09 April, 2018

ફર્નાન્ડો કોલમ્બસ: ૧૫મી સદીમાં 'ગૂગલ બુક્સ' જેવા પ્રોજેક્ટનો સ્વપ્નદૃષ્ટા


દુનિયામાં કુલ કેટલા પુસ્તક છે? ગૂગલ બુક્સે આઈએસબીએન (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર)થી લઇને દુનિયાના દરેક મોટા પુસ્તકાલયોની મદદથી અંદાજ કાઢ્યો છે કે, દુનિયામાં ૧૨,૯૮,૬૪,૮૮૦ એટલે કે ૧૨ કરોડ, ૯૮ લાખ, ૬૪ હજાર, આઠસો એંશી પુસ્તક છે. ગૂગલને આ બધા જ પુસ્તક 'ગૂગલ બુક્સ'માં આપવાની ઇચ્છા છે. 'પ્રોજેક્ટ ઓસન' જેવું નામ ધરાવતી આ યોજના હેઠળ ગૂગલ દુનિયાભરમાં ફેલાયેલા જ્ઞાનના સાગરને આપણી સામે ઠાલવી ઠાલવી રહ્યું છે. સંશોધકો, ઈતિહાસકારો અને પત્રકારોના નસીબ સારા છે કે, ઓક્ટોબર ૨૦૦૪માં શરૂ થયેલો 'પ્રોજેક્ટ ઓસન' કોપીરાઇટ્સ સહિતની અનેક મુશ્કેલીઓ વચ્ચે હજુયે ચાલી રહ્યો છે. ગૂગલના જન્મ પહેલાં સ્વાભાવિક રીતે જ જ્ઞાનનો આટલો વિશાળ ડિજિટલ ડેટા એક જગ્યાએ ભેગો કરવો અશક્ય હતો. ગૂગલ બુક્સની વાત કરીએ ત્યારે એક વ્યક્તિને ખાસ યાદ કરવો પડે. નામ એનું, ફર્નાન્ડો કોલમ્બસ. 

ગૂગલ તો ટેક્નોલોજીની મદદથી આ વિશાળ યોજના ચલાવી રહ્યું છે, પરંતુ આશરે ૫૦૦ વર્ષ પહેલાં આ પુસ્તકરસિયાએ હજારો પુસ્તકો વાંચી-વાંચીને 'ગૂગલ બુક્સ' જેવું 'ન ભૂતો, ન ભવિષ્યતિ' પુસ્તકાલય બનાવ્યું હતું. 

ફર્નાન્ડો કોલમ્બસ એટલે ઇટાલીના સાહસિક સાગરખેડુ ક્રિસ્ટોફર કોલમ્બસ અને તેની પ્રેમિકા બિટ્રીઝ એનરિક્ઝ દ અરાનાનો પુત્ર. ફર્નાન્ડો વિશે વાત કરતા પહેલાં તેના પિતા ક્રિસ્ટોફર કોલમ્બસ વિશે થોડી જાણકારી અને સ્પષ્ટતા કરી લઈએ. કોલમ્બસે (૧૪૯૨-૧૪૯૯) ૫૪ વર્ષની જિંદગીમાં યુરોપથી 'ઇસ્ટ ઇન્ડિઝ' (ભારતનો નહીં)નો દરિયાઇ માર્ગ શોધવા ચાર ઐતિહાસિક યાત્રા કરી હતી. એ વખતે યુરોપિયનો ભારત, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, બ્રુનેઇ અને પપુઆ ન્યૂ ગીની સહિતનો સમગ્ર પ્રદેશ 'ઇસ્ટ ઇન્ડિઝ' તરીકે ઓળખતા. કોલમ્બસે ઇસ. ૧૪૯૨, ૧૪૯૩, ૧૪૯૮ અને ૧૫૦૨, એમ કુલ ચાર દરિયાઇ સફર કરી, પરંતુ એ ચારેય યાત્રામાં તેણે ઇસ્ટ ઇન્ડિઝ જવાના નહીં, પણ આજના વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા ખંડ સુધી જવાના દરિયાઇ માર્ગ શોધ્યા હતા. આ વેસ્ટ ઇન્ડિઝ નામ પણ યુરોપિયનોએ જ આપ્યું હતું. કોલમ્બસની યાત્રાઓ પછી યુરોપિયનોએ અમેરિકા ખંડની મૂળ આદિવાસી પ્રજાને  'ઇન્ડિયન' તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. એટલે આજેય તેઓ ચામડીના રંગના આધારે 'રેડ ઇન્ડિયન્સ' તરીકે ઓળખાય છે. 

