મધર ટેરેસાએ શાંતિ વિશે બોલતી વખતે એકવાર કહ્યું હતું કે, “ઈફ વી હેવ નો પીસ,
ઈટ ઈઝ બિકોઝ વી હેવ ફોરગોટન ધેટ વી બિલોન્ગ ટુ ઈચઅધર...” એટલે કે, જો આપણને શાંતિ
નથી તો એનું કારણ એ છે કે, આપણે ભૂલી ગયા છીએ કે આપણે બધાં જ એકબીજા સાથે જોડાયેલા
છીએ. આજે વિશ્વના અનેક દેશોમાં આંતરવિગ્રહો ચાલી રહ્યા છે અને અનેક દેશો બીજા દેશો
સામે પણ લડી રહ્યા છે. આ લડાઈઓના કારણે સમગ્ર વિશ્વની શાંતિ ડહોળાય છે અને લાંબા
ગાળે તેની ભયાવહ અસરો ભોગવવી પડે છે. તાજેતરમાં જ ઈન્સ્ટિટ્યુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ નામની સંસ્થાએ વિશ્વના
તમામ દેશોમાં કેટલી શાંતિ પ્રવર્તી રહી છે તેના આધારે એક રસપ્રદ અહેવાલ તૈયાર
કર્યો છે. આ યાદીમાં સૌથી શાંત દેશને પ્રથમ નંબર અપાયો છે અને એ રીતે 160 દેશોની
યાદીમાં ભારતનો ક્રમ છેક 141મો છે.
આ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત સામાયિક ‘ઈકોનોમિસ્ટ’ના ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ
યુનિટ દ્વારા એકત્રિત કરાયેલા ડેટાનો આધાર લેવાયો છે. આ તથ્યોના આધારે ગ્લોબલ પીસ
ઈન્ડેક્સ તૈયાર કરાઈ છે. આ ઈન્ડેક્સ મુજબ વિશ્વના સૌથી વધુ હિંસક 25 દેશોમાં
ભારતને 21મો ક્રમ અપાયો છે. વિવિધ દેશોમાં કેટલી શાંતિ પ્રવર્તે છે એ દિશામાં અભ્યાસ
કરવા માટે ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા કુલ 22 માપદંડો નક્કી કરાયા હતા. જેમાં
જે તે દેશમાં લશ્કરીકરણ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા વિગ્રહો, વિવિધ
કારણોસર પોલીસ ચોપડે નોંધાતી રોજિંદી હત્યાઓ અને ભ્રષ્ટાચારને મહત્ત્વ અપાયું
હતું. હવે કહેવાની જરૂર નથી કે, આ યાદીમાં ભારત કેમ સૌથી અશાંત અને હિંસક દેશો
સાથે સ્પર્ધા કરી રહ્યું છે.
વિશ્વના સૌથી શાંત દેશોની વર્ષ 2012ની ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં ભારતનું સ્થાન 142મું હતું અને આ વખતે ભારત એક કદમ આગળ આવ્યું છે. આ મુદ્દે અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, લશ્કરી ખર્ચમાં વધારો થયો હોવા છતાં ભારતમાં અંદરોદર થતા વિગ્રહોને કારણે થતા મૃત્યુદરમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત સામાજિક હિંસાનું પ્રમાણ પણ થોડું ઘટ્યું છે. જોકે, અહેવાલમાં કરાયેલી આ હકારાત્મક ટિપ્પણીથી બિલકુલ હરખાવા જેવું નથી. કારણ કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજકીય-સામાજિક હિંસા, ઓનર કિલિંગ, સ્ત્રી હિંસા, કુપોષણથી થતા મૃત્યુ, આતંકવાદી હુમલા અને નક્સલવાદ જેવી આંતરિક મુશ્કેલીઓના કારણે ભારતમાં હત્યાનું પ્રમાણ વધ્યું છે અને દેશના સામાજિક માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
ગ્લોબલ પીસ ઈન્ડેક્સના અહેવાલમાં જણાવાયું છે કે, મ્યાનમાર, ઈરાન, કેન્યા,
રવાન્ડા અને કિર્ગિસ્તાન જેવા દેશોમાં પણ ભારત કરતા વધારે શાંતિ છે. જોકે, આ
યાદીમાં પાડોશી દેશ મ્યાનમારનું સ્થાન ભારતથી એક કદમ આગળ એટલે કે, 140મું છે. ભારતે
ગ્લોબલ પીસ ઈન્ડેક્સમાં લેબેનોન, બુરુન્ડી અને લિબિયા જેવા દેશો સાથે હરીફાઈ કરી
છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, હિંસા અને ભ્રષ્ટાચારના કારણે ભારત કેવા
તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ફક્ત દક્ષિણ એશિયાની પીસ ઈન્ડેક્સ જોઈએ તો શ્રીલંકા
ભારતથી ફક્ત એક કદમ આગળ છે, પરંતુ વિશ્વના તમામ દેશોની યાદીમાં શ્રીલંકાનું સ્થાન
110મું છે. આ આંકડા પરથી ભારત અને શ્રીલંકાની આંતરિક સ્થિતિમાં કેટલોક ફર્ક છે
તેનો અંદાજ લગાવી શકાય એમ છે.
