21 September, 2016

હિન્દી ફિલ્મોની ભાષાઃ બમ્બૈયા ટુ ગુલઝાર


હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દર વર્ષે ૭૦૦-૮૦૦ ફિલ્મો બનાવે છે. આટલી બધી ફિલ્મો બનાવતી ઈન્ડસ્ટ્રીનું  રોજગારી સિવાયનું સૌથી મોટું પ્રદાન શું? આ સવાલનો એક જ લીટીમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે, હિન્દી ભાષાનો વિકાસ. આજે ૧૪ સપ્ટેમ્બરે દેશવિદેશમાં હિન્દી દિવસની ઉજવણી કરાય છે, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં દુનિયાભરમાં જુદી જુદી તારીખે હિન્દી સપ્તાહ મનાવાય છે. અમેરિકા, મોરિશિયસ, દક્ષિણ આફ્રિકા, જર્મની, યેમેન, યુગાન્ડા, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ હિન્દી સપ્તાહ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાય છે. આ દિવસોમાં હિન્દી ફિલ્મોએ હિન્દી ભાષાના વિકાસમાં આપેલા પ્રદાનને પણ અનેક લોકો યાદ કરે છે. જોકે, શુદ્ધ ભાષાના તરફદારો હિન્દી ફિલ્મોની ભાષાની સખત શબ્દોમાં ટીકા કરે છે. ટીકાકારોનું કહેવું છે કે, હિન્દી ફિલ્મોની ભાષા 'બમ્બૈયા હિન્દી' કે 'ભિન્દી' છે, એ શુદ્ધ હિન્દી નથી, ફિલ્મી હિન્દીમાં અંગ્રેજી સહિતની બીજી ભાષાઓનો બેફામ ઉપયોગ કરાય છે, હિન્દી ફિલ્મોના ગીતો પણ બકવાસ હોય છે અને હિન્દીનું કોઈ સ્તર જ નથી વગેરે...

જોકે, આવી દલીલો કરતી વખતે એ લોકો અમુક મહત્ત્વના મુદ્દા ભૂલી જાય છે. હિન્દી ફિલ્મોની ભાષાના ટીકાકારોની દલીલોનો મુદ્દાસર જવાબ આપતા પહેલાં 'બમ્બૈયા હિન્દી' કે 'ભિન્દી' શું છે એ સમજીએ. 'ભિન્દી' એટલે બોમ્બે અને હિન્દીના સ્પેલિંગ પરથી મુંબઈમાં બોલાતું હિન્દી. ભિન્દી પર હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષાના શબ્દો-ઉચ્ચારોનો પ્રભાવ સૌથી વધારે છે. હિન્દી ફિલ્મોના કારણે જ બમ્બૈયા હિન્દીના અનેક શબ્દો દેશભરમાં પ્રચલિત થઈ ગયા છે. જેમ કે, મરાઠીમાં 'બિન' એટલે 'વિના' અને 'ધાસ્ત' એટલે 'ડર', એ બે શબ્દો પરથી શબ્દ બન્યો 'બિંધાસ'. આ શબ્દમાં ખોટું શું છે? ઓક્સફર્ડ ડિક્શનરીએ પણ વર્ષ ૨૦૦૫માં 'બિંધાસ' શબ્દનો સમાવેશ કરી લીધો હતો. આ સિવાય પણ અનેક ઉદાહરણો આપી શકાય. હાલમાં જ 'લગે રહો મુન્નાભાઈ' અને 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ પછી 'ગાંધીગીરી' શબ્દ પ્રચલિત થઈ ગયો, જે હિન્દી, ગુજરાતી, મરાઠીના 'દાદાગીરી' શબ્દ પરથી બનાવાયો છે.