કોલમ્બસ અને તેમની પ્રેમિકા બિટ્રીસ એનરિક્ઝ દ અરાના  

કોલમ્બસે કાયદેસરની પત્ની ફિલિપા મોનિઝ પેરેસ્ટ્રેલોની કુખે જન્મેલા પુત્ર ડિયેગોની જેમ ફર્નાન્ડોને પણ પ્રેમથી અપનાવી લીધો હતો. તેણે ઈસ. ૧૫૦૨માં ચોથી દરિયાઇ સફરનું આયોજન કર્યું ત્યારે ફર્નાન્ડોની ઉંમર માંડ ૧૩ વર્ષ હતી. આમ છતાં, કોલમ્બસે વ્હાલસોયા પુત્ર ફર્નાન્ડોને ક્રૂ મેમ્બર તરીકે સાથે લઇ લીધો. કોલમ્બસના કાફલામાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચેની ચર્ચા સાંભળીને નાનપણથી જ ફર્નાન્ડોમાં જબરદસ્ત કુતુહલવૃત્તિના બીજ રોપાયા હતા. કોલમ્બસના મૃત્યુ પછી ફર્નાન્ડો તેના સાવકા મોટા ભાઇ ડિયેગો સાથે હિસ્પાનિઓલા જતો રહ્યો. હિસ્પાનિઓલા કેરિબિયન દ્વીપસમૂહમાં આવેલો વિશ્વનો ૨૨માં નંબરનો સૌથી મોટો ટાપુ છે. ડિયેગો ત્યાંનો ગવર્નર હતો. ફર્નાન્ડોને ત્યાં કોઇ દુ:ખ ન હતું, પરંતુ મોજશોખવાળી જિંદગીથી કંટાળીને ફર્નાન્ડો થોડા સમયમાં સ્પેન પાછો આવી ગયો.

ક્રિસ્ટોફર કોલમ્બસ પણ સ્પેનના સેવિલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યા હતા. સ્પેનના રાજવી પરિવારોને વેસ્ટ ઇન્ડિઝથી લઇને અમેરિકા ખંડ સુધી વસાહતો શરૂ કરી આપવામાં કોલમ્બસે ખૂબ જ મદદ કરી હતી. એટલે કોલમ્બસના મૃત્યુ પછી પણ આ પ્રદેશોની આવકનો બહુ મોટો હિસ્સો ફર્નાન્ડોને મળતો હતો. આ આવકની મોટા ભાગની રકમ ફર્નાન્ડો દુર્લભ પુસ્તકો ભેગા કરવા ખર્ચી કાઢતો. કોલમ્બસને ‘નવી દુનિયા શોધવાનું ઘેલું લાગ્યું હતું. એવી જ રીતે, ફર્નાન્ડોને દુનિયાભરના ઉત્તમ પુસ્તકોમાં ધરબાયેલું જ્ઞાન એક સ્થળે  ભેગું કરીને વિશ્વનું સૌથી ઉત્તમ પુસ્તકાલય બનાવવાની ચાનક ચડી હતી.

આપણે કોલમ્બસના દરિયાઇ પ્રવાસો વિશે તો જાણીએ છીએ, પરંતુ ફર્નાન્ડોએ પણ પુસ્તકો ભેગા કરવા સખત પ્રવાસ કર્યા હતા. ઈસ. ૧૫૨૧માં તેણે જર્મનીના નુરેમ્બર્ગ શહેરમાંથી નાતાલ વખતે એકસાથે ૭૦૦ ગ્રંથ ખરીદ્યા હતા. એ પછી ઈસ. ૧૫૩૦માં ફક્ત પુસ્તકો ખરીદવાના હેતુથી ફર્નાન્ડોએ યુરોપના અનેક શહેરો ધમરોળી નાંખ્યા હતા. આ શહેરો પર જરા નજર કરો. ઇટાલીના રોમ, બોલોગ્ના, મિલાન, વેનિસ, તુરિન અને પડુઆ. જર્મનીના ઓસબર્ગ, કોન્સ્ટન્સ અને કોલોન. ફ્રાંસના પેરિસ અને પોઇટિયર્સ. સ્વિત્ઝર્લેન્ડના બેસલ અને ફ્રિબર્ગ. નેધરલેન્ડનું માસ્ટ્રિચ અને બેલ્જિયમનું એન્ટવર્પ. ઓસ્ટ્રિયાનું ઇન્સબર્ક અને સ્પેનનું બુર્ગોસ.


