25 July, 2016

આતંકનું નવું શસ્ત્ર: લોન વુલ્ફ એટેક


ભારતીય લશ્કરે બુરહાન વાનીને ઠાર માર્યા પછી જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર બુરહાન સ્ટિલ અલાઈવલખેલા પોસ્ટર્સ અને સંદેશા જોવા મળતા હતા. આ પહેલાં ઓસામા બિન લાદેન વિશે પણ એવું જ કહેવાતું હતું કે, એક લાદેનને મારશો તો બીજા હજાર પેદા થશે! આપણને ગમે કે ના ગમે. આ વાત સાચી પડી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ કે બાંગ્લાદેશમાં ત્રાટકતા આતંકવાદી લાદેન કે ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બક્ર અલ બગદાદીના જ ક્લોનછે. આતંકના પોસ્ટર બોય્સને ભલે છુપાઈને રહેવું પડે પણ તેમના વિચારો દુનિયાભરમાં સહેલાઇથી પહોંચે જ છે. આ વિચારમાંથી જ લોન વુલ્ફ એટેકર્સપેદા થાય છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ફ્રાન્સના નીસમાં થયેલો હુમલો આતંકવાદના ઈતિહાસનો સૌથી ખતરનાક લોન વુલ્ફ એટેક છે. આ હુમલા પછી ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે, આખરે લોન વુલ્ફ એટેકને કેવી રીતે રોકી શકાય?

આ સવાલનો જવાબ મેળવતા પહેલાં લોન વુલ્ફ એટેકનું બેકગ્રાઉન્ડ.

લોન વુલ્ફ એટેક એટલે શું?

લોન વુલ્ફ એટેક એકલા હાથેથતો હોવાથી તે લોનએટેક તરીકે ઓળખાય છે. અહીં લોનશબ્દનો અર્થ એ નથી કે, આ પ્રકારનો હુમલો એક જ વ્યક્તિ કરે છે. આવા હુમલામાં એકથી વધારે વ્યક્તિ સંડોવાયેલી હોઈ શકે છે પણ તેમને કોઈ સંસ્થા કે જૂથનું પીઠબળ નથી હોતું. એ અર્થમાં આ પ્રકારના હુમલા લોન એટેકગણાય છે. આવો હુમલો કરનારી વ્યક્તિ કોઈ ઉદ્દામવાદી જૂથની વિચારધારા અને માન્યતાઓથી પ્રભાવિત હોય છે. લોન વુલ્ફ એટેકરને કોઈ જૂથનો આર્થિક ટેકો નથી હોતો, તેઓ શસ્ત્ર-સરંજામ પણ જાતે મેળવી લે છે અને હુમલાનું આયોજન પણ જાતે જ કરે છે.



હવે વુલ્ફ શબ્દની વાત. સામાન્ય રીતે, જૂથમાં રહેવા ટેવાયેલી વરુની વિવિધ પ્રજાતિમાં ક્યારેક એવા પણ વરુ જોવા મળે છે, જે એકલા રહેવાનું પસંદ કરે છે. આ પ્રકારના વરુ એનિમલ સાયન્સની દુનિયામાં લોન વુલ્ફતરીકે ઓળખાય છે. કોઈ એકલદોકલ વ્યક્તિ દ્વારા કરાતા નાના-મોટા હુમલાને શરૂઆતમાં રખડતા કૂતરા દ્વારા થતાં હુમલા સાથે સરખાવાતા હતા. એ પછી અમેરિકન ટેરરિઝમ એક્સપર્ટ બ્રાયન માઇકલ જેનકિન્સે રખડતા કૂતરા જેવા જ, પણ કૂતરા કરતા વધારે ઘાતક હુમલાને લોન વુલ્ફ એટેકનામ આપ્યું.

નેવુંના દાયકામાં અમેરિકામાં એલેક્સ કર્ટિસ અને ટોમ મેટ્ઝર નામના જાતિવાદી ઉદ્દામવાદીઓના કારણે આ શબ્દ વધુ પ્રચલિત થયો. આ બંને અમેરિકનો સ્પષ્ટપણે માનતા હતા કે, દુનિયામાં શ્વેત પ્રજા કુદરતી રીતે જ  બધી બાબતોમાં શ્રેષ્ઠ છે. આ કારણસર શ્વેતોને તમામ અશ્વેતો પર રાજકીય, આર્થિક અને સામાજિક રીતે ચડિયાતા રહેવાનો હક્ક છે. આવા વિચારો ધરાવતા કર્ટિસ અને મેટ્ઝરે વ્હાઈટ સુપ્રીમસીએટલે કે શ્વેત જ સર્વશ્રેષ્ઠમાં માનતા અમેરિકનોને અપીલ કરી હતી કે, તમે કોઈ સંસ્થા સાથે જોડાઈને નહીં પણ એકલા હાથે જ વ્હાઈટ સુપ્રીમસીનો આક્રમક ફેલાવો કરવા અન્ડરગ્રાઉન્ડ એક્ટિવિટી સતત ચાલુ રાખો. યોદ્ધાની જેમ એકલા કે નાના નાના જૂથોમાં લડો. રોજેરોજ સરકાર કે બીજા લોકો પર સતત હુમલા કરો...

