20 February, 2013

ફોન ટેપિંગના રાજકારણની માયાજાળ


ભાજપ અને કોંગ્રેસ આગામી ચાર રાજ્યો અને લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુએ એક લેખ લખીને ભાજપના વડાપ્રધાન પદના બિનસત્તાવાર ઉમેદવાર નરેન્દ્ર મોદીની ટીકા કરતા જ આ યુદ્ધ વધુ ગરમાઈ ગયું છે. જોકે, આ લેખને લઈને સૌથી ઉગ્ર પ્રતિક્રિયા રાજ્યસભાના વિરોધપક્ષના નેતા અરુણ જેટલીએ આપી છે. હાલ અરુણ જેટલી ભાજપના એક અગ્રણી અને વિચારશીલ રાષ્ટ્રીય નેતા ગણાય છે. બીજી તરફ, જેટલીના ફોન ટેપિંગના મામલાનો વિવાદ ચાલી રહ્યો છે. કદાચ ટેલિફોનિક જાસૂસીની ઘટનાથી ભાજપમાં જેટલીનું રાજકીય મહત્ત્વ વધી ગયું છે.

દેશના વિવિધ રાજ્યોમાં સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ પક્ષના નેતાઓના ફોન ટેપિંગ મુદ્દે અનેકવાર ધાંધલ-ધમાલ થઈ ચૂકી છે. પરંતુ આ વખતના ફોન ટેપિંગની ઘટનાથી રાષ્ટ્રીય રાજકારણ થોડુ વધુ ગરમાયું છે. આ માટે કદાચ નજીકના ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓ હોઈ શકે છે. ફોન ટેપિંગને લઈને ભૂલેચૂકે કોઈ પક્ષના નેતાનું મોટું કૌભાંડ બહાર આવી જાય તો ચૂંટણીઓમાં ભારે નુકસાન ભોગવવું પડી શકે છે! ટુજી સ્પેક્ટ્રમ જેવું મસમોટું કૌભાંડ પણ નીરા રાડિયાના ફોન ટેપિંગ પછી જ બહાર આવ્યું હતું. એટલે જ ભાજપ અને કોંગ્રેસ ફોન ટેપિંગ મુદ્દે પણ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોના સહારે બધુ ભૂલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આમ છતાં, અરુણ જેટલી પોતાના ફોન ટેપિંગની ઘટનાને લઈને થોડા વધુ વ્યથિત છે. ગુજરાતના કેન્દ્ર સમક્ષ પડતર પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સાંસદોની બેઠકમાં હાજરી નહીં આપવા અંગે તેમણે ફોન ટેપિંગનું કારણ આગળ ધર્યું હતું. તેમણે કહ્યું હતું કે, કૉલ ડિટેઈલના જાસૂસી પ્રકરણમાં ઊંડા ઉતરવા માંગતા હોવાથી તેમણે ગુજરાતનો પ્રવાસ રદ કર્યો છે. જોકે, આ બેઠકમાં તેમની સાથે ભારતીય જનતા પક્ષના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી પણ ગેરહાજર રહ્યા હતા.

અરુણ જેટલી

આ અંગે એવો ગણગણાટ પણ થયો હતો કે, તેઓ ભાજપના રાષ્ટ્રીય સ્તરના અગ્રણી નેતાઓ હોવાના કારણે સાંસદોની બેઠકમાં હાજર રહેવાનું દબાણ કરવાની કોઈના હિંમત નથી. પરંતુ અરુણ જેટલીની વાત છે ત્યાં સુધી તેમણે માર્કન્ડેય કાત્જુના નરેન્દ્ર મોદી સામેના લેખનો મજબૂત રીતે જવાબ આપીને મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરી દીધી છે. આમ કરીને તેમણે હોંશિયારીપૂર્વક ભાજપમાં તો ઠીક, રાષ્ટ્રીય રાજકારણમાં પણ પોતાનું કદ વધારી દીધું છે. કારણ કે, મોદી ભાજપના અગ્રણી રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરી રહ્યા છે.

