16 April, 2013

લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓનો એક્સ-રે


પાકિસ્તાનમાં 11મી મેના રોજ યોજાનારી ચૂંટણી વિવિધ પક્ષોની આંતરિક હુંસાતુંસી, તમામ પક્ષોની એકબીજા સાથેની કટ્ટર દુશ્મનાવટ તેમજ આતંકવાદી ઓછાયાના કારણે વિશિષ્ટ રીતે યોજાવા જઈ રહી છે. ગઈ વખતે બિલાવલ ભુટ્ટોના લેખમાં કહ્યું હતું તેમ પાકિસ્તાનમાં ચૂંટાવા માટે અને પછી સત્તામાં ટકી રહેવા માટે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતા આતંકવાદી જૂથોને સીધું કે આડકતરી રીતે પ્રોત્સાહન આપવું પડે છે. કારણ કે, પાકિસ્તાનની ચૂંટણીમાં જીત હાંસલ કરવા અને સત્તા મળ્યા પછી ટકી રહેવા માટે આતંકવાદી જૂથોનો સહકાર ખૂબ જરૂરી છે.  એટલે સ્વાભાવિક રીતે જ ભારત માટે પાકિસ્તાનની ચૂંટણી અનેક રીતે ઘણું મહત્ત્વ ધરાવે છે. ખાસ કરીને તમામ પક્ષોએ ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરવા પડે છે. આ વાતની સૌથી મોટી સાબિતી છે 13મી એપ્રિલ, 2013ના રોજ અમેરિકાના કોમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર (સીટીસી) દ્વારા જાહેર કરાયેલો ઝીણવટભર્યો અહેવાલ. 

સીટીસીએ તૈયાર કરેલા ધ ફાઈટર્સ ઓફ લશ્કર-એ-તૈયબા: રિક્રુટમેન્ટ, ટ્રેઈનિંગ, ડિપ્લોયમેન્ટ એન્ડ ડેથનામના આ અહેવાલના તથ્યો ભારત માટે આઘાતજનક છે. એ યાદ રાખવું જરૂરી છે કે, આ અહેવાલ તૈયાર કરવા પાકિસ્તાન સરકારે જાહેર કરેલી સત્તાવાર માહિતી તેમજ ખુદ લશ્કર-એ-તૈયબા (એલઈટી)એ ઉર્દૂ ભાષામાં પ્રકાશિત કરેલી સામગ્રીનો આધાર લેવામાં આવ્યો છે. આ માહિતીના આધારે વર્ષ 1989થી વર્ષ 2008ની વચ્ચે મૃત્યુ પામેલા કુલ 924 આતંકવાદીઓની ઝીણવટભરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. જેમાં આંતકવાદીની ઉંમર, વતન, કૌટુંબિક બેકગ્રાઉન્ડ, ભાઈ કે બહેન છે કે નહીં, પરિણીત કે અપરિણીત, પરિણીત હોય તો પત્ની, બાળકોની વિગત, મૂળ વ્યવસાય કે શિક્ષણ, કયા સ્થળે કેવા પ્રકારની તાલીમ લીધી, આતંકવાદી પ્રવૃત્તિઓ ક્યાં કરી, મૃત્યુ ક્યારે-ક્યાં-કેવી રીતે થયું અને મૃત્યુ પછી ઓળખ કોણે કરી જેવી માહિતીનો સમાવેશ થાય છે. વર્ષ 2001માં ભારતીય સંસદ પર હુમલો અને વર્ષ 2008ના મુંબઈ હુમલાનું  કાવતરું આ જૂથે જ પાર પાડ્યું હતું. 


આ અહેવાલમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એલઈટીએ લગભગ તમામ આતંકવાદીઓને ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે તાલીમ આપી હતી. આ અહેવાલમાં પાકિસ્તાન સરકાર તેમને કેવી રીતે સહકાર આપે છે તેની કોઈ વિગત નથી, પરંતુ અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાન સરકાર સ્થાનિક મુજાહિદ્દીનોને ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં લડવા માટે રાજકીય અને નૈતિક ટેકોઆપે છે. આ જૂથની સ્થાપના વર્ષ 1990માં હાફિઝ મોહમ્મદ સઈદ, અબ્દુલ્લા યુસુફ આઝમ અને ઝફર ઈકબાલે અફઘાનિસ્તાનમાં કરી હતી. એલઈટીનું વડું મથક પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરમાં મુરિદકે નામનું નાનકડા ગામમાં આવેલું છે. કદાચ એટલે જ એશિયાના સૌથી મોટા અને સક્રિય આતંકવાદી જૂથ ગણાતા એલઈટીના આશરે 89 ટકા આતંકવાદીઓ પંજાબ પ્રાંતના યુવકો છે. અત્યારે પણ એલઈટી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં અનેક આતંકવાદ તાલીમ કેમ્પ ચલાવે છે.  

