છાપાઓની પૂર્તિ અને ટેલિવિઝન શૉમાં દેખાડવામાં આવતા પ્રવાસ અને અસલી પ્રવાસમાં કેટલીકવાર બહુ મોટો ફર્ક હોય છે. અહીં આપણે કાશ્મીરની વાત કરવી છે. કાશ્મીર વિશે વાંચ્યા, સાંભળ્યા અને ટીવીમાં જોયા પછી આપણા માનસપટલ પર કાશ્મીરની એક રોમેન્ટિક છબી રચાઈ જાય છે. પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિક સાથે જોડાયેલો પત્રકાર મિત્ર શ્રેયસ પંડિત તેના પરિવાર સાથે (શ્રેયસના માતા-પિતા, પત્ની, ભાઈ-ભાભી અને બંને ભાઈના બે બાળકો) કાશ્મીર ફરવા ગયો અને ત્યાં તેને કેવા કડવા અનુભવો થયા તેનું બયાન કરતો એક લેખ ‘ગુજરાત ગાર્ડિયન’ની ટ્રાવેલ પૂર્તિ (13મી જૂનનો અંક) માટે લખ્યો. આ લેખ વાંચીને સ્વાભાવિક રીતે જ અનેક લોકો ચોંકી ગયા. અમને બંનેને આ વાત વધુને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી લાગી અને એટલે આ બ્લોગ પર પણ હું એ લેખ મૂકી રહ્યો છું.
વાંચો શ્રેયસ પંડિતના કાશ્મીર પ્રવાસના રસપ્રદ અહેવાલનો ભાગ-1
ધરતી પરનું સ્વર્ગ એટલે કે કાશ્મીર. પ્રાચીન કાળના ઋષિઓથી માંડીને આધુનિક
સમયના અનેક સાહિત્યકારોને ઉત્તમ વિચારો માટેની પવિત્ર ઊર્જા પૂરી પાડનારી
સ્વપ્નભૂમિ એટલે કાશ્મીર. કાશ્મીર અંગે સાંભળેલી અને વાંચેલી આવી અનેક કથાઓના મીઠા
સંસ્મરણને યાદ કરીને અમે મે મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન સપરિવાર
કાશ્મીરને માણવા અને જાણવાનો કાર્યક્રમ બનાવ્યો. ટ્રેનમાં જમ્મુ પહોંચ્યા બાદ અમે
સીધા પટનીટોપ ગયા અને અહીં રાતવાસો કર્યો. હરિયાળા પર્વતોની વચ્ચે વસેલું પટનીટોપ
વહેલી સવારે જાણે કે વાદળો સાથે વાતો કરવામાં ગુલતાન હતું. પટનીટોપની ખુશનુમા
આબોહવા અમને અહીં રોકાવા માટે લલચાવી રહી હતી, પરંતુ અમારે ખૂબ ઝડપથી સોનમર્ગ અને ગુલમર્ગ જવું હતું એટલે
પટનીટોપમાં વધારે રોકાયા નહીં.
પટનીટોપથી સીધા શ્રીનગર પહોંચ્યા. શ્રીનગરથી વહેલી સવારે નીકળીને અમે સોનમર્ગ
ગયા. બરફના ગોળા બનાવીને તોફાન-મસ્તી કરવા માગતા કે સ્કીઈંગ,
ઘોડેસવારી કરવા માગતા
લોકો માટે સોનમર્ગ એક આદર્શ સ્થળ છે. ફિલ્મોમાં જોયેલા દૃશ્યો અને કાશ્મીરીઓના આતિથ્યભાવના
ઊંચા ખ્યાલને મનમાં રાખીને અમે સોનમર્ગ પહોંચ્યા અને કાશ્મીરીઓની મહેમાનનવાઝીની
વાતો સાંભળીને કરેલી કલ્પનાઓ પત્તાના મહેલની જેમ કડડભૂસ તૂટી પડે એના દુઃખદ
અનુભવોની શરૂઆત થઈ. સોનમર્ગમાં બરફની વચ્ચે જતાં પહેલાં ઠંડીથી બચવા માટેના ખાસ
પ્રકારના કોટ અને બૂટ ભાડેથી લેવા પડે છે. એક જગ્યાએ અમે કોટ અને બૂટ ભાડે લેવા
ઊભા રહ્યા. દુકાનદારે ચાર વ્યક્તિ માટેના સૂટનું ભાડું રૂ. 600 નક્કી કર્યું અને કપડાં પહેરાવી દીધા. અમે જેવા કપડાં
પહેર્યા કે તરત જ તેણે રૂ. 600ના બદલે રૂ. 800 ભાડું માગ્યું. અમે તેને પૂછ્યું કે આવું કેમ?
