10 April, 2013

પાકિસ્તાનના ઉદારવાદી ‘યુવરાજ’ બિલાવલ


પાકિસ્તાન જેવા મહત્ત્વના પાડોશી દેશની ચૂંટણી પર ભારતે બાજ નજર રાખવી પડે છે. કારણ કે, ભારત-પાકિસ્તાનના સંબંધો કેવા રહેશે તેનો બધો જ આધાર પાકિસ્તાનમાં કોની સરકાર આવે છે તેના પર નિર્ભર હોય છે. પાકિસ્તાનમાં 11મી મેએ યોજાનારી સામાન્ય ચૂંટણી મુદ્દે તમામ રાજકીય પક્ષોમાં ટિકિટ અને પ્રચાર અંગેના નિર્ણયોને લઈને ભારે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિમાં પાકિસ્તાનના ફર્સ્ટ ફેમિલી ગણાતા ભુટ્ટો પરિવાર અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)માં શું થઈ રહ્યું છે તેની પાકિસ્તાન સહિત વિશ્વભરના માધ્યમો ઝીણામાં ઝીણી નોંધ લઈ રહ્યા છે. આ સંજોગોમાં ચૂંટણી ટાણે જ પીપીપીના સર્વેસર્વા આસિફ અલી ઝરદારી અને તેમના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી વચ્ચે કયા મુદ્દે અણબનાવ થયો અને ભારતને તે કેવી રીતે અસરકર્તા છે તે જાણતા પહેલાં પીપીપીની આંતરિક હુંસાતુંસી, પીપીપીમાં બિલાવલની ભૂમિકા અને બિલાવલ ભુટ્ટો ઝરદારીને જાણવા જરૂરી છે.

પીપીપીએ તેના સ્થાપક ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની મૃત્યુતિથિના રોજ ચોથી એપ્રિલે પાકિસ્તાનના સિંધમાં રાતોદેરો તાલુકામાં આવેલા ભુટ્ટો પરિવારના ગઢસમાન ગારહી ખુદા બક્ષ ગામમાંથી ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે. આ ચૂંટણી અભિયાન શરૂ થયાને માંડ અઠવાડિયું થયું હતું ત્યાં જ સમાચાર આવ્યા કે, ઝરદારી અને બિલાવલ વચ્ચે અણબનાવ થયો છે અને તેઓ પાકિસ્તાન છોડીને દુબઈ જતા રહ્યા છે. પરંતુ ચૂંટણી વખતે કોઈ જોખમ નહીં લેતા બિલાવલ ખૂબ ઝડપથી પાકિસ્તાન પરત આવી પણ ગયા. આ મુદ્દે પાકિસ્તાનના રાજકારણમાં ચણભણ ના થાય તો જ નવાઈ. પાકિસ્તાનના અખબારી અહેવાલો મુજબ, 57 વર્ષીય ઝરદારી અને 24 વર્ષીય બિલાવલ વચ્ચે પીપીપીના રાજકીય દેખાવ અને સિંધમાં ટિકિટ આપવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. પીપીપીમાં ઝરદારી પછી સૌથી મહત્ત્વનું સ્થાન તેમના બહેન ફારયાલ તાલપુરનું છે. પીપીપીના પ્રમુખ ઝરદારીની ગેરહાજરીમાં પક્ષની રોજિંદી બાબતો ફારયાલ સંભાળે છે, પરંતુ કેટલાકના મતે ફારયાલ ઝરદારીના મેસેન્જરથી વિશેષ કંઈ નથી. તેમને ઝરદારીએ કોઈ કારણોસર વધુ પડતું મહત્ત્વ આપ્યું છે. નીતિવિષયક નિર્ણયોમાં પણ ફારયાલની ભૂમિકા નથી. ઊલટાનું પીપીપીના વહીવટી કામકાજમાં તેમની દખલગીરીના કારણે જ અનેક સિનિયર નેતાઓ અને કાર્યકરો વ્યથિત છે.