આ વિચારધારાને કર્ટિસે લોન વુલ્ફ એક્ટિવિઝમનામ આપ્યું હતું. એ પછી એફબીઆઈએ કર્ટિસ અને મેટ્ઝરની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા એક ઓપરેશન શરૂ કર્યું હતું, જેને ઓપરેશન લોન વુલ્ફનામ અપાયું હતું. સદનસીબે અમેરિકામાં કર્ટિસ અને મેટ્ઝરના વિચારોને બહુ સમર્થન મળ્યું ન હતું.  

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય

લોન વુલ્ફ એટેક રોકવા અશક્ય છે એ વાત સૌથી તાજા ઉદાહરણથી સમજીએ. જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોના હાથે મરાયેલો બુરહાન વાની હિઝબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર હતો એ તો જગજાહેર વાત છે, પરંતુ બુરહાનથી બીજા હજારો કાશ્મીરીઓ પ્રભાવિત છે એનું શું? આ હજારો કાશ્મીરીઓમાંથી કોઈ પણ ફરી એકવાર આત્મઘાતી હુમલો કરી શકે છે. એ માટે તેમને હિઝબુલ મુજાહિદ્દીન કે લશ્કર એ તોઇબા કે જૈશ એ મોહમ્મદની મદદની જરૂર જ નથી. જે માણસ બ્લેક લિસ્ટેડજૂથ કે વ્યક્તિ સાથે સંપર્ક કર્યા વિના જ મોટું કાવતરું પાર પાડવાનો હોય તો તેને ઝડપવાનો કેવી રીતે?

ટોમ મેટ્ઝર અને એલેક્સ કર્ટિસ

અમેરિકાના ઓરલાન્ડોમાં ગે ક્લબ પર ઓમર માતિને ૫૦ લોકોને શૂટ કરી દીધા એ પછી ખબર પડી કે, માતિન તો ઈસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રભાવિત હતો. માતિન સીરિયા પણ જઈ આવ્યો હતો. એટલે એફબીઆઈના એજન્ટોએ અમેરિકન સ્ટાઈલમાં તેની પૂરેપૂરી તપાસ કરી હતી. માતિનની મનોવૈજ્ઞાનિક ચકાસણી પણ થઈ ગઈ હતી અને એફબીઆઈએ માની લીધું હતું કે, માતિનને છૂટો મૂકવો ખતરારૂપનથી.  આ કારણસર એફબીઆઈએ તેને ચુસ્ત સર્વેલન્સ હેઠળ પણ મૂક્યો ન હતો.

જોકે, માતિન સર્વેલન્સ હેઠળ હોત તો પણ શું? આજેય એફબીઆઈને ખબર નથી કે, માતિને આચરેલા હત્યાકાંડ પાછળ કયું પરિબળ કામ કરી ગયું! હવે જાતભાતની તપાસ કરીને કહેવાય છે કે, માતિન માનસિક બિમાર, તણાવગ્રસ્ત અને નિરાશાવાદી હતો. તે સમલૈંગિકોને નફરત કરતો હતો વગેરે. જો દરેક લોન વુલ્ફ એટેકર કે આતંકવાદીને માનસિક બિમાર ગણી લઈએ તો તે આખી વાતનું ઓવર સિમ્પિલિફિકેશન કરી નાંખ્યું ગણાશે! 

અત્યારે વિશ્વમાં સૌથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ધરાવતું ઈઝરાયેલ પણ લોન વુલ્ફ એટેકનો સૌથી વધારે સામનો કરી રહ્યું છે. એ પછી યુરોપના પેરિસ, બ્રસેલ્સ અને લંડન જેવા શહેરો અને અમેરિકાનો નંબર આવે છે. અમેરિકાએ જડબેસલાક ઈમિગ્રેશન નીતિનો અમલ કરીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે, પરંતુ પહેલેથી જ અમેરિકામાં છે એવા સંભવિત લોન વુલ્ફ એટેકર્સનું શું?

અમેરિકન સુરક્ષા નિષ્ણાતોએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, કઈ વ્યક્તિ ક્યારે હુમલો કરશે એનું ભવિષ્ય ભાખવું અમારા માટે અશક્ય છે.

