04 April, 2018

સરહદી ગામોના ખેડૂતોના ભોગે 'નો ફ્લાય ઝોન'


ઈન્ટરનેટ, ફેસબુક અને જીપીએસ નહોતા ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે, આ પ્રકારની ટેક્નોલોજીની માણસના જીવન પર શું અસર થશે? ઈન્ટરનેટનો સતત દુરુપયોગ થાય છે, ફેસબુક ચૂંટણીઓમાં કાળા-ધોળા કરાવી શકે છે અને જીપીએસની મદદથી કોઈ તમારા પર વર્ચ્યુઅલ નજર રાખીને ઘરફોડ ચોરી કરી શકે છે. એનો અર્થ એ નથી કે, એ ટેક્નોલોજી પર પ્રતિબંધ મૂકી દેવો. કેન્દ્ર સરકારે ભારત-પાકિસ્તાન અને ભારત-ચીન સરહદની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરેલો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશને ભારતીય સેનાના મથકો, ચોકીઓ અને શસ્ત્રાગારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, પરંતુ આ નિર્ણયથી સૌથી વધુ નુકસાન કૃષિ અર્થતંત્ર અને ખેડૂતોને થઈ રહ્યું છે.

એક બાજુ સરકાર બાબા આદમના જમાનાના ૧,૨૦૦ કાયદા રદ કરી દીધાનું ગૌરવ લે છે અને બીજી બાજુ આવા તઘલખી નિર્ણયો લે છે. ભારતમાં સરહદો નજીક હજારો ગામો છે. આ બધા જ ગામોની મુખ્ય આવક કૃષિ પર નિર્ભર છે, પરંતુ દેશના બીજા હિસ્સાની જેમ ત્યાંના ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીના લાભ લઇ શકાતા નથી. આજકાલ ડ્રોન ઉર્ફ અનમેન્ડ એરિયલ વ્હિકલની મદદથી જ ભૌગોલિક રીતે જટિલ અને અંતરિયાળ વિસ્તારોના સર્વેક્ષણ કરાય છે. આ પ્રકારના સર્વેક્ષણના સીધા લાભ ત્યાં રહેતી પ્રજાને જ મળે છે. ડ્રોન ટેક્નોલોજીએ કૃષિની તરાહ બદલી નાંખી છે. આ નાનકડા સાધને અનેક રાજ્યોમાં હજારો ખેડૂતોનું જીવન બદલી નાંખ્યું છે. જેમ કે, હરિયાણા, પંજાબ અને કર્ણાટકમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વીમા કંપનીઓ ખેતરોમાં પાકના નુકસાનનો ઝડપથી સર્વે કરવા ડ્રોનનો ઉપયોગ કરે છે, જેથી ખેડૂતોને પાક વીમાનું વળતર ઝડપથી આપી શકાય. મહાકાય ખેતરોમાં પાકને કોઈ ગંભીર રોગ લાગુ પડે એ પહેલાં ડ્રોનથી જાણી શકાય છે. એટલે પાકમાં કોઇ ગંભીર રોગ વકરે એ પહેલાં ખેડૂતને સમયસર પગલાં લેવાનો સમય મળે છે!


દેશના ૧૮ રાજ્યના ૬૪૦માંથી ૧૬૮ જિલ્લાનો થોડો ઘણો ભાગ સરકારે જાહેર કરેલા નો ફ્લાય ઝોનમાં આવે છે. આ ૬૪૦માંથી ૬૫ જિલ્લા તો એવા છે, જેનો ૯૦ ટકાથી પણ વધુ વિસ્તાર નો ફ્લાય ઝોનમાં આવી જાય છે. દેશના ૩૯ જિલ્લા તો આખેઆખા નો ફ્લાય ઝોનમાં છે. નો ફ્લાય ઝોનમાં દેશના દસ ટકા ઘર આવેલા  છે અને ત્યાંની મોટા ભાગની વસતી ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો, દેશના દસ ટકા ખેડૂતો નો ફ્લાય ઝોનમાં વસે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૧૪ કરોડથી પણ વધુ વસતી નો ફ્લાય ઝોનમાં રહે છે. ભારતના ૭૫ શહેરની કુલ વસતી ૧૪ કરોડ જેટલી છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે, કૃષિ અર્થતંત્રમાં તેમનું પ્રદાન કેટલું મહત્ત્વનું હશે! દેશનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. આ જિલ્લો પણ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. તેથી ત્યાં પણ નો ફ્લાય ઝોનના નિયમો લાગુ પડે છે. આ વિસ્તારમાં કૃષિ સહિતના ક્ષેત્રોમાં ડ્રોન ટેક્નોલોજીના લાભ મળતા નથી.