ભાજપ પ્રમુખ રાજનાથ સિંઘે તો અરુણ જેટલીના ફોન ટેપિંગની ઘટનાને અત્યંત ગંભીર ગણીને જવાબદારો સામે આકરા પગલાં ભરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, “આ પ્રકારના કામમાં જે કોઈ જવાબદાર હોય તેની ધરપકડ થવી જોઈએ. કોઈ અયોગ્ય રીતે કૉલ ડિટેઈલ મેળવવાની હિંમત કરીને ગંભીર ગુનો આચરી રહ્યું છે.” બીજી બાજુ, ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકર આ ઘટનાનેઆયોજનબદ્ધ જાસૂસીનું કાવતરુંકહી રહ્યા છે. જોકે, સિંઘ કે જાવડેકર ફક્ત રાજકીય હેતુથી જ નિવેદનો કરી રહ્યા છે. કારણ કે, હાલ હિમાચલ પ્રદેશમાં બહાર આવેલા ભાજપ સરકારના ફોન ટેપિંગ પ્રકરણથી તેઓ સારી રીતે પરિચિત છે.

ભાજપના નેતાઓ જેટલીના ફોન ટેપિંગને લઈને યુપીએ સરકારના ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદને ભીંસમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ મૂળ વાત એ છે કે, આ ઘટનામાં હજુ સુધી શિંદેની કોઈ ભૂમિકા બહાર આવી નથી. ખરેખર તો હિમાચલ પ્રદેશમાં ફોન ટેપિંગના મુદ્દાને લઈને ભીંસમાં આવેલો ભારતીય જનતા પક્ષ જેટલીના ફોન ટેપિંગની ઘટનાને ઢાલ બનાવીને રાજકીય રમત રમી રહ્યો છે. જેટલીના ફોન ટેપિંગનો સીધો આરોપ દિલ્હીના એક સામાન્ય કોન્સ્ટેબલ પર છે. અરવિંદ દબાસ નામના આ કોન્સ્ટેબલે સિનિયર પોલીસ અધિકારીના ઈ-મેઈલનો દુરુપયોગ કરીને ટેલિકોમ કંપની પાસે જેટલીના કૉલ ડિટેઈલ માંગી હતી

જોકે, આ કોન્સ્ટેબલની ધરપકડ પછી નીરજ રામ નામના પ્રાઈવેટ ડિટેક્ટિવની ધરપકડથી આ ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. એવું કહેવાય છે કે, નીરજને જેટલી સહિતના કેટલાક વીવીઆઈપીના કૉલની જાસૂસી કરવા માટે ખૂબ મોટી રકમ ચૂકવવામાં આવતી હતી. નીરજની ધરપકડ અરવિંદ દબાસના નિવેદનના આધારે કરાઈ છે. દિલ્હીમાં રાજકારણીઓ કે કોર્પોરેટ્સ દ્વારા પ્રાઈવેટ ડિટેક્ટિવની સેવા લેવી કંઈ નવી વાત નથી. જોકે, જેટલીના ફોન ટેપિંગમાં કોર્પોરેટ્સને રસ હતો કે રાજકારણીઓને તે અત્યારે કહી શકાય એમ નથી. આ રાજકારણીઓ તેમના પક્ષના પણ હોઈ શકે છે. આ મુદ્દે જેટલીએ હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નથી કરી, પરંતુ પોલીસે પોતે જદેશની સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને આ કેસ નોંધ્યો છે.

જો, સર્વોચ્ચ અદાલતના અગ્રણી વકીલ અરુણ જેટલી ફોન ટેપિંગને લઈને ખરેખર ગંભીર હોય તો તેમણે હજુ સુધી પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાવી? આમ કરવા પાછળ જેટલીના ફોન ટેપિંગનો સમય કે પછી હિમાચલ ફોન ટેપિંગનો કેસ પણ જવાબદાર હોઈ શકે છે. નીતિન ગડકરી પ્રમુખ તરીકે ચાલુ રહેશે કે નહીં તે અંગે ભાજપમાં પેંતરાબાજી ચાલી રહી હતી ત્યારે જેટલીના ફોન ટેપ થયા હતા. જો, પક્ષની અંદરનો જ કોઈ નેતા આ માટે જવાબદાર હોય તો ચૂંટણી સમયે જ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવી જાય એમ છે. તેનાથી સ્વાભાવિક રીતે જ ભાજપને નુકસાન ભોગવવું પડી શકે છે.

