08 October, 2012

ઉદ્યોગગૃહો અને મજૂરો વચ્ચેનો ‘ચક્રવ્યૂહ’


આપણે નસીબદાર છીએ કે આજની અનેક કોમર્શિયલ ફિલ્મોમાં દેશની જટિલ મુશ્કેલીઓનો પડઘો સાંભળવા મળે છે. બિહારના વતની પ્રકાશ ઝા મોટે ભાગે આવી જ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. તેમની ફિલ્મોમાં વાસ્તવિક ભારતની છબીનું બખૂબી ચિત્રણ કરાયું હોય છે. અનામત જેવા ગંભીર મુદ્દે તેઓ ‘આરક્ષણ’ બનાવી ચૂક્યા છે. હવે તેઓ નક્સલવાદ જેવા અત્યંત સંવેદનશીલ અને જોખમી વિષય પર ‘ચક્રવ્યૂહ’ લઈને આવી રહ્યા છે. ‘ચક્રવ્યૂહ’ 24 ઓક્ટોબરે પ્રદર્શિત થઈ રહી છે.

‘ચક્રવ્યૂહ’માં આદિલ (અર્જુન રામપાલ) અને કબીર (અભય દેઓલ) નામના બે જીગરજાન દોસ્તોની વાત છે. આદિલ ઈમાનદાર, બહાદુર અને મક્કમ મનોબળ ધરાવતો પોલીસ અધિકારી તેમજ પ્રેમાળ પતિ છે. કાયદાનો દુશ્મન આદિલનો દુશ્મન છે. બીજી તરફ, કબીર ચાલીમાં ઉછરેલો અને કોઈ જ પ્રકારનો ઈતિહાસ નહીં ધરાવતો યુવક છે. કબીર પાસે એક જ સારી વાત છે, અને તે છે આદિલ સાથેની દોસ્તી. આદિલ માટે કબીર કશું પણ કરી શકે છે. પરંતુ કબીર નક્સલવાદીઓ સાથે જોડાયા પછી તેમની દોસ્તીમાં ભંગાણ પડે છે.

‘ચક્રવ્યૂહ’ ફિલ્મનું પોસ્ટર 

કેટલાક લોકો ‘ચક્રવ્યૂહ’ની વાર્તાને રિચર્ડ બર્ટન કે પીટર ઓ ટૂલ અભિનિત ‘બેકેટ’ કે તેનાથી પ્રેરિત ‘નમકહરામ’ જેવી સામાન્ય ફિલ્મ ગણાવી રહ્યા છે. રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન અભિનિત ‘નમકહરામ’માં પણ બે જીગરજાન દોસ્તો વચ્ચે દુશ્મનીની વાત છે. આ ફિલ્મમાં શ્રીમંત પિતાના પુત્ર અમિતાભની કંપનીમાં રાજેશ ખન્ના પણ નોકરી કરતો હોય છે. પરંતુ યુનિયન લીડર બન્યા પછી તેમની વચ્ચે દુશ્મનીના બીજ રોપાય છે. અહીં કહેવાનો મતલબ એ છે કે, કોઈ કારણોસર બે જીગરી મિત્રો વચ્ચે દુશ્મની થઈ જાય એ વાર્તા પહાડો જેટલી જ જૂની છે. તેથી ‘ચક્રવ્યૂહ’ પર આડકતરી રીતે નકલખોરીના આરોપ લગાવવા મૂર્ખતા છે.

એક સંવેદનશીલ ફિલ્મકાર પોતાની ફિલ્મોમાં જાત અનુભવોને વણી લેતો હોય છે. એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ ઝા કહે છે કે, “અત્યારે નક્સલવાદનો વિષય નવો નથી. પરંતુ સિત્તેરના દાયકામાં હું રામજાસ કોલેજ (નવી દિલ્હી)માં ભણતો હતો ત્યારે મેં ખૂબ નજીકથી નક્સલવાદ જોયો હતો. તે વખતે આ બધુ રોમાંચક લાગતું હતું. અમે જાતિહીન સમાજની વાતો કરતા હતા. કોમરેડ ચારુ મજુમદાર અમારા આદર્શ હતા. નક્સલવાદ પરની ફિલ્મ બનાવવાનો વિચાર સૌથી પહેલાં મને વર્ષ 2003માં આવ્યો હતો. પરંતુ છેલ્લાં આઠ-દસ વર્ષમાં નક્સલવાદ ખૂબ ફૂલ્યો-ફાલ્યો છે, વધુ જિલ્લા નક્સલવાદથી પ્રભાવિત થયા છે. પછી મેં દેશમાં ભ્રમણ કરવાનું ચાલુ કર્યું ત્યારે વધુ કેટલાક મુદ્દા મારી સામે આવ્યા. અસમાનતાની ખાઈ પણ વધુ ઊંડી થઈ છે. સંપત્તિનું એકત્રીકરણ એક જ તરફ થયું છે. આવા વિવિધ કારણોસર દેશના જ લોકો દેશવિરોધી થઈ રહ્યા છે.”