એવી જ રીતે, જમ્મુ કાશ્મીરના ૨૩માંથી ૨૦, આસામના ૨૭માંથી ૨૦, ઉત્તરપ્રદેશના ૭૧માંથી ૧૫ અને બિહારના ૩૮માંથી ૧૪ જિલ્લામાં ડ્રોન પ્રતિબંધિત છે. હવે ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત કરીએ. એનડીએ સરકારનો દાવો છે કે, આઝાદી પછીની અમે પહેલી સરકાર છીએ, જે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટે ગંભીર છે. જોકેસિક્કિમ, ત્રિપુરા જેવા નાના અને કૃષિ અર્થતંત્ર પર આધારિત રાજ્યોના ૧૦૦ ટકા વિસ્તાર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનમાં છે. મિઝોરમનો ૮૬ ટકા, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયનો ૬૦ ટકા, નાગાલેન્ડનો ૫૦ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. વળી, જે વિસ્તાર નો ફ્લાય ઝોનમાં નથી ત્યાં ખેતી બહુ ઓછી છે અથવા નથી. નાના રાજ્યો તો ઠીક, પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો પણ નો ફ્લાય ઝોનથી પીડિત છે. તેનો ૪૪ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે. પશ્ચિમ બંગાળ ખૂબ મોટું રાજ્ય છે, અને, ત્યાં પણ બાંગ્લાદેશ સરહદ નજીકના ગામોનો મુખ્ય આધાર ખેતી છે. એવી જ રીતે, બિહારનો ૩૯ ટકા અને પંજાબનો ૩૩ ટકા વિસ્તાર નો ફ્લાય ઝોનમાં છે.

નો ફ્લાય ઝોનના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોએ સૌથી વધુ ભોગવવાનું આવી રહ્યું છે કારણ કે, તે નાના રાજ્યો છે, ત્યાંના લોકોનો આવકનો મુખ્ય સ્રોત ખેતી છે અને આ રાજ્યો નાના-નાના પાડોશી દેશો સાથે પણ સરહદો ધરાવે છે. જેમ કે, બાંગ્લાદેશ સાથે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને આસામની સરહદ છે, તો ભુતાન જેવા નાનકડા દેશ સાથે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ છે. મ્યાંમાર સાથે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમની સરહદ છે. એવી જ રીતે, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળની સરહદ નેપાળ સાથે પણ વહેંચાય છે. આમ, પશ્ચિમ બંગાળ મોટું રાજ્ય હોવાથી બાંગ્લાદેશ, ભુતાન અને નેપાળ એમ ત્રણ દેશ સાથે સરહદ ધરાવે છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પણ પાકિસ્તાન સાથે છે. જમ્મુ કાશ્મીર તો પાકિસ્તાન અને ચીન એમ બે દેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના અનેક ગામો ચીન સરહદ નજીક છે.


ઉત્તર-પૂર્વીય રાજ્યોની આંતરરાષ્ટ્રીય સરહદો 

જમ્મુ કાશ્મીરની જેમ ઉત્તર પૂર્વીય રાજ્યોની જટિલ ભૂગોળ પણ વિકાસની રાહમાં આડે આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં ડ્રોનથી ઝડપથી સર્વેક્ષણ થઇ શકતા નથી. ત્યાં રસ્તા, સિંચાઇ, બંધ જેવી માળખાગત સુવિધા ઊભી કરવા ડ્રોનની મદદથી નાના-મોટા સર્વેક્ષણો કરવા જરૂરી છે પણ થઇ શકતા નથી. જેમ કે, નો ફ્લાય ઝોનમાં ૭૦,૮૨૯ કિલોમીટર લાંબા રસ્તા, ,૧૨૭ કિલોમીટર લાંબી કેનાલો, ,૩૪૯ પુલો અને સાડા પાંચસો જેટલા નાના-મોટા રેલવે સ્ટેશનો છે, પરંતુ આ એકેય વિસ્તારનું ડ્રોનથી નિરીક્ષણ થઈ શકતું નથી. જમ્મુ અને અમૃતસર (પંજાબ) જેવા શહેર સંપૂર્ણપણે નો ફ્લાય ઝોનનો હિસ્સો છે. કૃષિ ટેક્નોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારના 'બ્લેન્કેટ બાન'ના કારણે અનેક વિસ્તારો નો ફ્લાય ઝોનથી પીડિત છે. ટૂંકમાં સરકાર લાંબુ વિચાર્યા વિના બધા જ વિસ્તારોને એક જ લાકડીએ હાંકી રહી છે.

જો સરકાર નો ફ્લાય ઝોનમાંથી અમુક વિસ્તારોને બાકાત રાખે તો ડ્રોનની નોંધણી કરવી, લાયસન્સ આપવા અને તેની દેખરેખ માટે  ચુસ્ત માળખું વિકસાવવું પડે. વિકસિત દેશો જેવું જડબેસલાક તંત્ર ઊભું કરવું પડે, પરંતુ એ માટે સરકાર હંમેશાની જેમ ઉદાસીન છે. તેના બદલે સરકારને ડ્રોન ટેક્નોલોજીની મદદ લેનારાને દંડ ફટકારીને ગભરાવી મૂકવાનું વધુ સહેલું લાગે છે. આ મુદ્દે જાણકારોનું કહેવું છે કે, એક જ ઝાટકે સરહદી વિસ્તારોને નો ફ્લાય ઝોન જાહેર કરવા સરકારને અત્યારે ભલે યોગ્ય ઉપાય લાગે, પરંતુ લાંબા ગાળે આ નીતિ 'વિધ્વંસક' પુરવાર થઇ શકે છે. અત્યારે જ સરહદી વિસ્તારોમાંથી લોકો ઘરબાર છોડીને શહેરો તરફ આવી રહ્યા છે. ભારતીય સેના પણ ઇચ્છે છે કે, સરહદી ગામો ખાલી ના થાય એ વ્યૂહાત્મક રીતે જરૂરી છે. આ વિસ્તારોમાં ડ્રોન વિના વિકાસ ના થાય એવું નથી, પરંતુ આકરા નિયમોના કારણે બેંકો, વીમા કંપનીઓ, વિદેશી રોકાણકારો અને અન્ય ખાનગી કંપનીઓ પણ એ વિસ્તારોમાં જવા તૈયાર નથી. આ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓ સર્વેક્ષણો કરાવ્યા વિના ધંધો શરૂ કરતી નથી. એટલે જ આપણે આવા ધડમાથા વિનાના નિયમોનો 'યોગ્ય રીતે' અમલ કરવાની જરૂર છે.

અમેરિકા, કેનેડા, યુ.કે. અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોના અર્થતંત્રમાં પણ કૃષિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આ એક પણ વિકસિત દેશમાં કૃષિ અર્થતંત્રના ભોગે સંપૂર્ણ નો નો ફ્લાય ઝોન જાહેર કરાયા નથી. વિકસિત દેશોમાં કોમર્શિયલ ધોરણે કે મોજમજા ખાતર સરહદો નજીક ડ્રોન ઉડાવી શકતું નથી, પરંતુ ખેતીવાડીને  લગતા કામમાં આ નિયમો લાગુ પડતા નથી. અમેરિકાની અતિ સંવેદનશીલ ગણાતી મેક્સિકો સરહદે પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં તો લશ્કરી થાણા નજીક પણ નો ફ્લાઇંગ ઝોન નથી. અમેરિકામાં વૉશિંગ્ટન ડીસીમાં આવેલી સંસદ અને વ્હાઇટ હાઉસના ૨૫ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાવી શકાતું નથી એ વાત ખરી, પરંતુ એ વિસ્તારમાં પણ કોમર્શિયલ ડ્રોન પર તો પ્રતિબંધ નથી જ. ત્યાં ફક્ત મોજમજા માટે ડ્રોન ઉડાવી શકાતા નથી. આ તો કૃષિ અર્થતંત્રને લગતી વાત થઈ.
પાકિસ્તાન સાથે સરહદ વહેંચતા રાજ્યો

ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સની વસૂલાત, ગેરકાયદે ભેલાણ કે અતિક્રમણના પુરાવા ભેગા કરવા તેમજ ગામડાં નજીક યોગ્ય અર્બન પ્લાનિંગ કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ શરૂ કરાયો છે. સરહદ નજીકના જિલ્લામાં આવેલી હોસ્પિટલોમાં ઝડપથી લોહી કે દવાઓ પહોંચાડવા પણ ડ્રોનની મદદ લેવાય છે. નો ફ્લાઇંગ ઝોનમાં વસતા લોકોને આ પ્રકારના લાભ પણ મળતા નથી. સરહદ નજીકના ભારતમાં રહેતો ખેડૂત બિન-સરહદી ભારતમાં રહેતા ખેડૂતથી વધુ ગરીબ છે અને નો ફ્લાય ઝોનના નિયમો તેને વધુ ગરીબ બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં ભવિષ્યમાં સરહદી અને બિન-સરહદી ખેડૂતો વચ્ચે આર્થિક અસમાનતા વધુ ઊંચે જઇ શકે છે.

નો ફ્લાય ઝોનના નિયમોના કારણે કેટલા ખેડૂતોને નુકસાન થઇ રહ્યું છે એ વિશે નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક ફાઇનાન્સ પોલિસીના રિસર્ચર દેવેન્દ્ર દામલે અને શુભો રોયે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વેક્ષણ કર્યું હતું. સૌથી પહેલાં તેમણે નો નો ફ્લાય ઝોનની આસપાસના ૫૦ કિલોમીટરના વિસ્તારનું સર્વેક્ષણ કર્યું. ત્યાર પછી એ વિસ્તારમાં કૃષિલાયક જમીનોનો શક્ય એટલો ચોક્કસ અંદાજ તૈયાર કર્યો અને ત્યાં કામ કરતા ખેડૂતો, ખેતમજૂરોનો ગણતરી કરીને અંદાજ મૂક્યો.

આ નિષ્ણાતોએ સાબિત કરી દીધું છે કે, નો ફ્લાય ઝોનના નિયમોમાં ઝડપથી સુધારા કરવા દેશહિતમાં છે.

No comments:

Post a Comment