જ્યારે હિમાચલ પ્રદેશમાં ફોન ટેપિંગને લઈને ભાજપ ભીંસમાં મૂકાયો છે. હિમાચલ પ્રદેશ ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના શાસનમાં રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારોના કુલ એકાદ હજાર ફોન ટેપ થયા હતા. જોકે, આ મુદ્દે કોંગ્રેસનું ત્રાજવું ભારે છે. કારણ કે, હિમાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્યમંત્રી વીરભદ્ર સિંઘ પાસે ભાજપ સરકારે કરાવેલા ફોન ટેપિંગના મજબૂત ફોરેન્સિક પુરાવા ઉપલબ્ધ છે. વળી, આટલી મોટી સંખ્યામાં ફોન ટેપિંગ થયા ત્યારે પ્રેમકુમાર ધુમલ મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવતા હતા.

આમ, જો ભાજપ ફોન ટેપિંગ મુદ્દે પોતાની બદનામી કે રાજકીય થાપ ખાવા ઈચ્છતો ન હોય તો તેણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે એવી સ્થિતિ છે. વળી, ચારેય બાજુ ભ્રષ્ટાચારના આરોપો અને કૌભાંડોથી ઘેરાયેલી યુપીએ સરકાર પણ પોતાના કટ્ટર હરીફ પક્ષ પર કોઈ મુદ્દે દબાણ ઊભું કરવા તલપાપડ છે. પરંતુ ભાજપે સમજી વિચારીને જ ફોન ટેપિંગ કેસને મહત્ત્વ આપવાના બદલે સમગ્ર ધ્યાન માર્કેન્ડેય કાત્જુના વિવાદાસ્પદ લેખના વિરોધ કરવા પર આપીને હાલ પૂરતી રાજકીય પરિપક્વતા દાખવી છે.

ફોન ટેપિંગ કોણ કરી શકે?

ભારતમાં કાયદા મુજબ, ઈન્ટેલિજન્સ બ્યુરો, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, સીબીઆઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ જ ફોન ટેપિંગ કરી શકે છે. આ યાદીમાં ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનું નામ છેક હમણાં વર્ષ 2012માં ઉમેરાયું છે. એનો અર્થ એ નથી કે, તે અત્યાર સુધી ફોન ટેપિંગ કરતી ન હતી. પરંતુ તેણે ફોન ટેપિંગ માટે વિધિસરની મંજૂરી લેવી પડતી ન હતી. આવી સત્તા આઈબીને પણ હતી. આ બંને એજન્સીને ટેલિફોન એક્સચેન્જમાં ડેઝિગ્નેટેડ બૂથની સુવિધા આપવામાં આવે છે.

જોકે, હવે તમામ એજન્સીઓએ ફોન ટેપિંગ કરવા એપ્રૂવલ લેવી પડે છે. જે તે એજન્સીના ઉચ્ચ અધિકારીએ સૌથી પહેલાં પોતાના વડાને એક વિનંતી પત્ર લખીને જણાવવું પડે છે કે, આખરે તેઓ કેમ જે તે વ્યક્તિનું ફોન ટેપિંગ કરવા માગે છે. આ ઉપરાંત જાહેર સુરક્ષા માટે પણ તે કેવી રીતે જરૂરી છે તેનો સંતોષજનક ખુલાસો આપવો પડે છે. ત્યાર પછી એજન્સીના વડા ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 હેઠળ અરજી સ્વીકારીને ગૃહ સચિવ સમક્ષ મંજૂરી માગતી અરજી કરે છે. જોકે, નાણા મંત્રાલય હેઠળની ત્રણ એજન્સી ઈડી, સીબીડીટી અને ડીઆરઆઈએ નાણાં સચિવ સમક્ષ અરજી કરવાની હોય છે. નીરા રાડિયા ફોન ટેપિંગ કેસ પછી આ ફેરફાર કરાયો હતો.

એવું કહેવાય છે કે, ગૃહ સચિવ અઠવાડિયાના સરેરાશ બેથી ત્રણ કલાક ફોન ટેપિંગની અરજીઓને મંજૂરી આપવી કે નહીં તેની પ્રક્રિયા પાછળ વીતાવે છે. જો, ગૃહ સચિવ કોઈ કારણોસર હાજર ન હોય તો હોદ્દાની રૂએ સંયુક્ત સચિવે આ જવાબદારી સંભાળવાની હોય છે. આવી અરજી આવ્યાના એક જ અઠવાડિયામાં કેબિનેટ સચિવના વડપણ હેઠળ યોજાયેલી ગૃહ સચિવ, કાયદા સચિવ અને સંદેશાવ્યવહાર સચિવની બેઠકમાં તેને મંજૂરી અપાય છે. એવી જ રીતે, વિવિધ રાજ્યોમાં ફોન ટેપિંગને મંજૂરી આપવા માટે ગૃહ સચિવ અને સમીક્ષા સમિતિ આ જવાબદારી નિભાવે છે. ગૃહ સચિવે જે તે સંસ્થાના વડાની વિનંતીને ધ્યાનમાં રાખીને આ કામ કરવાનું હોય છે અને કાયદાની રૂએ તે તેમાં કોઈ શંકા વ્યક્ત કરી શકતો નથી. કારણ કે, આ એજન્સીઓના વડા તરીકે પ્રામાણિક અને સારો ટ્રેક રેકોર્ડ ધરાવતા અધિકારીની જ નિમણૂક કરાઈ હોય છે.