ફર્નાન્ડો કોલમ્બસ

આ શહેરો પર નજર કરતા સમજી શકાય છે કે, ફર્નાન્ડોની પુસ્તક ભૂખ કેવી હશે! આજથી ૫૦૦ વર્ષ પહેલાં આટલા બધા શહેરોની મુલાકાત લઈને, પ્રકાશકો-વિતરકો અને લેખકોને શોધવાનું કામ ખૂબ અઘરું હતું. એ વખતે ગૂગલ ન હતું અને આજના જેવા ઝડપી વાહન વ્યવહારની પણ સુવિધા ન હતી. આમ છતાં, ફર્નાન્ડોએ ખૂબ જ મહેનત કરીને યુરોપની અનેક દુર્લભ હસ્તપ્રતો, અજાણ્યા લેખકોના વજનદાર પુસ્તકોથી માંડીને રાજવી પરિવારો પાસે સચવાયેલી નાની-મોટી પત્રિકાઓ, પત્રો, નકશા ભેગા કર્યા. તેણે થોડા જ સમયમાં સ્પેનના સેવિલ શહેરના રોયલ ચર્ચમાં ૧૫ હજાર પુસ્તક ધરાવતું અનોખું પુસ્તકાલય બનાવી દીધું. આ ચર્ચનું સંચાલન પણ સ્પેનના રાજવી પરિવારે કોલમ્બસ પરિવારને સોંપ્યું હતું.

ફર્નાન્ડોને 'સુવ્યવસ્થિત યાદી' બનાવવાનું જબરું વળગણ હતું. એટલે જ ફર્નાન્ડોનું પુસ્તકાલય દુનિયાના બીજા બધા જ પ્રાચીન પુસ્તકાલયમાં થોડું જુદુ પડે છે. જેમ કે, ફર્નાન્ડો પુસ્તકના લેખક-પ્રકાશક, ખરીદીનું સ્થળ, કિંમત વગેરેની નોંધ કરી લેતો. એ તો ઠીક, જે તે પુસ્તક ક્યાં અને ક્યારે વાંચ્યુ, પુસ્તક વિશે તે શું વિચારે છે તેમજ પુસ્તકના લેખકને મળ્યો હતો કે નહીં- એ વિશે પણ તેણે નોંધો કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, પુસ્તક ખરીદતી વખતે સ્પેનિશ કરન્સીના રેટ શું હતા એ પણ તેણે નોંધ્યા હતા. એ વખતના મોટા ભાગના પુસ્તકોમાં પ્રસ્તાવના કે આમુખ જોવા મળતા ન હતા. એટલે પુસ્તકની અંદર શું છે એની જાણકારી વાચકોને સરળતાથી મળતી નહોતી. આ મુશ્કેલીના ઉપાયરૂપે ફર્નાન્ડોએ વાચકોની સરળતા માટે એકલા હાથે દરેક પુસ્તકની પ્રાથમિક માહિતી પણ તૈયાર કરી હતી. દરેક પુસ્તક સહેલાઇથી મળી જાય એ બાબત ધ્યાનમાં રાખીને તેણે લાકડાના યુનિક બુકશેલ્ફ પણ તૈયાર કરાવ્યા હતા. ૧૫મી સદીમાં એ ઘણી મહત્ત્વની વાત હતી.

આ પુસ્તકાલયમાં ફર્નાન્ડોએ ક્લૉસ વાગનેર નામના એક ફૂલ ટાઇમ ગ્રંથપાલની પણ નિમણૂક કરી હતી. તેણે વાગનેરને આદેશ કર્યો હતો કે, જો તમે ગ્રંથપાલ તરીકે જોડાશો તો તમારા જીવનની એક જ પ્રાથમિકતા હશે, અને એ હશે આ પુસ્તકાલય. આ કરારના ભાગરૂપે ફર્નાન્ડોએ સેવિલના કેથેડ્રલના કેમ્પસમાં જ વાગનેરના રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. ફર્નાન્ડોના મૃત્યુના દાયકાઓ પછી ઇતિહાસકારોએ કરેલા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ફર્નાન્ડોને નાનપણથી જ વાંચવા-લખવાનો શોખ હતો. કોલમ્બસની ચોથી દરિયાઇ મુસાફરીમાં ફર્નાન્ડો પિતાનું જીવન ચરિત્ર લખવાના હેતુથી જ જોડાયો હતો. ક્રિસ્ટોફર કોલમ્બસનું પહેલવહેલું જીવનચરિત્ર પણ ફર્નાન્ડોએ જ લખ્યું હતું, જેની મૂળ હસ્તપ્રત આજે ઉપલબ્ધ નથી. એ મુસાફરીમાં ફર્નાન્ડોએ 'નવા દેશો'ના સંગીત, તસવીરો અને વનસ્પતિના અઢળક નમૂના પણ ભેગા કર્યા હતા. એ ચીજવસ્તુઓની પણ તેણે ચોક્કસ નોંધો સાથેની યાદી તૈયાર કરી હતી.

સ્પેનના સેવિલ શહેરમાં આવેલું ફર્નાન્ડોનું પુસ્તકાલય અને (નીચે) ૧૩મી સદીમાં થઈ ગયેલા
ઇટાલિયન વેપારી, એક્સપ્લોરર માર્કો પોલોના  મૂળ ફ્રેંચમાં લખાયેલા ‘ધ બુક ઓફ વન્ડર્સ’  પુસ્તકમાં 
કોલમ્બસે જાતે કરેલી  નોંધો. આ દુર્લભ પુસ્તક પણ ફર્નાન્ડોના પુસ્તકાલયમાં સચવાયેલું છે. 

યુરોપમાં પુસ્તકોનો ઇતિહાસ, લેખકો-પ્રકાશકો, પ્રવાસો અને બૌદ્ધિકોનું નેટવર્ક કેવું હતું, એ સમજવા આજના ઈતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય ખૂબ ઉપયોગી સાબિત થયું છે. યુરોપમાં સાહિત્ય, કળા અને વૈચારિક ક્રાંતિના બીજ રોપનારા અનેક બૌદ્ધિકોએ ફર્નાન્ડોના પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો. ઈસ. ૧૫૩૯માં મૃત્યુ થયું એ પહેલાં ફર્નાન્ડોએ જીવતેજીવ વસિયત કર્યું હતું કે, 'મૃત્યુ પછી આ પુસ્તકાલયની  સંપૂર્ણ દેખભાળ કરવામાં આવે. મેં ખરીદેલા પુસ્તકો વેચવામાં ના આવે, પરંતુ વધુ પુસ્તકો ખરીદીને પુસ્તકાલય સમૃદ્ધ બનાવવામાં આવે.'

કમનસીબે, ફર્નાન્ડોના મૃત્યુ પછી પુસ્તકાલયની માલિકી માટે દાયકાઓ સુધી ઝઘડા ચાલ્યા. છેવટે અનેક વર્ષો પછી સેવિલના ચર્ચને પુસ્તકાલયની માલિકી મળી. જોકે, ત્યાં સુધી પુસ્તકોની સંખ્યા ૧૫ હજારમાંથી સાત હજાર થઇ ગઇ હતી. આજેય ફર્નાન્ડોના પુસ્તકાલયની સંભાળ સેવિલના ચર્ચ મેનેજમેન્ટ દ્વારા લેવાઇ રહી છે, પણ, અત્યારે આ પુસ્તકાલયમાં ફક્ત ૧,૧૯૪ પુસ્તક બચ્યા છે. હવે આ પુસ્તકાલય 'બિબ્લિઓટેકા કોલમ્બિના' તરીકે ઓળખાય છે. આજે પણ ઇતિહાસકારો માટે ફર્નાન્ડોનું પુસ્તકાલય સંશોધનનો વિષય છે.

આજેય ઈતિહાસકારો માટે સૌથી મોટું આશ્ચર્ય એ છે કે, શું ફર્નાન્ડોએ ૧૫ હજાર મહાકાય ગ્રંથો વાંચ્યા હશે? એવું કહેવાય છે કે, ફર્નાન્ડોએ બહુ નાની ઉંમરમાં વાંચન-લેખન શરૂ કરી દીધું હતું એટલે કદાચ એ શક્ય પણ હોય!

3 comments:

  1. બહુ જ સરસ ખબર આપી. આ કોલમ્બસની તો ખબર જ ન હતી.

    ReplyDelete
  2. Thank You Sureshbhai, Din Patel... Keep Reading, Keep Sharing.

    ReplyDelete