04 February, 2013

કુંભ મેળાનું જડબેસલાક મેનેજમેન્ટ


થોડાં સમય પહેલાં જ સમાચાર હતા કે, વિશ્વ પ્રતિષ્ઠિત હાવર્ડ યુનિવર્સિટી કુંભ મેળાના આયોજન વિશે સંશોધન કરવાની છે. ભારતીય સંસ્કૃતિ અને કુંભ મેળા જેવા જાહેર ઉત્સવો વિશે સાંભળીને પશ્ચિમી દેશોમાં મોટા ભાગના લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. તેમને નવાઈ લાગે છે કે, એક સપાટ મેદાન અચાનક એક શહેરમાં કેવી રીતે પરિવર્તિત થઈ જાય છે? હા, શહેર. કારણ કે અહીં લોકો છે, ધર્મ છે, સંસ્કૃતિ છે, પોલીસ અને ફાયર સ્ટેશનો છે, ખોરાક-પાણી વિતરણ અને સેનિટેશન સિસ્ટમ છે, હોસ્પિટલ અને રસીકરણ કેન્દ્રો છે, ઈલેક્ટ્રિસિટી ગ્રીડ છે, લોકોના મનોરંજન માટેની સુવિધા છે તેમજ આખેઆખું બજાર પણ છે. કદાચ એટલે જ આવા મહાકાય કુંભ મેળાના આયોજન વિશે સંશોધન કરવાની હાવર્ડ યુનિવર્સિટીના કોઈ એકાદા વિભાગે હિંમત નથી કરી, પરંતુ આ કામમાં હાવર્ડ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, સ્કૂલ ઓફ ડિઝાઈન, હાવર્ડ બિઝનેસ સ્કૂલ, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ, હાવર્ડ મેડિકલ સ્કૂલ, હાવર્ડ ડિવિનિટી સ્કૂલ અને હાવર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ પણ જોડાયા છે. આ તમામ વિભાગો કુંભ મેળા વિશે પોતપોતાના ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યા છે.હાવર્ડની ટીમ એ પ્રશ્નનો જવાબ શોધી રહી છે કે, આખરે પૃથ્વી પર આટલા વિશાળ પ્રસંગનું આયોજન શક્ય કેવી રીતે બને છે?


કુંભ મેળાના ધાર્મિક અને સાંસ્કૃતિ માહાત્મ્ય વિશે તો આપણે ઘણું જાણીએ છીએ. કારણ કે, તેના વિશે ઘણું બધુ લખાય છે, વંચાય છે. પરંતુ વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાનું આયોજન કેવી રીતે થાય છે તેના વિશે આપણે ખાસ કંઈ નથી જાણતા. આ વર્ષનો કુંભ મેળો 14મી જાન્યુઆરીથી 10મી માર્ચ એમ સતત 55 દિવસ સુધી ચાલવાનો છે. આ દરમિયાન 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, 27મી જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા, 10મી ફેબ્રુઆરીએ મૌની અમાસ, 15મી ફેબ્રુઆરીએ વસંત પંચમી, 25મી ફેબ્રુઆરીએ માઘી પૂર્ણિમા અને 10મી માર્ચે મહાશિવરાત્રિના દિવસે સ્નાનનું ખૂબ વધારે મહત્ત્વ હોય છે. આ પાંચેય દિવસે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની કુંભમાં સ્નાન કરવા ભીડ જામે છે. નવાઈની વાત તો એ છે કે, આ વર્ષે મકરસંક્રાંતિના રોજ એક કરોડ, દસ લાખ અને પોષ પૂર્ણિમાએ 55 લાખ શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન કરી ચૂક્યા છે. જ્યારે મૌની અમાસે ત્રણ  કરોડ, પાંચ લાખ, વસંત પંચમીએ એક કરોડ, 93 લાખ, માઘી પૂર્ણિમાએ અનુક્રમે એક કરોડ, 65 લાખ અને મહાશિવરાત્રીએ 55 લાખ ભક્તો આવશે એવો અંદાજ છે. (આ અંદાજિત આંકડામાં વધારો થઈ શકે છે, પરંતુ અંદાજ કરતા ઓછા માણસો ક્યારેય આવતા નથી.)