બમ્બૈયા હિન્દીમાં 'ટપોરી' શબ્દોની બોલબાલા વધારે છે. જેમ કે, 'અપુન', 'તેરે કો', 'મેરે કો', 'યેડા-યેડી-યેડે', 'ધો ડાલ', 'ઈધરીચ-ઉધરીચ', 'લોચા હો ગયા', 'શાનપટ્ટી', 'સટક લે-કટ લે', 'લફડા હો ગયા', 'સુટ્ટા' (સિગરેટ), 'હવા આને દે', 'હરી પત્તી' (રૂપિયા), 'ટોપી પહેનાઇ' (છેતરપિંડી કરવી) 'બોલ બચ્ચન' (બડાઈઓ હાંકનારો) 'પેટી' (એક લાખ), ખોખા (એક કરોડ), કટિંગ (અડધી ચા), 'ભીડુ' (દોસ્ત),'બકરી' (સ્માર્ટફોન), 'ભેંસ' (લેપટોપ) અને 'હાથી' (ડેસ્કટોપ કમ્પ્યુટર) વગેરે. જોકે, આ શબ્દો ફક્ત ટપોરીઓ નથી બોલતા. મુંબઈ કે અમદાવાદની મલ્ટી ઈન્ટરનેશનલ ફર્મનો અંગ્રેજી બોલતો માર્કેટિંગ એક્ઝિક્યુટિવ પણ  ક્યારેક આવા શબ્દોની છૂટ લઈ લે છે. આપણે પણ સામાન્ય બોલચાલના આવા અનેક શબ્દોથી પરિચિત છીએ જ! આવા મોટા ભાગના શબ્દો શબ્દકોષમાં નથી હોતા અને હોય તો તેનો અર્થ બોલચાલના પ્રચલિત અર્થ પ્રમાણે ના થતો હોય એવું હોઈ શકે છે. આવા શબ્દોને અંગ્રેજીમાં 'સ્લેન્ગ-Slang' કહે છે, જે દુનિયાની દરેક ભાષામાં હોય છે જ.

હવે મૂળ વાત. વર્ષેદહાડે કેટલી ફિલ્મોના બધેબધા સંવાદો 'બમ્બૈયા' કે 'ભિન્દી' હોય છે. શું આ શબ્દોનો હિન્દી ફિલ્મોમાં સતત ઉપયોગ થાય છે? ના, નથી થતો. જો કોઈ ટપોરી કે માફિયા ડૉનનું પાત્ર અટલ બિહારી વાજપાઇજી જેવું હિન્દી બોલે તો કેવું લાગે! (હા, એવા પાત્રનું સર્જન જરૂર કરી શકાય) ફિલ્મોમાં પાત્રની જરૂરિયાત પ્રમાણે લખવાનું હોય છે. રામગોપાલ વર્માની 'સત્યા' ફિલ્મમાં દારૂ પીધેલા ગેંગસ્ટર પર એક ગીત પિક્ચરાઈઝ કરવાનું હતું. આવું ગીત લખવાનું કામ ગુલઝાર સા'બને સોંપાયું. એ ગીત કેવી રીતે લખાયું એ વિશે એક ઈન્ટરવ્યૂમાં તેમણે સરસ વાત કરી હતી. વાંચો એમના જ શબ્દોમાઃ ‘...મારે એક હિંસક વ્યક્તિની ભાષામાં કશુંક લખવાનું હતું. એ કોઈનું સાંભળતો નથી, તેનો વિરોધ કરે એને ગોળી મારતા એ ખચકાતો નથી. તે દારૂ પીને ખુશ થઈને કંઈક ગાવાનું શરૂ કરે છે. આવો વ્યક્તિ શું ગાય? ગેંગસ્ટર કંઈ ગાલિબની ગઝલ 'દિલ એ નાદાન, તુજે હુઆ ક્યાં હૈ...' ના ગાઈ શકે. એટલે મેં શું લખ્યું ખબર છે? 'ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...’’ 





ટૂંકમાં હિન્દી ફિલ્મો પાસે ભાષાશુદ્ધિનો આગ્રહ રાખવો જરા વધારે પડતો છે. આપણી જેમ ફિલ્મી પાત્ર પણ હિન્દી, પંજાબી, અંગ્રેજી કે દક્ષિણ ભારતની કોઈ ભાષા બોલતી વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે. ફિલ્મ એકસાથે કરોડો લોકોને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય છે. એક જ ભાષાની બોલવાની લઢણ પણ જુદી જુદી હોઈ શકે છે. ગુજરાતીનો જ દાખલો લઈ લો. અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રમાં બોલાતી ગુજરાતીની લઢણ ખાસ્સી જુદી છે! ફિલ્મમાં સામાન્ય માણસની જિંદગીનું પ્રતિબિંબ પડે છે.