બિલાવલ ભુટ્ટો 

ફારયાલ અને ઝરદારીના સંબંધો અને બિલાવલની નારાજગી જાણવા માટે ફારયાલ તાલપુર વિશે થોડી માહિતી મેળવીએ. નવેમ્બર, 2010માં વિકિલિક્સની એક ટેપ લિક થઈ જવાના કારણે ફારયાલ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયા હતા. આ ટેપમાં ઝરદારી અમેરિકાના પૂર્વ રાજદૂતને એન પેટરસનને કહી રહ્યા હતા કે, “જો મારી હત્યા થઈ જશે તો મારી બહેન આ હોદ્દો સંભાળશે.વર્ષ 1997માં બેનઝીર ભુટ્ટો જ ફારયાલને રાજકારણમાં લાવ્યા હતા. બેનઝીરની હત્યા પછી ઝરદારીએ ફારયાલને પીપીપીની મહિલા પાંખના પ્રમુખ બનાવ્યા છે. બેનઝીરે પોતાની હત્યા પહેલાં લખેલા વસિયતનામામાં ફારયાલ અને તેમના પતિ મીર મુનાવર તાલપુરને તેમની તમામ સંપત્તિના કબજેદાર અને ત્રણેય બાળકો 25 વર્ષની ઉંમરના ના થાય ત્યાં સુધી તેમના વાલી જાહેર કર્યા હતા. મીર મુનાવર પાકિસ્તાનની તાલપુર એસ્ટેટના જમીનદાર અને નેશનલ એસેમ્બ્લીના સભ્ય છે. ફારયાલે વર્ષ 2012માં બેનઝીર ભુટ્ટોના કેટલાક વફાદારોને પાણીચું પકડાવી દીધું હોવાથી યુવાન બિલાવલ નારાજ હતા. આ ઉપરાંત આગામી ચૂંટણીની ટિકિટ આપવા મુદ્દે પણ તેઓ મનમાની કરી રહ્યા છે. પરિણામે યુવાન બિલાવલ ફોઈ સાથે ઉગ્ર દલીલબાજીમાં ઉતર્યા હતા.

આ પરથી અનુમાન લગાવી શકાય છે કે, બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસ ભણીને આવેલા 24 વર્ષીય બિલાવલના સૂચનોને તેના ફોઈ ગંભીરતાથી ના લે તો પીપીપીમાં કેવી આંતરિક હુંસાતુંસી સર્જાય! એવું કહેવાય છે કે, આ મુદ્દે જ બિલાવલે પિતાને ફરિયાદ કરી હતી અને તેઓ વચ્ચે ચકમક ઝરી હતી. આ ઉપરાંત પાકિસ્તાનમાં લઘુતમીઓ પર થઈ રહેલા સતત હુમલા, મલાલા યુસુફઝાઈ પર તાલિબાની હુમલો અને બળજબરીથી કરાતા ધર્માંતરણ મુદ્દે પીપીપીના વલણને લઈને પણ બિલાવલ દુઃખી છે. બિલાવલ ધર્માંતરણ માટે કુખ્યાત ધાર્મિક નેતા પીર મિયાં મિથોના પણ વિરોધી છે. એવું કહેવાય છે કે, આગામી ચૂંટણીમાં મિયાં મિથોને બિલાવલની જીદના કારણે જ ટિકિટ અપાઈ નથી. ગયા વર્ષે જ રિંકલ કુમારી નામની યુવતીના ધર્માંતરણ મુદ્દે પીપીપી મુશ્કેલીમાં મૂકાઈ હતી. આવા વિવિધ મુદ્દે બિલાવલ તેમના પિતા, ફોઈ અને પક્ષના સિનિયર નેતાઓથી જુદું ઉદારવાદી વલણ ધરાવે છે. પીપીપીના સમર્થકો માને છે કે, પીપીપીમાં ઉચ્ચ સ્તરે હુંસાતુંસી હોય તો પણ તેનાથી ચૂંટણીમાં તેમના દેખાવ પર કોઈ અસર નહીં થાય. કારણ કે, અન્ય રાજકીય પક્ષોમાં પણ આ જ સ્થિતિ છે.

આસિફ અલી ઝરદારી અને ફારયાલ તાલપુર

બીજી તરફ, પીપીપીની મજબૂરી એ છે કે તેમની પાસે પાસે ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરી શકે એવો કોઈ કરિશ્માઈ નેતા જ નથી. આમ છતાં બિલાવલને આટલી નાની ઉંમરે મહત્ત્વની કામગીરી સોંપવી જોઈએ કે નહીં એ મુદ્દે પક્ષમાં ગંભીર મતભેદો હતા. કારણ કે, પક્ષના સિનિયર નેતાઓનું માનવું છે કે, ફક્ત 24 વર્ષીય બિલાવલને ચૂંટણી અભિયાનની જવાબદારી સોંપવી કે અન્ય મહત્ત્વની જવાબદારીઓ આપવી ખૂબ વહેલું ગણાશે. કારણ કે જો તેઓ પ્રજાને આકર્ષવામાં નિષ્ફળ જશે તો પક્ષમાં ઉચ્ચ સ્તરે નેતૃત્વનો અભાવ સર્જાઈ શકે છે. પીપીપી માટે ભુટ્ટો પરિવારના વારસદાર ખૂબ મહત્ત્વના છે. તેથી એક મત એવો પણ છે કે, વર્ષ 2018ની ચૂંટણીઓ માટે બિલાવલ ભુટ્ટોને બચાવીને રાખવા જોઈએ. અહીં બચાવીને શબ્દનો એટલા માટે ઉપયોગ કરાયો છે કે, કમનસીબે ભુટ્ટો પરિવારના કોઈ પણ સભ્યને આતંકવાદીઓ ગમે ત્યારે નિશાન બનાવી શકે છે. બિલાવલના મોતથી પીપીપીનું ભવિષ્ય જ જોખમમાં મૂકાઈ શકે છે. આ સ્થિતિમાં પીપીપીએ ચર્ચાવિચારણા કરીને પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોને એક્સપોઝ કરીને તેમને અને તેમની કારકિર્દી જોખમમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે.