બસ અને રેલવે સેવા

કુંભમાં નદીની સાથે શ્રદ્ધાળુઓનો પ્રવાહ પણ અવિરત વહ્યા કરે છે. આ પ્રવાહમાં કોઈ ખલેલ ન પહોંચે એ માટે રાજ્ય પરિવહન અને રેલવે તંત્રને પણ જવાબદારી સોંપવામાં આવે છે. આ વર્ષે અલ્હાબાદમાં શ્રદ્ધાળુઓની સેવામાં પાંચ બસ સ્ટેશનો પરથી 892 બસ દોડાવાઈ રહી છે. આ ઉપરાંત કુલ 3,608 સ્પેશિયલ બસોનું પણ શ્રદ્ધાળુઓ માટે સંચાલન કરાઈ રહ્યું છે. જ્યારે સાત રેલવે સ્ટેશનો ઉપરથી કુલ 750 ટ્રેનો તો ફક્ત કુંભ મેળામાં લોકોના પ્રવાહને પહોંચી વળવા માટે જ દોડાવવામાં આવે છે.

પોલીસ સુરક્ષા

આ વર્ષના કુંભ મેળામાટે 1936.56 હેક્ટર વિસ્તારમાં જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે. આટલા મોટા વિસ્તારમાં સહેલાઈથી આયોજન કરી શકાય એ માટે કુલ 14 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારમાં 99 પાર્કિંગ એરિયા ઊભા કરાયા છે. ઉત્તરપ્રદેશ સરકારે કુંભમાં સુરક્ષા માટે 12,461 પોલીસ જવાનો તૈનાત કર્યા છે, જેમને કુલ 30 પોલીસ સ્ટેશનમાંથી માર્ગદર્શન મળતું રહે છે. આ ઉપરાંત 40 પ્રોવિન્સિયલ આર્મ્ડ કોન્સ્ટેબુલરી અને 40 પેરા મિલિટરી પર્સોનલ યુનિટ પણ ફરજ બજાવી રહ્યા છે. પોલીસને સહાય કરવા માટે મહત્ત્વના 85 સ્થળે સીસીટીવી કેમેરા મૂકાયા છે. જ્યારે 30 ફાયર સ્ટેશનોનો સ્ટાફ પણ ખડેપગે હાજર છે. પોલીસ જવાનોની ટુકડીઓ ડૂબતા લોકોને બચાવવા માટે ઘાટ પર પણ ખડેપગે હાજર હોય છે. આ વર્ષે પણ જવાનોએ અનેક લોકોને ડૂબી જતા બચાવ્યા છે. આ ઉપરાંત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ, બોમ્બ ડિસ્પોસલ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વૉડની ટીમ પણ 24 કલાક સતર્ક રહે છે.

માર્ગો અને પુલનું બાંધકામ 

કુંભ મેળામાં કરોડો શ્રદ્ધાળુઓ આવતા હોવાથી કોઈ સ્થળે ટ્રાફિક જામને લઈને અવ્યવસ્થા કે દુર્ઘટના ના સર્જાય એ હેતુથી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ હંગામી ધોરણે રસ્તાઓ બનાવી આપે છે. આ ઉપરાંત કુંભમાં નદીમાં સ્નાન કરવા માટે જતા શ્રદ્ધાળુઓ માટે પુલ બાંધવાની જવાબદારી પણ આ વિભાગના શિરે હોય છે. આ વર્ષે પીડબલ્યુડીએ કુંભના સ્થળને જોડતા 156.20 કિલોમીટર લાંબા રસ્તા બનાવ્યા છે, જ્યારે નદીમાં કુલ 18 સ્થળે પહોળા અને મજબૂત પુલ બાંધવામાં આવ્યા છે.

પાણી વિતરણ

કુંભમાં શ્રદ્ધાળુઓના પીવાના પાણીના વિતરણની વ્યવસ્થા કરવાનું કામ જળનિગમને સોંપવામાં આવે છે. આ વર્ષે જળનિગમે પીવાના પાણી માટે આશરે 80 હજાર કિલોમીટર લાંબી પાઈપલાઈન બનાવવાનું કામ સુંદર રીતે પાર પાડ્યું છે. પીવાના પાણી સિવાયની પાઈપલાઈન પણ 550 કિલોમીટર લાંબી છે. આટલી લાંબી પાઈપલાઈનો માટે 20 હજાર સ્થળે પાણીના જોડાણો અપાયા છે. આ ઉપરાંત 40 ટ્યૂબ વેલ સ્ટેશન અને પાંચ વિશાળ ઓવર હેડ ટાંકીનું પણ અહીં નિર્માણ કરવામાં આવ્યું છે.

