18 April, 2013

ચૂંટણી પર સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો?


અત્યાર સુધી ચૂંટણી પ્રચારનો અર્થ જાહેર સભાઓ, રેલીઓ, ગલીએ ગલીએ નાનકડી સભાઓ સંબોધવી અને જાહેર માર્ગો પર કાર્યકર્તાઓના કાફલા સાથે કાર કે ટ્રકમાં ફરીને માઈક પર પોતાને મત આપવાની અપીલ કરવી ત્યાં સુધી મર્યાદિત હતો. પરંતુ ભારત જેવા વિકાસશીલ દેશોમાં ઈન્ટરનેટ યુઝર્સમાં સતત વધારો અને છેલ્લાં એક દાયકામાં ઈન્ટરનેટ નામની ગાડીમાં બેસીને વિકસેલા સોશિયલ મીડિયા જેવા પરિબળોનો આજના રાજકારણ પર ઘણો ઊંડો પ્રભાવ પડ્યો છે. આરબ સ્પ્રિંગ અને ત્યાર પછી નવી દિલ્હીના બળાત્કાર જેવી ઘટનાઓમાં પણ આપણને સોશિયલ મીડિયાની પ્રચંડ તાકાતનો અંદાજ મળી ચૂક્યો છે. આજે અમેરિકા હોય કે ભારત કે પછી પાકિસ્તાન- તમામ દેશના રાજકારણીઓએ ચૂંટણી પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પર પણ આધાર રાખવો પડે છે.

મુંબઈ સ્થિત આઈઆરઆઈએસ નામના રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ એક સંયુક્ત અભ્યાસ કરીને જાહેર કર્યું છે કે, ભારતમાં લોકસભાની 543 પૈકીની ઓછામાં ઓછી 160 બેઠકોનું ભાવિ સોશિયલ મીડિયા જનરેશન બદલી શકે છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો આજની પેઢી પર કેટલો ઊંડો પ્રભાવ છે. રાજકારણીઓ આવા શક્તિશાળી અને હાઈ ટેક પ્લેટફોર્મનો ઉપયોગ ના કરે એ શક્ય જ નથી. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રની બેઠકો પર થવાની સંભાવના છે. જોકે, અત્યારે વડાપ્રધાનપદનો યોગ્ય દાવેદાર કોને ગણી શકાય એ મુદ્દે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ચર્ચા છેડાઈ છે. એટલું જ નહીં, કેટલાક લોકોએ તો વડાપ્રધાનપદના યોગ્ય કોને ગણી શકાય એ માટે ઓનલાઈન સર્વેક્ષણો પણ કરવા માંડ્યા છે.


વડાપ્રધાનપદના ઉમેદવારોમાં સ્વાભાવિક રીતે જ ટોપ પર રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી છે. ટ્વિટર પર સક્રિય નરેન્દ્ર મોદીના તરફદારોએ રાહુલ ગાંધીને ‘પપ્પુ’ નામ આપ્યું છે, તો રાહુલ ગાંધીની તરફેણ કરતા યુઝર્સે નરેન્દ્ર મોદીને ‘ફેંકુ’ નામ આપીને યુદ્ધ છેડી દીધું છે. જોકે, તેનો અર્થ એવો નથી કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ગંભીર અને તર્કસંગત રાજકીય ચર્ચા થતી નથી. ફેસબુક કે ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર રાજકીય અને ફિલ્મી હસ્તીઓ, સામાજિક કાર્યકરો, લેખકો અને બિઝનેસમેનોની હાજરી હવે સામાન્ય છે. લગભગ દરેક મોટા રાજકીય પક્ષો ફેસબુક પર તેમનું સત્તાવાર પેજ ધરાવે છે. નરેન્દ્ર મોદી જેવા આક્રમક ‘પ્રચારક’ તો નિયમિત ટ્વિટ કરે છે અને પોતાના વિચારો પ્રદર્શિત કરવા બ્લોગિંગ પણ કરે છે.

