કેરળના લોકો છેલ્લાં ૧૦૦ વર્ષમાં ના આવ્યું હોય એવા ભયાવહ્ પૂરનો ભોગ બન્યા છે
કારણ કે, ત્યાંના લોકો ગૌમાંસ ખાય છે. મલયાલી લોકો શાકાહારી હોત તો પૂર ના આવ્યું હોત!
આ તેમનું જ પાપ છે.
કેરળના સબરીમાલા મંદિરમાં પાપીઓ મહિલાઓને પ્રવેશ આપવાની જિદ કરી રહ્યા છે એટલે
ખુદ ભગવાન કુદરતી પ્રકોપનું રૂપ લઈને મલાયલીઓ પર તૂટી પડ્યા છે.
કેરળના પૂરમાં ફક્ત ધનિકોને જ નુકસાન થયું છે કારણ કે,
ત્યાં તો ગરીબો છે જ
નહીં. કેરળમાં ગરીબો નથી એટલે તમારે મદદ કરવી હોય તો પૈસા નહીં મજૂરો મોકલો,
અને છતાં તમે પૈસા મોકલો
તો ફલાણી સંસ્થાને જ મોકલજો.
કેરળમાં લાખો લોકો 'નાસ્તિક' ડાબેરીઓને મત આપે છે, એટલે ઈશ્વર તેમને સજા કરી રહ્યો છે...
કેરળમાં પૂર આવ્યા પછી ફૂલ ફ્લેજમાં બચાવકાર્ય શરૂ થતાં જ સોશિયલ મીડિયામાં કંઈક આ પ્રકારનો અત્યંત નિમ્ન કક્ષાનો 'રાજકીય એજન્ડા' શરૂ થઈ ગયો હતો. રાજકારણીઓના હાથા બનીને સામાન્ય લોકો પણ
કુદરતી હોનારતને 'રાજકીય ચશ્મા' ચઢાવીને જોવા લાગ્યા હતા. કોઈ દરેક બાબતને 'કેસરી' ચશ્માથી જોવા લાગ્યું તો કોઈએ 'લીલા' કે 'લાલ' ચશ્મા પહેરી લીધા. આ બધી ભાંગજડ વચ્ચે પણ કેરળના પૂરમાં અનેક 'અનસંગ
હીરો'એ માણસાઈના
જોરે આવા રાક્ષસોને હરાવ્યા. કેરળના આવા જ એક કેટલાક હીરોની વાત કરીએ,
જેમણે ફક્ત ત્રણ દિવસમાં
ત્રણ લાખથી પણ વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાનું દિલધડક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.
***
આખો દેશ ૧૫મી ઓગસ્ટની 'રજાનો આરામ' ભોગવીને ૧૬મી ઓગસ્ટે ફરી એકવાર દોડી રહ્યો હતો ત્યારે કેરળ થંભી
ગયું હતું. એ દિવસે કેરળના અલપ્પુઝા જિલ્લાના કુટ્ટાનાડ અને ચેંગનુર તાલુકાના બે
બંધ ભારે વરસાદના કારણે છલોછલ ભરાઈ ગયા હતા. અનરાધાર વરસાદના કારણે બંને બંધ ખોલવા
પડે એવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી. વળી, કુટ્ટાનાડ નીચાણવાળો વિસ્તાર. દુનિયામાં બહુ ઓછા સ્થળે
દરિયાઈ સપાટીથી નીચેના પ્રદેશોમાં ખેતી થાય છે. કુટ્ટાનાડ એ પૈકીનું એક. અહીં
દરિયાઈ સપાટીથી ૦.૬થી બે મીટર જેટલી નીચી સપાટીએ ખેતી થાય છે. આશરે ૨.૬૦ લાખ જેટલી
વસતી ધરાવતા કુટ્ટાનાડમાં બે બંધના પાણી ફરે વળે તો મકાનો ધરાશાયી થાય,
વૃક્ષો તૂટી પડે,
ઊભો પાક પણ નષ્ટ થઈ જાય અને
હજારો લોકોના મોતનું તાંડવ ખેલાવાની પૂરેપૂરી શક્યતા! આ સ્થિતિમાં પણ બે બંધના
દરવાજા થોડી વારમાં ખૂલવાના જ હતા. કરવું શું? કુટ્ટાનાડમાંથી એકસાથે હજારો લોકોને રાહત છાવણીમાં કેમ લઈ
જવા? આવું
રેસ્ક્યૂ ઓપરેશન કરવાનો તો સમય જ નથી. માંડ ત્રણેક દિવસ બચ્યા છે.
નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ઉપગ્રહમાંથી લીધેલી પૂર પહેલાની અને પૂર પછીની કેરળની તસવીર. બીજી તસવીરમાં દેખાતો કાળો ભાગ પૂરના કારણે થયેલી ખાનાખરાબી અને નષ્ટ થઈ ગયેલી ખેતી દર્શાવે છે. |
૧૬મી ઓગસ્ટની એક સવારે કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક અને અલપ્પુઝાના સબ
કલેક્ટર ક્રિશ્ના તેજા માયલાવારાપુ આ જ સવાલની આસપાસ ગંભીર ચર્ચા કરી રહ્યા હતા.
માંડ અર્ધો કલાક ચર્ચા કરીને યુવાન આઈએએસ અધિકારી ક્રિશ્ના તેજાએ ક્ષણનોય વિલંબ
કર્યા વિના મક્કમ અવાજમાં કહી દીધું કે, આખું કુટ્ટાનાડ અને ચેંગનુર ખાલી કરાવીશું... આ પ્રકારના
નિર્ણય લેવા જબરદસ્ત સાહસ અને ઈચ્છાશક્તિ જોઈએ. નાણા મંત્રી આઈઝેક અને સબ કલેક્ટર
ક્રિશ્ના તેજા વચ્ચેની ચર્ચા પૂરી થઈ ત્યાં જ સવારે દસેક વાગ્યે કલેક્ટર કચેરીમાં
માહિતી મળી કે, બે બંધ ખોલી નાંખવામાં આવ્યા છે. આગામી ૪૮ કલાકમાં જ કુટ્ટાનાડમાં પાણીનું
સ્તર જોખમી સ્તરે વધી જશે.
ક્રિશ્ના તેજાએ પૂરમાં પણ ફરજ બજાવવા આવેલા અમુક જિલ્લા અધિકારીઓની મીટિંગ
બોલાવી. એ વખતે સવારના ૧૧:૦૦ વાગ્યા હતા. ક્રિશ્ના તેજાએ તેમનાથી ઘણી મોટી ઉંમરના અધિકારીઓને આદેશના
સૂરમાં કહ્યું: ૪૮ કલાકમાં કુટ્ટાનાડમાંથી તમામ ઘર ખાલી
કરાવવાના છે. જેમ બને તેમ ઝડપથી કામ ચાલુ કરો. આ દરમિયાન મોટા ભાગના અધિકારીઓને
શંકા હતી કે, આવું ઓપરેશન શક્ય જ નથી. એ માટે પૂરતી સુવિધાઓ પણ નથી. અનેક
લોકોએ ક્રિશ્ના તેજા સમક્ષ નારાજગી પણ દર્શાવી, પરંતુ નાણા મંત્રી આઈઝેક અને ક્રિશ્ના તેજા ઓપરેશન ચાલુ
કરવા મક્કમ હતા. તેમનું કહેવું હતું કે, આપણે કોઈ પણ સંજોગોમાં આટલા બધા લોકોના જાન જોખમમાં ના મૂકી
શકીએ. કુટ્ટાનાડ પહોંચવા માટે રસ્તા હોત તો બધાને સલામત સ્થળે ઝડપથી લઈ જઈ શકાય,
પરંતુ રસ્તા તૂટી ગયા
હતા અથવા પાણીમાં ડૂબેલા હતા. એટલે એક જ વિકલ્પ હતો, નાની-મોટી હોડીઓ લઈને ઘરે ઘરે પહોંચવું.
