17 February, 2013

બોલિવૂડમાં રોમાન્સના બાદશાહ અને બેગમ


યશરાજ અને કરણ જોહર બ્રાન્ડ ફિલ્મો જોઈને આપણે તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે, આવી ફિલ્મો જોવા કરતા તો એકતાકપૂરની સિરિયલ જોતા જોતા પોપકોર્ન ખાધા હોત તો સારું થાત! હાલ મુંબઈમાં ભજવાઈ રહેલા ભરત દાભોલકરના એક નાટકનું નામ ‘બ્લેમ ઈટ ઓન યશરાજ’ રખાયું છે. આ નાટકમાં ખર્ચાળ લગ્નો અને શ્રીમંતાઈના પ્રદર્શન પર કટાક્ષ કરાયા છે. જોકે, આ નાટકમાં યશરાજનું ક્યાંય નામ નથી. પરંતુ આવું નામ રાખીને તેમણે આધુનિક લગ્નોના કુરિવાજો માટે યશરાજ ફિલ્મના લગ્નના દૃશ્યો, સ્વિત્ઝર્લેન્ડવાળી ફિલ્મો અને શિફોન સાડી પહેરીને ગીતો ગાતી હીરોઈનોને જવાબદાર ઠેરવી છે. ખેર, આવા કુરિવાજો માટે ફક્ત યશરાજને બેનર ન ઠેરવી શકાય. યશ ચોપરા પહેલાં સૂરજ બડજાત્યા પણ આવી ફિલ્મો બનાવી ચૂક્યા છે, અને ત્યાર પછી કરણ જોહરની ફિલ્મોમાં પણ સમાજના ફક્ત ઉચ્ચ વર્ગની જીવનશૈલીને જ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

આમ છતાં, હિન્દી સિનેમાની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મોની વાત આવે એટલે યશરાજ બેનરનું નામ લેવું જ પડે. વેલેન્ટાઈન ડેના રોજ સમાચાર હતા કે, એક ઓનલાઈન સર્વેક્ષણમાં હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને કાજોલને હિન્દી સિનેમાના અત્યાર સુધીના સૌથી રોમેન્ટિક કપલ તરીકે મત મળ્યા છે. આ સર્વેક્ષણ ‘સનોના’ નામના યુ.કે.ના સૌથી મોટા ઈન્ડિયન મૂવી પોર્ટલ દ્વારા કરાયું છે. આ સ્પર્ધામાં શાહરૂખ અને કાજોલની સાથે રાજકપૂર અને નરગીસ, ધર્મેન્દ્ર અને હેમામાલિની તેમજ અમિતાભ બચ્ચન અને રેખાનો પણ સમાવેશ થતો હતો. પરંતુ યશરાજ બેનર હેઠળ બનેલી આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે) જેવી સુપરડુપર હીટ ફિલ્મના કારણે શાહરૂખ અને કાજોલે હિન્દી સિનેમાના સૌથી યાદગાર રોમેન્ટિક કપલ રાજકપૂર અને નરગીસને પણ પાછળ પાડી દીધા છે.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું દૃશ્ય

કરણ જોહરે બનાવેલી પહેલી જ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે પણ શાહરૂખ અને કાજોલને ફાયદો થયો છે. વર્ષ 1995માં ફક્ત ચાર કરોડમાં બનેલી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 122 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે ડીડીએલજેના ત્રણ વર્ષ પછી આઠેક કરોડમાં બનેલી ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મે રૂ. 103.38 કરોડનો બિઝનેસ કર્યો હતો. શાહરૂખ અને કાજોલની જોડી ચમકાવતી આ ચોથી ફિલ્મ હતી. અહીં એ કહેવાની જરૂર નથી કે, આ બંને ફિલ્મો વિશ્વના સૌથી યુવા દેશ ગણાતા ભારતીય યુવાનો અને બિનનિવાસી ભારતીયોને ખૂબ જ પસંદ પડી હતી. વળી, સનોનાનું સર્વેક્ષણ પણ વેલેન્ટાઈન ડેને ધ્યાનમાં રાખીને ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ તેમજ ઈ-મેઈલના આધારે કરાયું છે. આમ, ઈન્ટરનેટ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો મહત્તમ ઉપયોગ યુવાનો જ કરતા હોવાથી શાહરૂખ અને કાજોલ આ સ્પર્ધામાં વિજેતા બની શક્યા છે.

