02 August, 2016

અમેરિકાનો ક્રૂર ચહેરો બયાં કરતી ‘ગ્વોન્ટાનામો ડાયરી’


ચલ સાલા ઉઠ, આજે અમે તમને ગ્રેટ અમેરિકન સેક્સ શીખવાડીશું. છેલ્લાં ૭૦ દિવસના માર-થાકથી હું ભયાનક દર્દ સાથે ઊભો થતો. ચોકીદારો મારી જોડે રમત કરવા આવે ત્યારે મારું દર્દ ઓછું કરવા હું સતત તેમના હુકમ અનુસરતો. ચોકીદારો જેટલી વાર કેદીઓની નજીક આવે એટલી વાર આડેધડ મારતા...

હું માંડ ઊભો થઉં ત્યાં બે ચોકીદારો તેમના કપડાં ઊતારીને ગંદી વાતો કરવાનું શરૂ કરતા. જોકે, આ વાતની મને પીડા નથી, પરંતુ મને સૌથી વધારે દુ:ખ ત્યારે થતું, જ્યારે બંને ચોકીદારો મને અત્યંત અપમાનજનક રીતે સેક્સ્યુઅલ થ્રીસમ માટે મજબૂર કરતા. ઘણાં લોકો સમજી નહીં શકે પણ બળાત્કારમાં સ્ત્રી જેવો જ આઘાત પુરુષને પણ લાગે છે. કદાચ સ્ત્રી કરતા પણ વધારે. કદાચ પુરુષની કુદરતી સેક્સ્યુઅલ પોઝિશનના કારણે એવું હોઈ શકે! એ બંને આગળ-પાછળથી મને રીતસરનો ચૂંથી નાંખતા...

તેઓ સતત મારા જાતીય અંગો સાથે રમત કરતા. સવારથી રાત સુધી જે ઘૃણાસ્પદ અને અપમાનજનક વાતો હું સાંભળતો એ હું અહીં નથી લખી રહ્યો. તેઓ મને ફેરવીને ઊંધો સૂવાડતા કારણ કે, થોડી વાર પછી નવું પાત્ર આવવાનું છે. આ બધું કરતી વખતે તેઓ મારા કપડાં નહોતા ઉતારતા. બધું જ યુનિફોર્મમાં થતું. આ બધું જ સિનિયરો જોતા. હું સતત પ્રાર્થના કરતો. તેઓ મારી પ્રાર્થના અટકાવવા પણ ઘાંટા પાડતા, ગાળો બોલતા...

***  

આ શબ્દો ઉત્તર આફ્રિકામાં આવેલા મોરિટેનિયા નામના દેશના રહેવાસી મોહમ્મદ ઉલ્દ સલાહીની ગ્વોન્ટાનામો ડાયરીમાં વાંચવા મળે છે. આતંકવાદી કાવતરાના આરોપસર સલાહીએ સતત ૧૪ વર્ષ સુધી અમેરિકન સૈનિકોનો આવો ત્રાસ સહન કર્યો હતો, પરંતુ કોઈ ગુનો સાબિત નહીં થતાં ૨૦મી જુલાઈ, ૨૦૧૬ના રોજ પેન્ટાગોને તેને માન-સન્માન સાથે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સલાહી હજુયે જેલમાં જ છે પણ જ્યારે તે બહાર આવશે ત્યારે તેના નામે એક અદ્ભુત પુસ્તક બોલતું હશે. એ પુસ્તક એટલે ગ્વોન્ટાનામો ડાયરી’. 

સલાહીની મુક્તિના સમાચારો આવ્યા પછી જાન્યુઆરી ૨૦૧૫માં પ્રકાશિત થયેલી ગ્વોન્ટાનામો ડાયરીફરી એકવાર ચર્ચામાં છે. ખૂબ ટૂંકા ગાળામાં આ પુસ્તક વિશ્વના ૨૫ દેશમાં કુલ ૨૨ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. સલાહી જેલમાં હોવાથી પોતાના પુસ્તક વિશે કશું બોલી શકે એમ નથી પણ તેનો અવાજ બુલંદ કરવા અમેરિકા-યુરોપના અનેક કલાકારો, લેખકો, સંગીતકારો અને પત્રકારો ગ્વોન્ટાનામો ડાયરીનું જાહેર કાર્યક્રમોમાં વાંચન કરી ચૂક્યા છે. 

મોહમ્મદ ઉલ્દ સલાહી, ગ્વોન્ટાનામો ડાયરીનું કવરપેજ અને ક્યુબાના કુખ્યાત ગ્વોન્ટાનામો બે ડિટેન્શન કેમ્પ

એવું તો શું છે આ પુસ્તકમાં? અને કોણ છે સલાહી?

મોરિટેનિયાના એક મધ્યમવર્ગીય કુટુંબમાં ૩૧મી ડિસેમ્બર, ૧૯૭૦ના રોજ જન્મેલા મોહમ્મદ ઉલ્દ સલાહીની એક આતંકવાદીથી લેખક સુધીની સફર હોલિવૂડ થ્રીલરને ટક્કર આપી શકે એવી છે! નાનપણથી જ અભ્યાસમાં હોશિયાર સલાહીને વર્ષ ૧૯૮૮માં જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કરવા સ્કોલરશિપ મળી હતી, જેના આધારે તેણે યુનિવર્સિટી ઓફ ડુઇસબર્ગમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી.

સિત્તેર-એંશીના દાયકામાં અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનો અમેરિકાની મદદથી સોવિયત યુનિયનના લશ્કર સામે લડી રહ્યા હતા. એ ગાળામાં દુનિયાભરમાં એવો પ્રચાર કર્યો હતો કે, અફઘાન લડવૈયા અમેરિકાની મદદથી રશિયાના ક્રૂર સામ્યવાદી નેતાઓ સામે ઝીંક ઝીલી રહ્યા છે. ડિસેમ્બર ૧૯૯૦માં સલાહી પણ મુજાહિદ્દિનો માટે કંઈક કરવા જર્મનથી અફઘાનિસ્તાન પહોંચ્યો. સોવિયન યુનિયનને અફઘાનિસ્તાનમાંથી ખદેડવા અમેરિકાએ વર્ષ ૧૯૭૯માં મુજાહિદ્દિનોને શસ્ત્રો પહોંચાડવા, તાલીમ આપવા અને આર્થિક મદદ કરવા અમેરિકન મિલિટરી ઈતિહાસનું સૌથી ખર્ચાળ ઓપરેશન સાયક્લોનપણ શરૂ કરી દીધું હતું. વર્ષ ૧૯૮૯ સુધી ચાલેલા આ ઓપરેશનમાં પાકિસ્તાની પ્રમુખ ઝિયા ઉલ હક્કે આઈએસઆઈની મદદથી મુજાહિદ્દિનોને સશસ્ત્ર તાલીમ આપીને અમેરિકાને મદદ કરી હતી, જેના બદલામાં પાકિસ્તાનને અમેરિકાના આર્થિક લાભ મળતા હતા.

આ દરમિયાન સલાહીએ પણ અફઘાનિસ્તાન પહોંચીને આઈએસઆઈની મદદથી ઊભા કરાયેલા એક કેમ્પમાં સખત તાલીમ લીધી. આ પ્રકારના ગેરકાયદે કેમ્પમાં તાલીમ લીધા પછીયે સલાહી વર્ષ ૧૯૯૦-૯૧માં બે વાર અફઘાનિસ્તાનથી જર્મની અવરજવર કરી શક્યો કારણ કે, તેઓ સોવિયેત યુનિયન સામે લડતા હોવાથી અમેરિકાના દોસ્તહતા. આવા હજારો મુજાહિદ્દિનો દુનિયાભરમાં એક મજબૂત ઇસ્લામિક આંદોલનને અજાણતા જ હવા આપી રહ્યા હતા. મુજાહિદ્દિનોનો હેતુ અફઘાનિસ્તાનમાંથી સામ્યવાદ ભગાડીને સ્થિર સરકાર સ્થાપવાનો હતો, નહીં કે અમેરિકા સામે લડવાનો. એટલે અમેરિકા બેખૌફ હતું અને તેઓને મુજાહિદ્દિનોનો કોઈ ભય ન હતો.