દક્ષિણ એશિયામાં સૌથી ઉત્તમ દેખાવ ભુતાનનો છે. આ યાદીમાં ભુતાન 20માં સ્થાને
છે, એટલે કે વિશ્વના સૌથી શાંત 25 દેશોમાં ભુતાનનો સમાવેશ થયો ગણાય. દક્ષિણ
એશિયાના સૌથી શાંત દેશોમાં ભુતાન પછી નેપાળ, બાંગલાદેશ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન
અને છેલ્લે અફઘાનિસ્તાન છે. આમ દક્ષિણ એશિયામાં શાંતિની દૃષ્ટિએ ભારત અને
પાકિસ્તાનની સ્થિતિમાં બહુ ફરક નથી. એક વાત યાદ રાખો કે, આ યાદી તૈયાર કરવા માટે સ્થાનિક
સ્તરે થતી હિંસા, હત્યા અને ભ્રષ્ટાચાર જેવા દુષણોના સત્તાવાર આંકડાઓનો પણ આધાર
લેવામાં આવ્યો છે. આ અહેવાલમાં લશ્કરી ખર્ચનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ શબ્દોમાં
જણાવાયું છે કે, વિશ્વના મોટા ભાગના દેશોમાં માનવ હત્યાનું પ્રમાણ વધ્યું છે અને
વધુ 59 દેશોએ પોતાના લશ્કરી ખર્ચમાં જંગી વધારો કર્યો છે. આ કારણોસર સમગ્ર વિશ્વની
શાંતિ ડહોળાઈ છે.
આ અહેવાલ પરથી દેશમાં શાંતિ સ્થાપવામાં સફળ થનારા દેશો વિશે પણ જાણી શકાય છે.
જેમ કે, તાજેતરના આંતર વિગ્રહો પછી લિબિયાની નવી સરકારે દેશમાં શાંતિપૂર્ણ શાસન
સ્થાપવામાં મોટી સફળતા મેળવી છે. ગયા વર્ષે આ યાદીમાં લિબિયાનું સ્થાન 147મું હતું
અને એક વર્ષમાં તે 145માં ક્રમાંકે પહોંચ્યુ છે. એવી જ રીતે ચાડ જેવો નાનકડો દેશ
ગયા વર્ષે 145માં ક્રમે હતો, પણ આ વખતે 138મા સ્થાને છે. આ યાદીમાં ભારતનું સ્થાન
141મું છે એ પરથી અંદાજ લગાવી શકાય એમ છે કે, આ નાનકડા દેશની સફળતા કેટલી મોટી છે!
વિશ્વશાંતિ, અર્થતંત્ર અને માનવહત્યા
વૈશ્વિક શાંતિ ડહોળાતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ વિપરિત અસર પડે છે. ગમે તેવા
મજબૂત રાષ્ટ્રો પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. આ અહેવાલ મુજબ, આ વર્ષે વૈશ્વિક
શાંતિમાં ગયા વર્ષ કરતા પાંચ ટકાનો ઘટાડો થયો છે અને તેથી વૈશ્વિક અર્થતંત્રને 473
બિલિયન ડૉલરનું નુકસાન ભોગવવું પડ્યું છે. એવી જ રીતે, ગયા વર્ષની સરખામણીમાં માનવ
હત્યાના પ્રમાણમાં આઠ ટકાનો જંગી વધારો થયો છે. મધ્ય અમેરિકામાં આવેલા રિપબ્લિક ઓફ
હોન્ડુરાસ નામના દેશમાં ગયા વર્ષ સુધી દર લાખ વ્યક્તિએ 82 લોકોની હત્યા થતી હતી,
પણ આ વર્ષે આ આંકડો દર લાખે 92 લોકોની હત્યા સુધી પહોંચ્યો છે, જે સમગ્ર વિશ્વમાં
સૌથી વધારે છે.
આ અહેવાલ મુજબ, ભારત જેવા વિકાસશીલ દેશોમાં શહેરીકરણની આંધળી દોટના કારણે માનવ
હત્યાના આંકડામાં જંગી વધારો થયો છે અને વિશ્વનો શાંતિ સૂચકાંક નીચે લાવવામાં આ
પરિબળ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગામડાંમાંથી શહેરો તરફના સ્થળાંતરના કારણે ગુનાખોરીમાં
વધારો થાય છે. વિકાસશીલ દેશોની પોલીસે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનો વિશ્વાસ જીતવો
ખૂબ જ જરૂરી હોય છે. જોકે, આ સ્થિતિ સામે લડવા સૌથી પહેલાં પોલીસ વિભાગમાંથી
ભ્રષ્ટાચાર ઘટાડવા પર ભાર મૂકવામાં આવે છે. પરંતુ આ મુદ્દા સાથે પોલીસ વિભાગમાં
નાના કર્મચારીઓને યોગ્ય પગાર જેવા નીતિવિષયક પ્રશ્નોની પણ છણાવટ કરવી પડે અને
સમાજમાં શાંતિ સ્થાપવા લાંબા ગાળાનું આયોજન કરવું પડે એમ છે.