વીજ વિતરણ

કુંભમાં વીજ વિતરણ પણ ખૂબ જ પેચીદો પ્રશ્ન હોય છે, પરંતુ ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન આ કામગીરી બખૂબી પાર પાડે છે. આ વર્ષે પણ કુંભમાં વીજ વિતરણ માટે 770 કિલોમીટર લાંબા વીજવાયરો દ્વારા વીજ વિતરણ કરાઈ રહ્યું છે. આ માટે કુલ 22 હજાર સ્થળે સ્ટ્રીટ લાઈટ પોઈન્ટ મૂકાયા છે. આમ સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રકારના કુલ 73 સબ-સ્ટેશનોની મદદથી ખૂણે ખૂણામાં વીજ વિતરણ કરાય છે.

આરોગ્ય અને સ્વચ્છતા

કુંભમાં દરેક વિભાગે પોતપોતાનું કામ ઉત્તમ રીતે પાર પાડવાનું હોય છે અને આયોજન આપોઆપ જળવાઈ રહે છે. આરોગ્ય વિભાગને કુંભ મેળાની આરોગ્ય અને સ્વચ્છતા વિષયક કામગીરી સોંપવામાં આવે છે. આ વર્ષે આરોગ્ય વિભાગે પ્રયાગમાં 14 એલોપેથિક, 12 હોમિયોપેથિક અને 12 આયુર્વેદિક હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે. આ તમામ હોસ્પિટલોમાં 370 પથારીની વ્યવસ્થા છે. આ સિવાય ટોઈલેટ ઊભા કરવાની જવાબદારી પણ આરોગ્ય વિભાગની હોય છે. જે અંતર્ગત આ વર્ષે 1936.56 હેક્ટર વિસ્તારમાં 35 હજાર વ્યક્તિગત, 7,500 ટ્રેન્ચ પેટર્નવાળા, એક હજાર બિન-પરંપરાગત ટોઈલેટ તેમજ 340 સુલભ કોમ્પ્લેક્સ બનાવ્યા છે.

ખાદ્ય અને પુરવઠો

કુંભમાં લાખોની સંખ્યામાં આવતા લોકોના ખાવાપીવાની વ્યવસ્થા કરવા માટે પણ ઝીણવટભર્યું આયોજન કરવું પડે છે. જે અંતર્ગત આ વર્ષે ખાદ્ય અને પુરવઠા વિભાગે બે લાખ રેશન કાર્ડની વહેંચણી કરી છે. આ ઉપરાંત 16,200 મેટ્રિક ટન ઘઉં, 9,600 મેટ્રિક ટન ચોખા, છ હજાર મેટ્રિક ટન ખાંડ અને 13,200 કિલો તેલનું વિતરણ કર્યું છે. અનાજની વહેંચણી માટે મેળામાં 125 કેન્દ્રો ઊભા કરાયા છે. આ ઉપરાંત 400 કિલો દૂધ અને દૂધના વિતરણ માટે 150 કેન્દ્રો પણ કાર્યરત છે.

***

દેવપ્રેમ અને દેશપ્રેમનો સંગમ 

કુંભ મેળામાં એક જ સ્થળે લાખો લોકો સ્નાન કરતા હોવાથી સ્વાભાવિક રીતે જ જબરદસ્ત જળ પ્રદૂષણ ફેલાતું હતું. ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન ધરાવતી નદીઓની હાલત ગટરથી પણ બદતર થઈ જતી હતી. આમ એકબાજુ ધાર્મિક, સાંસ્કૃતિક પરંપરાઓની વાત હોય છે, તો બીજી બાજુ પર્યાવરણીય મુદ્દા મ્હોં ફાડીને ઊભા હોય છે.

સ્વામી ચિદાનંદ સરસ્વતી 
જોકે, આ વખતે ગંગા શુદ્ધિકરણના સ્વપ્નદૃષ્ટા એવા ઋષિકેષના પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતીએ સંતોષ વ્યક્ત કરતા મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, “મકરસંક્રાંતિના શાહીસ્નાન પછી ગંગા પોલિથીનથી ઊભરાઈ જતી હતી. જોકે, આ વખતે હું સ્નાન કરીને પાછો ફર્યો અને બધું બદલાઈ ગયું હતું. અમે પોલિથીન કરતા હાથ વધારે જોયા. ત્યાં ફર્ક સ્પષ્ટ હતો અને હવે આવું થતું રહેશે એ માટે અમે આશાવાદી છીએ.” જોકે, સ્વામી ચિદાનંદે ઉમેર્યું હતું કે, “ફક્ત થોડા ટેન્ટ અને અમુક લોકો પૂરતા નથી. અમારી પહેલ ‘ગલીથી ગંગા’ સુધીની છે. મારી લોકોને વિનંતી છે કે, તેમના ઘર, મંદિરો, મસ્જિદો અને ગામડા હરિયાળા રાખે. આ માટે મેં વિશ્વભરના અધ્યાત્મિક ગુરુઓને પણ ‘ગ્રીન પ્લેજ’ લેવા માટે આમંત્રિત કર્યા છે.”

