14 September, 2016

આજે દેશને કેવા શિક્ષકોની જરૂર છે?


બ્રિટીશ ઈન્ડિયામાં તત્ત્વજ્ઞાન (ફિલોસોફી)નો અભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓએ પશ્ચિમી દર્શનશાસ્ત્ર મુખ્ય અને ભારતીય દર્શનશાસ્ત્ર ગૌણ વિષય તરીકે રાખવું પડતું! અંગ્રેજોએ વિકસાવેલી શિક્ષણ વ્યવસ્થાના કારણે આવું હતું. આ દરમિયાન વર્ષ ૧૯૦૮માં મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માસ્ટર ડિગ્રીના ભાગરૂપે એક મહાનિબંધ (થિસીસ) લખ્યો, જેનો વિષય હતો એથિક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઈટ્સ મેટાફિઝિકલ પ્રિસપોઝિશન્સએટલે કે વેદાંતનું નીતિશાસ્ત્ર અને તેની મીમાંસાની પૂર્વધારણા’.

રસપ્રદ વાત એ છે કે, વેદાંતમાં નીતિશાસ્ત્રને કોઈ જ સ્થાન નથી એવી પ્રચલિત ગેરમાન્યતાનો જવાબ આપવા એ વિદ્યાર્થીએ આ મહાનિબંધ લખ્યો હતો અને એ વખતે તેની ઉંમર હતી, માંડ વીસ વર્ષ. આ મહાનિબંધ જોઈને મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજના પ્રિન્સિપાલ અને જાણીતા વિદ્વાન આલ્ફ્રેડ જ્યોર્જે હોગે એ યુવાનને એક પ્રશસ્તિપત્ર લખી આપ્યો. હોગે લખ્યું કે, ‘‘દર્શનશાસ્ત્રના મુખ્ય પાસાંની અસાધારણ સમજ ધરાવવાની સાથે અટપટી દલીલોને સરળતાથી સમજાવવાની લેખકની કુશળતા તેમજ અંગ્રેજી ભાષા પર લેખકનું પ્રભુત્વ આ નિબંધમાં સરસ રીતે ઉપસી આવ્યું છે...’’  

આ વીસ વર્ષનો કુશળ લેખક એટલે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્. આ મહાનિબંધ લખ્યા પછી સર્વપલ્લી રાધાકૃષ્ણનને એમ હતું કે, આ બધું વાંચીને અંગ્રેજ પ્રિન્સિપાલની ધાર્મિક લાગણી દુભાશે! જોકે, એવું કશું ના થયું. ઊલટાનું ડૉ. હોગે પ્રશસ્તિપત્ર લખી આપતા યુવાન સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ભારતીય તત્ત્વજ્ઞાનનો વધુ ઊંડો અભ્યાસ કરવા પ્રેરાયા. તેમણે પોતાના વિદ્વાન ગુરુનો આ પ્રશસ્તિપત્ર મહામૂલા સંભારણાની જેમ જીવનભર સાચવી રાખ્યો હતો. એકવાર રાધાકૃષ્ણને કહ્યું હતું કે, ‘‘બાળશૈલીમાં અને અલંકારિક ભાષામાં લખેલો એ કાચોઘેલો નિબંધ જોઈને હું શરમાઉં છું કે, મેં કેવું લખી નાંખ્યું!’’ 

ભારતીય દર્શનશાસ્ત્રના વીસમી સદીના વિદ્વાનોમાં જેમની ગણના થાય છે એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ન આાટલા નિખાલસ હતા. હજુ પાંચમી સપ્ટેમ્બરે જ આપણે આપણે જેમની યાદમાં શિક્ષક દિન ઊજવ્યો એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ હોવું એટલે શું?

ભારતીય શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ નાગરિકો તૈયાર કરવામાં નિષ્ફળ જઈ રહી છે, દરેક વાતે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને ગાળો ભાંડવામાં આવે છે તેમજ છેતરામણી દલીલો કરીને એવું સાબિત કરવાનો પ્રયાસ કરાય છે કે હિંદુ ધર્મ નહીં પણ સંસ્કૃતિ છે, ત્યારે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના જીવનમાંથી આ સવાલના જવાબો મેળવવાનો પ્રયાસ કરીએ.

***   

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્નો જન્મ પાંચમી સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ મદ્રાસના તિરુતાની ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું કુટુંબ મધ્યમ વર્ગીય, શિક્ષિત, હિંદુ રીતરિવાજોમાં શ્રદ્ધા ધરાવતું અને સ્થાનિક સ્તરે ઠીક ઠીક પ્રતિષ્ઠા ધરાવતું હતું. સર્વપલ્લીના બાળપણના બાર વર્ષ તિરુતાની અને તિરુપતિમાં વીત્યા. દક્ષિણ ભારતના આ બંને તીર્થસ્થળોની છાપ તેમના બાળમાનસ પર પડી. સર્વપલ્લીને તેમના પરિવારે મદ્રાસની ખ્રિસ્તી મિશનરી સ્કૂલમાં મૂક્યા હતા, જ્યાં તેમને ઈસુ ખ્રિસ્તના ન્યૂ ટેસ્ટામેન્ટનો નિકટથી પરિચય થયો. અહીં તેમને હિંદુ ધર્મની ગેરમાન્યતાઓ વિશે પણ ઊંડાણથી જાણવા મળ્યું. કેટલાક ખ્રિસ્તીઓ દ્વારા હિંદુ ધર્મની હાંસી ઉડાવાતી જોઈને તેઓ સમસમી ઉઠ્યા. આ ટીકાઓનો તાર્કિક જવાબ આપવા તેઓ જાણ્યે અજાણ્યે હિંદુ ધર્મના અભ્યાસુ બની ગયા. એ પછી તેમણે ઉચ્ચ અભ્યાસ પણ વેલોરની ખ્રિસ્તી મિશનરીમાં કર્યો. બેચલર અને માસ્ટર બંનેમાં તેમણે મુખ્ય વિષય ભારતીય દર્શનશાસ્ત્ર જ રાખ્યો હતો.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્  અને ગાંધીજી 

હિંદુ ધર્મપ્રેમી માતાપિતાએ સર્વપલ્લી રાધાકૃષ્ણન્નું શિક્ષણ ખ્રિસ્તી મિશનરીમાં કરાવ્યું હોવાથી તેમને બેવડી સફળતા મળી. એક તરફ મિશનરી સંસ્થાઓની શિસ્ત, સમયપાલન, વ્યવસ્થા, ફરજનિષ્ઠા અને પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણેનું ખુલ્લું-મોકળાશભર્યું વાતાવરણ અને બીજી તરફ, કૌટુંબિક સંસ્કારના કારણે હિંદુત્વનો અભ્યાસ કરવાથી તેમની હિંદુ ધર્મ પ્રત્યેની પ્રીતિ વધુ ગાઢ બની. આ દરમિયાન ખ્રિસ્તી શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા થતી હિંદુ ધર્મની ટીકાટિપ્પણીનો (અપમાનજનક નહીં, શૈક્ષણિક રીતે) જવાબ આપવા તેઓ હિંદુ ધર્મના વધુ ઊંડા અભ્યાસી બન્યા. ભારતીય દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરીને તેઓ ટીકાકારો અવાક્ બની જાય એવી દલીલો કરતા. 

અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં પાંચ વર્ષ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું. વર્ષ ૧૯૧૮થી ૧૯૨૧ સુધી મૈસુર યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાન ભણાવ્યું અને બાદમાં કોલકાતા યુનિવર્સિટીમાં પંચમ જ્યોર્જ તત્ત્વજ્ઞાનના  પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ બ્રિટીશ ઈન્ડિયામાં પંચમ જ્યોર્જ તત્ત્વજ્ઞાનવિષયના સર્વશ્રેષ્ઠ શિક્ષક ગણાતા. વર્ષ ૧૯૩૧માં તેઓ આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમાયા, જ્યારે એક વર્ષ પછી ઇંગ્લેન્ડની વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્પેલ્ડિંગ પ્રોફેસર ઓફ ઈસ્ટર્ન રીલિજિયન એન્ડ એથિક્સની ખાસ ચેર પર નિમાયા. વર્ષો પહેલાના રૂઢિચુસ્ત અને શાહીવાદના રંગે રંગાયેલા બ્રિટનમાં કોઈ ભારતીય વિદ્વાનને આવું માન મળે એ બહુ મોટી વાત હતી.  

બ્રિટને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને વર્ષ ૧૯૩૧માં નાઈટહુડથી નવાજ્યા હતા. એ પછી તેઓ સર સર્વપલ્લી તરીકે ઓળખાતા હતા. આ દરમિયાન પેન્સિલવેનિયા (અમેરિકા), મોસ્કો (રશિયા), તહેરાન (ઈરાન), ત્રિભુવન (નેપાળ) અને આયર્લેન્ડ યુનિવર્સિટીએ તેમને ડી. લિટ. અને ડૉક્ટરેટની માનદ્ પદવીઓથી નવાજ્યા. ત્રણ-ચાર દાયકાની અધ્યાપન કારકિર્દીએ તેમને વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવી. એક પ્રોફેસર હોવા છતાં તેમની ગણના રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી જેવા વિદ્વાનો સાથે થવા લાગી. તેમને સાંભળવા યુરોપ-અમેરિકાના હૉલ ખીચોખીચ ભરાઈ જતા. આ દરમિયાન ૧૯૩માં તેઓ પહેલીવાર સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થયા, અને, આ સિલસિલો સતત ૧૯૩૭ સુધી ચાલ્યો. સળંગ પાંચ વર્ષ સુધી સાહિત્યના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થનારી તેઓ દુનિયાની એકમાત્ર હસ્તી છે. 

વર્ષ ૧૯૩૭માં તેઓ ભારત પરત ફર્યા અને ૧૯૪૨ સુધી કોલકાતા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું. ૧૯૩૯થી ૧૯૪૮ સુધી તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ ફરજ બજાવી. વર્ષ ૧૯૩૯માં દ્વિતિય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોવાથી તેમની અધ્યાપન કારકિર્દીમાં વળાંક આવ્યો. એ પછી ધીમે ધીમે તેઓ ભારતના રાજકારણમાં સક્રિય થયા. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે, ભારત તરફથી યુનેસ્કોમાં સક્રિય થવાની શરૂઆત પણ ડૉ. રાધાકૃષ્ણને કરી હતી. યુનેસ્કોની શરૂઆતની પરિષદોમાં તેમણે જ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ ૧૯૪૬થી ૧૯૫૨ સુધી તેઓ યુનેસ્કોના પ્રમુખપદે રહ્યા અને ૧૯૪૯થી ૧૯૫૨ સુધી સોવિયેત યુનિયનના રાજદૂત તરીકે પણ જવાબદારી નિભાવી. બ્રિટનને શંકા ના જાગે એવી રીતે સામ્યવાદી રશિયા સાથે મજબૂત મિત્રતા જાળવી રાખવા ડૉ. રાધાકૃષ્ણને ચાણક્ય નીતિથી કામ પાર પાડ્યું હતું.  

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના વડપણ હેઠળ ભારત સરકારે યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન રચ્યું હતું, જેણે સરકારને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રચવાની ભલામણ કરી હતી. તેમના કારણે આ કમિશનના અહેવાલનું ઘણું વજન પડતું. દેશનો નક્કર વિકાસ કરવા લોકશાહી સરકારે, સમાજે, શિક્ષણવિદોએ અને અધ્યાપકોએ કેવા પગલાં લેવા જોઈએ એ માટે પણ તેમણે અહેવાલ તૈયાર કર્યો હતો, જે આજેય એટલો જ ઉપયોગી છે. તેઓ વર્ષ ૧૯૫૨થી ૧૯૬૨ સુધી ઉપ રાષ્ટ્રપતિ અને ૧૯૬૨થી ૧૯૬૬ સુધી રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. એ જમાનામાં રાષ્ટ્રપતિ તરીકે રાધાકૃષ્ણનને રૂ. દસ હજારનો પગાર મળતો, પરંતુ તેમાંથી તેઓ માત્ર રૂ. અઢી હજાર જ લેતા અને બાકીનો પગાર વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમા કરાવી દેતા. 