આ અભ્યાસ મુજબ, ગુજરાતની 17 બેઠકો પર સોશિયલ મીડિયાની ઘેરી અસર થઈ શકે છે. એવી જ રીતે, ઉત્તરપ્રદેશની 14, કર્ણાટક અને તમિલનાડુની 12, આંધ્રપ્રદેશની 11, કેરળની દસ અને મધ્યપ્રદેશની નવ બેઠકોનું ગણિત સોશિયલ મીડિયા બદલી શકે છે. આ તમામ મત વિસ્તારોના લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો મહત્તમ ઉપયોગ કરે છે. આ તમામ ચૂંટણી ક્ષેત્રોમાં દસ ટકાથી પણ વધારે લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે. જોકે, અનેક લોકો આવા અભ્યાસોને બહુ ગંભીર નથી ગણતા, પરંતુ રાજકીય પક્ષોએ તેને ગંભીરતાથી લીધો છે. કારણ કે, મતદાનના 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર પર રોક લાગી જાય છે. આવા સમયે સોશિયલ મીડિયા પર જોરદાર પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવે છે. આ હાઈ ટેક પ્રચાર છેલ્લી ઘડીએ અસરકારક સાબિત થાય છે.

આ પ્રકારની અસરકારકતા ચૂંટણીના સમીકરણો બદલી શકે એટલી ગંભીર હોય તે મુદ્દે થોડી શંકા રહેવી સ્વાભાવિક છે અને જો તે ખરેખર અસરકાર હોય તો ગંભીર બાબત છે. કારણ કે, સોશિયલ મીડિયા પર ઠલવાતા વિચારો અને અભિપ્રાયો પાછળ કોઈ એક પક્ષ કે નેતા શક્તિ લગાવીને લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે જ સમાજના વિચારશીલ અને બૌદ્ધિક વર્ગે પણ સોશિયલ મીડિયા પર હાજરી પૂરાવવી જરૂરી બની ગઈ છે. કારણ કે, જે કામ મીડિયા ન કરી શકે તે પણ સોશિયલ મીડિયા માટે કદાચ શક્ય છે. એકતરફી અભિપ્રાયો સમાજને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડે છે. સોશિયલ મીડિયા પર જૂઠ્ઠા પ્રચારની પણ ભરમાર હોય છે. આ પ્રક્રિયામાં પોતાને બૌદ્ધિક અને વિચારશીલ કહેવડાવતા લોકપ્રિય લેખકો-પત્રકારો પણ સામેલ હોય છે. 

જોકે, ભારતમાં વસતીના પ્રમાણમાં ઈન્ટરનેટ યુઝર્સ હજુ ઘણાં ઓછા છે. ભારતની 125 કરોડની વસતીમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લોકો 15 કરોડ છે. હા, તેનો અર્થ એ નથી કે, ભારતના 15 કરોડ લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ તેમાંથી ફક્ત 6.2 કરોડ લોકો જ કરે છે. વળી, ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિચારીએ તો તેમાંથી કેટલા લોકો ફેસબુક અપડેટ કે ટ્વિટને ગંભીરતાથી લે છે, એ કહેવું અઘરું છે. પરંતુ સોશિયલ મીડિયા બીજા એક કારણથી અત્યંત શક્તિશાળી માધ્યમ બની જાય છે. આ માધ્યમો પર વસતીના પ્રમાણમાં ભલે ઓછા લોકો સક્રિય હોય, પરંતુ તેના પર ફેલાવાતા વિચારો ગણતરીની મિનિટોમાં માઉથ ટુ માઉથ પબ્લિસિટી થકી કરોડો લોકો સુધી પહોંચી જાય છે. 

ફેસબુક અને ટ્વિટરના સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ભારતમાં સોશિયલ મીડિયાના યુઝર્સની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. એક અભ્યાસમાં શક્યતા વ્યક્ત કરાઈ છે કે, લોકસભાની આગામી ચૂંટણી સુધીમાં ભારતમાં આઠ કરોડ લોકો સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગયા હશેકદાચ આ વાતને ધ્યાનમાં રાખીને જ દેશના તમામ રાજકીય પક્ષોએ ફેસબુક, ટ્વિટર, વૉટ્સએપ અને યૂ ટ્યૂબ જેવા હથિયારોના સહારે જંગમાં ઝંપલાવી દીધું છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટ પરથી લીધી છે. 

No comments:

Post a Comment