જોકે, કાયદાકીય રીતે ઉપરોક્ત એજન્સીઓ ગૃહ સચિવની મંજૂરી મળે એ પહેલાં ફોન ટેપિંગ કરી શકે છે, પરંતુ તેમણે જરૂરી ડેટા 72 કલાકની અંદર મેળવી લેવો પડે છે. જોકે, કોઈ પણ એજન્સીને કાયદાકીય રીતે મળેલી ફોન ટેપિંગની મંજૂરી બે મહિના પછી એક્સપાયર થઈ જાય છે, અને તેને વધુમાં વધુ 180 દિવસ સુધી જ લંબાવી શકાય છે. આ વધારો લેવા માટે એજન્સીએ પોતે એકત્રિત કરેલા ડેટાને પહેલાં 60 દિવસમાં જ જવાબદાર સત્તા સમક્ષ નોંધાવી દેવા પડે છે. જ્યારે, આવા ડેટાનો નાશ પણ છ મહિના પછી જ કરી શકાય છે.

ફોન ટેપિંગઃ ગઈ કાલ અને આજ

ભારતમાં થોડા વર્ષો પહેલાં થતા અને આજના ફોન ટેપિંગમાં પણ આસમાન જમીનનો તફાવત છે. હજુ પંદરેક વર્ષ પહેલાં ફોન ટેપિંગ માટે બેંગલુરુ સ્થિત એક કંપની દ્વારા બનાવવામાં આવેલા સાધનો અને ટેપ્સનો ઉપયોગ થતો હતો. આ મશીનનો પણ મેન્યુઅલી કામ કરતા હતા અને સંવાદને રેકોર્ડ કરવા માટે વિવિધ લાઈન્સમાં પ્લગિંગ પણ કરવું પડતું હતું. વર્ષ 1992 સુધી તો એક મશીન દસેક વાક્યો જ ટેપ કરી શકતું હતું. એટલું જ નહીં, આવી ટેપના રિપેરિંગની પણ મુશ્કેલીઓ હતી. રિપેરિંગ માટે પણ બેંગલુરુની એક નાનકડી કંપની પર જ આધાર રાખવો પડતો, અને તે કંપનીનો એક મિકનિક સમગ્ર દેશની વિવિધ સાઈટ પર જઈને રિપેરિંગ કરતો. પરિણામે આ કામમાં દિવસો નીકળી જતા અને જાસૂસીનું કામ પણ સારી રીતે પાર નહોતું પડતું.

જોકે, આજે ફોન ટેપિંગ કરવા માટે જાતભાતના સાધનો ઉપલબ્ધ છે. અત્યારના કેટલાક ગેજેટ તો માણસનો અવાજ પણ ઓળખી શકે છે અને અવાજ ઓળખીને સંવાદ રેકોર્ડ કરી શકે છે. હાલ ભારત સરકાર રૂ. 200 કરોડના ખર્ચે સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ પણ વિકસાવી રહી છે, જેની મદદથી તમામ ઈન્ટેલિજન્સ એજન્સીઓને જોઈતા ફોન નંબરોની સીધી કનેક્ટિવિટી મળી જશે. એટલું જ નહીં, ફોન ટેપિંગ માટે એજન્સીઓએ ટેલિકોમ કંપનીની પણ મદદ નહીં લેવી પડે. આ પ્રોજેક્ટ નજીકના ભવિષ્યમાં તમામ રાજ્યોની રાજધાનીમાં પણ શરૂ કરવામાં આવવાનો છે. જોકે, હાલ આ પ્રોજેક્ટ સ્ટાફની અછત અને અન્ય વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

No comments:

Post a Comment