14 August, 2016

રિયો ઓલિમ્પિક : વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ


વિશ્વ વિખ્યાત યોદ્ધા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, ''લશ્કરની કૂચ પેટ પર આધારિત હોય છે.'' આ વાત એથ્લેટને પણ એટલી જ લાગુ પડે છે. બ્રાઝિલના રિયો દ જનેરોમાં ઓલિમ્પિક પાંચમી ઓગસ્ટે શરૂ થયો હતો, જે ૨૧મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. જોકે, વિશ્વના ૨૦૫ દેશના ૧૧ હજાર ખેલાડીઓ રિયોના વાતાવરણમાં સેટ થવા મિડ જુલાઈમાં જ ત્યાં પહોંચી ગયા હતા. યજમાન દેશે દોઢેક મહિના સુધી આ તમામ ખેલાડીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ખવડાવવા-પીવડાવવાનું હોય છે. આ સિવાય વિવિધ દેશની જુદી જુદી સ્પોર્ટ્સ ટીમના સાતેક હજાર અધિકારીઓને ત્રણેક વાર ભોજન આપવાની જવાબદારી પણ યજમાન દેશની હોય છે. એ માટે ઓલિમ્પિક વિલેજમાં જ સળંગ ૧૭ દિવસ સુધી, વિવિધ રમતોના ખેલાડીઓ માટે, જુદા જુદા પ્રકારની ૬૦ હજાર ડિશ તૈયાર કરવી પડે. આટલી ડિશનું અંદાજિત વજન જ અઢી લાખ કિલો થાય. જો એકાદ હજાર વ્યક્તિના લગ્ન સમારંભમાં બધાને એક સરખું ભોજન પીરસવાનું હોવા છતાં રસોડું એક મોટી જવાબદારી હોય, તો ઓલિમ્પિકના રસોડાનું મેનેજમેન્ટ કેટલું અઘરું હોય એ સમજી શકાય એમ છે! એટલે જ આ મેગા સ્પોર્ટ્સ ફેસ્ટિવલને દુનિયાનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ પણ કહી શકાય.  

દરેક રમતના એથ્લેટ માટે જુદું જુદું ભોજન

એક સમયે લગ્ન જેવા પ્રસંગોએ રસોડું સંભાળવાની જવાબદારી પરિવારના કોઈ નિષ્ણાત માણસને સોંપાતી. એવું પણ કહેવાતું કે, જો રસોડું હીટ તો પ્રસંગ પણ હીટ. આ વાત ઓલિમ્પિકને પણ એટલી જ લાગુ પડે છે કારણ કે, ઓલિમ્પિકનું સફળ આયોજન કરવું એ કોઈ પણ દેશ માટે ઈજ્જતનો સવાલ હોય છે. ઓલિમ્પિક જેવા સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજતા દેશો ઓલિમ્પિક વિલેજમાં ખાણીપીણીનો કોન્ટ્રાક્ટ કેટરર્સને સોંપી દે છે. હા, આજે લગ્નોમાં જે રીતે કેટરર્સને કોન્ટ્રાક્ટ આપવાનો ટ્રેન્ડ છે એવી જ રીતેરિયો ઓલિમ્પિકમાં કેટરિંગની જવાબદારી રસેલ પાર્ટનરશિપ નામની ઈન્ટરનેશનલ ફર્મને સોંપાઈ છે. લંડન ઓલિમ્પિક ૨૦૧૨ અને રશિયાના સોચી ઓલિમ્પિક ૨૦૧૪નો કેટરિંગ કોન્ટ્રાક્ટ પણ આ જ કંપનીને મળ્યો હતો. આ કંપનીએ ૨,૫૦૦ વ્યક્તિની મજબૂત કેટરિંગ ટીમ બનાવી છે, જેમનું કામ ઓલિમ્પિક વિલેજમાં તમામને આરોગ્યપ્રદ ભોજન-પાણી આપવાનું તેમજ ફૂડ પોઈઝન જેવી મુશ્કેલી ના આવે એ જોવાનું છે.