ખેર, શાહરૂખ અને કાજોલ જેવા જ કે કદાચ તેનાથી પણ ચડિયાતા ઓનસ્ક્રીન રોમેન્ટિક કપલની મળવાની બાબતમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ નસીબદાર છે. જેમ કે, રાજકપૂર અને નરગીસ. રાજ અને નરગીસ રીલ નહીં, પણ રિયલ લાઈફમાં પણ પ્રેમીપંખીડા હતા એ વાત જગજાહેર હતી. તેથી રાજ અને નરગીસની પડદા પરની કેમેસ્ટ્રી જોવી રસપ્રદ રહેતી હતી. કારણ કે, રાજ પરિણીત પુરુષ હોવા છતાં એ વખતની સ્ટાર હીરોઈનના પ્રેમમાં પડ્યા હતા. આજે પણ હિન્દી સિનેમાના ઉત્તમ રોમેન્ટિક દૃશ્યો માટે રાજ અને નરગીસની ‘આગ’, ‘બરસાત’, ‘ચોરી ચોરી’, ‘શ્રી 420’ અને ‘આવારા’ને યાદ કરાય છે. રાજકપૂર અને નરગીસે 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આજે તો એલસીડી અને એલઈડીનો જમાનો છે, પરંતુ એ વખતના બ્લેક એન્ડ વ્હાઈટ યુગમાં રાજ અને નરગીસે ફક્ત અભિનયના જોરે સ્ક્રીન પર શાહરૂખ-કાજોલ જેવા રોમાન્સને જીવંત કરી બતાવ્યો હતો.

રાજકપૂર અને નરગીસ 

હેમામાલિની અને ધર્મેન્દ્ર

હિન્દી સિનેમાના અનેક સફળ રોમેન્ટિક કપલને તેમની રિયલ લાઈફ લવસ્ટોરી પણ ફળી છે. વળી, ફિલ્મ મેકરો પણ સ્ટાર્સની રિયલ લાઈફને ‘વકરા’માં પરિવર્તિત કરવા હંમેશાં ઉત્સુક હોય છે. આવું જ એક રોમેન્ટિક કપલ હતું ધર્મેન્દ્ર અને હેમામાલિની. એવું નથી કે, આ જોડી ફક્ત તેમના ચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણના કારણે સફળ થઈ હતી. હેમામાલિની પોતાના આનંદી સ્વભાવ અને ભવ્ય ખૂબસુરતી માટે જાણીતી હતી. તો, ધર્મેન્દ્ર પણ એ જમાનામાં હેન્ડસમ માચોમેન તરીકે લોકપ્રિય હતા. એ વખતે આ બંને સ્ટાર્સના ઓફ-સ્ક્રીન રોમાન્સની વાતો અખબારોમાં છપાતી રહેતી અને મુંબઈની પાર્ટી સર્કલમાં પણ ‘ડ્રીમ ગર્લ’ અને ‘મેરીડ હીમેન’ના રોમાન્સની ચણભણ થતી હતી. ધર્મેન્દ્રે પોતાની રિયલ લાઈફ પ્રેમિકા સાથે ‘રાજારાની’, ‘સીતા ઓર ગીતા’, ‘શરાફત’, ‘તુમ હસીં મે જવાં’, ‘જુગ્નુ’, ‘ચરસ’, ‘મા’, ‘ચાચા ભતીજા’, ‘આઝાદ’ અને ‘શોલે’ જેવી અનેક હીટ ફિલ્મો આપી હતી.

ધર્મેન્દ્રની સૌથી મોટી સફળતા એ હતી કે, માચોમેનની ઈમેજ પડી ગઈ હોવા છતાં તેમણે મીનાકુમારી, સાયરા બાનુ, શર્મિલા ટાગોર, મુમતાઝ, આશા પારેખ, રેખા અને ઝીનત અમાન સાથે પણ એકથી વધુ સફળ રોમેન્ટિક ફિલ્મો આપી હતી. જોકે, બાદમાં મુમતાઝે રાજેશ ખન્ના સાથે સફળ રોમેન્ટિક ફિલ્મો આપી હતી. જ્યારે રેખાએ અમિતાભ સાથે ઉત્તમ રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજેશ ખન્ના અને મુમતાઝ આજે પણ હિન્દી સિનેમાનું સૌથી પ્રભાવશાળી અને આકર્ષક રોમેન્ટિક કપલ ગણાય છે. રાજેશ ખન્ના અને મુમતાઝની ‘અપના દેશ’, ‘રોટી’, ‘આપ કી કસમ’ અને ‘દો રાસ્તે’ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. હિન્દી સિનેમાના ‘ફર્સ્ટ સુપરસ્ટાર’ ગણાતા રાજેશ ખન્ના અને મુમતાઝે કારકિર્દીમાં એકબીજા સાથે કરેલી એકપણ ફિલ્મ ફ્લોપ નહોતી ગઈ. મજબૂત સ્ક્રીપ્ટ અને સુરીલું ગીતસંગીત ધરાવતી અનેક હીટ ફિલ્મો આપીને રાજેશ ખન્ના અને મુમતાઝ રોમાન્સનો પર્યાય બની ગયા હતા.