જો તમે હિન્દી ફિલ્મોના શોખીન હશો તો તમને હિન્દીભાષી તો ઠીક, પંજાબી કે તમિલ-તેલુગુ ટોનમાં હિન્દી-અંગ્રેજી બોલનારી વ્યક્તિ પણ 'એલિયન' નહીં લાગે, ફેમિલિયર લાગશે. એ માટે મુખ્યત્વે બે કારણ જવાબદાર હોઈ શકે. પહેલુંહિન્દી ફિલ્મોના પંજાબી અને દક્ષિણ ભારતીય પાત્રો અને બીજું, હિન્દીમાં ડબ કરાતી દક્ષિણ ભારતીય ફિલ્મો. ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ નહોતા ત્યારે સાંસ્કૃતિક આદાનપ્રદાન થવામાં સદીઓ વીતી જતી હતી, આજે એવું નથી. ફિલ્મ-ટેલિવિઝનના કારણે સાંસ્કૃતિક આદાનપ્રદાનની ઝડપ અનેકગણી વધી ગઈ છે.

'તારક મહેતા કા ઉલટા ચશ્મા' પંજાબમાં અને દક્ષિણ ભારતમાં પણ જોવાય છે કારણ કે, તેમાં એ પ્રદેશના પાત્રો પણ છે. રોજિંદા જીવનમાં જુદી જુદી ભાષા બોલતા લોકો એકબીજાના સંપર્કમાં આવે છે અને સમયાંતરે દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો ઉમેરાતા જાય છે. એને ભાષા દુષિત થઈ ગઈ એમ નહીં પણ ભાષા સમૃદ્ધ થઈ એમ કહેવાય. હિન્દી ફિલ્મોમાં જ નહીં, સામાન્ય બોલચાલની હિન્દી ભાષામાં પણ વર્ષોથી ઉર્દૂ, ભોજપુરી, પંજાબી, રાજસ્થાની, ખડી બોલી અને અવધી ભાષાના શબ્દોનો ઉપયોગ થાય જ છે.

ઊલટાનું, હિન્દીની જેમ આ ભાષાઓના વિકાસમાં પણ હિન્દી ફિલ્મોને શ્રેય આપવો પડે! આજની હિન્દી અને ઉર્દૂની પૂર્વજ ભાષા 'હિંદુસ્તાની' તરીકે ઓળખાતી, જે ખડી બોલીમાંથી ઉતરી આવી હતી. ઉત્તર અને મધ્ય ભારતમાં આજેય આ ભાષા બોલાય છે. 'હિંદુસ્તાની' દાયકાઓ પહેલાં હિન્દવી, દેહલવી, રેખ્તા અને હિન્દી-ઉર્દૂ જેવા નામે જાણીતી હતી. હિંદુસ્તાનીમાં પણ સંસ્કૃત, પર્શિયન, અરબી અને ચગતાઈ (તૂર્કીની એક ભાષા) ભાષાના અનેક શબ્દો પ્રચુર માત્રામાં છે, જેના અંશ આજની હિન્દી અને ઉર્દૂમાં જોઈ શકાય છે.




જે ભાષામાં નવા શબ્દો ઉમેરાતા નથી એ બોલચાલની ભાષાથી ખાસ્સી અલગ થઈ જાય છે. પરિણામે સામાન્ય માણસનો સાહિત્ય સાથેનો નાતો ઝડપથી તૂટવા લાગે છે. કોઈ પણ ભાષાની શુદ્ધતાનો આગ્રહ ભાષાને વહેલી ખતમ કરી નાંખે છે. આ દલીલનો અર્થ એ નથી કે, જે તે ભાષાના પોતીકા શબ્દ હોવા છતાં બિનજરૂરી રીતે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દોનો બેફામ ઉપયોગ કર્યે રાખવો. બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો એ કળા છે.

ચંદ્રકાંત બક્ષીએ પણ ગુજરાતીમાં હિન્દી, ઉર્દૂ અને ફારસી ભાષાના શબ્દોનો પ્રચંડ ઉપયોગ કર્યો છે, પરંતુ તેમની ભાષા વાચકોને ખૂંચતી ન હતી. ફરી એકવાર ગુલઝાર સા'બને યાદ કરીએ. શાદ અલીની એક ફિલ્મમાં ગુલઝાર સા'બે, ઢાબામાં ગીત ગાતો સામાન્ય માણસ કેવી રીતે અભિવ્યક્ત થાય એ વાત ધ્યાનમાં રાખીને એક ગીત લખવાનું હતું. ગુલઝાર સા'બે કાગળ-પેન લઈને લખ્યુઃ ‘‘આંખે ભી કમાલ કરતી હૈ, પર્સનલ સે સવાલ કરતી હૈ...’’ આ ગીત એટલે વીસેક વર્ષ પહેલાં આવેલી 'બંટી ઓર બબલી' ફિલ્મનું 'કજરા રે', જેમાં તેમણે અંગ્રેજી શબ્દ 'પર્સનલ'નો ઉપયોગ કર્યો હતો, પણ એ ખૂંચતો નથી.

હિન્દી ફિલ્મોના બધા જ ગીતો અને ગીતકારોને એક જ લાકડીએ ના હાંકી શકાય. શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, મજરુહ સુલતાનપુરી, શકીલ બદાયૂની, હસરત જયપુરી, કૈફી આઝમી, કુમાર જલાલુદ્દીન, ઈન્દિવર, આનંદ બક્ષી અને સમીર જેવા અનેક ગીતકારોએ આલા દરજ્જાનું સર્જન કર્યું છે, જેને કેવી રીતે અવગણી શકાય! આ ગીતકારોનું ઘણું બધું સર્જન હિન્દીના શ્રેષ્ઠ સાહિત્યકારોની રચનાથી બિલકુલ કમ નથી. તેઓના ગીતો આજેય દુનિયાભરમાં સંભળાય છે, ગવાય છે. આવા અનેક ગીતકારો થકી જ 'અઘરી હિન્દી' લોકમુખે પહોંચી છે.

હજુયે સક્રિય ગુલઝાર, જાવેદ અખ્તર જેવા મોસ્ટ સિનિયરથી માંડીને તેમના જુનિયર  ગણાતા પ્રસૂન જોશી, ઈર્શાદ કામિલ, સ્વાનંદ કિરકિરે, અમિતાભ ભટ્ટાચાર્ય, કૌસર મુનિર અને અનવિતા દત્ત જેવા ગીતકારો પણ હિન્દી સાહિત્યના શ્રેષ્ઠ સર્જકોની બરાબરીમાં મૂકી શકાય એવું સર્જન કરી જ રહ્યા છે. એક ફિલ્મ રિલીઝ થતાં જ તેના ગીતો ઉત્તરપ્રદેશના અંતરિયાળ ગામથી માંડીને અમેરિકા કે યુરોપ-આફ્રિકાના દેશોમાં પહોંચી જાય છે. વિદેશમાં જ જન્મ્યા અને ઉછર્યા હોય એવા અને 'બાવા હિન્દી' બોલતા અનેક નોન-રેસિડન્ટ ઈન્ડિયન હિન્દી ગીતકારનું 'અઘરું' હિન્દી સમજે છે કારણ કે, હિન્દી ફિલ્મો થકી જ તેઓ ભારત સાથે મજબૂત રીતે જોડાયેલા છે.

હિન્દી જ નહીં, અંગ્રેજી, ફ્રેન્ચ કે ઈરાનિયન ફિલ્મોની ભાષા પણ તેમના સાહિત્યથી અલગ જ હોય છે. એ વાત અલગ છે કે, અમેરિકા અને યુરોપિયન દેશોની ફિલ્મો પર તેમના સાહિત્યનો પ્રચંડ પ્રભાવ છે, જ્યારે હિન્દી સહિત સહિત મોટા ભાગની પ્રાંતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પોતાની ભાષાના સાહિત્ય સાથેનો નાતો તૂટી ગયો છે. જોકે, આ મુદ્દો પણ વાઈસે વર્સા છે. એવું પણ કહેવાય છે કે, આજે ફિલ્મ બનાવી શકાય એવા સાહિત્યનું સર્જન જ નથી થતું. ખેર, આ બંને ખોટ નેક્સ્ટ જનરેશને પૂરવાની છે.

ક્યા બોલતા હૈ ભીડુ?

3 comments: