20 April, 2013

આંસુઃ હર્ષના, દુઃખના અને વિજ્ઞાનના


દુનિયાભરના જુદી જુદી ભાષાના તમામ સર્જકોએ આંસુ વિશે પ્રચુર માત્રામાં લખ્યું છે. આંસુ વસ્તુ એવી છે જેનાથી સર્જકો આકર્ષાયા વિના રહે જ નહીં. આંસુ ખૂબ રહસ્યમય ચીજ છે. આંસુ ખુશીમાં પણ આવે છે અને દુઃખમાં પણ, બાળકનો જન્મ થાય ત્યારે પણ અને સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પણ. કદાચ એટલે આંસુ સર્જકો જેટલા વિજ્ઞાનીઓને પણ આકર્ષે છે. ઉત્ક્રાંતિવાદની થિયરીની માણસજાતને ભેટ આપનારા મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને પણ માણસની આંસુ પાડવાની વૃત્તિના વૈજ્ઞાનિક કારણો શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ રહસ્ય ઉજાગર કરી શક્યા હતા.

જોકે, વિજ્ઞાની કોઈ સચોટ સંશોધન કરવામાં નિષ્ફળતા મળે ત્યારે એવું કહી શકાય કે તે નિષ્ફળ રહ્યા હતા. કારણ કે, કોઈ પણ કાળમાં સંશોધનો કરતા વિજ્ઞાનીઓને આવાનિષ્ફળ સંશોધનોમાંથી પણ ભરપૂર મદદ મળે છે. ડાર્વિને એક ઋષિ જેવું જીવન જીવીને માણસજાતને કલ્પનાઓનો એટલો મોટો ભંડાર આપ્યો હતો કે, આજે પણ વિજ્ઞાન જગતમાં ચર્ચા થઈ રહી છે કે, આખરે ડાર્વિન ના હોત તો આપણું જીવન કેવું હોત! તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પીટર જે. બૉલરના પુસ્તકડાર્વિન ડિલિટેડઃ ઈમેજિનિંગ વર્લ્ડ વિધાઉટ ડાર્વિનમાં વિશે ઊંડી છણાવટ કરાઈ છે. ડાર્વિને 1872માં આંસુ વિષે લખ્યું હતું કે, “આપણે આંસુને એક અકસ્માત ગણવો જોઈએ, અંદરથી આવતા ઉભરાનો કોઈ હેતુ નથી...”


ખેર, છેલ્લાં કેટલાક દાયકામાં થયેલા સંશોધનોમાં સાબિત થયું છે કે આદિમાનવને આંસુ કાઢવાની કુદરતી શક્તિનો લાભ મળતો હતો. એક્વાટિક એપ થિયરી કહે છે કે, લાખો વર્ષ પહેલાં એક કાળ એવો હતો કે જેમાં માનવશરીરે ખારા પાણીમાં રહેવાનું અનુકૂલન સાધી લીધું હતું, જે વિજ્ઞાનની પરિભાષામાંએડેપ્ટિંગ ટુ સેમી-એક્વાટિક એક્ઝિસ્ટન્સતરીકે ઓળખાય છે. થિયરીના તરફદાર વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આંખમાં આંસુ આવી જાય તેનો અર્થ થતો હતો કે જે રડે છે તે આપણને નુકસાન નહીં પહોંચાડી શકે. એટલે કે, લાખો વર્ષ પહેલાં ભાષાનું અસ્તિત્વ હતું ત્યારે સજીવો શાંતિનો કૉલ આપવા માટે આંસુનો ઉપયોગ કરતા હશે! 

આંસુને લઈને સિવાય પણ અનેક થિયરી છે. કેટલાક જીવવિજ્ઞાનીઓ સીધી-સરળ થિયરી રજૂ કરીને દાવો કરે છે કે, આંખમાંથી નુકસાનકારક બેક્ટેરિયાથી મુક્ત કરવા તેમજ આંખોને ભેજવાળી રાખવા માટે કુદરતે માણસને આંસુ કાઢવાની શક્તિ આપી છે. જોકે, મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે આંસુ સોશિયલ સિગ્નલ છે, જેની મદદથી સસ્તન સજીવો પોતે મુશ્કેલીમાં કે દુઃખી હોવાની લાગણી દર્શાવે છે. ઉત્ક્રાંતિકાળ દરમિયાન લગભગ તમામ સસ્તન પ્રાણીઓને કુદરતી શક્તિ મળી ગઈ છે. ‘આપણે કેમ અને ક્યારે રડીએ છીએ વિશે સળંગ વીસ વર્ષ સુધી સંશોધન કરનારા નેધરલેન્ડના મનોવિજ્ઞાની એડ વિન્ગરહોટ્સ કહે છે કે, “આંસુ લાચારીનો સંકેત છે, ખાસ કરીને બાળપણમાં જ્યારે સજીવ સૌથી વધુ નિર્બળ હોય છે.”

