07 September, 2016

પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની 'સ્ટોરી'


સુપરપાવર બનવાના સપનાં જોઈ રહેલા ભારતમાં દર વર્ષે ફક્ત ઋતુચક્રમાં ફેરફાર થતાં જ હજારો લોકો કમોતે મરી જાય છે. ભારતમાં ઠંડીને 'કાતિલ' કહે છે કારણ કે, શિયાળામાં હજારો લોકો ઠુંઠવાઈને મરી જાય છે. ગરમી 'કાળઝાળ' અને 'રેકોર્ડબ્રેક' હોય છે અને એ પણ અનેકનો ભોગ લે છે. શિયાળા-ઉનાળા પછી ચોમાસું આવે છે. ચોમાસું પણ અનેકના જીવ લે છે અને લાખો લોકોને ખેદાનમેદાન કરતું જાય છે. એટલે પૂર માટે પણ 'ભયાનક' અને 'પ્રકોપ' જેવા શબ્દો વાપરવામાં આવે છે. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દસ જણા કરતા ઠંડી, ગરમી કે પૂરમાં મૃત્યુ પામેલા ૧૦૦ માણસની 'ન્યૂઝ વેલ્યૂ' ઘણી ઓછી હોય છે કારણ કે, આપણે ઋતુઓમાં આવતા બદલાવથી થતાં મોતને સહજતાથી સ્વીકારી લીધા છે. જોકે, અહીં ફક્ત પૂરની વાત કરવી છે.

પૂરનું 'પૂરબહાર'માં મીડિયા કવરેજ 

આ વર્ષે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, આસામ અને મધ્યપ્રદેશમાં પૂરના કારણે ૪૦૦થી વધુ લોકોના મોત થયા અને લાખો લોકો બેઘર થયા. દર વર્ષે મોતનો આવો ખેલ ખેલાતો રહે છે. આમ છતાં, આપણી પાસે પૂરથી થતું જાનમાલના નુકસાન રોકવાનો એક્શન પ્લાન નથી. આપણે સ્વીકારી લીધું છે કે, પૂર તો આવશે જ અને લોકો મરશે જ. પૂર આવે છે ત્યારે મીડિયા કવરેજ 'પૂરબહાર'માં ખીલે છે. વધુને વધુ ભયાનક તસવીરો ક્લિક કરીને મોતનું તાંડવ બતાવવાની હોડ જામે છે. લાલ લાઈટવાળી ગાડીઓમાં 'ઉડતા નેતાઓ' માટે હેલિકોપ્ટરમાં ઉડવાના દિવસો શરૂ થાય છે. ક્યારેક કોઈ નેતા, ભૂલથી, હવામાંથી જમીન પર પણ આવી જાય છે. જોકે, ગુલામી માનસિકતા ધરાવતા જીહજુરિયાઓ નેતાજીના પગ મેલા ના થઈ જાય એટલે તેમને ખભે ઉઠાવવા તૈયાર જ હોય છે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

પૂરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાતે જાય એ તો સારો નેતા કહેવાયએમને તો માથે જ ચઢાવવાના હોય ને! બિલકુલ સાચી વાત. પૂરમાં ફસાયેલા લોકો માટે સરકાર રાતોરાત 'માઈબાપ' થઈ જાય છે. પૂરથી ગભરાયેલા લોકો વારંવાર આકાશમાં નજર કરતા હોય છે. ના, ઈશ્વર માટે નહીં. ખરેખર તેઓ હેલિકોપ્ટરની રાહ જોતા હોય છે. હેલિકોપ્ટર આવશે અને ફૂડપેકેટ ફેંકશે તો ભૂખ્યા નહીં મરીએ. અન્નના એક એક દાણા માટે મોહતાજ લોકો ફૂડપેકેજ માટે ધક્કામુક્કી અને ઝૂંટાઝૂંટ કરે છે. આ પ્રકારની તસવીરો ખરેખર ભયાનક હોય છે. પૂરની 'ન્યૂઝ સ્ટોરી'માં ફક્ત જાનહાનિ અને જાનમાલના નુકસાનની વાત કરવામાં આવે છે પણ એની પાછળ બીજી અનેક 'સ્ટોરી' હોય છે.

