28 September, 2016

ડૉ. ગિલક્રિસ્ટ કી અમર કહાની


ભલાં, આજ હમ જો હિન્દી ઓર ઉર્દૂ બોલ રહે હૈ, ઉસકી પૂર્વજ હિંદુસ્તાની ભાષા હૈ. યે ભાષા સાતવી સે લેકર ૧૩વી સદીમેં પ્રચલિત થી ઓર ઉસકે બાદ ભી અલગ અલગ સ્વરૂપમેં હિન્દવી, દેહલવી, રેખ્તા યા હિન્દી-ઉર્દૂ કે નામ સે જાની જાતી થી. આજ ભી ઉત્તર ઓર મધ્ય ભારતમેં યે ભાષા બોલી જાતી હૈ. હાલાંકિ યે સબ તો જાનીમાની બાતે હૈ, લેકિન આપ કો બતા દે કિ, યે જો હિંદુસ્તાની ભાષા હૈ, ઉસકી વ્યાકરણ એક અંગ્રેજ ડૉક્ટરને તૈયાર કિ થી...

આજે કોઈ ભાષાપંડિત આપણને આવી માહિતી આપે તો નવાઈ જ લાગે ને! હિંદુસ્તાની ભાષાનું વ્યાકરણ તૈયાર કરનારો એ અંગ્રેજ એટલે મૂળ સ્કોટલેન્ડનો ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

કોણ હતા ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ?

ડૉ. ગિલક્રિસ્ટ ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર નહીં પણ ડૉક્ટર હતા. બ્રિટનમાં હાયર એજ્યુકેશન પૂરું કરીને તેઓ બ્રિટીશ રોયલ નેવીની મેડિકલ ટીમમાં જોડાયા હતા. અહીં થોડો સમય કામ કરીને ડૉ. ગિલક્રિસ્ટ, ફક્ત ૨૪ વર્ષની ઉંમરે, ઈસ. ૧૭૮૩માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના આસિસ્ટન્ટ સર્જન તરીકે ભારત આવ્યા. 

ડૉ. ગિલક્રિસ્ટ ભારત આવ્યા ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓએ તેમને માહિતી આપી કે, ભારતની મુખ્ય ભાષા પર્શિયન છે. જોકે, એ અંગ્રેજ અધિકારીઓની ગેરમાન્યતા હતી. ભારતમાં ફક્ત વેપારી હેતુથી આવેલા અંગ્રેજોને ખબર જ નહોતી કે, પર્શિયન વિદેશી ભાષા છે, જ્યારે ભારતમાં બોલાય છે એ હિન્દીના જુદા જુદા રૂપ છે. ભારત આવેલા અંગ્રેજોનું વેપાર-ધંધાને લગતું કામકાજ એકબીજાની ભાષા થોડી ઘણી શીખીને તેમજ અનુવાદકોની મદદથી થઈ જતું. આ કારણસર અંગ્રેજોએ ભાષા તરફ બહુ નહોતું આપ્યું. જોકે, ડૉ. ગિલક્રિસ્ટની સંશોધક નજરે એ ભૂલ થોડા જ સમયમાં પકડી પાડી.


ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ

ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, આખા ઉત્તર અને મધ્ય ભારતમાં એકેય ભારતીય સારું પર્શિયન કે અરબી બોલી નથી શકતો. ભારતીયો તો પોતાની ભાષાને હિંદુસ્તાની, ઉર્દૂ કે ખડી બોલી કહે છે. ઉત્તર ભારતમાં વેપાર માટે આવેલા મોટા ભાગના વિદેશીઓ પર્શિયન અને તૂર્ક છે. એ લોકો પર્શિયન શબ્દોથી છલોછલ હિંદુસ્તાની બોલે છે. વિદેશીઓ સાથેના વેપારના કારણે ભારતીયોની ભાષામાં પણ પર્શિયન શબ્દોની ભરમાર હોય છે. આ કારણસર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારીઓ ભારતીયોની મુખ્ય ભાષા પર્શિયન સમજે છે!

ડૉ. ગિલક્રિસ્ટ વ્યવસાયે ડૉક્ટર હતા પણ સ્વભાવે સંશોધક જીવ હતા. આ સ્વભાવના કારણે તેમણે ભારતની ભાષાઓ અને ઈન્ડોલોજીમાં ઊંડો રસ લેવાનું શરૂ કર્યું. ઈન્ડોલોજી એટલે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને માલદીવ સહિતના આખા ભારતીય ઉપખંડ તેમજ તેની સાથે સંકળાયેલા એશિયાઈ વિસ્તારોની ભાષા-સંસ્કૃતિ અને સાહિત્યનો અભ્યાસ.