જોકે, વિન્ગરહોટ્સ સહિતના અનેક વિજ્ઞાનીઓ આંસુના સામાજિક મહત્ત્વની પણ વાત કરે છે. થોડાં વર્ષો પહેલાં કેટલાક મનોરોગવિજ્ઞાનીઓએ રડવાના કારણે માતા અને બાળક વચ્ચે લાગણીના બીજ કેવી રીતે વવાય છે તે મુદ્દાની છણાવટ કરી હતી. એવી રીતે, આધુનિક ન્યુરોલોજિસ્ટો રડવાની શક્તિને માણસની સંવેદના વ્યક્ત કરવાની શક્તિ સાથે જોડે છે. પરંતુ માણસ કર્ણપ્રિય સંગીત સાંભળતી વખતે પણ રડી પડે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વિન્ગરશોટ્સના પુસ્તકવાય ઓન્લી હ્યુમન્સ વિપમાં તે કહે છે કે, “રડવા પર થયેલા અત્યાર સુધીના તમામ સંશોધનો પૂરતા નથી. વિજ્ઞાનીઓએ વાંદરા, હાથી અને ઊંટના રડવાનું પણ દસ્તાવેજીકરણ કર્યું છે.”

એડ વિન્ગરહોટ્સ

વિન્ગરહોટ્સનું અનુમાન છે કે, માણસ લાગણીના આંસુ વહાવી શકે છે અને ફક્ત માણસમાં પુખ્તવય સુધી રડવાની વૃત્તિ ટકી રહે છે. પરંતુ વિજ્ઞાન સામે સૌથી મોટો પડકાર છે કે, આખરે આવું થાય છે કેમ? કારણ કે, ઉત્ક્રાંતિ વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો રડવાના અવાજથી વિરોધીને આપણી હાજરીનો સંકેત મળી જાય છે. સવાલનો જવાબ આપતા વિન્ગરહોટ્સ કહે છે કે, ઘણી સ્થિતિમાં રડવું જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ ચીસો પાડવા જેવા ઘોંઘાટિયા સંકેત કરતા તે ઘણું ઓછું જોખમી છે. એકબીજાના વિરોધી સજીવો ખૂબ નજીક હોય ત્યારે વાત સાચી છે. પરંતુ નાનકડા બાળકે પણ માતાને બોલાવવા માટે રડવું પડે છે.

વિન્ગરહોટ્સ કહે છે કે, માણસ સિવાયના પ્રાણીઓ જેમ જેમ પુખ્તવયના થાય તેમ તેમ મુશ્કેલી કે દુઃખના કુદરતી સંકેતો આપવાની શક્તિ ગુમાવી દે છે. કારણ કે, જંગલના નિયમ મુજબ તે જોખમી હોવાથી આવું થતું હોઈ શકે છે. પરંતુ માણસમાં આનાથી ઊંધુ થાય છે. માણસ મોટા અવાજે રડવાનું ધીમે ધીમે બંધ કરીને પુખ્તવયે આંસુ વહાવીને વિઝ્યુઅલ સિગ્નલ આપે છે. આમ કરીને તે વધુ આત્મીય કે ઘનિષ્ઠ પ્રતિક્રિયા આપે છે. પોતાની થિયરીને વધુ આધારભૂત ગણાવતા વિન્ગરહોટ્સ માણસના બાહ્ય દેખાવ અને ચહેરાના બંધારણની વાત કરે છે. તેમની દલીલ છે કે, ચહેરાના હાવભાવ વાંચવા માટે ઉત્ક્રાંતિકાળ દરમિયાન ચહેરાના સ્નાયુનું આવી રીતે સર્જન થયું છે. જે ખાસ કરીને આંસુ અને શરમના ભાવ બખૂબી દર્શાવી શકે છે.