આટલી બધી જવાબદારી વચ્ચે તેમણે ભારતમાં અને વિદેશોમાં ઘણું લખ્યું, જેનું પ્રકાશન વિખ્યાત સંસ્થા એલન એન્ડ અનવિનએ કર્યું હતું. ડૉ. રાધાકૃષ્ણને ૧૫૦ જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં ધ ભગવદ્ ગીતા’, ‘ઈન્ડિયન ફિલોસોફી’, ‘મહાત્મા ગાંધી’, ‘ગ્રેટ ઈન્ડિયન્સ’, ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોરઅને રિલિજિયન ઈન ચેન્જિંગ વર્લ્ડજેવા અનેક ગ્રંથો અત્યંત મહત્ત્વના ગણાય છે. માય સર્ચ ફોર ટ્રૂથતેમનું આત્મકથાત્મક પુસ્તક છે.  આ ઉપરાંત તેમણે ઉપનિષદો અને બૌદ્ધ ધર્મ પર પણ લખ્યું તેમજ વિશ્વભરના પ્રતિષ્ઠિત અખબારો, સામાયિકોમાં લેખો લખી સાચા ભારતને વિશ્વ સમક્ષ મૂક્યું. ઉપ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ તરીકે આપેલા તેમના ભાષણો ઓકેઝનલ સ્પિચિઝ એન્ડ રાઈટિંગ્સનામના પુસ્તકમાં સમાવાયા છે.

ભારતીય ધર્મ-સંસ્કૃતિ પર છટાદાર અંગ્રેજી ભાષામાં લખીને પશ્ચિમી જગતને સાચો ખ્યાલ આપવામાં તેમનું પ્રદાન અમૂલ્ય છે. રાજસત્તાની ઝાકઝમાટ ધરાવતી કારકિર્દીમાં પણ તેમની વિદ્વતાનું હીર ઓછું ના થયું, ઊલટાનું વધ્યું. ધર્મના નામે તેમનામાં જડતા ન હતી. તેઓ પ્રશ્નો પૂછનારને આવકારતા અને 
તેમના જવાબો હંમેશાં વૈજ્ઞાનિક-તાર્કિક રહેતા.

આજે આપણે તેમની યાદમાં શિક્ષકદિન ઊજવીએ છીએ પણ તેઓ જીવનભર વિદ્યાર્થી રહ્યા અને શીખતા રહ્યા. સાચા શિક્ષકની સૌથી પહેલી શરત આ જ છે. વર્ષ ૧૯૫૨માં તેમને ભારતરત્નથી નવાજાયા અને ૧૭મી એપ્રિલ, ૧૯૭૫માં ૮૬ વર્ષની વયે તેમનું અવસાન થયું.  

આજે ભારતને આવા ગુરુઓની જરૂર છે.

***

ડૉ. રાધાકૃષ્ણન્ને ગાંધીજીને આપેલી મહામૂલી ભેટ 

પંડિત મદનમોહન માલવિયાએ વર્ષ ૧૯૩૯માં બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે રાજીનામું આપ્યું અને એ હોદ્દો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ને સંભાળી લેવાની વિનંતી કરી. આ હોદ્દો ડૉ. રાધાકૃષ્ણને સહર્ષ સ્વીકારી લેતા ગાંધીજી ઘણાં ખુશ થયા હતા. એ પછી કુલપતિપદે વરણી થઈ ત્યારે ગાંધીજીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને પં. માલવિયાનો ભાર ઓછો થયો એ અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ડૉ. રાધાકૃષ્ણને ગાંધીજીના ૭૧મા જન્મદિવસે પોતે જ સંપાદિત કરેલો એક ગ્રંથ ભેટમાં આપ્યો હતો. આ ગ્રંથમાં ડૉ. રાધાકૃષ્ણને વીસમી સદીની મહાન વિભૂતિઓ આલ્બર્ટ આઈન્સ્ટાઈન, રવીન્દ્રનાથ ટાગોર તેમજ પુલિત્ઝર અને નોબલ પ્રાઈઝ વિજેતા પત્રકાર-લેખિકા પર્લ બક પાસે ગાંધીજીપર લેખો લખાવ્યા હતા. આ ગ્રંથનું શીર્ષક હતું, ‘એન ઈન્ટ્રોડક્શન ઓફ મહાત્મા ગાંધીઃ એસેઝ એન્ડ રિફ્લેક્શન્સ ઓન ગાંધીઝ લાઈફ એન્ડ વર્ક’.

No comments:

Post a Comment