01 February, 2013

સ્કર્ટ પહેરો અને સ્ત્રીઓને સહકાર આપો!


નવી દિલ્હીમાં પેરા મેડિકલની 23 વર્ષીય વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર થયા પછી રાજકારણીઓ અને ધર્મગુરુઓએ બેફામ નિવેદનો કરીને પોતાની હલકી માનસિકતાનો પરિચય આપવાનું ચાલુ કર્યું. આવો પરિચય આપવામાં રાજસ્થાનના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય બનવારીલાલ સિંઘલ પણ ઉત્સાહપૂર્વક સામેલ થયા છે. નવી દિલ્હીમાં સામૂહિક બળાત્કારની ઘટનાથી વ્યથિત થયેલા બનવારીલાલે તો બળાત્કાર માટે ફક્ત અને ફક્ત છોકરીઓ દ્વારા પહેરાતા સ્કર્ટ જવાબદાર હોય એવી રીતે સ્કર્ટ પર જ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. હા, આ બાબતને લઈને તેઓ ખૂબ જ ગંભીર હતા અને તેથી તેમણે રાજસ્થાનના મુખ્ય સચિવ સી. કે. મેથ્યુને આ અંગે એક પત્ર પણ લખી દીધો છે.

જોકે, આવા બકવાસનો જ્યાં સુધી જડબાતોડ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી બનવારીલાલ જેવા રાજકારણીઓ બળાત્કાર જેવા ગંભીર મુદ્દાની ચર્ચાને આડા પાટે ચડાવતા રહેશે. સદનસીબે, બેંગલુરુના બે યુવાનોએ બનવારીલાલના નિવેદનને ગંભીરતાથી લઈને ‘સ્કર્ટ ધ ઈસ્યુ’ નામનું અભિયાન શરૂ કરીને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જ બેંગલુરુના કુબન પાર્કમાં કેટલાક યુવાનો સ્કર્ટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા. ડિજિટલ માર્કેટિંગ એજન્સી ચલાવતા આદિત્ય માલ્યા નામના એક યુવકને બનવારીલાલનો આવો બકવાસ સાંભળીને આઘાત લાગ્યો અને તેણે પોતાની મિત્ર અને કોમ્યુનિકેશન પ્રોફેશનલ સમર્પિતા સમદ્દારનેપૂછ્યું કે, “શું બેંગલુરુની ગલીઓમાં હું સ્કર્ટ પહેરીને નીકળું તો મારી પણ જાતીય સતામણી થાય?” અને આ અતિશયોક્તિ ધરાવતા પ્રશ્નમાંથી જ ‘સ્કર્ટ ધ ઈસ્યુ’ નામના વિશિષ્ટ પ્રકારના અભિયાનનો જન્મ થયો. 

સ્કર્ટ પહેરીને વિરોધ કરવા એકત્રિત થયેલા યુવાનો 

બનવારીલાલે મુખ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓને અન્ય પુરુષોની કામુક નજરથી બચાવવા માટે સ્કૂલ યુનિફોર્મમાં સ્કર્ટ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને તેના બદલે ટ્રાઉઝર પર પસંદગી ઉતારવી જોઈએ. બનવારીલાલના નિવેદનમાંથી પુરુષપ્રધાન માનસિકતાના પડઘા પડે છે. પુરુષો એવું માને છે કે, સ્ત્રીઓએ તેમની પસંદગી મુજબના કપડાં પહેરવા જોઈએ અને અમને આગળ વધવા ઉશ્કેરવા ન જોઈએ. આવી માનસિકતામાંથી પુરુષોને બહાર લાવવા માટે આદિત્ય અને સમર્પિતાએ થોડી ચર્ચા પછી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની મદદથી આ આક્રમક અભિયાન છેડવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત સ્ત્રીઓને તેમની પસંદગીના કપડાં પહેરવાના હક્કનું સમર્થન કરવા પુરુષોએ ફક્ત સ્કર્ટ પહેરીને સ્ત્રીઓને પોતાનો સહકાર દર્શાવવાનો છે. 

હા, જ્યાં સેક્સનો કોઈ છોછ નથી તેવા વિકસિત દેશોમાં પણ નોકરીના સ્થળે અને સ્કૂલોમાં સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ અહીં વાત ફક્ત સ્કર્ટ પહેરવાથી બળાત્કારો થતા અટકી જશે તેવી માનસિકતાના વિરોધની છે. બળાત્કાર જેવી અત્યંત ગંભીર મુદ્દે ચર્ચા કરતી વખતે યુવતીઓએ કેવા કપડાં પહેરવા જોઈએ તેવી ચર્ચા છેડીને આડકતરી રીતે સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે, તેના વિરોધની છે. આવો બકવાસ કરીને બળાત્કાર જેવી મુશ્કેલી સામે કેવી રીતે લડવું જોઈએ તેની ઊંડી અને વિષદ ચર્ચા થતી જ અટકાવી દેવાય છે, તેના વિરોધની છે. તાજેતરમાં જ બ્રિટનની કેટલીક સ્કૂલોમાં પણ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આમ તો, બનવારીલાલે સ્ત્રીઓને પુરુષોની કામુક નજરથી બચાવવા માટે જ આવું સૂચન કર્યું છે. પરંતુ મૂળ વાત એ છે કે, બળાત્કાર ન થાય એ માટે પણ સ્ત્રીઓએ જ તકેદારી રાખવાની? અહીં સ્કૂલ-કોલેજો અને નોકરીના સ્થળે મર્યાદાભંગ થાય એવા કપડાં પહેરવાની તરફદારીની નહીં, પરંતુ બળાત્કાર જેવા મુદ્દાને ગંભીરતાથી સમજવાની વાત છે. ‘સ્કર્ટ ધ ઈસ્યૂ’ અભિયાનના મૂળમાં આ જ વાત છે. 

આ અભિયાનને સોશિયલ મીડિયા પર મિત્રો અને અન્ય અજાણ્યા લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળતા આદિત્ય અને સમર્પિતાએ ફેસબુકની મદદથી વિશ્વભરમાં હજારો લોકોને સ્કર્ટ પહેરીને સ્ત્રીઓના મનપસંદ કપડાં પહેરવાના અધિકારનું રક્ષણ કરવાની અપીલ કરી હતી. ફેસબુક પર આ અભિયાનનું પેજ ઓપન કર્યાના પહેલાં બે કલાકમાં જ 60 લોકોએ તેમને સહકાર જાહેર કર્યો હતો. જ્યારે 24 કલાકના અંતે તેમાં 100 લોકો જોડાઈ ગયા હતા. ત્યાર પછી આ અભિયાનમાં જોડાયેલા યુવકોએ સ્કર્ટ પહેરીને બેંગલુરુના કુબન પાર્કમાં ભેગા થવાનો નિર્ણય કર્યો. જોકે, એ વાત અલગ છે કે, યુવાનોએ ઓનલાઈન જેટલો ઉત્સાહ દર્શાવ્યો હતો તે વાસ્તવિકતામાં ન પરિણમી શક્યો. કુબન પાર્કમાં ફક્ત 25 યુવક આવ્યા હતા. આ 25માંથી નવ યુવકો તો આદિત્ય અને સમર્પિતાના મિત્રો હતા. આ અંગે સમર્પિતા કહે છે કે, “હું જાણું છું કે, 25 એ બહુ મોટો આંકડો નથી, પરંતુ મારા માટે એ ઘણો મોટો છે.”

પરંતુ આ એક વિશિષ્ટ પ્રકારનું અભિયાન હોવાથી મીડિયાને તેમાં રસ પડ્યો હતો. પીટીઆઈ જેવી રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ કુબન પાર્કમાં એકઠા થયેલા સ્કર્ટધારી યુવાનોના ફોટોગ્રાફ લીધા અને આ અભિયાન કરોડો લોકો સુધી પહોંચી ગયું. ફોટો શેરિંગ વેબસાઈટ ‘ઈમગુર’ પર જ 15 લાખ લોકોએ સ્કર્ટધારી યુવાનોની તસવીરો જોઈ અને આ તસવીરો જોઈને અનેક યુવાનોએ ‘સ્કર્ટ ધ ઈસ્યુ’ને સહકાર આપવા માટે સ્કર્ટ પહેરવાનું વચન આપ્યું. આ તસવીરો થકી અભિયાનને પ્રસિદ્ધિ મળતા જ ફેસબુક પર ‘સ્કર્ટ ધ ઈસ્યુ’નું ચેન્નાઈ ચેપ્ટર ખૂલી ગયું, તો કોચીના એક વરરાજાએ પરણતી વખતે સ્કર્ટ પહેરવાનું વચન આપ્યું. સિંગાપોરના એક યુવાને પણ પાર્ટીમાં સ્કર્ટ પહેરવાનો નિર્ણય લીધો. જ્યારે કોલકાતામાં પણ સ્કર્ટધારી યુવકોના મેળાવડાનું આયોજન થઈ રહ્યું છે.