રૂ. 600 નક્કી કર્યા પછી તમારી જબાન ફરી કેમ ગઈ?
દુકાનદાર કહે,
“અહીં તો આ જ ભાવ ચાલે છે
અને હવે તમે કપડાં પહેરી લીધા એટલે પૈસા તો આપવા જ પડશે.” અમારી કારના ડ્રાઈવર સાથે જ હતા,
પરંતુ સ્થાનિકોની સામે
બોલવાની હિંમત નહીં હોવાનું જણાવીને તેણે હાથ ઊંચા કરી દીધા. આસપાસમાં ટુરિસ્ટ
પોલીસ કે લશ્કરના જવાનો પણ હતા નહીં એટલે દુકાનદારની વાત માન્યા સિવાય છુટકો ન
હતો. કાશ્મીર સરકારે સહેલાણીઓની સલામતી માટે ટુરિસ્ટ પોલીસ નામનો અલાયદો વિભાગ
બનાવ્યો છે, પરંતુ આ વિભાગના કર્મચારીઓ હકીકતમાં શું કરે છે તેનો જવાબ અમને બાદમાં મળી
ગયો.
શ્રેયસ પંડિત પત્ની અને તેના પુત્ર સાથે |
કપડાંવાળાની મનમાનીને તાબે થયા બાદ અમે સોનમર્ગ પહોંચ્યા. સોનમર્ગમાં કાર
પાર્ક થતાની સાથે જ એક ઘોડાવાળો અમારી પાસે આવ્યો અને એક વ્યક્તિના રૂ. ૩૫૦૦ લેખે
ઘોડેસવારી કરવા જણાવ્યું. જોકે અમારી ઈચ્છા પગપાળા જવાની હોવાથી અમે ઘોડા પર
બેસવાની ના પાડી. ઘોડા ભાડે લેવાની ના પાડતા જ ઘોડામાલિકે કહ્યું કે,
તમે અહીંયા પૈસા ખર્ચવા
આવ્યા છો અને તમારે અમારા માટે જ પૈસા ખર્ચવાના છે, તો ના કેમ કહો છો? તમારે જો ઘોડા પર ના બેસવું હોય તો અહીંથી જતા રહો. પૈસા
ખર્ચવા તૈયાર ના હોય એવા લોકોની અહીં કોઈ જરૂર નથી. અમે ફરી એકવાર અમારા ડ્રાઈવર
અને ટુર કેપ્ટન દર્શનભાઈને બોલાવ્યા. અહીં પણ દર્શનભાઈ કશું ન કરી શક્યા. આ
દરમિયાન પાંચ-છ ઘોડાવાળા અમને ઘેરી વળ્યા અને રીતસરના ધમકાવતા હોય તેવી ભાષામાં
વાત કરવા લાગ્યા. આ સમયે અમે આસપાસ ટુરિસ્ટ પોલીસને શોધવા ફાંફા માર્યા પણ કોઈ
દેખાયું નહીં. ઘોડાવાળાઓની આક્રમકતા વધતી જોઈને અમને અમારી સલામતીની ચિંતા થઈ અને
ચૂપચાપ ઘોડા પર બેસી ગયા. ઘોડા પર બેઠા બાદ અમે રસ્તામાં જોયું કે છેક સુધી પાકો
રસ્તો બનેલો હતો અને ગાડી લઈને ત્યાં સુધી જઈ શકાયું હોત. આ અંગે અમે અમારા
કેપ્ટનને પૂછ્યું કે તેઓ શા માટે અમને લઈ ગયા ન હતા? તો તેમણે જણાવ્યું કે, કોઈ પણ ટેક્સી કે બસવાળો ત્યાં સુધી લઈ જશે નહીં. ભૂલેચૂકે
કોઈ ત્યાં જાય તો ઘોડાવાળા તેમના પર હુમલો કરી દે છે. કેપ્ટનની આ વાત સાંભળીને
અમને ઘણી નવાઈ લાગી અને થયું કે, ભલા પોલીસ આટલી બધી નઠારી હોઈ શકે! જો કે તેમની વાત કેટલી
સાચી હતી તે અમને બીજા દિવસે ગુલમર્ગમાં જાણવા મળી ગયું.
ગુલમર્ગ પહોંચતાની સાથે જ ગાઈડ હોવાનો દાવો કરતો એક દાઢીધારી યુવાન અમારી ગાડી
સાથે લટકી ગયો અને તેણે અમને પૂછ્યું કે, તમારે ગાઈડ જોઈએ છે? અમે ના પાડી તો કહે કે, “તમારી મરજી, પણ હું તો તમારી સલામતી માટે કહેતો હતો.” ગાઈડની વાતને અવગણીને અમે આગળ વધ્યા.
ગુલમર્ગમાં રાજેશ ખન્નાના પ્રખ્યાત ગીત ‘જય જય શિવ શંકર, કાંટા લગે ના કંકર’ નું શુટિંગ જે મંદિર પર થયું હતું ત્યાં દર્શન કરીને અમે
રોપ-વેનો આનંદ માણવા ગંડોલા પહોંચ્યા. અહીં રોપ-વેની ટિકિટ માટે બે લાંબી લાઈન
હતી. એક પ્રવાસીઓની અને બીજી ગાઈડની. નિયમ મુજબ બંને લાઈનમાંથી એક-એક વ્યક્તિનો
વારો આવવો જોઈએ. જોકે ગાઈડ અને ટિકિટ આપનારા સ્ટાફ વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે
માત્ર ગાઈડને જ ટિકિટ અપાતી હતી. એક-એક ગાઈડ ૨૦-૨૫ ટિકિટ લઈ જતો હતો અને રૂ.
૪૦૦માં લીધેલી એક-એક ટિકિટ બાજુમાં જ ઊભેલા પ્રવાસીને રૂ. ૬૦૦માં વેચી દેતો હતો.
સમય બચાવવા માટે પ્રવાસીઓ પણ ટિકિટોના કાળાબજારને પ્રોત્સાહન આપતા હતા. આ સમગ્ર
ઘટના બનતી હતી ત્યારે ટુરિસ્ટ પોલીસનો એક જવાન થોડે દૂર ઊભો હતો,
પણ તે ગંડોલાની
ટિકિટબારી બાજુ નજર રાખવાના બદલે પીઠ બતાવીને ઊભો હતો અને મસ્તીથી સિગારેટના કશ
ખેંચતો હતો.
પોલીસ, ગાઈડ અને સ્ટાફની આ મિલિભગતથી કંટાળેલા એક પ્રવાસીએ જ્યારે ક્રમ મુજબ પોતાનો
વારો હોવાનો દાવો કર્યો ત્યારે ગાઈડો ઉશ્કેરાઈ ગયા અને અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે
એ પ્રવાસીને પીટવાનું શરૂ કર્યું. પ્રવાસીને માર મારવાની શરૂઆત કરતાં પહેલા ગાઈડે
ખૂબ જ મોટો ઘાંટો પાડીને તમામ પ્રવાસીઓ સમક્ષ એલાન કર્યું કે,
“યહ હમારી ઝમીન હૈ ઔર
યહાં પે હમારા કાનૂન ચલતા હૈ.” જોકે નસીબજોગે અન્ય પ્રવાસીએ આ ઘટનાને સાક્ષીભાવે જોવાના
બદલે વળતો પ્રતિકાર કર્યો. પોતાના માનીતા ગાઈડને માર પડતો જોઈને ટુરિસ્ટ પોલીસનો
કર્મચારી દોડતો-દોડતો આવ્યો અને તેણે પણ પ્રવાસીઓને ધમકાવ્યા. ગુલમર્ગના ઘોડાવાળા
અને પોલીસની સાંઠગાંઠ ખૂબ કુખ્યાત છે એવું અમને બાદમાં જાણવા મળ્યું. અમે
પહેલગામમાં જે હોટલમાં રોકાયા હતા તે હોટલના માલિકે અમારો કિસ્સો સાંભળીને કહ્યું
કે, “તમે પ્રવાસી
હતા એટલે સસ્તામાં પતી ગયું, પણ જો કોઈ ડ્રાઈવર હોત તો મામલો બગડ્યો હોત!” બાદમાં તેણે