‘ચક્રવ્યૂહ’ના શૂટિંગમાં વ્યસ્ત પ્રકાશ ઝા
નક્સલવાદીઓની છાવણીનું એક દૃશ્ય 

પ્રકાશ ઝાનું અવલોકન સચોટ છે. આઝાદી પછી ભારતમાં અસમાનતાની ખાઈ વધુને વધુ પહોળી થતી ગઈ છે. આજે કરોડો ભારતીયો ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના કારણે ત્રસ્ત છે. બીજી તરફ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સંપત્તિનું બિભત્સ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે ગરીબો જ નહીં, મધ્યમવર્ગમાં પણ તેમના પ્રત્યે ઈર્ષા અને નફરતનું પ્રમાણ વધ્યું છે. ઉદ્યોગપતિઓ અને મજૂરોનો સંબંધ પણ સાસુ-વહુ જેવો હોય છે. પરંતુ પ્રકાશ ઝાએ ‘ચક્રવ્યૂહ’ના એક ગીતમાં ઉદ્યોગપતિઓ પર સીધુ નિશાન તાકીને તેમની નારાજગી વ્હોરી લીધી છે.

‘ચક્રવ્યૂહ’નું એ ગીત અત્યારથી જ ખાસ્સું વિવાદાસ્પદ થયું છે. આ ગીતના શબ્દો છે, “બિરલા હો યા ટાટા, અંબાણી હો યા બાટા. સબને અપને ચક્કર મૈં દેશ કો હૈ કાટા. અરે હમરે હી ખૂન સે ઈનકા, એન્જિન ચલે ધકધક...” આ ગીતમાં સ્પષ્ટપણે સામ્યવાદી વિચારધારા પ્રદર્શિત થાય છે. નાનકડા દૃશ્યમાં પણ વાંધા જોનારા સેન્સર બોર્ડે ફક્ત પ્રકાશ ઝાનો ખુલાસો માંગીને આ ગીતને મંજૂરી આપી દીધી છે. તેમણે ખુલાસો આપ્યો છે કે, “આ શબ્દો મેં ફક્ત પ્રતીકાત્મક રીતે વાપર્યા છે. અમારો હેતુ કોઈ વ્યક્તિ કે બ્રાન્ડને નુકસાન કરવાનો નથી. આ ગીત અમે ગ્રામ્ય ભારતમાંથી લીધું છે. આ તેમની વિરોધ કરવાની રીત છે.” નવાઈની વાત એ છે કે, સેન્સર બોર્ડે આ ખુલાસો સ્વીકારી લીધો છે.

તેઓ ઉમેરે છે કે, “ભારતમાં ઉદ્યોગપતિઓની વાત આવે એટલે આપણે ટાટા અને બિરલા વિશે જ વિચારીએ છીએ.” પ્રકાશ ઝાની વાત સાચી છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે ભારતમાં સમાજવાદથી પ્રભાવિત ઉદ્યોગપતિઓની પણ કોઈ કમી નથી. દેશના વિકાસમાં તેમણે પણ અમૂલ્ય ફાળો આપ્યો છે અને આઝાદી બાદ તેમણે લાખો લોકોને રોજગારી આપી છે. કદાચ એટલે જ નક્સલવાદ જેવા વિષય પર ફિલ્મ બનાવવી અત્યંત જટિલ કામ છે.

આ અંગે પ્રકાશ ઝા કહે છે કે, “એક સાર્વભૌમ રાષ્ટ્રમાં રહેતો હોવા છતાં હું કોઈ સામાજિક હેતુ માટે લાગણી ધરાવતો હોઈ શકું છું. આપણે એક સિસ્ટમની જરૂર છે. તેમની માગણીઓ સાચી છે, પરંતુ તેમના રસ્તા ખોટા છે. પરંતુ અહીં સરકાર પ્રેરિત હિંસા પણ પ્રવર્તમાન છે. મેં આ ફિલ્મમાં તમામ પાસાંને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. મને લાગે છે કે, આ બધું લોકોની નજર સમક્ષ લાવવાનો આ ઉત્તમ સમય છે...આમ તો, આ બે મિત્રોની વિચારધારાના ટકરાવની વાત છે, પરંતુ અમે ખૂબ સંશોધન કર્યું છે. લાખો દસ્તાવેજો વાંચ્યા છે. સંશોધન કરવા માટે મારી પાસે આખી ટીમ હતી.”

અર્જુન રામપાલ અને ઈશા ગુપ્તાનું એક દૃશ્ય

ભારતમાં સામ્યવાદથી પ્રભાવિત વિચારસરણી ધરાવતી અનેક ફિલ્મો બની ચૂકી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં આવેલી ગોવિંદ નિહલાણીની ‘હજાર ચૌરાસી કી મા’, સુધીર મિશ્રાની ‘હજારો ખ્વાઈશે ઐસી’ અને કબીર કૌશિકની ‘ચમકુ’ જેવી ફિલ્મોમાં પણ નક્સલવાદની જ વાત હતી. આ સિવાય તમિળ અને મલયાલમ ભાષામાં પણ નક્સલવાદ પર સારી ફિલ્મો બની ચૂકી છે. પરંતુ ‘ચક્રવ્યૂહ’ જેવી કોમર્શિયલ ફિલ્મ પાસે આપણે થોડી વધુ અપેક્ષા રાખી શકીએ છીએ.

‘ચક્રવ્યૂહ’માં નક્સલવાદની વાત હોવા છતાં તે એક એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. પ્રકાશ ઝા દૃઢપણે માને છે કે, ફિલ્મો ઉપદેશાત્મક કે ઉકેલ આપનારી જ હોય એ જરૂરી નથી. અમે ફક્ત એવું સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, આખરે નક્સલવાદીઓ આવું કેમ કરે છે અને સિસ્ટમમાં ક્યાં ગરબડ છે? તેઓ જાણે છે કે, પોતાની વાત વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફિલ્મમાં મનોરંજનનું તત્ત્વ હોવું જરૂરી છે. તેથી ‘ચક્રવ્યૂહ’માં આઈટમ સોંગની સાથે અર્જુન રામપાલ અને ઈશા ગુપ્તાનો એક લવમેકિંગ સીન પણ ઉમેરવામાં આવ્યો છે. પ્રકાશ ઝા જાણે છે કે, થોડા વધુ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા આ જરૂરી છે. આજના યુવા ભારતની આ તાસીર છે.

એક ઈન્ટરવ્યૂમાં પ્રકાશ ઝાએ જણાવ્યું હતું કે, “એક ફિલ્મમેકર તરીકે હું મનોરંજન ઈચ્છતા લોકો સમક્ષ કેવી રીતે સામાજિક મુદ્દો પહોંચાડવો તે માટે પ્રયત્નશીલ હોઉ છું. વિચારો પહોંચાડવાની સાથે મારે કમાણી પણ કરવી છે. ‘દામુલ’ અને ‘પરિણિતી’ પ્યોરલી મારી ફિલ્મો હતી. પરંતુ મૃત્યુદંડથી મેં સમાધાન કરવાનું ચાલુ કર્યું. નહીં તો મારે દુકાન બંધ કરીને બિહાર ભેગા થવું પડ્યું હોત!

ખેર, કોઈ ફિલ્મમેકર ફિલ્મ જેવા મજબૂત માધ્યમથી સામાજિક મુદ્દા લોકો સમક્ષ ઉજાગર લાવે તે સારી વાત છે. પ્રકાશ ઝાએ આરક્ષણ બનાવ્યું ત્યારે અનેક લોકોએ તેમને કહ્યું હતું કે, ફિલ્મ સારી છે પરંતુ અનામતનો ઉકેલ શું છે એ વિશે તમે કશું જ નથી કહ્યું. જોકે, આ વાત અર્ધસત્ય છે. કારણ કે, ફિલ્મ જોઈને સમજવી એ પણ એક કળા છે. ફિલ્મો પાસેથી કોઈ મુશ્કેલીના સંપૂર્ણ અને સચોટ ઉકેલની આશા રાખવી વધુ પડતુ છે. 

2 comments:

  1. we are blessed that we got a visionary director like prakash jha. nahi to romantic ane action na visayo layne movie banavnara to ek goto to hajar malse...nice article vishal...congrats and get going...

    ReplyDelete