રિયો ઓલિમ્પિક વિલેજની ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટ

આ બધું તો સહેલું છે પણ સૌથી અઘરું કામ જુદી જુદી રમતોના ખેલાડીઓને તેમની જરૂરિયાત, આદત અને સૂચના પ્રમાણે જુદું જુદું ભોજન પૂરું પાડવાનું છે. એ માટે ઓલિમ્પિક વિલેજમાં ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતી ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટ તૈયાર કરાઈ હોય છે. ત્યાં જઈને ખેલાડીઓ સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનની સલાહ પ્રમાણે જે જોઈએ એ ફૂડ ‘ફ્રી ઓફ ચાર્જ’ ઓર્ડર કરી શકે છે. ઓલિમ્પિકમાં યુસેન બોલ્ટ (રનર), માઇકલ ફેલ્પ્સ (સ્વિમર), સેરેના વિલિયમ્સ (ટેનિસ), યેલેના ઈસિનબેવા (પોલ વૉલ્ટર) અને બ્રેડલી વિગિન્સ (સાયકલિંગ) જેવા સુપર સ્ટાર ખેલાડીઓની પર્સનલ પ્રોફેશનલ ટીમ પણ હોય છે, જે તેમના ડાયેટથી માંડીને ટ્રેઇનિંગ સુધીની તમામ બાબતનું ધ્યાન રાખતી છે. રગ્બી, ફૂટબોલ, બાસ્કેટ બોલ જેવી રમતોની ટીમ પણ તેમના પર્સનલ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયનની સલાહ પ્રમાણે ભોજન લે છે. જેમ કે, સ્વિમર કે બોક્સરનું વજન એક ગ્રામ પણ ના વધે એનું ધ્યાન રાખવાનું હોય છે. એ માટે ડાયેટિશિયનની સૂચના પ્રમાણે જ ખાવું-પીવું પડે છે.

પોષકદ્રવ્યો અને હાઈ કેલરી વાનગીઓની બોલબાલા

એક તંદુરસ્ત પુરુષ એક દિવસમાં માંડ ૨,૫૦૦ કેલરી અને એક મહિલા ૨,૨૦૦ કેલરી જેટલો ખોરાક લઈ શકે. કેલરી એ શરીરની ઊર્જા માપવાનો એકમ છે. એક કિલો પાણીને, એક ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવા જોઈતી ઊર્જા બરાબર એક કેલરી. હવે ઓલિમ્પિયન એથ્લેટની ભૂખ શું હોય છે એ સમજીએ.