ક્રિશ્ના તેજાએ સવારે ૧૧:૦૦ વાગ્યે બોલાવેલી મીટિંગ મધરાત્રે ૩:૦૦ વાગ્યે
પૂરી થઈ, ત્યાં સુધી તેઓ પોતાની ટીમ સમક્ષ એક ફૂલપ્રૂફ પ્લાન
રજૂ કરી ચૂક્યા હતા. છેવટે મહા મુશ્કેલીઓ વચ્ચે ૧૭મી ઓગસ્ટના પરોઢિયે ૫:૩૦ વાગ્યે 'ઓપરેશન કુટ્ટાનાડ' શરૂ થયું. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, ઓપરેશન કુટ્ટાનાડ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ૨૨૦
જવાનોની સાત ટીમ બનાવાઈ હતી. આ ઉપરાંત ચેંગાનુરમાં ભારતીય નૌસેનાની દસ અને સેનાની
બે ટીમને સુકાન સોંપાયું. ફાયર બ્રિગેડ અને બીજી રેસ્ક્યૂ ટીમ પણ ૨૩ બોટ લઈને આવી
પહોંચી, પરંતુ આટલી ઓછી હોડીઓથી કશું થઈ શકે એમ ન હતું.
કેરળના નાણા મંત્રી થોમસ આઈઝેક. પૂર દરમિયાન તેમણે ન્યૂઝ ચેનલો પર આપેલા અનેક ઈન્ટરવ્યૂ યુ ટ્યૂબ પર અવેલેબલ છે |
આ સ્થિતિમાં ઓપરેશન માટે વધુમાં વધુ હોડીઓ ભેગી કરવાનું કામ પણ ક્રિશ્ના તેજાએ શરૂ કર્યું. તેમણે કુટ્ટાનાડમાં ૨૫૦ હાઉસ બોટ, ૧૩૦ મોટર બોટ, ૫૦ સ્પિડ બોટ, નાના-મોટા તરાપા અને માછીમારોની હોડીઓ તેમજ આ હોડીઓ ચલાવી શકે એવા માણસો ભેગા કર્યા. દરેક હોડીમાં એક ટીમ લીડર નિમ્યો અને તેમને ઘરે ઘરે મોકલવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન માટે પોતાની હાઉસ બોટ આપવાની ના પાડી દીધી, પરંતુ સરકારે એલર્ટ જાહેર કરીને પોલીસને હાઉસ બોટ જપ્ત કરવાની સત્તા આપી દીધી હતી. એ સત્તાનો પણ લોકોને બચાવવા માટે ઉપયોગ કરાયો. આ દરમિયાન ક્રિશ્ના તેજાએ વધુ હોડીઓ માટે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ્સની મદદ માંગી, અને, બચાવ કામગીરી માટે તબક્કાવાર કુલ ૨૦૦ નાની-મોટી હોડીઓ મળી ગઈ.
જોકે, આ ઓપરેશનની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, લોકો પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવા તૈયાર ન હતા. દોઢ
ડાહ્યા વડીલો રટણ કરતા હતા કે, કુટ્ટાનાડમાં ક્યારેય પૂરના પાણી આવ્યા જ નથી. આ પૂર અમને
અસર નહીં કરે. ક્રિશ્ના તેજા બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતા,
ત્યારે આવા જિદ્દી
લોકોને સલામત સ્થળે લઈ આવવાનું કામ નાણા મંત્રી આઈઝેકે સંભાળી લીધું. તેમણે સલામત
સ્થળે નહીં જવાની જિદ કરતા લોકોને ઘરોમાંથી કાઢવા દરેક હોડીમાં એક પોલીસ કે સેનાના
જવાનને મોકલવાનું શરૂ કર્યું. યુનિફોર્મ જોઈને સામાન્ય લોકો 'હુકમ' માનવા લાગ્યા અને બચાવ ટીમનું કામ હળવું થઈ ગયું. આ કામગીરી
ચાલુ હતી ત્યાં બંધના પાણી પણ ઘરોમાં ઘૂસવા માંડ્યા હતા,
જેથી લોકો બચાવ ટીમ સાથે
ફટાફટ હોડીઓમાં બેસીને સલામત સ્થળોએ જવા લાગ્યા. અમુક સ્થળે બચાવ કામગીરી માટે
એરલિફ્ટિંગ પણ શરૂ કરાયું. આ ઓપરેશનમાં માછીમારો પણ હીરો સાબિત થયા. ફક્ત
કુટ્ટાનાડમાં જ માછીમારોએ નિઃસ્વાર્થભાવે ૧૬ હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા.
અલપ્પુઝાના સબ કલેક્ટર ક્રિશ્ના તેજા (છેક ડાબે) |
સામાન્ય રીતે, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત વખતે નેતાઓ હેલિકોપ્ટરમાંથી સર્વેક્ષણ કરતા હોય છે,
ફૂડ પેકેટ ફેંકતા હોય છે,
આઈએએસ અધિકારીઓ એસી
ઓફિસમાં બેસીને હુકમો છોડતા હોય છે અને આમ આદમી લાચાર બનીને સ્વકેન્દ્રિત બની જતો
હોય છે. જોકે, ઓપરેશન કુટ્ટાનાડમાં ગંગા ઊલટી વહી રહી હતી. ભારતના ઈતિહાસમાં કદાચ પહેલીવાર
એક મંત્રી ઘૂંટણસમા પાણીમાં ઉતરીને લોકોને સલામત સ્થળે જતા રહેવા સમજાવતો હતો, એક
આઈએએસ અધિકારી પાણીમાં ઉતરીને બોટ મેનેજમેન્ટમાં વ્યસ્ત હતો અને માછીમારો જેવા
સામાન્ય માણસો પણ 'સરકાર'ના હુકમનો ઉત્સાહથી અમલ કરી રહ્યા હતા. એક મંત્રી અને એક આઈએસ અધિકારીએ આ
યોજના ફક્ત 'કાગળ' પર નહોતી બનાવી, પરંતુ 'ગ્રાઉન્ડ' પર તેનો જડબેસલાક અમલ પણ કર્યો. તેમણે સાબિત કરી દીધું હતું
કે, ઈચ્છાશક્તિ
હોય તો ગમે તેવું અશક્ય લાગતું કામ પણ સહેલાઈથી પાર પાડી શકાય છે!
આ ઓપરેશનને મીડિયાથી ગુપ્ત રખાયું હતું કારણ કે, તેઓ નહોતા ઈચ્છતા કે અફવા કે ગભરાટ ફેલાવાના કારણે
ધક્કામુક્કી થાય અને લોકોના જાન જાય! અલ્લપુઝાના જ રહેવાસી ધ્રુવ પંડ્યા નામના એક
વકીલે આ ઓપરેશન વિશે ફેસબુક પર માહિતી આપી ત્યારે આ વાત માંડ અખબારો સુધી પહોંચી. ૧૮મી
ઓગસ્ટની સાંજ સુધી કુટ્ટાનાડમાંથી અઢી લાખ અને ચેંગનુરમાંથી એક લાખ લોકો (ચોક્કસ
આંકડો હજુ આવ્યો નથી) સલામત સ્થળે ખસેડાઈ ચૂક્યા હતા. હવે બધા જ સલામત સ્થળે હતા.
જોકે, બધા જ માટે ઓપરેશન કુટ્ટાનાડ પૂરું થઈ ગયું હતું ત્યારે પણ નાણા મંત્રી
થોમસ આઈઝેક અને સબ કલેક્ટર ક્રિશ્ના તેજાએ જાહેર કર્યું કે, હજુ થોડું કામ બાકી
છે. તેઓ કુટ્ટાનાડ અને ચેંગનુરમાં ફસાયેલા પ્રાણીઓને પણ સલામત સ્થળે પહોંચાડવા
માગતા હતા. આ કામ પણ તેમની જ આગેવાનીમાં પૂરું થયું. પ્રાણીઓને પણ ઊંચાઈવાળા અને
સલામત વિસ્તારોમાં લઈ જઈને ભોજન અપાયું.
કુવૈતમાંથી ૧.૭૦ લાખ ભારતીયોને સલામત રીતે ભારત લાવવાની સત્ય ઘટના આધારિત 'એરલિફ્ટ' ફિલ્મ તમે જોઈ હશે! પૂરગ્રસ્ત કેરળની આ ઘટના પણ આવી જ એક
સુંદર ફિલ્મને લાયક છે. શું કહો છો?
નોંધઃ પૂર વિશે વધુ કેટલીક માહિતી માટે ઉપરના લેખમાં મૂકેલી હાયપર લિંક અથવા લેખના અંતે મૂકેલા લેબલ્સ પર ક્લિક કરો.
નોંધઃ પૂર વિશે વધુ કેટલીક માહિતી માટે ઉપરના લેખમાં મૂકેલી હાયપર લિંક અથવા લેખના અંતે મૂકેલા લેબલ્સ પર ક્લિક કરો.
Awsome
ReplyDelete