લોકો માટે 'જાનલેવા' પૂર નદીઓની જાન

આપણે ભૂલી ગયા છીએ કે, પૂર એ કુદરતી પ્રક્રિયા છે. કોઈ પણ નદી પૂર વિના અધૂરી છે. આપણા માટે 'જાનલેવા' પૂર નદીઓની જાન છે. પૂર આવ્યા પછી જ નદીઓ ફરી બે કાંઠે વહેવા માંડે છે. પહાડી વિસ્તારના કાંપ નદીઓમાં પથરાય છે. ફરી એકવાર કાંપ વિસ્તારોની જમીનમાં પોષક તત્ત્વોની પરત બને છે, જે ખેતી માટે અત્યંત ફળદ્રુપ હોય છે.હાલનું ઉત્તર ભારતનું પૂર ગંગા-યમુના અને તેની પેટા નદીઓના પાણીને આભારી છે. દેશની ૧૨૫ કરોડમાંથી ૫૦ કરોડ જેટલી વસતી તો ગંગા અને યમુનાના મેદાની વિસ્તારોની આસપાસ જ વસે છે. વિચાર કરો, આ બંને નદીઓનો વ્યાપ કેટલો હશે! આ નદીઓના કાંપ વિસ્તારમાં થતી ખેતીના આધારે સીધી અને આડકતરી રીતે કરોડો લોકોનું ગુજરાન ચાલે છે. પૂર આવે છે ત્યારે આવી લાખો હેક્ટર જમીન રિચાર્જ થઈ જાય છે. જમીની પાણીનું સ્તર ઊંચું આવે છે. નાની-નાની નદીઓ કાંપ અને પથ્થર ખેંચી લાવે છે. આ બધું જ નદીકિનારે જમા થાય છે, જેના કારણે નદીઓનો માર્ગ સાંકડો થતા પાણીના વહેણનો માર્ગ ઓછો થઈ જાય છે.

જોકે, મોટી નદીઓમાં પૂર આવે છે ત્યારે નાની-મોટી બધી જ નદીઓનો માર્ગ સાફ થઈ જાય છે. નાળું થઈ ગયેલી નદી ફરી એકવાર જીવંત થઈ જાય છે. રેતી માફિયાઓએ કબજો કર્યો હોય તો એમાંથી પણ પૂર મુક્તિ અપાવે છે. જે કામ સરકાર માઈબાપ નથી કરી શકતી એ કામ પૂર એકઝાટકે કરી નાંખે છે.

તો પૂરનો ઉત્સવ કેમ નથી મનાવાતો?

જો પૂર આટલું સારું હોય તો આપણે તેનો ઉત્સવ કેમ નથી મનાવતા? આ સવાલનો વિગતે જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ. હાલ ભારતમાં આવતા પૂર મુદ્દે અધિકારપૂર્વક વાત કરી શકે એવા ગણ્યાગાંઠયા લોકો છે. આવું એક નામ એટલે દિનેશકુમાર મિશ્ર. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બિહારના પૂર મુદ્દે મિશ્ર કહે છે કે, પૂર એ કુદરતી આપત્તિ નથી. જો પૂર કુદરતી આફત હોય તો એનાથી ફાયદો ના થાય. ઊલટાનું પૂરના કારણે જ બિહારની જમીન ઉપજાઉ છે. ખેતી સાથે સંકળાયેલા લોકો સારું કમાય છે અને એટલે જ પૂર પછી તેઓ વતન છોડીને જતા નથી રહેતા. અહીં પાણીનું સ્તર સારું છે એટલે જ હરિયાણા-રાજસ્થાનની જેમ બિહારમાં માથે બેડા મૂકીને દૂર સુધી પાણી ભરવા જતી મહિલાઓ જોવા નથી મળતી. બિહારમાં નવ વર્ષ પછી આવું પૂર આવ્યું છે, જેનાથી કૃષિ અર્થતંત્રને ફાયદો થશે...
દિનેશકુમાર મિશ્રએ કહેલા મુદ્દા વિચારવા જેવા છે. પૂર કુદરતી આપત્તિ નથી પણ કુદરતની મહેરબાની છે. પૂર કુદરતની દેન છે પણ વગર વિચાર્યે કરેલા વિકાસના કારણે પૂર વખતે મોતનું તાંડવ ખેલાય છે. આ કારણસર આપણી સામે પૂરનો ફક્ત બેહુદો ચહેરો જ સામે આવે છે. આ પૃથ્વી પર માણસો નહોતા ત્યારે પણ પૂર આવતા જ હતા. પૂર કોઈના રસ્તામાં નથી આવ્યું પણ આપણે પૂરના રસ્તામાં 'વિકાસ' કર્યો છે.

આપણે ધસમસતા પૂર સામે વિકાસકૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી જ પૂર આવે ત્યારે ઉત્સવ નથી મનાવી શકતા. આપણે નદીઓની જમીન પર અતિક્રમણ કરીને વિકાસ કર્યો છે. હજુ થોડા સમય પહેલાં જ કેદારનાથમાં 'વિકાસના કારણે સર્જાયેલી ભયાનકતા' આપણે જોઈ ચૂક્યા છે.

પૂરથી થતી જાનહાનિ રોકવા ટેક્નોલોજીની જરૂર

દેશમાં ૧૭૫ સ્થળે નદીઓ-બંધોમાં ખતરાની નિશાનીઓ લગાવાઈ છે, જેની ઉપર પાણી આવે એટલે એલર્ટ જાહેર કરાય છે. આ સિસ્ટમને ગેજ ટુ ગેજ કોરિલેશન કહે છે. ભારતમાં સેન્ટ્રલ વૉટર કમિશન દ્વારા જળસ્તરની આગાહી (વૉટર લેવલ ફોરકાસ્ટિંગ) કરાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે, ફલાણી નદી કે ફલાણા બંધનું પાણી ખતરાની નિશાનીથી ઉપર વહી રહ્યું છે. આ નિશાનીથી પૂર આવશે કે નહીં એ જાણી શકાય છે. સામાન્ય વ્યક્તિથી લઈને સરકારી નિષ્ણાતો આ સિસ્ટમમાં વિશ્વાસ કરે છે. આમ છતાં, પૂર ચૂપચાપ આવે છે અને તબાહી મચાવીને જતું રહે છે. આવું કેમ થાય છે? કારણ કે, આપણે જળસપાટી વધી રહી હોય એના આધારે ખતરાની આગાહી કરીએ છીએ. એ જળસ્તર જાણવાની સિસ્ટમ છે, પૂરની આગાહીની નહીં. જરા વિગતે સમજીએ.

નદી કે બંધમાં ખતરાની નિશાનીના આધારે ૫૦-૧૦૦ કિલોમીટર સુધીના દાયરામાં એલર્ટ આપી શકાય છે, પરંતુ આ પાણી કેટલા દૂર સુધીના વિસ્તારમાં ઉત્પાત મચાવી શકે છે એ જાણવાની આપણી પાસે સિસ્ટમ નથી. આ ટેક્નોલોજી ફ્લડ વૉટર ફોરકાસ્ટિંગ તરીકે ઓળખાય છે. જળસ્તરથી પૂરનું ભવિષ્ય ભાખવાની ઘણી મર્યાદા છે. એવી જ રીતે, આકાશમાંથી વરસતું પાણી ગીચ વિસ્તારોમાં ફેલાય એનું શું? વરસાદી પાણી માપવાની સિસ્ટમને સ્ટોર્મ વૉટર ફોરકાસ્ટિંગ કહે છે. જે સ્થળોએ નદીઓ નહીં, પણ વરસાદી પાણી પૂર લાવતી હોય ત્યાં આ ટેક્નોલોજીની જરૂર હોય છે. વરસાદી પાણીથી પૂર આવતા હોય એવા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા સહિતના કંગાળ શહેરી આયોજનનો વાંક કાઢવામાં આવે છે. આ ટેક્નોલોજીના આધારે આપણે એવું કહી શકીએ કે, વરસાદના કારણે જે તે શહેરના કોઈ વિસ્તારમાં તમારી કાર ડૂબી જઈ શકે છે! આ ઉપરાંત પૂરનું પાણી કેટલો સમય એ વિસ્તારમાં રહેશે એની પણ આગાહી થઈ શકે છે.

આપણે પૂરને સ્વીકારી લેવાના બદલે આ ક્ષેત્રના નિષ્ણાતો પેદા કરવા, યુનિવર્સિટી સ્તરે સંશોધનો કરવા અને સરકારી યોજનાઓમાં તેમને સામેલ કરવાના પ્રયાસ કરવા જોઈએ. આમ થશે તો જ પૂર 'પ્રકોપ' નહીં રહે!

*** 

દ. ગુજરાત યુનિવર્સટીમાંથી પીએચ.ડી. કરનારા પૂર નિષ્ણાત

દિનેશકુમાર મિશ્ર
દેશમાં ગણ્યાગાંઠયા પૂર નિષ્ણાતોમાં દિનેશકુમાર મિશ્રનું નામ પહેલી હરોળમાં મૂકવું પડે. ઉત્તર ભારતમાં તેઓ 'બાઢ મુક્તિ અભિયાન' નામની સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકર્તા તરીકે જાણીતા છે. આ સંસ્થા થકી  મિશ્ર ભારતની ફ્લડ કંટ્રોલ પોલિસીમાં ફેરફાર કરવા પાયાનું આંદોલન ચલાવી રહ્યા છે. દિનેશકુમારે (જન્મ ૧૯૪૮) વર્ષ ૧૯૬૮માં આઈઆઈટી-ખરગપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ અને વર્ષ ૧૯૭૦માં એમ.ટેક. કર્યું. નેવુંના દાયકામાં મિશ્રની પ્રોફેશનલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ ધમધોકાર ચાલી રહી હતી. આ દરમિયાન બિહારમાં વર્ષ ૧૯૮૪માં પૂર આવ્યું, જેમાં ૮૦ સ્ક્વેર કિલોમીટરમાં પાંચેક લાખ લોકો રઝળી પડ્યા. એક મિત્રના કહેવાથી મિશ્રએ આ પૂરનો અહેવાલ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને એ માટે તેઓ હોડીમાં બેસીને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા. એ વખતે તેમણે ઠેર ઠેર મોતનું તાંડવ જોયું. એ દૃશ્યો જોઈને તેઓ રીતસરના હેબતાઈ ગયા હતા.  

આ ઘટના પછી મિશ્રએ ભારતના પૂરના ઈતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં પૂરના ઈતિહાસનું યોગ્ય દસ્તાવેજીકરણ થયું નહીં હોવાથી તેમને પારાવાર તકલીફ પડી. જોકે, તેમણે સામે પાણીએ તરીને પૂર વિશે જાણકારી મેળવવાનું નક્કી કર્યું. એ પછી તેઓ એક વર્ષ માટે રીતસર કોલકાતાની નેશનલ લાઈબ્રેરીમાં રહેવા જતા રહ્યા. ત્યાં તેમણે બિહારના વિવિધ અખબારોના ૪૦ વર્ષના અંકોમાં આવેલા પૂર, વૉટર મેનેજમેન્ટ, પૂરને લગતા વિવાદો, વિવિધ કમિશનોના અહેવાલો અને નિષ્ણાતોની ચર્ચાના સમાચારો-અહેવાલો અને પુસ્તકોનો ઊંડો અભ્યાસ કર્યો. પૂર વિશે પૂરતી માહિતી મેળવીને મિશ્રએ પૂરના અસલી અને સત્તાવાર દસ્તાવેજો માટે બિહારની સરકારી કચેરીઓના ધક્કા પણ ખાધા.

આટલી મહેનત પછી તેમણે પહેલું પુસ્તક લખ્યું, 'બાઢ સે ગ્રસ્ત'. આ પુસ્તક અને તેમના અહેવાલોને એટલો જોરદાર આવકાર મળ્યો કે, વર્ષ ૧૯૮૬માં મિશ્રએ પ્રોફેશનલ એન્જિનિયર તરીકે નોકરી છોડીને વૉટર મેનેજમેન્ટ અને ફ્લડ એક્સપર્ટ તરીકે કામ શરૂ કર્યું. હાલ તેઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા સરકારી એન્જિનિયરો અને પોલિસી મેકર્સ સાથે મળીને ચૂપચાપ એક આંદોલન ચલાવી રહ્યા છે.

દેશભરમાં સંશોધનના નામે હાસ્યાસ્પદ વિષયોમાં પીએચ.ડી. કરીને 'સેટલ' થવાનો જુવાળ ચાલી રહ્યો છે ત્યારે દિનેશકુમાર મિશ્રએ વર્ષ ૨૦૦૬માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 'ઈમ્પેક્ટ ઓફ ફ્લડ કંટ્રોલ પોલિસીઝ ઓન ધ પીપલ ઓફ સહર્સ ડિસ્ટ્રિક્ટ ઓફ નોર્થ બિહાર' વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને દેશને એક મહામુશ્કેલીમાંથી ઉગારવાનું પાયાનું કામ કરી રહ્યા છે. 

1 comment: