02 April, 2018

ઇકોનોમિક્સ કા પ્રેક્ટિકલ કિયા, તબ આઇ ક્લેરિટી


અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર અને ભારત રત્નનું સન્માન મેળવનારા અમર્ત્ય સેને એકવાર કહ્યું હતું કે, મારું ૯૦ ટકા જેટલું કામ જિન કરે છે અને ૯૦ ટકા યશ હું લઇ જઉં છું...

આ જિન એટલે બોટલમાંથી બહાર આવતું જિન નહીં પણ જિન ડ્રેઝ. જિન ડ્રેઝ એટલે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા મૂળ બેલ્જિયમના અર્થશાસ્ત્રી. જિન ડ્રેઝ ક્રિકેટર એમ. એમ. ધોનીના હોમ ટાઉન ઝારખંડના રાંચીના રહેવાસી છે. તેઓ પણ રાંચીના રસ્તાઓ પર ક્યારેક ધોનીની જેમ બાઇક લઇને ફરતા દેખાય છે પણ તેમનું બાઇક એકદમ ખખડધજ છે. જિન ડ્રેઝ સમય બચાવવા બાઇકનો ઉપયોગ કરે છે. બાકી એ ભલા અને તેમની સાયકલ ભલી. લાંબી મુસાફરી કરવા તેઓ ફ્લાઇટના બદલે બસ કે ટ્રેનમાં જવાનું વધારે પસંદ કરે છે. ટિકિટ કન્ફર્મ કરાવ્યા વિના ટ્રેનના થર્ડ ક્લાસ ડબામાં મુસાફરી કરવા પણ તેઓ ટેવાયેલા છે. વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી હોવા છતાં જિન ડ્રેઝે સ્ટાર હોટેલ કરતા ગરીબોના ઘરમાં વધુ રાત વીતાવી છે. ક્યારેક તો તેઓ ગરીબોની લાઇનમાં બેસીને પણ ભોજન કરી લે છે.

જિન ડ્રેઝનું વર્તન જોઈને આજેય તેમને નિયમિત રીતે જોતા રાંચીના લોકોને સવાલ થાય છે કે, 'અંગ્રેઝ' અહીં કરે છે શું? તેઓ એક ધૂની અને ક્રાંતિકારી અર્થશાસ્ત્રી છે. જિન ડ્રેઝનું કર્મ છે ગરીબોનો ઉદ્ધાર અને કર્મભૂમિ છે ભારત. આજકાલ દર બે દિવસે મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ) યોજનાના સમાચાર ચમકતા રહે છે. આ મનરેગા યોજનાનો પહેલવહેલો ડ્રાફ્ટ જિન ડ્રેઝે તૈયાર કર્યો હતો. કમનસીબે, આ અત્યંત મહત્ત્વાકાંક્ષી યોજના વારંવાર રાજકીય વિવાદોમાં સપડાય છે. મનરેગા યોજનાનો અમલ કરવામાં પણ જિન ડ્રેઝ ભારત સરકારને સતત મદદ કરી રહ્યા છે. ભારતીયોને માહિતીનો અધિકાર અને અન્ન સુરક્ષાના કાયદાકીય હક મળે એ માટેના અભિયાનમાં પણ તેઓ સક્રિય રીતે જોડાયેલા હતા.

જિન ડ્રેઝ

કોઇ પણ સમાજના સાચા વિકાસ માટે પાયાની બાબતો પર જિન ડ્રેઝ ઓથોરિટી છે. જેમ કે, ભૂખમરો, દુકાળ, જાતીય અસમાનતા, નોકરીનો અધિકાર, બાળકોનું આરોગ્ય-પોષણ-સાચવણી, સરકારી સ્કૂલોમાં ભોજન અને પ્રાથમિક શિક્ષણ. આ તમામ મુદ્દે તેઓ સતત ઊંડો અભ્યાસ કરીને લખી-બોલી રહ્યા છે. તેમના પર અમર્ત્ય સેનના વિચારોનો ખાસ્સો પ્રભાવ છે. જિન ડ્રેઝ પણ અમર્ત્ય સેનની જેમ દુનિયાભરના ગરીબો, વંચિતો અને શોષિત વર્ગને સામાજિક ન્યાય કેમ ના મળે, એ સવાલની અકળામણમાંથી વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી બની ગયા છે. એકેડેમિક ટર્મિનોલોજીમાં એક 'ડેવલપમેન્ટ ઇકોનોમિસ્ટ' હોવાના નાતે જિન ડ્રેઝે પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે પણ પાયાનું કામ કર્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં મહિનાઓ સુધી રખડપટ્ટી કરીને તેમણે 'ધ પબ્લિક રિપોર્ટ ઓન બેઝિક એજ્યુકેશન-૧૯૯૯' તૈયાર કર્યો હતો. ઓક્સફર્ડ પ્રેસે પ્રકાશિત કરેલા આ એકેડેમિક રિપોર્ટની ભારતે જ નહીં, દુનિયાભરના આર્થિક વિદ્વાનોએ નોંધ લીધી હતી. આજેય ભારત સરકાર પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નીતિ ઘડવા આ રિપોર્ટનો આધાર લે છે.

જિન ડ્રેઝે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. લંડનમાં તેઓ ચેનની જિંદગી વીતાવી શક્યા હોત, પરંતુ ત્યાં પણ તેઓ ગરીબી, બેકારી અને વંચિતોનું માનસ સમજવા હોમલેસ (બેઘર) લોકોના અડ્ડાઓમાં પડયા રહેતા. બ્રિટનના તેમણે હોમલેસ લોકો માટે યોગ્ય ઘરો બનાવવા સફળ આંદોલન કર્યું હતું. જિન ડ્રેઝ પર 'ઈકોનોમિક્સના પ્રેક્ટિકલ' કરવાની ધૂન સવાર છે. એટલે જ લંડનની સુખસુવિધા ધરાવતી નોકરીમાં તેઓ લાંબુ ના ટક્યા અને ૧૯૭૯માં ભારત આવી ગયા. ભારતમાં ગુજરાન ચલાવવા તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર ભણાવે છે અને બીજી અનેક યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફેકલ્ટી પણ છે. દિલ્હીમાં હોય ત્યારે પણ તેઓ તિમારપુરની ઝુગ્ગી-ઝોંપડી કોલોનીમાં ગરીબો વચ્ચે રહેવાનું જ પસંદ કરે છે.

ભારત આવ્યાના થોડા જ સમયમાં જિન ડ્રેઝે ધીમે ધીમે તમામ સુખસુવિધાઓ ત્યજીને સાધુ જેવું જીવન અપનાવી લીધું હતું. ઉત્તરપ્રદેશના મોરાદાબાદ જિલ્લામાં તેમણે બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ સાથે એક અનોખો પ્રયોગ કર્યો હતો. અહીંના ગરીબો, ખેડૂતો અને ખેત મજૂરોની સ્થિતિ સમજવા જિન ડ્રેઝે મોરાદાબાના એક ગામમાં એક નાના ખેડૂત જેવું જીવન જીવવાનું શરૂ કર્યું હતું. એ માટે તેમણે જમીનનો એક નાનો ટુકડો ખરીદ્યો, ખેતી શરૂ કરી અને થોડા ઢોરઢાંખર ખરીદીને પશુપાલન પણ કર્યું. આ સ્થિતિમાં કેટલાક મહિનાઓ વીતાવ્યા પછી ઓક્ટોબર ૧૯૯૬માં તેમણે 'જર્નલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ'માં 'શેરક્રોપિંગ ઇન અ નોર્થ ઇન્ડિયન વિલેજ' નામનો લેખ લખ્યો. આ લેખમાં જિન ડ્રેઝે કૃષિ સાથે સંકળાયેલા ગરીબની મુશ્કેલીઓનો અંત કેવી રીતે આવી શકે તેની ઊંડી સમજ આપી હતી. આ પ્રકારનું જબરદસ્ત ફિલ્ડ વર્ક આધારિત સંશોધન કર્યા પછી જ જિન ડ્રેઝ લખે છે અને એટલે જ 'ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ'ના ક્ષેત્રમાં તેમના લખાણોની દુનિયાભરમાં નોંધ લેવાય છે.

(ક્લોકવાઇઝ) જિન ડ્રેઝ અને અમર્ત્ય સેનના ‘એન અનસર્ટન ગ્લોરીઃ ઈન્ડિયા એન્ડ ઈટ્સ કોન્ટ્રાડિક્શન્સ’
પુસ્તકનું  જસ્ટિસ લીલા સેઠના હસ્તે લૉન્ચિંગ, બેલા ભાટિયા અને મહિલા મજૂરો વચ્ચે જિન ડ્રેઝ

ભારત જેવા વિકાસશીલ દેશોની મુશ્કેલીઓનો આધાર લઈને જિન ડ્રેઝે ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક ઇકોનોમિક્સ ક્ષેત્રે પુષ્કળ લખ્યું છે, દુનિયાભરમાં લેક્ચર્સ આપ્યા છે અને આ કામ હજુયે ચાલુ છે. અત્યારે દુનિયાભરના આર્થિક વિદ્વાનોએ વિકાસશીલ દેશોની મુશ્કેલીઓને સમજવા અને સમજાવવા જિન ડ્રેઝના સંદર્ભોનો ઉપયોગ કરવો પડે છે. પશ્ચિમી દેશોના બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓ પર પણ જિન ડ્રેઝના 'ઇકોનોમિક્સના પ્રેક્ટિકલ્સ'નો પ્રભાવ પડ્યો છે. અમર્ત્ય સેનના લખાણોમાં પણ છેવાડાના માણસના જીવનના ડિટેઇલિંગ પર ખાસ્સો ભાર મૂકાયો હોય છે. એ કંઇ યોગાનુયોગ નથી, પરંતુ જિન ડ્રેઝને આભારી છે. જિન ડ્રેઝ અને અમર્ત્ય સેને સાથે મળીને એકાદ ડઝન રિસર્ચ પેપર અને પુસ્તકો લખ્યા છે, જેમાં 'હંગર એન્ડ પબ્લિક એક્શન', 'ધ પોલિટિકલ ઇકોનોમી ઓફ હંગર', 'ઈન્ડિયા: ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ ઓપર્ચ્યુનિટી' અને 'સોશિયલ સિક્યોરિટી ઇન ડેવલપમેન્ટ કન્ટ્રીઝ' જેવા ઘણાં મહત્ત્વના ગ્રંથોનો સમાવેશ થાય છે.

જિન ડ્રેઝનું આર્થિક ચિંતન 'ભૂખ'ની આસપાસ ચકરાવો લીધા કરે છે. ગરીબોની ભૂખ તેમને સૌથી વધારે તકલીફ આપે છે. ૧૯૯૦-૯૧માં ઈરાકમાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તેમણે ઈરાક-કુવૈત સરહદે 'પીસ કેમ્પ' નાંખીને રહેવાનું શરૂ કર્યું, અને, એ પછી ૧૯૯૨માં તેમણે પાકિસ્તાની અર્થશાસ્ત્રી હરીશ ગઝદર સાથે મળીને 'હંગર એન્ડ પોવર્ટી ઈન ઈરાક, ૧૯૯૧' નામનો સંશોધન આધારિત લેખ લખ્યો. એ કોઇ સામાન્ય લેખ ન હતો. એ લેખમાં ખાડીયુદ્ધ પછીના ઇરાકના અર્થતંત્રનું પહેલીવાર મૂલ્યાંકન કરાયું હતું. ત્યાર પછી જિન ડ્રેઝનું બેલા ભાટિયા અને કેથી કેલી નામની લેખિકાઓ સાથે બીજું પણ એક પુસ્તક પ્રકાશિત થયું, 'વૉર એન્ડ પીસ ઈન ધ ગલ્ફ'.

બેલા ભાટિયા એટલે જિન ડ્રેઝના પત્ની. આ દંપતિનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. જિન ડ્રેઝ મીરા સેમસન અને સત્યજિત સિંઘ સાથે 'ધ ડેમ એન્ડ ધ નેશન: ડિસપ્લેસમેન્ટ એન્ડ રિસેટલમેન્ટ ઇન ધ નર્મદા વેલી' નામનું પુસ્તક પણ લખી ચૂક્યા છે, જ્યારે બેલા ભાટિયા સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ-દિલ્હીના એસોસિયેટ ફેલો છે. શિક્ષણ ક્ષેત્રે કામ શરૂ કરતા પહેલાં તેઓ પણ માનવાધિકાર, ગરીબ ખેડૂતોના હકો અને લોકશાહીમાં વંચિતોના અધિકારો જેવા ક્ષેત્રમાં પતિની જેમ 'હાર્ડકોર પ્રેક્ટિકલ' કરી ચૂક્યા છે. તેઓ છત્તીસગઢના બસ્તરમાં માનવાધિકારથી લઈને શાંતિ સ્થપાય એ માટે કામ કરી રહ્યા છે. આમ  છતાં,  તેઓ ક્યારેક નક્સલવાદીઓ, તો ક્યારેક સરકારી બાબુઓની પણ આડકતરી ધાકધમકીનો ભોગ બનતા રહે છે. બેલા ભાટિયાએ ગુજરાતના સાબરકાંઠાના ભીલોડાના ગરીબ ખેડૂતોથી લઈને ઇરાક, પેલેસ્ટાઇનના યુદ્ધનો ભોગ બનેલા માટે એક દાયકા સુધી કામ કર્યું છે. ૧૯૮૫માં મુંબઈની ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ સોશિયલ સાયન્સમાંથી માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને ૧૯૮૯માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લૉની ડિગ્રી લીધા પછી તેમણે કાશ્મીર, નાગાલેન્ડ અને બસ્તર જેવા વિસ્તારોમાં શાંતિ સ્થાપવા અહિંસક ચળવળ પણ ચલાવી હતી.

‘ઝોલાવાલા’ અર્થશાસ્ત્રીનું અનોખું
નામ ધરાવતું અનોખું પુસ્તક 

ભારતને જ કર્મ-ધર્મ ભૂમિ બનાવીને અને ભારતીય સાથે લગ્ન કરીને જિન ડ્રેઝ સવાયા ભારતીય બની ગયા છે. આજકાલ કરતા ભારતમાં તેઓ ૩૮ વર્ષ વીતાવી ચૂક્યા છે. જિન ડ્રેઝ ૨૦૦૨માં ભારતના નાગરિક બની ગયા હતા. ભારત સરકારે અલ્લાહાબાદ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ યુનિટમાં જિન ડ્રેઝના માનમાં 'ઓનરરી ચેર' ઊભી કરી છે. છેલ્લાં ઘણાં સમયથી તો તેઓ પગાર પણ લેતા નથી. જિન ડ્રેઝ પુસ્તકોની રોયલ્ટી અને અખબારોમાં લેખો લખીને જે આવક થાય તેમાં ખુશ છે. ભારતના ગામડે ગામડે રખડપટ્ટી કરીને તેઓ ભારતીય સંસ્કૃતિ સાથે ઓતપ્રોત થઇ ગયા છે અને હિન્દી પણ શીખી ગયા છે. આપણે ત્યાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો કે બૌદ્ધિકોને ‘ગાળ’ આપવા ‘ઝોલાવાળા’ શબ્દનો ઉપયોગ કરાય છે, પરંતુ જિન ડ્રેઝના ૨૦૧૭માં પ્રકાશિત એક પુસ્તકનું નામ છે: 'સેન્સ એન્ડ સોલિડારિટી: ઝોલાવાલા ઇકોનોમિક્સ ફોર એવરીવન'. આ અંગ્રેજી પુસ્તકમાં જિન ડ્રેઝે જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થયેલા લેખો છે, જેના વિષયોની રેન્જ બાળકોના અધિકારોથી માંડીને પરમાણુ યુદ્ધના પરિણામો સુધી વિસ્તરેલી છે. જોકે, હવે જિન ડ્રેઝને પોતાની વાત વધુ લોકો સુધી પહોંચાડવા હિન્દીમાં એક કોલમ શરૂ કરવાની ઇચ્છા છે.

કોઇ વિદેશી અર્થશાસ્ત્રી ભારતીય બનીને ભારતના ગરીબો, વંચિતો માટે કામ કરે એ ખરેખર ખુશ થવા જેવી વાત છે, પણ, શું એ બહુ ગૌરવ લેવા જેવી બાબત પણ છે?

જવાબ આપવો અઘરો છે. 

2 comments:

  1. વિદેશમાં કમાવા જવા કરતાં આ રીતે જનસેવા કરવી જોઈએ.....

    સલામ..

    ReplyDelete