આ અભિયાનની સફળતા બાદ આદિત્ય અને સમર્પિતાને સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રત્યાઘાત ન મળે તેની ચિંતા સતાવતી હતી. જોકે, આ ડર સાચો ઠર્યો અને તેમને ફેસબુક અને ટ્વિટર પર સ્ત્રીવિરોધી ટિપ્પણીઓ મળી. આ અંગે સમર્પિતા કહે છે કે, “હું માની નથી શકતી કે, યુવાનો આવી ટિપ્પણીઓ કરે છે. આ અભિયાન મુદ્દે વિવિધ ન્યૂઝ વેબસાઈટ પર આવેલા લેખને હકારાત્મક ટિપ્પણીઓની સાથે નકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો. હું નથી જાણતી કે, તેને કેવી રીતે વર્ણવું. છેવટે, મેં આદિત્યને કહ્યું કે આપણે તે વાંચવી જ ન જોઈએ. લોકોમાં રૂઢિગત વિચારો એટલા ઊંડા ઉતરી ગયા છે કે, હવે તે એક પરંપરા થઈ ગઈ છે.” આમ છતાં, સમર્પિતાને આશા છે કે, એક દિવસ લોકો ઊંડા ઉતરીને વિચારશે. તે કહે છે કે, “આ 25 યુવકો 100 પુરુષો સુધી વાત પહોંચાડશે. દરેક પુરુષના જીવનમાં સ્ત્રી હોય છે. જેવી રીતે આ અભિયાન રાતોરાત વાયરલ થઈ ગયું હતું, તેવી રીતે આ એક વ્યક્તિગત મુદ્દો બની જશે.”

જેમ કે, આ અભિયાનના પ્રચારમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવનારા કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી અજયકુમાર પરીક્ષા આપ્યાના બે કલાક પછી પોતાની બહેનનું ગુલાબી સ્કર્ટ પહેરીને કુબન પાર્કમાં હાજર થઈ ગયો હતો. આ અભિયાનનો સંદેશ એ છે કે, કોઈ મુદ્દે વિરોધ કરવા રસ્તા પર ગમે તેટલા લોકો ઉતરી આવે તેના કરતા લોકોની માનસિકતા બદલાય એ વાત વધુ મહત્ત્વની છે. આ અંગે સમર્પિતા કહે છે કે, “મારી એક પૂર્વ સહકર્મીની બે મહિના પહેલાં જ બેંગલુરુમાં છેડતી થઈ હતી, તે એક જાણીતી થિયેટર પર્સનાલિટી પણ છે. પરંતુ પોલીસે તેને લાફો ઝીંકી દીધો, કારણ કે, તેણે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં તેના બદલે હું પણ હોઈ શકું છું. આ વાતનું મને ખૂબ જ દુઃખ છે.”

નવી દિલ્હીની સામૂહિક બળાત્કાર પછીની ઘટના પછી પણ સ્ત્રીઓની સુરક્ષા, પુરુષોની માનસિકતા, પોલીસની કામગીરી અને કાયદાકીય ફેરફારો મુદ્દે વિષદ ચર્ચા થવી જરૂરી હતી, પરંતુ આવું ન થયું. ઊલટાનું બળાત્કાર માટે પણ સ્ત્રીઓને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ થયો. નેશનલ ક્રાઈમ બ્યુરોના આંકડા પ્રમાણે, ભારતમાં દર વીસ મિનિટે એક બળાત્કાર થાય છે. દુઃખની વાત તો એ છે કે, દેશની રાજધાની દિલ્હી જ ‘રેપ કેપિટલ’ તરીકે બદનામ છે. અહીં વર્ષ 2012માં સ્ત્રીઓ પર જાતીય હુમલાના 635 કેસ નોંધાયા હતા, જેમાંના 25 ટકા કેસ બળાત્કારના હતા. દિલ્હીમાં દર 14 મિનિટે એક બળાત્કાર થાય છે. શું આ બધા માટે ફક્ત સ્કર્ટ જવાબદાર છે? કમનસીબે અત્યંત જૂનવાણી માનસિકતા ધરાવતા યુવાનો પણ સ્ત્રીઓના કપડાં પરથી તેમનું ચરિત્ર નક્કી કરે છે.

પુરુષોની માનસિકતા ધરમૂળથી બદલવા માટે ‘સ્કર્ટ ધ ઈસ્યુ’ના ફેસબુક પેજ પર પુરુષોને અપીલ કરવામાં આવી છે કે, સ્કર્ટ પહેરો અને વધુમાં વધુ લોકોની એ ગેરસમજ દૂર કરો કે, સ્ત્રીઓ તેમના કપડાંના કારણે જાતીય હિંસાનો ભોગ બને છે. તમે તમારું કામ રાબેતા મુજબ જ ચાલુ રાખો, ઓફિસ જાઓ, શૉપિંગ કરવા જાઓ, મૂવી જોવા જાઓ, પરંતુ દરેક સ્થળે સ્કર્ટ પહેરીને જ જાઓ અને લોકોને જણાવો કે તમે સ્કર્ટ કેમ પહેર્યું છે... આખા ભારતને જણાવો કે આ યુદ્ધમાં સ્ત્રીઓ એકલી નથી. પુરુષો અને સ્ત્રીઓ એક થઈને આ લડાઈ લડી રહ્યા છે.

No comments:

Post a Comment