજેડી ક્યારેક માણસનું ખરાબમાં ખરાબ રૂપ પણ પ્રગટ કરી દે છે. અત્યારે ઉત્તરાખંડમાં કંઈક આવુ જ થઈ રહ્યું છે. ઉત્તરાખંડની ઘાટીઓમાંથી અત્યારે વીરતા, હિંમત, માનવતા, લાલચ, દુષ્ટતા અને બર્બરતા એમ બધા જ પ્રકારના પડઘા સંભળાઈ રહ્યા છે. ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ અને આભ ફાટવાની ઘટના પછી આવેલા વિકરાળ પૂરને કારણે મુશ્કેલીમાં મુકાયેલા યાત્રાળુઓને બચાવવા ભારતીય લશ્કરના જવાનો ટાંચા સાધનોની મદદથી રાત-દિવસ ખડે પગે રાહત અને બચાવકાર્ય કરી રહ્યા છે. પરંતુ આ જ ‘દેવભૂમિ’ પર એવા પણ કેટલાક દુષ્ટાત્માઓ છે જેમણે કપરી પરિસ્થિતિમાં મૂકાયેલા યાત્રાળુઓની મજબૂરીનું આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કરવામાં પણ કશું જ બાકી રાખ્યું નથી.
ઉત્તરાખંડમાં પૂર આવ્યા પછી લશ્કરના જવાનોએ હજારો લોકોને હેમખેમ બચાવી લીધા છે. આ કામમાં સ્વાભાવિક રીતે જ કેદારનાથ સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરો અને આશ્રમોના સાધુઓ તેમજ સ્થાનિક લોકો પણ મદદરૂપ થતા હતા. આ ઉપરાંત અન્ય યાત્રાળુઓ કરતા પ્રમાણમાં મજબૂત બાંધાના અને તંદુરસ્ત યાત્રાળુઓને પણ એકબીજાને મદદ કરીને કુદરતી આપત્તિ વખતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉત્તરાખંડમાં પર્વતારોહણ કરવા આવેલા ઉત્સાહી યુવાનોએ પણ બચાવકાર્યમાં લશ્કરને મદદ કરી હતી. લશ્કરી જવાનો અને નિસ્વાર્થ ભાવે સેવા કરતા લોકોની મદદથી જ હજારો યાત્રાળુઓ તેમના સ્વજનો પાસે હેમખેમ પહોંચી શક્યા છે. જોકે, આ સ્થિતિમાં કેટલાક બર્બર લોકોએ એવા કૃત્યો આચર્યા છે, જે જોઈને ભારતીયોની જ નહીં, પણ ખુદ શિવજીની આંખો શરમથી ઝુકી ગઈ હશે!
બદ્રીનાથમાં પોતાની માતાને આર્મી હેલિકોપ્ટરમાં લઈ જવા જવાનને વિનંતી કરતી એક મહિલા |
ઉત્તરાખંડથી હેમખેમ પરત ફરેલા યાત્રાળુઓ મીડિયાને જણાવી રહ્યા છે કે, કેટલાક લોકોએ પીડિતોને બચાવવા કે શોધી લાવવાનો ‘ધંધો’ શરૂ કરી દીધો હતો. કેદારનાથથી મોતના મુખમાંથી બચીને આવેલા કેટલાક પીડિતો ન્યૂઝ ચેનલોને માહિતી આપતા હતા કે, અમે સ્વજનોને બચાવવા માટે બેથી પાંચ હજારનો ખર્ચ કર્યો હતો. પરંતુ આ લોકો પૈસા મળી ગયા પછી છૂ થઈ જતા હતા. આ ઉપરાંત સમાચારો જોઈ-વાંચીને ચિંતામાં ઝૂરી રહેલા સ્વજનો સાથે અમુક સેકન્ડ વાત કરાવવાના પણ એકાદ હજાર રૂપિયા વસૂલાતા હતા. ઉત્તરાખંડમાં ભૂખ્યા-તરસ્યા અને થાકેલા યાત્રાળુઓ પાસે એક ચમચો ભાતના રૂ. 120 પડાવી લેવાતા હતા. કેટલીક હોટેલોએ પૂર પીડિતોને એક રોટલીના રૂ. 180 અને એક ભાતની પ્લેટના રૂ. 500નું બિલ પકડાવ્યું હતું. એવી જ રીતે, ઉત્તરાખંડ દુર્ઘટના વખતે એક પરાઠાના રૂ. 250 અને એક વેફરના પેકેટના રૂ. 100 આપીને પેટ ભરનારા યાત્રાળુઓની પણ કમી ન હતી. કમનસીબી તો એ હતી કે, ચોતરફ પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં અનેક યાત્રાળુઓ પાણીના એક એક ટીપાં માટે તરસતા હતા અને નાના-મોટા દુકાનદારો પાણીની એક બોટલના 400 રૂપિયા વસૂલતા પણ શરમાતા ન હતા.
ઉત્તરાખંડમાં હજારો લોકો ફસાયેલા હતા ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી. તેથી ભારતીય લશ્કરે ભારે વરસાદની આગાહીના કારણે ઓછામાં ઓછા 22 હજાર લોકોને બચાવવા માટે સમય સામે પણ સ્પર્ધા કરવાની હતી. બીજી તરફ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભૂખ-તરસથી પીડાતા અને થાકેલા યાત્રાળુઓ તૂટેલા રસ્તા, પૂરના પાણી અને કુદરતી આપત્તિના ઓઠા હેઠળ સક્રિય થયેલા અસામાજિક તત્ત્વોના ભય હેઠળ સુરક્ષિત વિસ્તારોમાં પહોંચવાનો પ્રયાસ કરતા હતા. આ સંજોગોમાં પણ લાલચુ લોકોએ યાત્રાળુઓને અન્નના એક એક દાણાના મોહતાજ બનાવી દીધા હતા. અહેવાલ તો એવા પણ છે કે, કેટલાક લોકો તો અન્ન માટે કચરાપેટીઓ ફેંદતા જોવા મળ્યા હતા. આ ઘટનામાંથી આપણે પ્રકૃતિની ઈજ્જત કરતા પણ શીખવાનું છે. અન્નનો બગાડ થતો અટકાવવાનો છે. આપણે યાદ રાખવાનું છે કે, ખેતરમાં અન્નનો એક દાણો ઉગાડવા પ્રકૃતિએ ઘણો સમય લીધો હોય છે અને કોઈ ખેડૂતે લોહી-પાણી એક કર્યા હોય છે.
કુદરતના આ તાંડવ વચ્ચે સૌથી જઘન્ય અપરાધ મહિલાઓ પર થતા અત્યાચારનો હતો. આ દુર્ઘટના પછી ‘સમાધાન’ એનજીઓના કર્તાહર્તા રેણુ સિંઘે સમગ્ર ઉત્તરાખંડમાં ‘મોનિટરિંગ સેન્ટર’ ઊભા કર્યા છે. આ સંસ્થા વેશ્યાવૃત્તિમાં ધકેલાયેલી સ્ત્રીઓ માટે કામ કરે છે. હાલ આ મોનિટરિંગ સેન્ટરો બેઘર મહિલાઓને શોધીને તેમને આશ્રય આપી રહી છે. આ સ્ત્રીઓએ તેમના પતિ કે પિતા પણ ગુમાવી દીધા હોઈ શકે છે. રેણુ સિંઘે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “અમે નોંધ લીધી છે કે, આવી કોઈ પણ કુદરતી આપત્તિ પછી બળાત્કારનું પ્રમાણ વધી જાય છે તેમજ વેશ્યાવૃત્તિમાં ધકેલાતી સ્ત્રીઓના પ્રમાણમાં પણ ખૂબ વધારો થાય છે.” નવાઈની વાત તો એ છે કે, કુદરતી આપત્તિ વખતે અનેક કુટુંબો તેમની પુત્રીઓને ત્યજી દે છે, તો કેટલાક પતિઓ તેમની પત્નીને તરછોડી દે છે. આ અંગે રેણુ સિંઘ કહે છે કે, “આ કૃત્ય પણ બળાત્કારથી ઓછું નથી.” ઉત્તરાખંડની દુર્ઘટના પછી ‘સમાધાન’ સંસ્થા આવી સ્ત્રીઓ વતી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
ઉત્તરાખંડમાં મહિલાઓ પર બળાત્કાર અને લૂંટફાટની ઘટનાઓને અફવામાં ખપાવીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયો હતો પણ ખરેખર એ અહેવાલો જ ‘અફવા’ હતા. કેદારનાથ વેલીના ગૌરીકુંડ વિસ્તારમાં એક મહિલા અને તેની પુત્રી પર બળાત્કાર થયાના અહેવાલો ચમક્યા હતા. આ ઉપરાંત બિહારની એક મહિલા પણ બળાત્કારનો ભોગ બની હતી. એવી જ રીતે, કેદારનાથ ધામમાં ખચ્ચરોનું ટ્રેડિંગ કરતા ત્રણ સગા ભાઈની હત્યા કરીને લૂંટારુઓએ 17 લાખ રૂપિયાની લૂંટ કર્યાની ફરિયાદ પણ પોલીસ ચોપડે નોંધાયાના અહેવાલ છે. ઉકીમઢ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા ગોંધલુ ગામમાં પણ અજાણ્યા શખસોએ મહિલા પર બળાત્કાર અને હત્યા કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સ્થાનિકોએ જ મીડિયા અને પોલીસને માહિતી આપી હતી અને આખરે પોલીસ ચોપડે આ ગુનો નોંધાયો હતો. આ બધા સમાચારોથી કરોડો દેશવાસીઓની આંખ શરમથી ઝુકી ગઈ છે અને આપણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, આપણે સૌથી મોટા દંભીઓ છીએ.
ખુદ ઉત્તરાખંડના પોલીસ વડા સત્યવ્રત બંસલે આવી ઘટનાઓની કબૂલાત કરી છે. તેમણે કહ્યું હતું કે, “હું એ વાત નકારતો નથી કે, કેટલાક અસામાજિક તત્ત્વો આ સ્થિતિનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે. પરંતુ આવી ઘટનાઓ એકલદોકલ છે, છડેચોક આવી ઘટનાઓ નથી થઈ રહી.” જો રાજ્ય પોલીસવડા આવી એકલદોકલ ઘટનાની કબૂલાત કરતા હોય તો બચી ગયેલા યાત્રાળુઓ કેવા ભયના ઓથારમાંથી પસાર થયા હશે તે સમજી શકાય એમ છે. સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આ સ્થિતિમાં કેટલીક લૂંટારુ ગેંગો સક્રિય થઈ હતી અને તેઓ લાશો પરથી ઘરેણાં ચોરતા હતા. ઘરેણાં માટે તેઓ લાશોની કાપકૂપ કરતા પણ ખચકાતા ન હતા. ઉકીમઠ પોલીસે જ લાશો પરથી ઘરેણાં અને તેમની ચીજવસ્તુઓ ચોરી રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પોતાને સાધુ કહેતી આ વ્યક્તિ પાસેથી પોલીસે રોકડ અને કેટલીક ચીજવસ્તુઓ કબજે કરી હતી જે તેણે લાશો પરથી ચોરી હતી. ઉત્તરાખંડમાં સાધુના વેશમાં આવા તકસાધુઓએ લૂંટ ચલાવી હોય તો નવાઈ નહીં. લૂંટારુઓએ વૃદ્ધો અને મહિલાઓ પાસેથી પૈસા અને તેમના ચંપલ પણ પડાવી લીધા હતા.
ઉત્તરાખંડના જંગલો, વેરાન અને અંતરિયાળ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓના દિવસ તો ગમે તેમ કરીને પસાર થઈ જતા હતા, પરંતુ લૂંટારુઓના ભયે એક એક રાત તેમને એક મહિના જેટલી લાંબી લાગતી હતી. રાલ્ફ વાલ્ડો ઈમર્સને ‘ધ કન્ડક્ટ ઓફ લાઈફ’ નામના તેમના નિબંધ સંગ્રહમાં કહ્યું હતું તેમ “અંધારું માણસની ઓળખ છુપાવી દે છે અને તેથી માણસમાં અપ્રામાણિકતાની લાગણી જન્મે છે.” અંધારી રાત્રે સ્ત્રીઓ અને પુરુષો બંનેને સૌથી મોટો ભય સ્ત્રીઓની શોધમાં નીકળતા ‘ગીધો’નો લાગતો હતો. જોકે, લશ્કરના જવાનોએ ઉત્તરાખંડ જેવા પહાડી અને જંગલ વિસ્તારોમાં ફસાયેલા યાત્રાળુઓ માટે પાર પાડેલું રાહત અને બચાવકાર્ય ખરેખર કાબિલેદાદ છે. સામાન્ય સંજોગોમાં એરફોર્સના જવાનોએ ‘પાઈલોટ રૂલ બુક’નું ચુસ્ત રીતે પાલન કરવું પડે છે, પરંતુ આ બચાવ અભિયાન માટે તેમણે ચોક્કસ મર્યાદા કરતા વધુ કલાકોનું ઉડાન કરીને બચાવકાર્ય સતત ચાલુ રાખ્યું હતું. આમ જવાનોએ સમયસર પહોંચી જઈને યાત્રાળુઓને ફક્ત કુદરતી આપત્તિથી નહીં પણ ગીધોથી પણ બચાવ્યા છે.
કદાચ એટલે જ શારીરિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે થાક્યા-હાર્યા બાદ બચી ગયેલા અનેક યાત્રાળુઓ મીડિયાને કહેતા હતા કે, અમને જવાનોના રૂપમાં સાક્ષાત શિવજીના દર્શન થયા હતા. કેટલાક જવાનો રજા પર હતા તેઓ પણ રાહત અને બચાવ કાર્ય માટે પરત આવી ગયા હતા. ગોરખા રાઈફલના મેજર મહેશ કિરકી પણ આવા જ એક જવાન છે, જે 12મી જૂનથી સાતમી જુલાઈ સુધી રજા પર હતા. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અહેવાલ હતો કે, 15મી જૂને મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે મેજર મહેશ પોતાની એસયુવી કારમાં પત્ની, સાસુ અને બે બાળકો સાથે દહેરાદૂનથી બદ્રીનાથ જતી વખતે કર્ણપ્રયાગમાં ફસાઈ ગયા હતા. આમ છતાં, જોખમ ખેડીને તેઓ બીજા દિવસે સાંજે જોશીમઠ પહોંચ્યા. અહીં તમામ માર્ગો તૂટી ગયા હોવાથી તેમને જવાનોએ પરત જતા રહેવા જણાવ્યું. હવે તેમની પાસે બે વિકલ્પ હતા. એક, પાછા ફરીને સલામત સ્થળે જતા રહેવું અને બીજું, એ વિસ્તારની આસપાસ ફસાયેલા લોકો માટે કંઈક કરવું. કહેવાની જરૂર નથી કે, મેજર મહેશ કિરકી પત્નીને રાહ જોવાનું કહીને જતા રહ્યા હતા અને ફસાયેલા યાત્રાળુઓ સામે ‘શિવજી’ બનીને પ્રગટ થયા હતા.
નોંધઃ લેખમાં લીધેલી તસવીર રોયટરની છે.
dear sir,
ReplyDeletevery well written article..
infact, from last 10 days i m watching news regarding this issue. but, I m not get bored ;)
keep it up.