સ્વામી ચિદાનંદ તેમના ક્રાંતિકારી વિચારો માટે જાણીતા છે, તેનું બીજું એક ઉદાહરણ જોઈએ. કુંભ મેળા જેવા પ્રસંગે સ્વામી ચિદાનંદે વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના માતાપિતાનું સન્માન કર્યું હતું. વર્ષ 1999માં કારગીલ યુદ્ધમાં અસાધારણ હિંમત દાખવનારા ચાર સૈનિક કેપ્ટન મનોજ પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્ર યાદવ, રાઈફલમેન સંજય કુમાર અને કેપ્ટન વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પરમવીર ચક્ર વિજેતાઓના માનમાં સંગમના વિવિધ સ્થળે 21 છોડ રોપવામાં આવ્યા છે. પરમવીર ચક્ર દેશનો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર છે. આ અંગે સ્વામી ચિદાનંદ કહે છે કે, “આ રાજ્ય (ઉત્તરપ્રદેશ) દેશને સૌથી વધુ સૈનિક અને પાણી આપે છે. કુંભ દેવપ્રેમ અને દેશપ્રેમનો સંગમ છે.” 

ધ ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ 

વિશ્વના સૌથી મોટા ધાર્મિક મહોત્સવ તરીકે ઓળખાતા કુંભમાં મીડિયાને રસ ન પડે તો જ નવાઈ. કુંભ મેળામાં પત્રકારોને જાતભાતની માહિતી આપવા માટે ખાસ વિભાગ ઊભો કરવામાં આવે છે. આ સિવાય કુંભ મેળા પર ફિલ્મ અને ડોક્યુમેન્ટરી પણ બની ચૂકી છે. વર્ષ 1982માં દિલિપ રોયે કુંભ મેળા પર આધારિત ‘અમૃતા કુંભેર સંધાને’ નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. જ્યારે વર્ષ 2001માં ગ્રેહામ ડે નામના ફિલ્મમેકરે ‘કુંભ મેલાઃ ધ ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી. વર્ષ 2004માં મોરિઝિયો બેનાઝો અને નિક ડે નામના ફિલ્મમેકરોએ ‘કુંભ મેલાઃ સોન્ગ્સ ઓફ ધ રિવર’ નામની ફિલ્મ બનાવી હતી. આટલાથી સંતોષ ન થતાં એ જ વર્ષે નિક ડેએ ‘શોર્ટ કટ ટુ નિર્વાણાઃ કુંભ મેલા’ નામની એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી, જેના નિર્માતા મોરિઝિયો બેનાઝો હતા. આ ડોક્યુમેન્ટરીનું શુટિંગ વર્ષ 2001ના કુંભ મેળામાં કરાયું હતું. વર્ષ 2008માં નદીમ ઉદ્દીને ‘ઈન્વોકેશનઃ કુંભ મેલા’ નામની ફિલ્મ બનાવી હતી. 28મી એપ્રિલ, 2010ના રોજ બીબીસીએ કુંભ મેળા વિશે એક ઓડિયો અને વીડિયો રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેનું શીર્ષક હતું ‘કુંભ મેલા, ગ્રેટેસ્ટ શૉ ઓન અર્થ’. આ ઉપરાંત વર્ષ 2010ના હરિદ્વારમાં આયોજિત કુંભ મેળામાં જોનાસ શ્યૂ અને ફિલિપ આઈએ શૂટિંગ કરીને ‘અમૃત નેક્ટર ઓફ ઈમમોર્ટાલિટી’ નામની ડોક્યુમેન્ટરી બનાવી હતી.

નોંધઃ પહેલી તસવીર પ્રતીકાત્મક છે. બંને તસવીર ગૂગલ પરથી લીધી છે. 

No comments:

Post a Comment