રડવું લાગણીઓની અભિવ્યક્તિ છે, જે વિનંતીનો ભાવ પણ દર્શાવે છે. તેથી વિજ્ઞાન માને છે કે, આદિમાનવમાં રડવાની વૃત્તિ લાભદાયી હોઈ શકે છે અને આંસુ દર્શાવીને તેઓ પરસ્પર વિશ્વાસ અને સામાજિક જોડાણની લાગણી પ્રદર્શિત કરતા હશે. જોકે, આંસુ માટે લાગણીઓ સિવાયના પણ અનેક કારણો હોઈ શકે છે. આંસુ નૈતિકતા સાથે પણ જોડાયેલા છે. જેમ કે, આદિમાનવથી લઈને આધુનિક માનવ અન્યાયની લાગણી અનુભવે ત્યારે પણ આંસુ પાડે છે. સાંસ્કૃતિક ઈતિહાસકારો સામૂહિક ખુશી અને લાગણીના ઉછાળા વખતે આંસુ વહાવવાની માનવીય વૃત્તિની પણ નોંધ લે છે. ક્રિકેટ કે ફૂટબૉલ જેવી રોમાંચક રમતો જોતી વખતે કે કોઈ ફિલ્મ જોતી વખતે એકસાથે અનેક લોકો રડતા હોય તે સામૂહિક લાગણીના ઉછાળાનું ઉત્તમ ઉદાહરણ છે.

લેક્રિમલ નામની ઉત્સેચક ગ્રંથિઓ આંસુ ઉત્પન્ન કરે છે અને દરેક ઉંમરે, દરેક આંખમાંથી ઉત્પન્ન થતા આંસુ પાછળના કારણો જુદા જુદા હોઈ શકે છે. કદાચ એટલે આંસુ મુદ્દે અપાતા વૈજ્ઞાનિક ખુલાસા હંમેશાંઅપૂર્ણલાગે છે. પરંતુ હાલના સંજોગોમાં વિજ્ઞાન જગતમાં એડ વિન્ગરશોટ્સના સંશોધનો વધુ પ્રમાણભૂત મનાય છે. કારણ કે, તેઓ આંસુ માટે ન્યુરોલોજિકલ અને માણસની સમજશક્તિ એમ બંને પરિબળોને જવાબદાર માને છે. જેમ કે, સમજદાર માણસ મૃત્યુનો ભય, દુઃખ-દર્દ અને લાગણીઓ સમજી શકે છે, એટલે રડી શકે છે. કેટલીકવાર, ડુંગળી કાપતી વખતે પણ આંસુ આવે છે, પરંતુ આંસુને લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી.

વિજ્ઞાન પણ માને છે કે, આંસુ લાગણીઓની માતા છે. કારણ કે, આંસુ લાગણીઓને જન્મ આપે છે. વળી, આંસુને સંસ્કૃતિ સાથે પણ ગાઢ સંબંધ છે. હજારો વર્ષોથી આંસુ દયા અને લાગણીના પ્રતીક રહ્યા છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં આંસુને હળવાશની લાગણી સાથે પણ જોડવામાં આવ્યું છે. સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણે વડીલોને એવું કહેતા સાંભળીએ છીએ કે, રડી લેવા દે. ત્રણ શબ્દોનું રહસ્ય પણ છે. જીવનમાં દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એકાંતમાં કે નજીકની વ્યક્તિ સામે રડીને હળવા થવાનો અનુભવ કર્યો હોય છે. જ્યારે સાધુ-યોગી-ભક્તોમાં આધ્યામિક દૃષ્ટિએ હળવા થવા માટે આંસુ સારવાની વૃત્તિ જોવા મળે છે અને મગજ પર કાબૂ રાખતા શીખી ગયેલા હોંશિયાર માણસેમગરના આંસુપણ શોધી લીધા છે.

3 comments:

 1. સરસ અભ્યાસપુર્વક લખાયેલ લેખ..

  ReplyDelete
 2. ખરેખર આંસુ વિષે આટલો માહિતી પરદ લેખ દાદ માગી લે ..
  અને છેલ્લા 3 વાક્ય એકદમ જોરદાર.
  એ વાક્યો બોલ્ડ પોઈન્ટમાં હોત તો વધુ મજા પડે .

  ReplyDelete
 3. નટવરભાઈ અને સંદીપ...
  આભાર...

  ReplyDelete