ઓલિમ્પિકમાં સૌથી ધરખમ ડાયેટ સ્વિમર્સનું હોય છે. ઓલિમ્પિયન સ્તરનો એક સ્વિમર એક દિવસમાં દસ હજાર કેલરી જેટલો ખોરાક હજમ કરી જાય છે. જેમ કે, અમેરિકન સ્વિમર માઈકલ ફેલ્પ્સ ઓલિમ્પિકમાં તેનું વજન એક ગ્રામ પણ વધવા નથી દેતો! એક બાજુ વજન વધારવાનું નથી હોતું અને બીજી બાજુ સ્પર્ધા વખતે પૂરેપૂરી શક્તિથી પર્ફોર્મન્સ આપી શકાય એ માટે વધુ પડતી કેલરી ખર્ચાય એવી પ્રેક્ટિસ-ટ્રેઇનિંગ બંધ કરાઈ હોય છે. આમ છતાં, ફેલ્પ્સ જેવો એક સ્વિમર સવારના નાસ્તામાં બાફેલા ઈંડા, ચીઝ, ટામેટા અને લેટસથી ભરેલી ત્રણ મોટી સેન્ડવિચ, એક વાટકી બાફેલું અનાજ-કઠોળ, ત્રણ ફ્રેન્ચ ટોસ્ટ અને ત્રણ ચોકલેટ ચિપ્સ પેનકેક ખાઇ જાય છે. આ ખાલી નાસ્તો છે. કોઈ પણ ખેલાડીનું આવું ડાયેટ તૈયાર કરતી વખતે તેને જોઈતી કેલરી અને પોષકદ્રવ્યોનું પૂરેપૂરું ધ્યાન રખાયું હોય છે.
ઓલિમ્પિકમાં એવા પણ ખેલાડીઓ હોય છે, જેમને વધારે પોષકદ્રવ્યોની જરૂર પડે છે પણ ખોરાકની નહીં. જેમ કે, મેરેથોન જેવી ગેમમાં કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રેન્થ (ફેફસાની તાકાત) એટલે કે ઓક્સિજન લેવાની શક્તિ વધારે જોઈએ. એ માટે મેરેથોન રનરને ખૂબ પોષકદ્રવ્યો ધરાવતા ખોરાકની જરૂર પડે, પરંતુ મેરેથોન પહેલાં શરીરનું વજન થોડું પણ ના વધે એનું પૂરતું ધ્યાન રાખવાનું હોય. એ માટે એક મેરેથોન રનર ૩,૬૦૦ કેલરી જેટલા ખોરાકમાંથી જ જોઈતા પોષકદ્રવ્યો મેળવી લે છે. મેરેથોન રનરના ડાયેટમાં તાજા બીટના જ્યૂસનો પણ અચૂક સમાવેશ કરાય છે કારણ કે, તેનાથી શરીરની ઓક્સિજન લેવાની શક્તિ વધે છે. એવી જ રીતે, ટ્રાયથ્લેટ એક દિવસમાં છ હજાર કેલરી જેટલો ખોરાક લે છે, જેમાંથી તે જોઈતા પોષકદ્રવ્યો મેળવી લે છે.

ગ્રાન્ડ એથ્લેટ્સ રેસ્ટોરન્ટમાં જુદી જુદી રમતના ખેલાડીઓને સહેલાઈથી ભોજન મળી રહે એનું પૂરતું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, ઓલિમ્પિકમાં સરેરાશ ૧૮ વર્ષની ફિમેલ જિમ્નાસ્ટ આખા દિવસમાં માંડ ૧,૨૦૦ કેલરી જેટલો ખોરાક લે છે કારણ કે, ચેમ્પિયનશિપ વખતે શરીર હલકુંફૂલકું રાખવું જરૂરી હોય છે. આ સ્થિતિમાં જિમ્નાસ્ટ ફિઝિકલ સ્ટ્રેન્થ ટકાવી રાખવા શરીરને જોઈતા તમામ પોષકદ્રવ્યો બને એટલા ઓછા ભોજનમાંથી મેળવી લે છે, જેમાં બાફેલા ઈંડા, યોગર્ટ, સલાડ વિથ ચિકન કે ફિશ (માંડ એક પીસ)નો સમાવેશ થાય છે

એવું ના સમજતા કે, ઓલિમ્પિક વિલેજમાં બધું શુષ્ક ખાવાનું મળતું હશે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના કૂકની દેખરેખ હેઠળ એક એકથી ચડિયાતી વાનગીઓ તૈયાર કરી હોય છે, પરંતુ તેમાં ન્યુટ્રિશન્સ અને કેલરીને પણ એટલું જ મહત્ત્વ અપાયું હોય છે.

ધાર્મિક લાગણી ના દુભાય એની તકેદારી

આટલી માથાકૂટ ઓછી હોય એમ યજમાન દેશે જમૈકા, જાપાન, યુરોપિયન દેશો અને મુસ્લિમ દેશોના લોકોની ખાવાપીવાની આદતોનો ઊંડો અભ્યાસ કરીને ભોજન તૈયાર કરવું પડે છે. અનેક દેશોમાં ખાણીપીણીની આદતો ધર્મ સાથે સંકળાયેલી છે એટલે કોઈની લાગણી ના દુભાય અને વિવાદ ના થાય એ માટે પણ ચૌંકન્ના રહેવું પડે છે.

દાખલા તરીકે, મુસ્લિમ એથ્લેટ માટે ફક્ત હલાલ માંસની વાનગીઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. ઓલિમ્પિક વિલેજમાં મળતા ભોજન પર ન્યુટ્રિશનલ વેલ્યૂઝથી લઈને ધાર્મિક રીતે સંવેદનશીલ હોય એ તમામ માહિતી આપવી જરૂરી હોય છે. ઓલિમ્પિકમાં જુદી જુદી ફૂડ હેબિટ્સ ધરાવતા લોકોનો મેળાવડો જામે છે એટલે એકેય ભોજનમાં મરચું નથી નંખાતું, જેને જોઈએ એ અલગથી ચિલી પાવડર નાંખી શકે છે. યુરોપના અનેક દેશોના એથ્લેટ ફક્ત ફેટા ચીઝ જ ખાય છે, તો ઓલિમ્પિક વિલેજમાં તે પણ ઉપલબ્ધ હોય છે. આ ચીઝ ઘેંટાના દૂધમાંથી બનાવાઈ હોય છે. આ ઉપરાંત અનેક દેશોની ટીમોએ તેમના એથ્લેટની મેડિકલ જરૂરિયાત પ્રમાણે ખાસ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવાનું સૂચન કર્યું હોય તો તે પણ તૈયાર કરવાનું હોય છે.

આ બધી જ તૈયારીની સાથે ઓલિમ્પિકમાં યજમાન દેશે પોતાના વાયબ્રન્ટ કલ્ચરનું પણ પ્રદર્શન કરવાની તક ઝડવાની હોય છે. રિયો ઓલિમ્પિક વિલેજમાં પણ એક ખાસ રેસ્ટોરન્ટ તૈયાર કરાઈ છે, જ્યાં વિશ્વભરના એથ્લેટ બ્રાઝિલની એક એકથી ચડિયાતી આરોગ્યપ્રદ વાનગીઓની મજા માણી શકે છે.

ગોલ્ડ જીતવા ઘોડાઓનું પણ ડાયેટ

ઓલિમ્પિકમાં એથ્લેટ જેવી જ દેખભાળ ઘોડાઓની પણ કરવી પડે છે. હા, ઘોડાઓની. ઓલિમ્પિકમાં ઈક્વિસ્ટ્રિયન એટલે કે ઘોડેસવારીને લગતી ત્રણ સ્પર્ધા યોજાય છે. રિયો ઓલિમ્પિકમાં પણ જુદી જુદી ઈક્વિસ્ટ્રિયન ચેમ્પિયનશિપ માટે ૪૩ દેશ ક્વૉલિફાય થયા છે.
આ તમામ દેશો રિયોમાં પોતપોતાના ઘોડા લઈને આવ્યા છે. આ ઘોડાઓના ડાયેટની જવાબદારી પણ યજમાન દેશની જ હોય છે. હોર્સ જમ્પિંગ જેવી સ્પર્ધામાં ઘોડાને ફક્ત ૪૦ મિનિટ પ્રેક્ટિસ કરાવાય છે, જેના માટે એક જ વખતમાં ઘોડો વીસ હજાર કેલરી જેટલું ઘાસ અને શાકભાજી ખાઈ જાય છે. એક પણ ઘોડાને પ્રતિબંધિત દવા ના અપાઈ હોય એના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ પ્રકારના ટેસ્ટ વખતે ઘોડાની માનસિક તંદુરસ્તી જળવાઈ રહે એ માટે પણ તેના કેપ્ટને તેની આળપંપાળ કરવી પડે છે.   

આમ, ઓલિમ્પિક એ સ્પોર્ટ્સની સાથે મેગા ફૂડ ફેસ્ટિવલ પણ છે. આ મેગા ઈવેન્ટ પર દુનિયાભરની નજર હોય છે એટલે જ ઓલિમ્પિકના રસોડાનું મેનેજમેન્ટ 'મિલિટરી ડિસિપ્લિન'થી કરવું પડે છે. આ તો ફક્ત ઓલિમ્પિકની તૈયારીની વાત થઈ. વિશ્વ સ્તરીય એથ્લેટ પેદા કરવા સરકારોએ વર્ષો પછીનું વિચારીને જડબેસલાક આયોજન કરવું પડે છે. બોલ્ટ, ફેલ્પ્સ કે સેરેના જેવા મહાન ખેલાડીઓ બસ એમ જ પેદા નથી થતા!