સલાહીની હેન્ડરિટન ડાયરીનું પહેલું પાનું


અમેરિકા અફઘાનિસ્તાનના સ્થાનિક મુજાહિદ્દિનો માટે જે કંઈ નાણાં ખર્ચતું હતું, તેનો થોડો હિસ્સો પાકિસ્તાન થકી વિદેશી આરબ મુજાહિદ્દિનોના સમર્થક ગુલબુદ્દીન હેકમાત્યાર નામના કટ્ટરવાદી-સ્વાર્થી નેતા સુધી જતો હતો. એ ગાળામાં સુદાનના એક નવાસવા નેતાએ અફઘાનિસ્તાનમાં વિદેશી આરબ મુજાહિદ્દિનોને મોકલવાનું ઓપરેશન શરૂ કર્યું હતું. હેકમાત્યાર એ સુદાની નેતા સાથે મળી ગયો હતો. હેકમાત્યારને અફઘાનિસ્તાનના મુજાહિદ્દિનોની કંઈ પડી ન હતી. તે અફઘાનિસ્તાનમાં પેલા સુદાની નેતાને છૂટો દોર આપીને સત્તામાં ભાગબટાઈના સપનાં જોતો હતો. એ સુદાની નેતા એટલે અમેરિકા પર કાળ બનીને ત્રાટકનારો ઓસામા બિન લાદેન.

હેકમાત્યારે વિદેશી આરબ મુજાહિદ્દિનોને અમેરિકાના શસ્ત્રો પહોંચાડીને અફઘાનિસ્તાનના હજારો સ્થાનિક મુજાહિદ્દિનોને મોતને ઘાટ ઉતરાવી દીધા હતા. અફઘાનિસ્તાનના રહેણાક વિસ્તારોમાં પણ તેણે ઘાતક હુમલા કરાવ્યા હતા. આ વાતથી અમેરિકા વાકેફ હતું, પરંતુ અંદરોદર લડતા સ્થાનિક અફઘાનો અને વિદેશી આરબ મુજાહિદ્દિનોની કત્લેઆમ રોકવામાં અમેરિકાને કોઈ રસ ન હતો. અમેરિકાને ફક્ત સોવિયેત યુનિયનને નુકસાન પહોંચાડવું હતું, પાકિસ્તાનને આર્થિક મજબૂતાઈ અને શસ્ત્રો જોઈ હતા, જ્યારે હેકમાત્યાર અને લાદેન અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક શાસન સ્થાપવાના સપનાં જોઈ રહ્યા હતા.

આ પ્રકારના સ્વાર્થનું વિષચક્ર કટ્ટરપંથી દિશાહીન ઈસ્લામિક આંદોલનને જન્મ આપી ચૂક્યું હતું.

***   

આ ઈસ્લામિક આંદોલન ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકાના ટ્વિટ ટાવર પર બે વિમાનોનું રૂપ ધારણ કરીને ત્રાટક્યું. એ પછીનો ઈતિહાસ જાણીતો છે એટલે આપણે ફક્ત મોહમ્મદ ઉલ્દ સલાહીની વાત કરીશું.

લાદેને ૯/૧૧નો હુમલો કર્યો એ પહેલાં સલાહીનો સાળો મહેફૂઝ ઉલ્દ અલ વાલિદ લાદેનનો ધાર્મિક સલાહકાર અને અલ કાયદાની શરિયા સમિતિનો વડો હતો. અમેરિકાના ટ્વિન ટાવર પરના હુમલાના બે મહિના પહેલાં અલ કાયદાના અનેક સભ્યોએ વાલિદની આગેવાનીમાં લાદેનને પત્ર લખીને આ હુમલાનો સખત વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, આ હુમલા પછી વાલિદે અલ કાયદા સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા હતા.