હિન્દી-ઉર્દૂ શબ્દો ભેગા કરવા ૧૨ વર્ષ રઝળપાટ

ઈસ. ૧૭૮૫માં ડૉ. ગિલક્રિસ્ટે ભારતીય ભાષાઓનો અભ્યાસ કરવા ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે એક વર્ષની રજા માગી, જે મંજૂર નહોતી થઈ. જોકે, ડૉ. ગિલક્રિસ્ટે નોકરીની સાથે જ સંશોધન કરીને સ્થાનિક ભાષાના હજારો શબ્દો ભેગા કર્યા અને ઈસ. ૧૭૮૬માં 'એ ડિક્શનરીઃ ઈંગ્લિશ એન્ડ હિંદુસ્તાની' નામની નાનકડી ડિક્શનરીનું પ્રકાશન કર્યું.  


ઈસ. ૧૮૨૫માં પુનઃ પ્રકાશિત કરાયેલી ડિક્શનરીનું કવરપેજ 

આ દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઈસ. ૧૭૮૭માં તેમની એક વર્ષની રજા મંજૂર કરી. જોકે, એ પછી તેઓ મેડિકલ ઓફિસર તરીકે કંપનીમાં પાછા જોડાયા જ નહીં કારણ કે, 'હિંદુસ્તાની' ભાષાના શબ્દો અને વ્યાકરણને લગતું સંશોધન કરવા તેમણે સળંગ બાર વર્ષ પટણા, ફૈઝાબાદ, દિલ્હી, લખનઉ અને ગાઝીપુરમાં રઝળપાટ કરી. ડૉ. ગિલક્રિસ્ટે શોધી કાઢ્યું કે, ઉત્તર અને મધ્ય ભારતની ભાષાઓ લગભગ એકસરખી છે, જે વિવિધ પ્રદેશોમાં જુદી જુદી બોલીમાં બોલાય છે. વળી, સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે તેમાં સંસ્કૃત, પર્શિયન અને અરબી ભાષાના શબ્દોની ભરમાર છે. આ ભાષાની મુખ્યત્વે બે લિપિ છે. એક, નાગરી (દેવનાગરીની પૂર્વજ) અને બીજી, અરેબિક. એ પહેલાં ક્યારેય ભારતીય ભાષાઓનું ડૉ. ગિલક્રિસ્ટે કર્યું હતુું એવું સુવ્યવસ્થિત સર્વેક્ષણ થયું ન હતું. 

આટલું સંશોધન કરીને ડૉ. ગિલક્રિસ્ટે ભારતમાં બોલાતી પ્રચલિત ભાષાને 'હિંદુસ્તાની' (પર્શિયન નહીં) નામ આપ્યું. એ વખતે હિંદુસ્તાનીને કેટલાક લોકો ‘ઉર્દૂ’ તરીકે પણ ઓળખતા, પણ બાદમાં ઉર્દૂની લિપિ અરબી થઈ જતા તેમાં અરબી, પર્શિયન અને ફારસી ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં પ્રવેશ્યા. આમ, ઉર્દૂએ દાયકાઓના સાંસ્કૃતિક આદાનપ્રદાન પછી હિન્દીથી અલગ સ્વરૂપ ધારણ કર્યું. આજના હિન્દી અને ઉર્દૂની પૂર્વજ એટલે આ હિંદુસ્તાની ભાષા. સ્વતંત્રતા આંદોલન વખતે ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતાને ધ્યાનમાં રાખીને સંસ્કૃત સહિત ઉર્દૂ, ફારસી, પર્શિયન શબ્દો પ્રચુર માત્રામાં ધરાવતી હોય એવી હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા જાહેર કરવાનું સૂચન કર્યું હતું. એવી હિન્દી ભાષા એટલે આ હિંદુસ્તાની, જે એ સમયે હિન્દીના એક જુદા સ્વરૂપ તરીકે જાણીતી હતી. 

અંગ્રેજોએ શરૂ કરી 'ગિલક્રિસ્ટ કી મદરેસા'

ડૉ. ગિલક્રિસ્ટે બારેક વર્ષ સખત સંશોધન કરીને ઈસ. ૧૭૯૬માં 'એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ' નામનું હિંદુસ્તાની વ્યાકરણની અંગ્રેજી ભાષામાં સરળ સમજ આપતું પુસ્તક લખ્યું, જેનું પ્રકાશન ક્રોનિકલ પ્રેસ ઓફ કોલકાતાએ કર્યું હતું. ‘હિંદુસ્તાની’ ભાષા-વ્યાકરણની સમજ આપતું આવું અંગ્રેજી પુસ્તક જોઈને ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓ પણ ડૉ. ગિલક્રિસ્ટને માનની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા.


ઈસ.  ૧૭૯૬માં પ્રકાશિત ‘એ ગ્રામર ઓફ ધ હિંદુસ્તાની લેન્ગ્વેજ’ કવરપેજ  

હવે યોગાનુયોગ જુઓ. એક સમયે ફક્ત વેપાર કરવાના હેતુથી આવેલા અંગ્રેજોએ ઈસ. ૧૮૦૦માં ભારતમાં મજબૂત પગદંડો જમાવવાનું શરૂ કર્યું. સિસ્ટમેટિકલી રાજ કરવામાં માનતા અંગ્રેજોએ ભારતની વિવિધ ભાષા-બોલીઓને ઓળખવા-સમજવા એક યોજના શરૂ કરી, જેનો હેતુ ભારતની ‘અઘરી’ ભાષા, તેના શબ્દો અને વ્યાકરણને વ્યવસ્થિત રીતે સમજીને ધંધા-વેપારમાં એકહથ્થું શાસન કરવાનો હતો. આ જ ગાળામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતીય સૈનિકોની ભરતી પણ શરૂ કરી. આ સૈનિકો સાથે કામ પાર પાડવામાં પણ અંગ્રેજ અધિકારીઓને ભાષાના કારણે ખાસ્સી તકલીફ પડતી.

આ દરમિયાન ઉચ્ચ અંગ્રેજ અધિકારીઓમાં પ્રતિષ્ઠા મેળવી ચૂકેલા ડૉ. ગિલક્રિસ્ટે બ્રિટીશ ઈન્ડિયાના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીને સૂચન કર્યું કે, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેના સ્ટાફને સ્થાનિક ભાષા શીખવવા એક સ્કૂલ સ્થાપવી જોઈએ. લોર્ડ વેલેસ્લીએ આ સૂચન સ્વીકારી લીધું અને કોલકાતામાં એક સ્કૂલની સ્થાપના કરી. આ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે લોર્ડ વેલેસ્લીએ ડૉ. જ્હોન ગિલક્રિસ્ટની નિમણૂક કરી. અંગ્રેજોમાં આ સ્કૂલ 'ઓરિએન્ટલ સેમિનરી' અને ભારતીયોમાં 'ગિલક્રિસ્ટ કી મદરેસા' નામે ઓળખાતી કારણ કે, રૂઆતમાં અહીં મુખ્યત્વે હિંદુસ્તાની ઉર્દૂ અને પર્શિયન ભાષા ભણાવાતી.

'ગિલક્રિસ્ટ કી મદરેસા' એટલે આજના કોલકાતામાં આવેલી ફોર્ટ વિલિયમ કોલેજ અને તેના પહેલાં પ્રિન્સિપાલ એટલે ખુદ ડૉ. જ્હોન બોર્થવિક ગિલક્રિસ્ટ.

હિન્દી, ઉર્દૂનો વિકાસ અને ઈસપના અનુવાદો

ફોર્ટ વિલિયમ કોલેજમાં ડૉ. ગિલક્રિસ્ટે ઈસ. ૧૮૦૪ સુધી સેવા આપી. આ ચાર વર્ષ દરમિયાન ડૉ. ગિલક્રિસ્ટે 'ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઈન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની', 'ધ હિંદુસ્તાની મેન્યુઅલ ઓર કેસ્કેટ ઓફ ઈન્ડિયા' અને 'ધ ઓરિએન્ટલ ફેબ્યુલિસ્ટ' ઓર 'પોલિગ્લોટ ટ્રાન્સલેશન્સ ઓફ ઈસપ એન્ડ અધર એન્સિઅન્ટ ફેબલ્સ' જેવા અનેક પુસ્તકો લખ્યા. (પોલિગ્લોટ એટલે બહુભાષી) ડૉ. ગિલક્રિસ્ટનું આ છેલ્લું પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે, જેમાં તેમણે બીજા લેખકોની મદદથી ઈસપની બોધકથાઓનો ઉર્દૂ, પર્શિયન, સંસ્કૃત, બંગાળી અને વ્રજ ભાષામાં અનુવાદ કર્યો, પરંતુ તેની લિપિ રોમન રાખી. ડૉ. ગિલક્રિસ્ટનો રોમન લિપિ રાખવાનો હેતુ અંગ્રેજોને ભારતીય ભાષાઓ શીખવવાનો અને તેમાં રસ લેતા કરવાનો હતો.