***

જંક ફૂડ અને ફૂડ વેસ્ટનો વિવાદ

માસિનો બોકુરા
ઓલિમ્પિકમાં મેક્ડોનાલ્ડ્સ અને કોકા કોલા સૌથી મોટા સ્પોન્સર પૈકીના એક છે. કોકા કોલા વર્ષ ૧૯૨૮થી  અને મેક્ડોનાલ્ડ્સ વર્ષ ૧૯૭૬થી ઓલિમ્પિક સ્પોન્સર કરે છે. ઓલિમ્પિકમાં ભાગ લેતા કેટલાક એથ્લેટના પર્સનલ સ્પોન્સર પણ કોક અને મેક્ડોનાલ્ડસ હોય છે. આ કારણસર છેલ્લાં ઘણાં વર્ષોથી અમેરિકા સહિતના દેશોમાં આ બંને કંપનીઓને ઓલિમ્પિક સ્પોન્સરશિપ નહીં આપવાની માગ ઊઠી છે.  કોક અને મેક્ડોનાલ્ડ્સનો વિરોધ કરનારાનું કહેવું છે કે, સ્પોર્ટ્સ, ફિટનેસ અને ફિઝિકલ સ્ટ્રેન્થની બોલબાલા હોય ત્યાં જંક ફૂડનું માર્કેટિંગ કેવી રીતે થઈ શકે! જોકે, રિયો સહિત દરેક ઓલિમ્પિક વિલેજમાં મેક્ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ હોય જ છે, જ્યાં ૨૪ કલાક દરેક એથ્લેટને જે જોઈએ એ ફ્રી ઓફ ચાર્જ મળે છે. ઓલિમ્પિક વિલેજના કુલ ભોજનના દસેક ટકા જરૂરિયાત મેક્ડોનાલ્ડ પૂરી કરે છે. જોકે, મેક્ડોનાલ્ડની બધી જ વાનગી બિનઆરોગ્યપ્રદ છે એવી વાત કંપનીએ વિવિધ પુરાવા આપીને ફગાવી દીધી છે.

આ ઉપરાંત ફૂડ વેસ્ટને લઈને ઓલિમ્પિકમાં વિવાદ સર્જાઈ ચૂક્યા છે. જોકે, લંડન ઓલિમ્પિક ૨૦૧૨થી ફૂડ વેસ્ટમાંથી જરૂરિયાતમંદો માટે 'બેસ્ટ ફૂડ'ની યોજના અમલમાં મૂકાઈ છે. રિયો ઓલિમ્પિકમાં પણ તમામ ફૂડ વેસ્ટમાંથી આરોગ્યપ્રદ વાનગીઓ તૈયાર કરાઈ રહી છે. આ કામ ઈટાલિયન રેસ્ટોરન્ટના વિખ્યાત શેફ  માસિનો બોકુરાને સોંપાયું છે. બોકુરાની ઈટાલિયન રેસ્ટોરન્ટ માસિમો ફ્રેસેકાનાને વર્ષ ૨૦૧૬ની વર્લ્ડ બેસ્ટ ૫૦ રેસ્ટોરન્ટની યાદીમાં સ્થાન મળ્યું છે.

નોંધ: રિયો ઓલિમ્પિક ન્યૂઝ રૂમ અને સોશિયલ મીડિયા પર મંગાવેલી એક્સક્લુસિવ માહિતીના આધારે...

2 comments:

 1. બધા એકનાં એક જ વિષય ઘસડ્યે રાખે છે ત્યારે તમે દર વખતે કંઇક જુદા જ વિષય લઈને આવો છો એ વાંચવાની મજા પડે છે વિશાલભાઈ
  હંમેશ મુજબ તમારી લાક્ષણિક શૈલીમાં informatic article
  - ડેનિશ

  ReplyDelete
  Replies
  1. Haha :)) Thank You Denish. Keep WORTH Reading, Keep Sharing.

   Delete