આ દરમિયાન વર્ષ ૧૯૯૦માં વાલિદે સલાહીને બે વાર ફોન કરીને  મોરિટેનિયામાં તેના પરિવારજનોને થોડા પૈસા મોકલવાની વિનંતી કરી હતી. સલાહીએ વાલિદના પરિવારજનોને બે વાર ચાર-ચાર હજાર ડૉલર મોકલ્યા હતા. એ વખતે વાલિદ સુદાનમાં હતો અને અમેરિકન ઈન્ટેલિજન્સ તેના જેવા અનેક લોકોના ફોન ટ્રેસ કરતું હતું. સલાહીએ પણ વાલિદ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એટલે સલાહી પણ અમેરિકન ઈન્ટેલિજન્સનો ‘શકમંદ’ બની ગયો હતો. વળી, સલાહીએ વાલિદના પરિવારજનોને પૈસા મોકલ્યા હોવાથી અમેરિકનો એવું માની લીધું હતું કે, સલાહી લાદેનના ઓપરેશનમાં ફાઈનાન્સને લગતી ભૂમિકા ભજવી રહ્યો છે.

અફઘાનિસ્તાનના વડાપ્રધાનપદે ટૂંકા ગાળા માટે ત્રણ વાર
બિરાજનાર ગુલબુદ્દીન હેકમાત્યાર 

આ સિવાય પણ બીજી એક ઘટના બની જેના કારણે સલાહી ફરી એકવાર અમેરિકન ઈન્ટેલિજન્સની નજરે ચડ્યો. વર્ષ ૧૯૯૯માં જર્મનીના વિઝા ના મળતા સલાહી કેનેડા ગયો. સલાહી કુરાનનો અભ્યાસુ હોવાથી કેનેડાના એક ઈમામે રમઝાન વખતે મસ્જિદમાં પ્રાર્થના કરવા તેને આમંત્રિત કર્યો હતો. જોકે, આ મસ્જિદમાં અહેમદ રેસ્સમ નામનો અલ્જિરિયાનો યુવક પણ આવતો, જેણે વર્ષ ૨૦૦૦માં લોસ એન્જલસ એરપોર્ટ ઉડાવી દેવાનું નિષ્ફળ કાવતરું કર્યું હતું. રેસ્સમ જ્યાં આવતો હતો એ જ મસ્જિદમાં સલાહી પહોંચતા અમેરિકન ઈન્ટેલિજન્સ ચૌંકન્નું થઈ ગયું. અમેરિકાના ઈશારે કેનેડિયન ઈન્ટેલિજન્સે સલાહીની સખત તપાસ કરી, પણ કશું હાથ નહીં લાગતા જાન્યુઆરી ૨૦૦૦માં તેને મોરેટેનિયા જવા દેવો પડ્યો.

જોકે, અમેરિકાને આટલેથી સંતોષ ના થયો. સલાહી કેનેડાથી મોરિટેનિયા જતો હતો ત્યારે અમેરિકાએ સેનેગલમાં તેની અટકાયત કરાવી. એ પછી સતત બે વર્ષ અમેરિકન ઈન્ટેલિજન્સની સલાહી પર ૨૪ કલાક નજર રહી. અમેરિકન લશ્કરના અધિકારીઓ ગમે ત્યારે આવીને સલાહીને જોર્ડન, અફઘાનિસ્તાન કે કોઈ અજાણ્યા સ્થળે લઈ જઈ પૂછપરછ કરતા. છેવટે ચોથી ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ અમેરિકન સૈનિકો સલાહીને એક ફાઈટર પ્લેનમાં બેસાડીને ક્યુબાના ગ્વોટેનામો બે ડિટેન્શન કેમ્પમાં લઈ ગયા.

એ દિવસ સલાહીના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો.

***

આ કેમ્પમાં પહેલાં જ દિવસથી સલાહીને દિવસમાં ત્રણ-ચાર વાર શારીરિક, માનસિક અને જાતીય ત્રાસ આપીને પૂછપરછ કરાતી. ઉંઘ આવે કે તુરંત જ ઉઠાડીને પૂછપરછ માટે લઈ જવાતો. સખત ઠંડી, ગરમી અને ભૂખની પીડા અપાતી. અમેરિકન સૈનિકો ક્યારેક તેનું બનાવટી અપહરણ તો ક્યારે બનાવટી હત્યા કરવાનું નાટક કરીને તેને મનોવૈજ્ઞાનિક ત્રાસ ગુજારતા. સૈનિકો સલાહીને ક્યારેક દરિયાઈ સ્ટેશન નજીક સ્પિડ બોટમાં બેસાડીને ત્રણ-ચાર કલાક સફર કરાવતા. આ પ્રકારની ટ્રીપનો હેતુ બોટમાં કેદી પર અત્યાચાર ગુજારવાનો અને તેને દૂર બીજી જેલમાં ખસેડ્યો છે એવા ભ્રમમાં નાંખવાનો હતો. આવી ટ્રીપ વખતે સલાહીને ખારું પાણી પીવડાવીને પણ શારીરિક પીડા અપાતી. અહીં લાવનારા કેદીઓને ક્યારેય મોતને ઘાટ નહીં ઉતારાતા. તેઓને ખૂબ જ ધીમું મોત અપાતું.

આ સ્થિતિમાં વર્ષ ૨૦૦૫માં સલાહીએ અંગ્રેજી ભાષામાં ડાયરી લખવાનું શરૂ કર્યું. જેલની નર્કાગાર સ્થિતિમાં દર્દ ભૂલવા સલાહીએ અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું! સલાહીએ આશરે ૧૪ વર્ષના દર્દનો હિસાબ ૪૬૬ પાનામાં ઉતાર્યો છે.

રસપ્રદ વાત એ છે કે, આ ડાયરી પ્રસિદ્ધ કરવા અમેરિકાએ સલાહીને અદાલતમાં જવાની મંજૂરી આપી હતી. છેવટે જાન્યુઆરી ૨૦૧૫માં અમેરિકન ઈન્ટેલિજન્સની કેટલીક કાપકૂપ સાથે આ ડાયરી પ્રસિદ્ધ થઈ. આ પુસ્તકમાં મોહમ્મદ ઉલ્દ સલાહીએ અમેરિકન જેલમાં જે કંઈ સહન કર્યું એ સિવાય પણ ઘણું બધું ‘બિટ્વિન ધ લાઈન્સ’ વાંચી શકાય છે.

સલાહીની ડાયરી વૈશ્વિક રાજકારણની અન્યાયી-સ્વાર્થી નીતિઓ, દુશ્મન કા દુશ્મન દોસ્તની અનૈતિક નીતિથી થતું નુકસાન, અન્યાયનો પ્રતિકાર કરવાની ખોટી રીતમાંથી હેવાન બની જતું ટોળું અને હેવાનિયતનો સામનો કરવા ખુદ સરકાર જ કેવી રીતે હેવાન બની જાય એ બધું જ બયાં કરે છે.

4 comments:

  1. સરસ પણ તારીખમાં સરતચૂક રહી ગઈ છે તે સુધારી શકાય તો.
    ૧૧ સપ્ટેમ્બરને બદલે ભૂલથી ૯મી સપ્ટેમ્બર થઇ ગયું છે.
    સસ્નેહ.

    ReplyDelete
    Replies
    1. Thanks a lot. I corrected. Keep Reading, Keep Sharing.

      Delete
  2. Wah , Vishalbhai. Really khub j mast article. a pahela kadi a vishe mahiti na hati. america na svarthi chahera pachhal ghani sachhai chhupai ne bethi chhe. aava ketlay kedi o ne yatim taklif apai rahi che. a eno ek hisso matra chhe. Awasume article you have wrriten

    Dhaval

    ReplyDelete
    Replies
    1. Thanks buddy. Keep WORTH Reading, Keep Sharing.

      Delete