‘ધ સ્ટ્રેન્જર્સ ઈસ્ટ ઈન્ડિયા ગાઈડ ટુ ધ હિંદુસ્તાની’ની ઈસ. ૧૮૦૮માં પ્રકાશિત બીજી આવૃત્તિ


એટલું જ નહીં, તેમણે ફોર્ટ વિલિયમ કોલેજમાં લલ્લુ મલ અને સદલ મિશ્રા જેવા હિન્દી ભાષાના વિદ્વાનોની પણ સેવા લીધી. ડૉ. ગિલક્રિસ્ટના  સક્રિય પ્રયાસના કારણે થોડા જ વર્ષોમાં સંસ્કૃત, હિન્દી, ઉર્દૂ, અરબી, પર્શિયન અને બંગાળી ભાષાના હજારો પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ થયો. તેમના કારણે અંગ્રેજી પુસ્તકોના પણ ભારતીય ભાષામાં અનુવાદો થયા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન ચરમસીમાએ પહોંચ્યું. ઈસ. ૧૮૧૮ સુધીમાં તો ભારતમાં બાઈબલના હિન્દી અનુવાદો પણ ઉપલબ્ધ હતા. ૩૦મી મે, ૧૮૨૬ના રોજ ભારતનું પહેલું હિન્દી અઠવાડિક છાપું 'ઉડંત માર્તંડ' પણ કોલકાતામાં જ શરૂ થયું, જેના તંત્રી પંડિત જુગલ કિશોર શુકલ હતા.

ડૉ. ગિલક્રિસ્ટે ઉર્દૂ ભાષાના પ્રચાર માટે પણ ફોર્ટ વિલિયમ કોલેજમાં વ્યવસ્થા કરી હતી. ભારત આવતા અંગ્રેજો અને બીજા વિદેશીઓ ત્યાં જઈને ઉર્દૂ શીખી શકતા. એપ્રિલ ૧૮૦૬માં ભારત આવેલા મિશનરી હેનરી માર્ટિનને ડૉ. ગિલક્રિસ્ટે જ ઉર્દૂ શીખવ્યું હતું. બાદમાં હેનરી માર્ટિને ‘ન્યુ ટેસ્ટામેન્ટ’ સહિતના ખ્રિસ્તી ધર્મગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કર્યો હતો. 

આજના હિન્દી અને ઉર્દૂ ભાષાના વિકાસમાં ડૉ. ગિલક્રિસ્ટે આપેલું પ્રદાન એક 'અમર કથા'થી બિલકુલ કમ નથી. ડૉ. ગિલક્રિસ્ટને ભાષાઓ પ્રત્યે પ્રેમ હતો અને તેઓ અંગ્રેજોને ભારતીય સંસ્કૃતિની ઊંડી સમજ આપવા માગતા હતા એ વાત ખરી, પણ તેમનો મૂળભૂત હેતુ અંગ્રેજોને 'સિસ્ટમેટિકલી રાજ' કરવામાં મદદરૂપ થવાનો હતો. એ રીતે ડૉ. ગિલક્રિસ્ટની કહાની એક ભાષાપ્રેમીની જ નહીં, પણ અંગ્રેજો સદીઓ સુધી વિશ્વભરમાં કેમ મજબૂત રીતે રાજ કરી શક્યા એની પણ કહાની છે. 

આમ છતાં, ડૉ. ગિલક્રિસ્ટે હિંદુસ્તાની ભાષાનો ભારતભરમાં પ્રચાર કરીને આજની હિન્દી અને ઉર્દૂના વિકાસમાં જબરદસ્ત પ્રદાન આપ્યું છે એમાં કોઈ બેમત નથી.

5 comments:

  1. સુપર્બ આર્ટિકલ.. દુર્લભ કહી શકાય તેવી માહિતી, તસવીરો.. અને નીચોડ પણ એટલો જ સચોટ.

    ReplyDelete
  2. Yeas Pravin Sir and Sandy thanks for always your motivated comments. :)

    ReplyDelete

  3. આવી માહિતી જોઈને આનંદ થયો. મને આની જાણ જ નહોતી. ધન્યવાદ.

    ReplyDelete