એલઈટીનો મુખ્ય હેતુ ગમે તે ભોગે સંપૂર્ણ જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવી દેવાનો છે. અહીં એ વાત નોંધવા જેવી છે કે, એલઈટીના મોટા ભાગના આતંકવાદીઓ કાશ્મીરી નહીં, પણ શિક્ષિત પંજાબી યુવકો છે. આ ઉપરાંત મોટા ભાગના આતંકવાદીઓ પાકિસ્તાનમાં ભારતની સરહદ નજીકના વિસ્તારોના વતની છે. ઘણાં સમય સુધી એવું મનાતું હતું કે, આતંકવાદી જૂથો ગરીબ અને વંચિત યુવાનોને પૈસાની લાલચ આપીને આતંકવાદી બનાવી દે છે. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં આતંકવાદી જૂથોમાં ઉચ્ચ શિક્ષણ પામેલા યુવાનો પણ સક્રિય હોવાના અનેક ઉદાહરણો મળી રહ્યા છે. એલઈટીને મોટા ભાગના આતંકવાદીઓ પંજાબના ગુજરાનવાલા, ફૈસલાબાદ અને લાહોર જેવા શહેરી અને શિક્ષિત યુવકોની વસતી ધરાવતા વિસ્તારોમાંથી જ મળ્યા છે. આ તમામ વિસ્તારોમાં એલઈટી મજબૂત માળખું ધરાવે છે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. 

બીજી એક રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાન લશ્કરમાં સૌથી વધુ લશ્કરી અધિકારીઓ પણ પંજાબ પ્રાંત સાથે સંકળાયેલા છે. તેથી ઉપરોક્ત અહેવાલ તૈયાર કરતી વખતે જાણવા મળ્યું હતું કે, એલઈટીના 18 જેટલા આતંકવાદીઓના પિતા કે ભાઈ પાકિસ્તાનના લશ્કરમાં ફરજ બજાવે છે અથવા તો ભૂતકાળમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત મોટા ભાગના આતંકવાદીઓના પિતા વર્ષ 1965 કે 1971માં પાકિસ્તાન વતી ભારત સામે યુદ્ધ લડી ચૂક્યા છે. આ પરથી સમજી શકાય છે કે, એલઈટીએ કેવી રીતે આ યુવકોની દુઃખતી નસ દબાવીને આતંકવાદી બનાવી દીધા હશે! એક અંદાજ મુજબ, એલઈટીએ છેલ્લાં બે દાયકામાં ત્રણ લાખ પાકિસ્તાની યુવકોને કાશ્મીરની સ્વતંત્રતા ચળવળમાં જોડાઈને તાલીમ લેવા આમંત્રણ આપ્યું છે. આ અહેવાલ મુજબ, મૃત્યુ પામેલા 90 ટકાથી વધુ યુવકો 22 વર્ષના થાય એ પહેલાં જ તેઓને આંતકવાદી બનાવી દેવાયા હતા. 924 મૃતકોમાં સૌથી નાના આતંકવાદીની ઉંમર 11 વર્ષ અને સૌથી મોટાની ઉંમર 30 વર્ષ છે. 

આ અહેવાલનું વિશ્લેષણ કરતા માલુમ પડ્યું છે કે, સૌથી વધુ શિક્ષિત યુવકને મોતને ભેટવા ભારતીય કાશ્મીરમાં મોકલવામાં આવે છે. આતંકવાદીઓએ મદરેસામાં શિક્ષણ લીધું હોય છે એ વાતનો અહીં પણ છેદ ઉડી જાય છે. જોકે, 924 મૃતકોએ મદરેસામાં સરેરાશ ત્રણ વર્ષથી ઓછો સમય વિતાવ્યો હતો અને પાંચ ટકાથી પણ ઓછા આતંકવાદીઓ સનદ (ધાર્મિક શિક્ષણ પૂરું કર્યા પછી મળતી પદવી) મેળવી શક્યા હતા. આ અહેવાલમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કાઉન્ટર વાયોલન્ટ એક્સ્ટ્રીમિઝમના કાર્યક્રમો પણ એલઈટીની શક્તિ ઓછી નહીં કરી શકે. એલઈટીના સભ્યો અને પાકિસ્તાનના લોકો વિશ્વાસની લાગણીથી જોડાયેલા છે. કારણ કે, એલઈટી પોતાના નાપાક ઈરાદા પાર પાડવા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે. આ ઉપરાંત એલઈટી પાકિસ્તાન લશ્કર સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું છે. ખરેખર, દેશના યુવાનો રાજકીય હેતુઓ પાર પાડવા આતંકવાદનો માર્ગ લે ત્યારે જે તે દેશને જ વધુ નુકસાન પહોંચતુ હોય છે. એવું નથી કે આ વાત પાકિસ્તાનના શાસકો સમજતા નથી, પરંતુ આતંકવાદને પોષીને તેઓ એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા છે. એલટીઈ તો ભારતમાં ભાંગફોડ કરે છે, પરંતુ અત્યાર સુધી પોષેલા બીજા અનેક આતંકવાદી જૂથો પાકિસ્તાનને જ ભારે પડી રહ્યા છે.

પાકિસ્તાનની ચૂંટણી, અલ્લાહના ભરોસે 

પાકિસ્તાનની ચૂંટણીની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે, પાકિસ્તાનના ઈતિહાસમાં વર્ષ 1970 પછી પહેલીવાર કોઈ સરકારને બળવો કરીને નહીં પણ મત આપીને સત્તાસ્થાનેથી દૂર કરવામાં આવશે. આમ છતાં, આ ચૂંટણીમાં સૌથી મોટું વિઘ્ન છે આતંકવાદી જૂથો. પાકિસ્તાનમાં બંધારણીય રીતે ચૂંટણી યોજાઈ છે તે ખૂબ સારા સમાચાર છે, પરંતુ દરેક રાજકીય પક્ષોએ પોતાનું કાર્યાલય સુરક્ષિત રાખવા તારની વાડો અને કોંક્રિટ બ્લોક ઊભા કરવા પડ્યા છે, જેથી કોઈ સુસાઈડ બોમ્બર દારૂગોળો ભરેલી કાર લઈને અંદર ઘૂસી ન જાય. એટલું જ નહીં, દરેક નેતાઓએ બુલેટપ્રૂફ એસયુવીમાં બહાર નીકળવું પડે છે અને જાહેર સ્થળોએ તેમની આસપાસ એકે 56 બંદૂકધારી સુરક્ષાકર્મીઓ ઘેરાયેલા રહે છે. 

પ્રજાને પ્રવચન આપતી વખતે પણ બુલેટથી બચવા 40થી 50 મિલીમીટર જાડી કાચની દીવાલની પાછળ ઊભા રહેવું પડે છે. પાકિસ્તાનના સૌથી મોટા પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સર્વેસર્વા ભુટ્ટો પરિવારના તમામ સભ્યો આતંકવાદીઓના હીટ લિસ્ટમાં છે તો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પક્ષના વડા નવાઝ શરીફ અને ઑલ પાકિસ્તાન મુસ્લિમ લિગના વડા પરવેઝ મુશર્રફના માથે પણ મોત ઝળુંબી રહ્યું છે. આતંકવાદીઓને આ તમામ રાજકીય પક્ષો અને નેતાઓ સાથે કોઈને કોઈ મુદ્દે વાંધો છે. કારણ કે, તેમને કોઈ પણ પક્ષના, કોઈ પણ નેતાની નાની સરખી ઉદારતા કે આધુનિકતા અસ્વીકાર્ય છે. પાકિસ્તાનની ચૂંટણી ખરેખર અલ્લાહના ભરોસે યોજાઈ રહી છે.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ઈન્ટરનેટર પરથી લીધી છે. 

2 comments:

  1. આતંકવાદી ક્યાં, કેવી રીતે તૈયાર થાય છે તેની સારી માહિતી આપી છે .
    અને એ તો સ્પષ્ટ છે કે આતંકી ગુરુઓ કુમળા અને જોશીલા યુવકોને
    બહેકાવીને જ તેમને ત્રાસવાદી બનાવે છે.
    અને રહી વાત રાજકીય પક્ષોની તો,
    દૂધ પાઈ ને સાપ ઉછેર્યો છે તો આવા જ પરિણામ આવે.

    ReplyDelete
  2. બહુ દિવસે કમેન્ટ કરવા બદલ ખાસ આભાર :-)

    ReplyDelete