સુરત નજીક એક નાનકડું
ગામ છે, ધજ. થોડા સમય પહેલાં આ ગામને
દેશનું સૌથી પહેલું ઈકો વિલેજ જાહેર કરાયું હતું. ઈકો વિલેજ એટલે સ્થાનિક લોકો અને
પર્યાવરણ એ બંનેને ધ્યાનમાં રાખીને વિકસાવેલું મોડેલ. આ પ્રકારના ગામમાં ટકાઉ
વિકાસને પ્રોત્સાહન આપવા માટે જરૂરી હોય એ તમામ બાબત પર ભાર મૂકાયો હોય. ટકાઉ
એટલે એવો વિકાસ જેનાથી માણસો અને પર્યાવરણને લાંબા ગાળે નુકસાન ના થાય. જેમ કે,
પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા, વરસાદી પાણી
વહી ના જાય એ માટે રિચાર્જવેલ, સજીવ ખેતીને પ્રોત્સાહન,
બાયોગેસ-સૌર અને પવન ઊર્જાનો મહત્તમ ઉપયોગ, પ્રવાહી
અને ધન કચરાના નિકાલ માટે વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, બાયોટોઈલેટ તેમજ
ખેડૂતો કૃષિ અને ગ્રામીણ મહિલાઓ પશુપાલન કે હસ્તકલા જેવા પરંપરાગત વ્યવસાયમાં
આગળ વધી શકે એ બધી જ સુવિધા.
ઈકો વિલેજના આ પાયાના
માપદંડો છે, પરંતુ સ્થાનિક વસતીની
સંસ્કૃતિ, પરંપરાઓ, પર્યાવરણ અને જરૂરિયાતો મુજબ તેમાં ફેરફારો
થઈ શકે. ધજ ગામ હવે પાંચેક લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. અગાઉ ધજમાં વરસાદી
પાણી વહી જતું, પરંતુ હવે ત્યાં પાંચ રિચાર્જ
વેલ છે, જેના કારણે ભૂગર્ભ જળસપાટી પણ ઊંચી આવી છે. લોકો સૌરઊર્જાનો ઉપયોગ કરે
છે એટલે વીજળી પર આધાર નથી રાખવો પડતો. વીજળી બચે એ પાછો બીજો ફાયદો. જો ગામડાંમાં 'સ્વચ્છ' ઊર્જાને વધુમાં વધુ પ્રોત્સાહન મળે તો થોડા
વર્ષોમાં અડધા ભારતને આપોઆપ એક્સટર્નલ ગ્રીડમાંથી મુક્તિ મળી જાય. આ ઉપરાંત ધજ
ગામે બાયોગેસ અપનાવતા આસપાસના જંગલ વિસ્તાર પર ભારણ ઘટ્યું છે. વાયુ પ્રદૂષણ પણ ઓછું થયું
છે. બાયોગેસ મળવાથી લોકો પ્રેશરકૂકરનો ઉપયોગ કરે છે, જેના
કારણે નાનકડા ઘરોમાં રસોઈ કરતી મહિલાઓના શ્વાસમાં ચૂલાના ઝેરી ધુમાડા જતા નથી.
અમેરિકાની મિશિગન યુનવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઈકો વિલેજનો અભ્યાસ કરવા ધજની
મુલાકાત લઈ ચૂક્યા છે.
શું આપણે ભારતના
સાતેક લાખ ગામડાંને ઈકો વિલેજમાં પરિવર્તિત ના કરી શકીએ?
દેશની વસતી ૧૩૨ કરોડ અને ૪૨ લાખે પહોંચી ગઈ છે. પર્યાવરણના મુખ્ય
ચાર સ્રોત પાણી, વાયુ, ઊર્જા અને જમીન ખૂટી ગયા છે અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ગ્રામીણ
વિસ્તારો અને નાના શહેરોમાંથી મોટા શહેરો તરફ સ્થળાંતર વધી રહ્યું છે,
જેના કારણે બેફામ શહેરીકરણ, ગીચતા, બિમારીઓ, ગંદી ઝૂંપડપટ્ટીઓ,
ટ્રાફિક અને પાર્કિંગ સહિતની મુશ્કેલીઓએ
વિકરાળ સ્વરૂપ
ધારણ કર્યું છે. શહેરોને જોઈને ગ્રામીણ ભારતમાં હજુ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે કારણ કે, વિકાસના
ફળ તમામ લોકો સુધી પહોંચ્યા નથી. આર્થિક અસમાનતા વધી રહી
છે. નાના અને મધ્યમ ખેડૂતોની આવક સતત ઘટી રહી છે.
આ સ્થિતિમાં ગામડાંમાં રહેતા યુવકો
ખેતીમાં શું કામ રસ લે? ખેડૂતોની તો ધૂમ કમાણી
કરે છે અને તેઓ કરવેરા પણ ભરતા નથી એવી દલીલ કરનારાને ખબર નથી કે, ગ્રામીણ ભારતમાં જેની પાસે જમીન છે એ ધનવાન છે, બાકીનો
બહુ જ મોટો વર્ગ નાના ખેડૂતો અને ખેતમજૂરોનો છે. શહેરો કરતા ગામોમાં આર્થિક
અસમાનતાનો પ્રશ્ન વધુ ઊંડો છે. ખેડૂતોની આત્મહત્યાના સત્તાવાર (રિપીટ, સત્તાવાર) આંકડા પર નજર કરો. દેશના તમામ રાજ્યોમાં ગામડાં વધારે છે પણ ૫૦ ટકાથીયે વધુ
વસતી શહેરોમાં છે. જોકે, ગામડાં ખાલી થવાનું કારણ એકલું
રોજગારી નથી. ગામમાં
રહેતો માણસ સારા જીવનધોરણની શોધમાં શહેર તરફ જાય છે. જેમ કે,
શહેરોમાંથી અમેરિકા કે બીજા કોઈ દેશમાં સ્થાયી થતાં બધા જ લોકો કંઈ
ડૉલરને પ્રેમ નથી કરતા. અનેક લોકો ફક્ત 'ક્વૉલિટી ઓફ લાઈફ'
માટે બીજા દેશમાં જાય છે. આપણા અનેક
મિલિયોનેર્સ-બિલિયોનેર્સ વિદેશોના નાગરિક છે, એનું કારણ પણ આ. એવી જ રીતે,
ગામડાંમાં
રહેતા માણસને પણ સારું શિક્ષણ અને આગળ વધવાની 'તક'
જોઈએ છે. કોને પોતાના મૂળિયા તરફ જોડાઈ રહેવું ના ગમે?
ઈકો વિલેજની બીજી એક
મહત્ત્વની શરત એ પણ છે કે, ગામડાં નજીક જ લોકોને ઉત્તમ
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મળવું જોઈએ. ટૂંકમાં ગામડાંના લાખો રોજગારીની
શોધમાં, વધુ કમાણીની લાલચમાં અને
બાળકોને સારું શિક્ષણ આપવાના હેતુથી શહેરો તરફ આવી રહ્યા છે. આ બધું તેઓને ગામડાંમાં કે ગામડાં નજીક મળવું જોઈએ. શહેરીકરણ
સાથે એક બીજો પણ મુદ્દો ગાઢ રીતે જોડાયેલો છે, પર્યાવરણ.
દુનિયાભરના પર્યાવરણમાં મોટા પાયે ફેરફારો થવાના કારણે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ
છે. વળી, ભારતમાં બંધના પ્રમાણમાં સિંચાઈનું નેટવર્ક ઓછું
છે. આ
બંધ પાછા ભારે વરસાદના કારણે ભરાઈ જાય ત્યારે દરવાજા ખોલી નંખાય છે અને એમાં સૌથી
પહેલો ભોગ લેવાય છે, ઊભા પાકનો. છેક ઉપરથી
નીચે સુધી તમામ સ્તરે આવા મિસ મેનેજમેન્ટના કારણે કૃષિ અર્થતંત્રની ઘોર ખોદાઈ રહી
છે. એક
સમયે ભારતનું શહેરી અર્થતંત્ર પણ ખેડૂતોના કારણે ધબકતું રહેતું,
પરંતુ આજના ખેડૂત દેવાના બોજ તળે દબાયેલા છે અને કૃષિ ધિરાણોની
યોજનાઓ પણ અસરકારક નીવડી નથી. કૃષિ ધિરાણ યોજનાઓના આંકડા કહે છે કે,
ભારતમાં ગ્રામીણ અર્થતંત્રને મજબૂત રાખવા બનાવેલી કૃષિ યોજનાઓનો ભાગ્યેજ સારી રીતે અમલ થયો છે.
વળી,
ભારતમાં પર્યાવરણને લગતા કાયદાનો અમલ ઢીલો છે, જેના કારણે ઔદ્યોગિકીકરણથી વધારે નુકસાન થઈ રહ્યું છે. શહેરોમાં રોજગારી
ઊભી કરવાની યોજનાઓના અમલથી, નથી શહેરોમાં લાંબા ગાળાનો ફાયદો દેખાઈ
રહ્યો, કે
નથી ગ્રામીણ અર્થતંત્રને મજબૂતાઈ મળી રહી. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી યોજનાઓનો અમલ
એટલો બધો બિનઅસરકારક છે કે, ત્યાં
આકર્ષક રોજગાર ઊભા થાય એ પહેલાં લોકો શહેરોના ઔદ્યોગિક વિસ્તારો તરફ આવી જાય છે.
દેશમાં સાત લાખ ગામડાં છે અને ગામડાંનો મુખ્ય વ્યવસાય સીધી કે આડકતરી રીતે
કૃષિ જ છે. જો લાખો લોકો કૃષિથી દૂર જવાનું આવી જ રીતે ચાલશે તો ગ્રામીણ
અર્થતંત્રની કમર તૂટી નહીં જાય?
કૃષિ અર્થતંત્રના
જાણકારોનું માનવું છે કે, ગ્રામીણ
ભારતનું અર્થતંત્ર ચેતનવંતુ કરવા એક ફૂલપ્રૂફ યોજનાની જરૂર છે. દેશમાં પાણી,
જમીન અને ઊર્જાને લગતા વિપુલ સ્રોત છે. આ બધાનું યોગ્ય આયોજન
કરવામાં આવે તો આપણે સ્વનિર્ભર થઈ શકીએ. આજે પણ ગામડાંમાં ખૂબ જ સારું
વાતાવરણ છે, પૂરતા કુદરતી સ્રોતો છે અને
આપણે તેને પ્રદૂષિત નહીં કરી દેવા જોઈએ. કેન્દ્ર સરકાર જ દરેક
રાજ્યમાં જિલ્લા અને તાલુકા સ્તરનું આયોજન કરીને 'ઈકો
વિલેજ'ની યોજનાનો અમલ કરાવી શકે. આ પ્રકારની યોજનાથી ગ્રામીણ
ભારત જ નહીં, શહેરી ભારતની સુરત પણ બદલી શકાય. યુરોપના મોટા ભાગના દેશોએ
ગ્રામીણ વિકાસ પર ઉદ્યોગો જેટલો જ ભાર મૂક્યો છે. જેમ કે,
જર્મનીના ફ્રેઇમ્ટ નામના ઈકો વિલેજની વસતી ૪,૩૦૦
છે. આ
તમામ લોકો માટે બાયોગેસ પ્લાન્ટ તેમજ સોલાર-વિન્ડ ઊર્જા પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૪ મિલિયન કિલોવોટ ઊર્જા
મળે છે, જે તેમની જરૂરિયાત કરતા ત્રણ લાખ કિલોવોટ
વધારે છે. જર્મનીના અનેક ગામો જરૂરિયાત કરતા ૩૦૦ ગણી વધારે ઊર્જાનું ઉત્પાદન
કરે છે અને ભારતના કુદરતી સ્રોતો જોતા અહીં પણ આવું અર્થતંત્ર વિકસાવવાની પૂરેપૂરી શક્યતા છે. યુરોપના
અનેક દેશોના ગામડાં જરૂરિયાત કરતા વધુ ઊર્જા ઉત્પન્ન
કરે છે અને તેનું વેચાણ
કરીને વર્ષેદહાડે લાખો યુરોની આવક પણ કરે છે.
ભારતમાં પણ ૨૦૧૩ની શરૂઆતમાં ઈકો વિલેજ યોજનાને
સારો પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન પૂણે જિલ્લાની ૭૫૩ ગ્રામ પંચાયતોએ કેન્દ્ર
સરકારે શરૂ
કરેલી ઈકો વિલેજ યોજના માટે અરજી કરી હતી. જોકે, એ વાત આગળ ના વધી. આ યોજનાનો
અમલ કરતી વખતે સરકારે લાંબા ગાળાના લક્ષ્યાંકો રાખવાના બદલે ફક્ત વૃક્ષો ઊગાડવાની
અને અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા જેવી બાબતો પર જ ભાર મૂક્યો. છેવટે ઈકો વિલેજ યોજનાનો અમલ ઉપરછલ્લો,
લોકરંજક અને ચૂંટણીલક્ષી બનીને રહી ગયો અને તેનો ફાયદો જ ના મળ્યો. યુરોપના જર્મની અને ફ્રાંસ
જેવા અનેક દેશોમાં ઈકો વિલેજના કોન્સેપ્ટને ખૂબ જ આવકાર મળ્યો છે અને તેનો યોગ્ય
રીતે અમલ પણ થઈ શક્યો છે, પરંતુ ભારત ગામડાંઓનો દેશ હોવા છતાં આ
દિશામાં કોઈ જ ધ્યાન નથી અપાતું.
ઈકો વિલેજ
કોન્સેપ્ટને અમલમાં મૂકીને યુરોપ 'ચેન્જ'
લાવી શકે છે, તો ભારત કેમ નહીં? બસ જરૂર
છે, રાજકીય ઈચ્છા શક્તિની!
નોંધઃ તસવીર પ્રતીકાત્મક છે.
Khub j saras ane jarur mahiti aapto lekh,,,,bhadrayu
ReplyDeleteThank You Sir.
ReplyDelete