પોસ્ટ, ટ્વિટ અને હેશટેગ

લોન વુલ્ફ એટેક માટે ઈન્ટરનેટ ગેમ ચેન્જર બનીને આવ્યું છે. જેમ કે, હજારો કાશ્મીરીઓ ક્યારેય બુરહાનને મળ્યા નથી. એવી જ રીતે, ફ્રાન્સના નીસમાં હુમલો કરનારો મોહમ્મદ બુહેલ કે ઓરલાન્ડોની ગે ક્લબનો શૂટર ઓમર માતિન પણ ક્યારેય બગદાદીને મળ્યા ન હતા. આમ છતાં, તેઓ ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત હતા.

ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરો સીરિયા, ઈરાક કે કોઈ બીજા જ દેશમાં બેઠા બેઠા ઈન્ટરનેટ પર આતંક ફેલાવી રહ્યા છે. આ પહેલા એલટીટીઈ અને અલ કાયદાએ પણ ટેક્નોલોજીનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો પણ ઈસ્લામિક સ્ટેટ તો ટેક્નોલોજીની મદદથી આતંકની દુનિયાને નવી જ ઊંચાઈએ પહોંચાડી દીધી છે. ઈસ્લામિક સ્ટેટના કમાન્ડરોએ કમ્પ્યુટર પર બેસીને દુનિયાભરમાં વિદેશી લડવૈયાઓની ભરતી કરી રહ્યા છે અને લાખો લોકોને ખ્રિસ્તીઓ સામે લડવા ઉશ્કેરી રહ્યા છે. જોકેઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થનારા યુવાનોમાં ભારતનું સ્થાન સૌથી નીચે છે એ પણ હકીકત છે.

ઓરલાન્ડોની ગે ક્લબ પર હુમલો કરનારો ઓમર માતિન

આમ છતાં, ભારતે અત્યારથી ચેતવું જોઈએ કારણ કે, કાશ્મીરમાં ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાતો શબ્દ આઈએસઆઈએસછે. ઈસ્લામિક સ્ટેટ વૈશ્વિક સ્તરે પબ્લિસિટી મેળવવા, પોતાના વિચારો ફેલાવવા અને પશ્ચિમી મીડિયા તેમના વિશે જે અફવા ફેલાવે છે એનો સામનો કરવા ઈન્ટરનેટનો પ્રચંડ ઉપયોગ કરી રહ્યું છે. કાશ્મીરના યુવાનો રોજેરોજ ફેસબુક પર ભારત વિરોધી પોસ્ટ મૂકે છે કે ફેસબુક પેજ બનાવે છે, ટ્વિટ કરે છે અથવા કોઈ હેશટેગ પોપ્યુલર કરે છે. કાશ્મીર પોલીસ રોજેરોજ આ બધું બ્લોક કરે છે પણ તેને સંપૂર્ણ અટકાવી શકાતું નથી.

હાલમાં સમાચાર હતા કે, સીરિયા અને ઈરાકમાં ઈસ્લામિક સ્ટેટ ખૂબ મોટો હિસ્સો ગુમાવી દીધો. તેઓ સીરિયા, ઈરાક અને નાટોના લશ્કર સામે હારી ગયા. જો આતંકવાદ જીવતો રાખવાનો સવાલ છે તો ઈસ્લામિક સ્ટેટને આ વાતથી કોઈ ફર્ક નથી પડતો. ઊલટાનું જો તેઓ વિખેરાઈ જશે તો વધારે આક્રમક રીતે લોન વુલ્ફ એટેક કરશે એવો પણ ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. ઈસ્લામિક સ્ટેટ જેવી તાકાતોને તોડી પાડવા બહુ જ લાંબા ગાળાની નીતિઓ બનાવવી પડે છે. ફક્ત બંદૂકની ગોળીથી એ કામ શક્ય નથી.

ટૂંકમાં આતંકવાદ સામે લડવા સ્પેશિયલ ફોર્સની મદદથી સાઈકોલોજિકલ અને પર્સેપ્શન મેનેજમેન્ટ કરીને બુલેટલેસ વૉરલડવાની કળા હસ્તગત કરવી પડે. સ્પેશિયલ ફોર્સના કમાન્ડો માટે ગોળી એ અંતિમ વિકલ્પ હોય છે અને તેમના ઓપરેશનમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશો સ્પેશિયલ ફોર્સની મદદથી બખૂબી આ કામ કરી રહ્યા છે.

નોંધઃ ‘ઈસ્લામિક સ્ટેટ’ કે ‘સ્પેશિયલ ફોર્સ’ અંગે વાંચવા એ શબ્દ પર ક્લિક કરો.  

No comments:

Post a Comment