આ અહેવાલમાં બીજો એક રસપ્રદ મુદ્દો એ છે કે, ઓછી આવક ધરાવતા ઈરાન, ઈરાક,
ઝીમ્બાબ્વે, કોંગો અને અફઘાનિસ્તાન જેવા દેશો કુલ ઘરેલુ ઉત્પાદનના સાત ટકાથી પણ
વધારે લશ્કરી ખર્ચ કરી રહ્યા છે. લશ્કરી ખર્ચ પર ગજા બહારનો ખર્ચ કરવાથી સ્વાભાવિક
રીતે જ દેશની સામાજિક ઉત્થાનની યોજનાઓ પર ભાર પડે છે અથવા તેમાં ખામી સર્જાય છે.
આમ કુપોષણ અને ભૂખથી થતા મૃત્યુ અને સ્થાનિક સ્તરે થતી ગુનાખોરી માટે પણ લશ્કરી
ખર્ચનું ભારણ જવાબદાર છે. જો લશ્કરી ખર્ચ પર કાબૂ રાખવામાં આવે તો તે ભંડોળને
સામાજિક ઉત્થાન કે પોલીસ આધુનિકરણ પાછળ વાપરી શકાય.
જે દેશો સમૃદ્ધ અર્થતંત્ર ધરાવે છે ત્યાં સ્વાભાવિક રીતે જ શાંતિ પ્રવર્તે છે.
યુરોપના ટોપ 20 દેશોમાંથી 13 દેશોમાં એકદમ શાંતિ છે અને દુનિયાના રહેવાલાયક
દેશોમાં પણ તેમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી પહેલાં નંબરે આઈસલેન્ડ છે. જ્યારે
સ્પેન, ગ્રીસ, ફ્રાંસ અને પોર્ટુગલ જેવા દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા
હોવાથી ત્યાં શાંતિ થોડી જોખમાઈ છે. જેમ કે, ગયા વર્ષે 40માં સ્થાને રહેલું ફ્રાંસ
હાલ 53માં ક્રમે આવી ગયું છે. આમ કોઈ પણ દેશનું અર્થતંત્ર અને વૈશ્વિક શાંતિ
એકબીજા સાથે સૂક્ષ્મ રીતે સંકળાયેલા છે. આ અહેવાલ પરથી એ સ્પષ્ટ થાય છે કે, વિવિધ
દેશો દ્વારા લશ્કરી ખર્ચમાં વધારો થવાથી સીધી કે આડકતરી રીતે હિંસાને પ્રોત્સાહન
મળે છે. પાડોશી દેશો સાથે અવિશ્વાસના સંબંધો ધરાવતા ભારત જેવા દેશો માટે લશ્કરી
ખર્ચ કરવો અનિવાર્ય છે. આ સંજોગોમાં ભારત-પાકિસ્તાન-ચીન સહિતના દેશોએ તેમની
ભંડોળને વધુને વધુ લોકોના ઉત્થાન માટે વાપરવા માટે એકબીજા સાથે વિશ્વાસના સંબંધો
વિકસાવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી.
ભારત જેવા વિશાળ દેશમાં વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે ન્યાય પ્રક્રિયાથી લઈને
પોલીસ વિભાગમાં વ્યાપક સુધારા કરવા જરૂરી છે, પરંતુ ફક્ત તેનાથી કામ નહીં ચાલે. દેશમાં-સમાજમાં
વાસ્તવિક શાંતિ સ્થાપવા માટે સામાજિક-ધાર્મિક આગેવાનો, યુવાનો, મીડિયા જૂથો અને સ્વૈચ્છિક
સંસ્થાઓએ પણ સરકારના કામમાં સીધી કે આડકતરી રીતે મદદરૂપ થવું પડશે. નહીં તો નજીકના
ભવિષ્યમાં વિશ્વના ટોપ 10 અશાંત દેશોમાં ભારતનો સમાવેશ થાય તો નવાઈ નહીં.
વિશ્વના ટોપ 10 શાંત દેશો
આઈસલેન્ડ, ડેનમાર્ક,
ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા,
સ્વિત્ઝર્લેન્ડ, જાપાન, ફિનલેન્ડ,
કેનેડા, સ્વિડન અને બેલ્જિયમ
વિશ્વના ટોપ 10 અશાંત દેશો
અફઘાનિસ્તાન, સોમાલિયા,
સીરિયા, ઈરાક, સુદાન, પાકિસ્તાન, કોંગો, રશિયા,
ઉત્તર કોરિયા, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક
No comments:
Post a Comment