અમને એક કિસ્સો કહ્યો. તેણે માર્ચ મહિનામાં પોતાના એક ડ્રાઈવરને ગુલમર્ગ મોકલ્યો
હતો. ગુલમર્ગ પહોંચ્યા બાદ આ ડ્રાઈવરે પોતાના પ્રવાસીને સલાહ આપી કે,
તમે પહેલા ગંડોલામાં
રોપ-વેમાં બેસી આવો અને પછી ઈચ્છા હોય તો ઘોડેસવારી કરજો. એક ઘોડાવાળાએ આ સંવાદ
સાંભળી લીધો અને પછી તો અનેક ઘોડાવાળાઓએ ભેગા થઈને તે ડ્રાઈવરને ઢોર માર માર્યો.
ગુલમર્ગમાં જાહેરમાં આ ઘટના બની હોવા છતાં ઘોડાવાળાઓને રોકનારું કોઈ ન હતું.
સરકારે કોઈ કારણોસર લશ્કરને ખસેડી લીધું હતું અને પોલીસ વાહનચાલકો પાસેથી દંડ
ઉઘરાવવાનો હોય ત્યારે જ નજરે પડતી હતી.
સોનમર્ગની ધમકીભરી ભાષા અને ગુલમર્ગની મારામારીને જોયા બાદ અમે રીતસરના ગભરાઈ
ગયા હતા, પણ પછી એવું વિચાર્યું કે હવે આપણે બે રાત શ્રીનગરમાં રોકાવાનું છે અને
શ્રીનગર એ રાજ્યનું પાટનગર હોવાથી અહીંની પરિસ્થિતિ ચોક્કસ જુદી જ હશે! આમ પણ
કાશ્મીરના પ્રવાસન પ્રધાને જ્યારે આપણને, ગુજરાતીઓને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને સલામતીની ખાતરી
આપી છે એટલે અહીં તો ચિંતા કરવા જેવું કશું હશે જ નહીં. જોકે, શ્રીનગરમાં ફરતી
વખતે અમને જાણવા મળ્યું કે કાશ્મીરના સ્થાનિક લોકો આપણા જેવા પ્રવાસીઓને ‘હિન્દુસ્તાની’ કહે છે અને પોતાની ઓળખ ‘કાશ્મીરી’ તરીકેની આપે છે. શ્રીનગરના બહુચર્ચિત લાલ ચોક,
દાલ સરોવર અને મુઘલ
ગાર્ડનની મુલાકાત વખતે અમારા અનુભવ કેવા રહ્યા તે અંગેની વાત આવતા અંકમાં...
નોંધઃ કાશ્મીર અહેવાલના ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.
નોંધઃ કાશ્મીર અહેવાલના ભાગ-2 વાંચવા અહીં ક્લિક કરો.
આજકાલ બધેજ પ્રવાસમા આવા અનુભવો થતા હોય છે. પ્રવાસમા ધન્ધો થાય એ બરાબર છે પણ પ્રવાસીઓ સાથે છેતરપિંડી થાય એતો અનુચિતજ છે. પોતાને કાશ્મીરી અને આપણને હિન્દુસ્તાની કહે એની પાછળ મનેતો કાઇ બીજીજ ગન્ધ આવે છે. અને આતો સત્વરે સરકારે અટકાવવુજ જોઇએ.
ReplyDeleteIf root of the tree is spoiled then whole tree is going to show its effect.. India is this kind of tree.. Our very root is been spoiled by corruption and political ambition right from the beginning (1947) .. This is one of its result (it is just one of the leaves of our tree (India) ).
ReplyDelete