આજથી વીસેક વર્ષ પહેલાં ટેક્નોલોજીએ માનવ જીવનનું પુનર્ગઠન (રિઓર્ગેનાઈઝ) કરવાની શરૂઆત કરી દીધી હતી. આપણે જ્યાં કામ કરતા હતા ત્યાં ટેક્નોલોજી ધીમી પણ મક્કમ ગતિએ પગપેસારો કરી ચૂકી હતી અને આપણો રોજિંદો સંવાદ વિશિષ્ટ પ્રકારનો બની ગયો હતો. હવે આપણી પાસે સંવાદ કરવાના એકથી વધુ માધ્યમો છે. સંવાદને લગતી એવી એક પણ મુશ્કેલી ન હતી, જેનો ટેક્નોલોજીએ ઉકેલ શોધી ના કાઢ્યો હોય! આજે અહીં આવા જ એક પ્રસંગની વાત કરવી છે, જેમાં સંવાદની જટિલ મુશ્કેલીને ટેક્નોલોજીની મદદથી દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
‘પોપ્યુલર સાયન્સ’ નામના ફ્યૂચર સાયન્સ અને ટેક્નોલોજીને વરેલા સામાયિકના એડિટર
ઈન ચિફ જેકોબ વૉર્ડ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેન ફ્રાન્સિસ્કોમાં રહીને
કામકાજ કરે છે. જ્યારે બાકીનો સ્ટાફ ન્યૂયોર્કના ન્યૂયોર્ક સિટીમાં બેસીને પોતાનું
કામ સંભાળે છે. આમ તો ઘણાં સમય સુધી ‘પોપસાઈ’ (ટૂંકમાં આ નામે પ્રચલિત છે)ના
સ્ટાફને આવી રીતે કામ કરવામાં કોઈ મુશ્કેલી ન પડી. પરંતુ એક તબક્કે તેમણે
અનુભવ્યું કે, એક સામાયિક માટે તેઓ સાથે મળીને કામ નથી કરી શકતા અને એકબીજા સાથે
પૂરતો સંવાદ નહીં થતો હોવાના કારણે ‘ઓફિસ કલ્ચર’ વિકસી શકતું નથી. પરિણામે જેકોબ
વૉર્ડે પોતાના સ્ટાફ સાથે લાઈવ વીડિયો ચેટ કરીને કામ કરવાની શરૂઆત કરી. આમ છતાં,
અહીં એ સવાલ તો ઉપસ્થિત જ છે કે, શું ટેક્નોલોજીની મદદથી માણસ સામે ઊભેલી વ્યક્તિ
સાથે જેવી રીતે સંવાદ સાધતો હોય તેવો ‘જીવંત અનુભવ’ કરી શકે? શું ગમે તેવી એડવાન્સ ટેક્નોલોજી માણસ-માણસ
વચ્ચેનું અંતર ઘટાડી શકે?
ભવિષ્યના ‘ટેલિપ્રેઝન્ટ’ બોસની પ્રેરણા
આવા સવાલોમાંથી જ ‘પોપસાઈ’એ આ મુશ્કેલી નાથવા વિવિધ તુક્કા અજમાવ્યા અને
વિજ્ઞાનીઓની સલાહ લેવાનું શરૂ કર્યું. ‘પોપસાઈ’ના સ્ટાફને એક એવા બોસની જરૂર
હતી જેમની સાથે ગમે ત્યારે સહેલાઈથી વાતચીત કરી શકાય. આજની કોમ્યુનિકેશન
ટેક્નોલોજીની મદદથી આવી વ્યવસ્થા ઊભી કરવી બહુ મોટી વાત ન હતી. ઓફિસમાં જરૂર હતી
એકદમ સીધાસાદા ઓડિયો-વીડિયો ટ્રાન્સમિશનની. જોકે, ‘પોપસાઈ’ના એડિટર જેકોબ વૉર્ડને તેનાથી
સંતોષ ન હતો. તેઓ ઈચ્છતા હતા કે, મારો સ્ટાફ જે હવામાં શ્વાસમાં લે છે, તે જ
હવામાં હું પણ શ્વાસ લઉં. આ અંગે જેકોબનું કહેવું હતું કે, “આવી વ્યવસ્થાથી શારીરિક
હાજરી હોવાનો અનુભવ વર્તાય અને બિન-મૌખિક સંવાદ સધાય.” જોકે, જેકોબ વૉર્ડને આટલાથી
પણ સંતોષ ન હતો. તેમને આ વ્યવસ્થામાં ‘મોબિલિટી’ પણ જોઈતી હતી. એટલે કે, તેઓ એવી
રીતે મીટિંગ કરવા ઈચ્છતા હતા કે જ્યાં આસપાસ દીવાલો હોય અને સામે વ્હાઈટ બોર્ડ પણ
હોય. જેકોબ કહે છે કે, “આ ઉપરાંત હું જ્યાં મીટિંગ હોય ત્યાં જઈ શકું, એવું ઈચ્છતો
હતો.” (હા, ઓફિસમાં બેઠા બેઠા વર્ચ્યુઅલી.)
![]() |
‘પોપ્યુલર સાયન્સ’ના એડિટર ઈન ચિફ જેકબ વૉર્ડ |
જોકે, લોકો એકબીજા સાથે મળીને કામ કરી શકે એનો સીધોસાદો ઉકેલ શોધવામાં ઓફિસનું
કામ ગૂંચવાડાભર્યું થઈ જાય એવી શક્યતા હતી. જેકોબ કહે છે કે, “હું એટલો સરળ ઉકેલ ઈચ્છતો
હતો કે, કોઈ પણ ન્યૂયોર્ક ઓફિસમાં આવે, અને મારી જરૂર હોય તો ફક્ત એક જ બટન દબાવે,
અને હું દેશમાં કોઈ પણ સ્થળે હોઉં પણ તુરંત જ ઓફિસમાં હાજર થઈ જાઉં.” તેઓ ‘પોપસાઈ’ના
એડિટર હતા એટલે એવું ઈચ્છતા હતા કે, આવા પ્રયાસમાંથી ફ્યૂચર ટેક્નોલોજીના દ્વાર
ખૂલી જાય.
આ અંગે માહિતી આપતા જેકોબ વૉર્ડ કહે છે કે, “અમે સ્કાયપ, ફેસટાઈમ અને
ફ્યૂઝબોક્સ જેવું ઘણું બધુ અજમાવી જોયું, અને છેવટે પાછો હું ગૂગલ વીડિયો ચેટ પર
આવી ગયો.” આવા બધા ઉકેલો અપનાવતી વખતે તેઓ અનુભવતા હતા કે, જે સામાયિક ‘ફ્યૂચર
ટેક્નોલોજી’ વિષય પર વિષદ છણાવટ કરે છે તેને આ ઉપાયો ફ્યૂચરિસ્ટિક ન કહેવાય. ઓફિસ
કામ માટે એકબીજા સાથે ગૂગલ વીડિયો ચેટની મદદથી સંવાદ કરવામાં અનેક મર્યાદા છે. કારણ
કે, બંને છેડે યુઝર્સે પોતપોતાના ડેસ્કટોપ કે લેપટોપ સામે બેસી રહેવું પડે છે. હા,
મોબાઈલ ચેટિંગ કે કૉલિંગની મદદથી પણ ઓફિસનું કામ કરવામાં કેટલીક મર્યાદા રહે જ છે.
ખેર, આવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા ‘પોપસાઈ’એ ટેલિપ્રેઝન્ટ બોસ માટે
કેવી કેવી જરૂરિયાતો રહેશે તેની એક યાદી તૈયાર કરવા માંડી. તેઓને આશા હતી કે,
નજીકના ભવિષ્યમાં જ તેઓ ‘ટેલિપ્રેઝન્ટ બોસ’ની રચના કરી દેશે.
ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીની મુશ્કેલીઓ
‘ફ્યૂચરિસ્ટિક ટેલિપ્રેઝન્ટ બોસ’ની રચના કરવા માટે ‘પોપસાઈ’એ વિચાર્યું કે,
નજીકના ભવિષ્યમાં રોબોટિક બોસની રચના કરવા વ્યવહારમાં શક્ય હોય એવા કયા પગલાં શક્ય
છે. આ દિશામાં ‘પોપસાઈ’ની થિંક ટેંકે જાતને સવાલ પૂછવાનું શરૂ કર્યું કે, આપણે
એડિટરને ઈચ્છીએ ત્યારે બોલાવી શકીએ એવી વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકીએ? છેવટે આ સવાલનો જવાબ માસાચ્યુસેટ્સ
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ઓબ્જેક્ટ-બેઝ્ડ મીડિયા ગ્રૂપના ડિરેક્ટર માઈકલ બોવ પાસે
મળ્યો, અને તેમનો જવાબ હતોઃ હોલોગ્રામ. હોલોગ્રાફી ટેક્નોલોજીની મદદથી આપણે જીવંત 3D વીડિયો જોઈ શકીએ છીએ.
![]() |
એમઆઈટીના ઓબ્જેક્ટ બેઝ્ડ મીડિયા ગ્રૂપના ડિરેક્ટર માઈકલ બોવ |
હોલોગ્રાફિક ટેલિપ્રેઝન્સ રચવા માટે બંને ઓફિસમાં હાઈટેક કેમેરા અને સેન્સર
ફિટ કરવા જેવા પડકારોને તો ગણતરીમાં જ નથી લેવાયા. હાલની ટેક્નોલોજીની મર્યાદા
સમજાવતા માઈકલ કહે છે કે, “લાઈફ સાઈઝ જેકોબ રચવો અઘરો છે.” આમ છતાં, આ ક્ષેત્રના વિજ્ઞાનીઓને
આશા છે કે, નજીકના ભવિષ્યમાં આ ટેક્નોલોજીમાં સુધારો થશે અને ‘પોપસાઈ’નું સપનું
પૂર્ણ કરી બતાવશે.
ટેલિપ્રેઝન્સની મર્યાદા ઢાંકવા ટેલિરોબોટિક્સ
માઈકલની જેમ ટેલિપ્રેઝન્સ ક્ષેત્રે કાર્યરત સંશોધકોએ ટેલિપ્રેઝન્સ
ટેક્નોલોજીની મર્યાદાઓ સામે બાથ ભીડવા ટેલિરોબોટિક્સનો માર્ગ અપનાવ્યો છે. જોકે,
વિજ્ઞાનની આ શાખા માનવજાતના કામને વધુ સરળ બનાવવા ધીમી પણ મક્કમ ગતિએ વિકસી રહી
છે. અનેક રોબોટિક્સ કંપનીઓએ ટેલિપ્રેઝન્સનું રોબોટિક સોલ્યુશન આપ્યું છે.
આ વિશે વધુ જાણવા ‘પોપસાઈ’ આઈ રોબોટના સહ-સ્થાપક અને સીઈઓ કોલિન એન્જલની મદદ
લે છે. કોલિન એન્જલ બોમ્બ ડિસ્પોસલ રોબોટ બનાવી ચૂક્યા છે. યુ.એસ. મિલિટરી ઈરાક
અને અફઘાનિસ્તાનમાં આ રોબોટનો ઉપયોગ કરે છે. અગાઉ તેમણે કચરો વાળી શકે એવો રોબોટ
બનાવ્યો હતો. તાજેતરમાં જ આઈ રોબોટ દ્વારા આરપી-વિટા ટેલિપ્રેઝન્સ રોબોટ રજૂ કરાયો
છે. આ રોબોટનો હેતુ ડૉક્ટરોને 24 કલાક હોસ્પિટલમાં હાજર રાખવાનો છે. એટલે કે,
ડૉક્ટર વિશ્વમાં ગમે ત્યાં હશે, પરંતુ જરૂર પડ્યે તેમને વર્ચ્યુઅલી હોસ્પિટલમાં
હાજર કરી શકાશે. વળી, ડૉક્ટર દર્દીના મેડિકલ ડેટાને પણ એક જ ક્લિકની મદદથી જોઈ શકે
છે. કોલિનનું કહેવું છે કે, આવી જ રીતે રોબો-એડિટર પણ બનાવી શકાય છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આપણે ખરેખરો માણસ હાજર હોય એવું હુબહુ વાતાવરણ
ક્યારેય ઊભું ન કરી શકીએ. હા, ટેક્નોલોજીની મદદથી આપણે ડોક્ટર રોબોટ જેવા ફાયદા
જરૂર થાય, પરંતુ બે માણસ સામસામે ઊભા રહીને જે રીતે સંવાદ કરે તેવો સંવાદ
ટેક્નોલોજીની મદદથી કરવો અશક્ય છે. આ અંગે કોલિન એન્જલને પૂછાયો હતો કે, શું આપણે
ખરેખરા હાજર હોઈએ એવી ટેક્નોલોજી વિકસાવી શકીએ? તેમનો જવાબ હતો, “કદાચ નહીં.”
ટેલિપ્રેઝન્સ ટેક્નોલોજીમાં સુધારો શક્ય
આઈ રોબોટના સહસ્થાપક અને સીઈઓ કોલિન એન્જલ |
‘પોપસાઈ’ને એવો સવાલ પણ થાય છે કે, શું સેન ફ્રાન્સિસ્કોમાં બેઠેલા એડિટર
ન્યૂયોર્ક ઓફિસમાં ટેબલ પરથી પેપર ઉઠાવી શકે? આ અંગે કોલિન એન્જલ કહે છે કે, “જ્યાં સુધી પેપરનો સવાલ છે
ત્યાં સુધી તમે આટલું વજન ઉઠાવીને હાઈ-ડેફિનેશન કેમેરાની મદદથી તેમાં જે કંઈ
લખ્યું છે તે જોઈ શકો, અને તેને આઈપેડમાં નોંધી પણ શકો છો. ત્યાર પછી તમે રોબોટ
સાથે જોડાયેલા પ્રિન્ટરની મદદથી તેની પ્રિન્ટ પણ આપી શકો છો.”
જોકે, આ અંગે જેકોબ વૉર્ડ કહે છે કે, “આવું કરવાથી ઓફિસમાં ગૂંચવાડો સર્જાઈ
શકે છે. હું એ નથી જાણતો કે, આવો પ્રયોગ કરીને અમે વિજ્ઞાન માટે કોઈ નવી દિશા ખોલી
આપી છે કે નહીં.” પોપ્યુલર સાયન્સની ઓફિસમાં ટૂંક સમયમાં ટેલિપ્રેઝન્સ
ટેક્નોલોજીનો ટેસ્ટ કરવાનું વિચારણા હેઠળ છે. ખેર, વિજ્ઞાનીઓએ ‘પોપસાઈ’ની મુશ્કેલીઓના
જે ઉપાય બતાવ્યા છે તે ભવિષ્યમાં ક્રાંતિકારી સાબિત થાય તો નવાઈ નહીં.
No comments:
Post a Comment