હવે બિલાવલ આગામી ચૂંટણી પછી ખરા અર્થમાં પક્ષનું સુકાન સંભાળશે. આમ ચૂંટણી અભિયાનથી પોતાને દૂર રાખવાના પક્ષના નિર્ણયથી પણ બિલાવલ તેમના પિતા અને કેટલાક સિનિયર નેતાઓથી નારાજ હોવાનું મનાય છે. ઝરદારીની બે પુત્રીઓ બખ્તાવર (23) અને આસિફા (20) પણ સક્રિય રાજકારણમાં રસ લે છે, પરંતુ પીપીપી અનેકવાર સંકેત આપી ચૂકી છે કે, ભુટ્ટો પરિવારના રાજકારણનો વારસો બિલાવલ જ સંભાળશે. આ ઉપરાંત પાકિસ્તાનના ઈતિહાસમાં વર્ષ 1970 પછી કદાચ પહેલીવાર સંપૂર્ણ બંધારણીય રીતે ચૂંટણી યોજાઈ રહી છે. કારણ કે, હાલ લોકશાહી ઢબે ચાલતી સરકાર સત્તામાં છે અને તમામ પક્ષો બંધારણીય રીતે ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને ઊભા રાખવા અને પ્રચાર કરવા સ્વતંત્ર છે. પીપીપી સમગ્ર દેશની તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જે મોટી સિદ્ધિ છે. આવી મહત્ત્વની ચૂંટણીમાં પક્ષ પ્રમુખ ઝરદારી ચૂંટણી પ્રચાર નથી કરી રહ્યા કારણ કે, આ અંગે કાયદો તેમને છૂટ નથી આપતો. તેઓ ભ્રષ્ટાચારના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે. પરંતુ રાજકીય અને સુરક્ષાના કારણોસર બિલાવલને પણ ચૂંટણી પ્રચારથી દૂર રખાઈ રહ્યા છે અને આ સ્થિતિ તેમના માટે અસહ્ય છે.

જોકે, પાકિસ્તાનના કેટલાક રાજકીય વિશ્લેષકો જણાવે છે કે, બિલાવલ ચૂંટણી પ્રચારથી દૂર છે એનો અર્થ જ એ છે કે, ભુટ્ટો પરિવારમાં હજુ મતભેદો છે. જ્યારે કેટલાક લોકો બિલાવલની દુબઈ ટ્રીપને મસમોટા કાવતરાનો ભાગ ગણાવે છે. આમ કરીને ભુટ્ટો પરિવાર બિલાવલને યુવરાજઅને પક્ષના અત્યંત મહત્ત્વના યુવા નેતા જાહેર કરવા માગે  છે. પાકિસ્તાનના સિંધીઓને સારી રીતે પિછાણતા અને પીપીપીના સમર્થક નેતાઓ રમૂજી સૂરમાં કહે છે કે, ઝરદારી સિંધી જાગીરદાર છે અને બિલાવલ તેમનો એકમાત્ર પુત્ર છે. સિંધી જાગીરદારો પોતાના પુત્રોને લાડ લડાવે છે અને તેમને બગાડે છે, પરંતુ તેમની સાથે ઝગડો નથી કરતા. ખેર, બિલાવલ ઉદારવાદી હોવાથી જ કટ્ટરવાદીઓના નિશાના પર છે. તેઓ આતંકવાદનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. હાલ પૂરતું ભારત એટલું આશ્વાસન લઈ શકે છે કે, જો પીપીપી સત્તામાં આવશે તો આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પાકિસ્તાનનો પૂરતો સહકાર મળી શકે છે. હાલ પૂરતું એટલા માટે કે, પાકિસ્તાનમાં સત્તામાં ટકવા માટે ગમે ત્યારે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે અને કટ્ટરવાદીઓની પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવા પડે છે. 

No comments:

Post a Comment