‘દો  રાસ્તે’ના એક દૃશ્યમાં મતાઝ અને રાજેશ ખન્ના
‘સિલસિલા’માં અમિતાભ બચ્ચન અને રેખા

સફળતાપૂર્વક લગ્નજીવન નિભાવનારા રીશિકપૂર અને નીતુ સિંગ

એવી જ રીતે, રેખાએ અમિતાભ સાથે હિન્દી સિનેમાની યાદગાર રોમેન્ટિક ફિલ્મો કરી છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં કદાચ અમિતાભ અને રેખાની લવસ્ટોરીની સૌથી વધુ ચર્ચા થઈ છે. કારણ કે, એ વખતના સુપરસ્ટાર અમિતાભ પણ ધર્મેન્દ્રની જેમ પરીણિત પુરુષ હતા, અને એક સ્ટાર હીરોઈનના પ્રેમમાં પડ્યા હતા. આજે પણ અનેક લોકો હિન્દી સિનેમાના સૌથી રોમેન્ટિક કપલ તરીકે અમિતાભ અને રેખાને પહેલો નંબર આપે છે. આ રોમેન્ટિક કપલને પણ યશ ચોપરાએ અત્યંત કાવ્યાત્મક રીતે સિલ્વર સ્ક્રીન પર ચમકાવ્યું હતું. ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની વાત આવે એટલે ‘સિલસિલા’ ફિલ્મને યાદ કરવી જ પડે, જેમાં આ અમિતાભ-રેખાનો ઓફ-સ્ક્રીન રોમાન્સ સુંદર રીતે ઝીલાયો છે. ‘સિલસિલા’ની લવ ટ્રાયંગલ વાર્તાને ન્યાય આપવા માટે જ યશ ચોપરાએ અમિતાભ, જયા અને રેખાને સાથે કામ કરવા મનાવ્યા હતા. આ ફિલ્મ માટે ચોપરાએ પહેલાં પરવીન બાબી અને સ્મિતા પાટિલની પસંદગી કરી હતી.

એક એકથી ચડિયાતી રોમેન્ટિક હીટ ફિલ્મો આપીને રિયલ લાઈફમાં પણ સફળતાપૂર્વક લગ્નજીવન નિભાવનારું બીજું એક રોમેન્ટિક કપલ છે, રીશીકપૂર અને નીતુસિંઘ. નવાઈની વાત તો એ છે કે, ‘સનોના’એ કરેલા સર્વેક્ષણમાં આ કપલને શાહરૂખ-કાજોલ પછી બીજું સ્થાન અપાયું છે. રીશીકપૂર કપૂર ખાનદાનનો પુત્ર હોવાના કારણે એ સમયે નીતુસિંઘ સાથેનો તેનો ઓફ-સ્ક્રીન રોમાન્સ ખૂબ ચગ્યો હતો. બીજી તરફ, તેમણે ‘રફૂચક્કર’, ‘ખેલ ખેલ મેં’, ‘કભી કભી’, અને ‘અમર અકબર એન્થની’ જેવી અનેક હીટ ફિલ્મો આપી હતી. એટલું જ નહીં, તાજેતરના વર્ષોમાં પણ આ જોડીએ ‘લવ આજ કલ’, ‘દો દૂની ચાર’ અને ‘જબ તક હૈ જાન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરીને તેમની રોમેન્ટિક ફિલ્મોની યાદ અપાવી છે. રીશીકપૂર અને નીતુસિંઘે અત્યાર સુધી પંદરેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ સિવાય પણ હિન્દી સિનેમાને અનેક રોમેન્ટિક કપલ મળ્યાં છે. જેમાં અનિલકપૂર-માધુરી દિક્ષિત અને ગોવિંદા-કરિશ્માકપૂરને પણ સ્થાન આપવું પડે. સનોનાએ કરેલા સર્વેક્ષણમાં રણબીરકપૂર-કેટરિના કૈફ, શાહીદકપૂર-પ્રિયંકા ચોપરા અને રીતિક રોશન-કરીના કપૂરને પણ લોકોએ મત આપ્યા છે. જોકે, રીતિક અને કરીનાએ વર્ષ 2003માં ‘મૈ પ્રેમ કી દીવાની હું’ પછી એક પણ ફિલ્મ કરી નથી. આ સર્વેક્ષણની ખાસ વાત એ છે કે, ટોપ ટેન રોમેન્ટિક કપલની યાદીમાં શાહરૂખને બે વાર સ્થાન મળ્યું છે, એકવાર કાજોલ સાથે અને બીજી વાર રાણી મુખર્જી સાથે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં શાહરૂખનું નામ રોમાન્સના બાદશાહ તરીકે નોંધાઈ ચૂક્યું છે.

No comments:

Post a Comment