22 August, 2016

મહાન ઓલિમ્પિયન કેવા હોય છે?


બેજિંગ ઓલિમ્પિક ૨૦૦૮ની વાત છે. સવારના ૯:૫૬ વાગ્યા છે. ઓલિમ્પિક વિલેજના સ્વિમિંગ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને બાજુના સ્ટેડિયમમાં માઈકમાં થતી જાહેરાતો અને દર્શકોનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે. જોકે, સ્વિમિંગ સ્ટેડિયમમાં થોડી ચણભણ સિવાય શાંતિ છે કારણ કે, ૨૦૦ મીટર બટરફ્લાય સ્વિમિંગની ફાઈનલ મેચ ચાલુ થવામાં હજુ થોડી વાર છે. વિશ્વના શ્રેષ્ઠ સ્વિમરોએ મનમાં ને મનમાં એકબીજાને હરાવવાનું નક્કી કરી લીધું છે. મોટા ભાગના ઓલિમ્પિયન આંખ બંધ કરીને એક અમેરિકન સ્વિમરથી આગળ નીકળવા ઊંડા શ્વાસ લઈ રહ્યા છે.

એટલામાં જ એક પછી એક સ્વિમરને ઈન્ટ્રોડ્યુસ કરાવવાનું ચાલુ થાય છે. દરેક સ્વિમર પોતાના નામની જાહેરાત સાથે જ બ્લોક પર ચઢીને, હાથ હલાવીને પ્રેક્ષકોનું અભિવાદન ઝીલી નીચે ઉતરે છે. પેલો અમેરિકન સ્વિમર પણ હંમેશાંની જેમ બ્લોક પર ચઢીને હાથ ઊંચો કરીને પ્રેક્ષકોની સામે નજર ફેરવીને હલકું સ્મિત આપે છે. મેચ શરૂ થવાની માંડ ચાર મિનિટ પહેલાં તેને કશુંક અજુગતું થવાનું હોય એવો ભાસ થયા કરે છે.

છેવટે મેચ શરૂ થાય છે. દરેક સ્વિમર પૂરી તાકાતથી ડાઈવ મારીને બટરફ્લાય સ્ટ્રોક્સ મારવાનું શરૂ કરે છે. અમેરિકન સ્વિમરને પાણીમાં કૂદતા જ ખ્યાલ આવી જાય છે કે, તેના ગોગલ્સમાં લિકેજ છે. ગોગલ્સમાં પાણી અને ભેજ છવાઈ ગયા છે. મેચના પહેલા લેપમાં તો થોડું ઝાંખું ઝાંખુ દેખાય છે એટલે વાંધો નથી પણ બીજા લેપમાં બધું જ ધૂંધળું દેખાય છે. જોકે, આ સ્થિતિમાં પણ તે કુલછે. ત્રીજા લેપમાં તો તે આસપાસના સ્વિમર કેટલા આગળ છે તે પણ જોઈ શકતો નથી! સ્વિમરની સુવિધા માટે પુલના તળિયે કાળા રંગની પટ્ટી હોય છે, એ પણ દેખાવાનું બંધ થઈ જાય છે. પુલની દીવાલ પર કાળા રંગનો ટીમાર્ક કરાયો હોય છે, જેથી સ્વિમર ટીમાર્ક સુધી આવે અને દીવાલને પગથી ધક્કો મારીને પછીનો લેપ શરૂ કરી શકે. આ ટીમાર્ક પણ તેને દેખાતો નથી. એટલે તેને ખબર જ નહોતી પડતી કે, હજુ કેટલા સ્ટ્રોક બાકી છે. જોકે, તેણે મનોમન ગણતરી કરી લીધી છે કે, ૨૦-૨૧ સ્ટ્રોક મારીએ ત્યાં સુધી દીવાલ આવી જાય છે.

અંધ અવસ્થામાં તે ત્રીજો લેપ પૂરો કરીને ચોથો લેપ શરૂ કરે છે. ચોથા લેપમાં પણ તે મનોમન ગણતરી કરીને સ્ટ્રોક મારે છે. ૧૯મો, ૨૦મો અને ૨૧મો સ્ટ્રોક વાગતા જ હાથ દીવાલને અડે છે. સ્ટેડિયમ ચિચિયારીઓથી ગૂંજી ઉઠે છે. જોકે, એ અમેરિકન સ્વિમરને ખબર નથી કે, આ હર્ષનાદ કોના માટે થઈ રહ્યો છે કારણ કે, તેને કશું જ દેખાતું નથી. છેવટે તે શાંત ચિત્તે પુલમાંથી માથું ઊંચું કરે છે, ગોગલ્સ કાઢે છે, સ્કોરબોર્ડ પર નજર કરે છે અને તેના ચહેરા પર ખુશહાલી છવાઈ જાય છે.

કેમ નહીં! કારણ કે, ૨૦૦ મીટર બટરફ્લાય તેણે ૧:૫૨:૦૩ સેકન્ડમાં પૂરી કરી લીધી હતી. એટલું જ નહીં, પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડીને ૧૧મો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો.

* * *

આ ‘મિ. કુલએટલે રમતગમતના ઈતિહાસના સૌથી મહાન ખેલાડીનું સન્માન મેળવનારો માઈકલ ફેલ્પ્સ. રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ મેડલ જીતતા જ ફેલ્પ્સના નામે જાતભાતના વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. ફેલ્પ્સ અત્યાર સુધી ૨૬ મેડલ જીત્યો છે, જેમાંથી ૨૨ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ છે. આ ૨૬માંથી ૧૩ ઈન્ડિવિડ્યુઅલ (ટીમમાં નહીં) મેડલ છે. ફેલ્પ્સે ૧૩ ઈન્ડિવિડ્યુઅલ મેડલ જીતીને પૌરાણિક ગ્રીસના મહાન ઓલિમ્પિયન લિયોનિડાસનો ૨,૧૬૮ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આશરે વીસેક સદી પહેલાં યોજાતી ઓલિમ્પિકમાં લિયોનિડાસે ૧૨ ઈન્ડિવિડ્યુઅલ મેડલ જીત્યા હતા. વિશ્વમાં ૧૭૪ દેશ તો એવા છે, જેમની પાસે એકલા ફેલ્પ્સ પાસે છે એટલા પણ મેડલ નથી.

બેજિંગ ઓલિમ્પિકમાં ગોગલ્સ વિના માઈકલ ફેલ્પ્સ

હા, ભારત પણ એમાંનું જ એક છે. વર્ષ ૧૯૮૦થી ૨૦૧૬ સુધી ભારત ઓલિમ્પિકમાં માંડ નવ ગોલ્ડ મેડલ જીત્યું છે, જેમાંથી આઠ હોકી અને એક શૂટિંગમાં છે. આ સિવાય ભારત પાસે એથ્લેટિક્સ, ટેનિસ, વેઈટ લિફ્ટિંગ, બોક્સિંગ, રેસલિંગ અને બેડમિન્ટન જેવી રમતોમાં છ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ છે. રિયો ઓલિમ્પિકમાં ફેલ્પ્સે ચાર બાય ૨૦૦ મીટર રિલેમાં અમેરિકન ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો અને આ મેચ પૂરી થયાના થોડા જ કલાકોમાં ૨૦૦ મીટર બટરફ્લાયમાં ઈન્ડિવિડ્યુઅલ ગોલ્ડ મેડલ જીત્યો. આ પ્રકારની સિદ્ધિ મેળવતા ભારતે ૨૮ વર્ષનો સમય લઈ લીધો છે. વર્ષ ૧૯૮૦માં ભારતીય હોકી ટીમે આઠમો ગોલ્ડ જીત્યો હતો. એ પછી બેજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં અભિનવ બિન્દ્રા શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા, જે ઈન્ડિવિડ્યુઅલ ગેમમાં જીતાયેલો ભારતનો પહેલો ગોલ્ડ મેડલ હતો.

ફેલ્પ્સ હોવું એટલે શું એ જાણવા બીજી પણ કેટલીક આંકડાકીય સરખામણી કરીએ. ફેલ્પ્સ ૨૨ ગોલ્ડ મેડલ વિજેતા છે, જ્યારે બીજા નંબરે રશિયન જિમ્નાસ્ટ લારિસા લાટિનીના, ફિનલેન્ડના એથ્લેટ પાવો નૂર્મી, અમેરિકન સ્વિમર માર્ક સ્પિલ્ટ્સ અને અમેરિકન એથ્લેટ કાર્લ લુઈસ છે. આ ચારેય નવ ગોલ્ડ મેડલ વિજેતા છે.

* * *

આ આંકડા વાંચતા જ ખ્યાલ આવી જાય છે કે, માઈકલ ફેલ્પ્સ સ્પોર્ટ્સપર્સન નહીં પણ સ્પોર્ટ્સની દુનિયામાં સર્જાયેલી એક ઘટના છે. બેજિંગ ઓલિમ્પિકમાં ૨૩ વર્ષીય ફેલ્પ્સે ગોગલ્સ વિના ગોલ્ડ મેડલ જીત્યો અને વર્લ્ડ રેકોર્ડ પણ કર્યો એ માટે નસીબ નહીં પણ દોઢ દાયકાની સખત અને સતત મહેનત જવાબદાર હતી.

ફેલ્પ્સે આઠ જ વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કર્યું હતું. ફેલ્પ્સના કોચ બોબ બોમેને તેને વીડિયોટેપનામની એક ટ્રીક પણ શીખવાડી હતી. આ ટ્રીકના ભાગરૂપે ફેલ્પ્સે સ્વિમિંગ રેસની પ્રેક્ટિસ કર્યા પછી સૂતા પહેલા  દસ મિનિટ રોજેરોજની સ્વિમિંગ પ્રેક્ટિસનું વિઝ્યુઅલાઈઝેશન કરવાનું રહેતું. એટલે કે, પુલમાં રેસિંગ માટે કરેલી પ્રેક્ટિસની નાનામાં નાની ઘટના આંખ બંધ કરીને મનમાં દોહરાવવાની. જેમ કે, હોઠ પરથી પાણી ટપકી રહ્યું હતું, પગથી ધક્કો માર્યા પછી ફરી એકવાર શરીરને તાકાત મળી અને રેસ પૂરી કર્યા પછી માથા પરથી કેપ કાઢીને સ્કોરબોર્ડ પર નજર કરી- વગેરે મનોમન યાદ કરવાનું. આ માનસિક પ્રેક્ટિસ કરવાથી ફેલ્પ્સ ખૂબ ઝડપથી સમજી જતો કે તે ક્યાં ભૂલ કરે છે અને શું કરે તો બીજાથી આગળ નીકળી શકે!

ફેલ્પ્સ તેના કોચ બોબ બોમેન સાથે


વીડિયોટેપભૂલોમાંથી શીખીને આગળ વધવાની એક પ્રકારની માનસિક પ્રેક્ટિસ છે. આ ટ્રીકનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ફેલ્પ્સ નાનપણથી જ એટેન્શન ડેફિસિટ હાયરપએક્ટિવિટી ડિસઓર્ડરનો ભોગ બન્યો હતો. આ પ્રકારના બાળકો એક કામ પૂરતી એકાગ્રતાથી કરી શકતા નથી અને તેમનામાં ચંચળતાનું પ્રમાણ પણ ખૂબ ઊંચું હોય છે. ફેલ્પ્સના કોચ બોમેન આ વાત જાણતા હોવાથી જ તેમણે ફેલ્પ્સને વીડિયોટેપપ્રેક્ટિસ માટે તૈયાર કર્યો હતો.

કોઈ પણ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલાં ફેલ્પ્સના કોચ બોબ બોમેન તેને રોજેરોજ સ્વિમિંગ પુલમાં રેસ પૂરી કરવાના લક્ષ્યાંકો આપતા. આ પ્રેક્ટિસ જેવી તેવી નહીં પણ અસલી ઓલિમ્પિકમાં ભાગ લેતા હોઈએ એવી જ રહેતી. આ પ્રકારના લક્ષ્યાંકો પાર પાડવા ફેલ્પ્સ હંમેશા ઉત્સાહિત રહેતો. તે રોજેરોજ નાના-નાના લક્ષ્યાંકો પાર પાડતો, લક્ષ્યાંક પૂરું થઈ જાય તો કાગળ પર નવું લક્ષ્યાંક લખતો અને બીજા દિવસે નવું લક્ષ્યાંક પાર પાડવા ફરી સ્વિમિંગ પુલમાં આવી જતો. બેજિંગ ઓલિમ્પિકમાં ભાગ લેતા પહેલા ફેલ્પ્સ હજારો વાર જાત સાથે જ રેસ લગાવી ચૂક્યો હતો અને એટલી જ વાર વીડિયોટેપની પ્રેક્ટિસ કરી ચૂક્યો હતો. બેજિંગ ઓલિમ્પિકમાં ગોગલ્સ નકામા થઈ જવા છતાં તે સ્વસ્થ રહી શક્યો એનું રહસ્ય આ છે.

ફેલ્પ્સે ફોક્સ સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મેં આઠ વર્ષની ઉંમરે ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું જોયું હતું. એ માટે હું રોજ નાના નાના લક્ષ્યાંકો પૂરા કરતો.” ફેલ્પ્સ ક્યારેય સરળ લક્ષ્યાંકો નહોતો રાખતો કારણ કે, તે સારી રીતે જાણતો કે નાના નાના લક્ષ્યાંકોથી જ કામ કરવાની માનસિક શક્તિ મળે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવી શકે છે અને અને ફેલ્પ્સ પણ તેમાંથી બાકાત નથી. ફેલ્પ્સ જેવો એથ્લેટ આલ્કોહોલનો વ્યસની તો કેવી રીતે હોઈ શકે, પણ ૧૯ વર્ષની ઉંમરે માનસિક સંઘર્ષનો સામનો કરી રહેલો ફેલ્પ્સ નવેમ્બર ૨૦૦૪માં આલ્કોહોલના ઈન્ફ્લુઅન્સ હેઠળ ડ્રાઈવિંગ કરતા ઝડપાયો હતો. આવી જ ઘટના સપ્ટેમ્બર ૨૦૧૪માં પણ બની હતી. ફેબ્રુઆરી ૨૦૦૯માં પણ ફેલ્પ્સ હુક્કો પીતો હોય એવી તસવીરે વિવાદ જગાવ્યો હતો. આ બધી જ ઘટનામાં ફેલ્પ્સે કાયદેસરની કાર્યવાહીનો સામનો કર્યો અને યુએસ સ્વિમિંગ એકેડેમીમાંથી સસ્પેન્શન પણ ભોગવ્યું.

ફેલ્પ્સે આઠ વર્ષની ઉંમરે કાગળ પર નક્કી કરેલા લક્ષ્યાંકો

આ વિવાદો વખતે ફેલ્પ્સે હિંમતથી જાહેરમાં ભૂલો સ્વીકારી અને માફી પણ માગી. આ કારણસર વિવાદો ત્યાં જ ખતમ થઈ ગયા. આલ્કોહોલ વિવાદોને બાદ કરીએ તો ફેલ્પ્સ (અત્યારે ઉંમર 31) આઠ વર્ષની ઉંમરથી કોચની સલાહ પ્રમાણે જ ચુસ્ત ડાયેટ લઈ રહ્યો છે. ફેલ્પ્સે તેના કોચની મદદથી ડેઈલી રુટિનને જ આદત બનાવી દીધું હતું. ફેલ્પ્સને ઈન્ટરવ્યૂમાં એક સવાલ વારંવાર પૂછાય છે કે, તમે વર્ષમાં કેટલા દિવસ પ્રેક્ટિસ કરો છો? ફેલ્પ્સ કહેતો કે, ‘‘વર્ષના ૩૬૫ દિવસ.’’ તે ખરેખર ૩૬૫ દિવસ પ્રેક્ટિસ કરતો. ફેલ્પ્સ તેનો જન્મદિવસ હોય કે માતા-પિતાનો, ક્રિસમસ વેકેશન હોય કે ન્યૂ યર- એ બધા જ દિવસે તે મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટિમોરના સ્વિમિંગ પુલમાં પહોંચી જતો. બાલ્ટિમોર સ્કૂલ શરૂ થાય એ પહેલાં રોજ સવારે સાત વાગ્યે તેની પ્રેક્ટિસ ચાલુ થતી. એ પછી તે સ્કૂલે જતો અને ક્લાસીસ પૂરા થયા પછી ફરી ત્રણેક કલાક પ્રેક્ટિસ કરતો.

ટૂંકમાં ફેલ્પ્સ કંઈ આખો દિવસ સ્વિમિંગ પુલમાં પડ્યો નહોતો રહેતો પણ જે કંઈ પ્રેક્ટિસ કરતો તેમાં ગુણવત્તા અને સાતત્યનું પ્રમાણ ખૂબ જ ઊંચી કક્ષાનું રહેતું. એકવાર ફેલ્પ્સે કહ્યું હતું કે, “એક સમયે મેં ફક્ત એક ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. કારણ કે, આ દુનિયામાં બધા લોકો એવું નથી કહી શકતા કે, હું ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છું...” આ મહાન ઓલિમ્પિયને આવા નાના નાના લક્ષ્યાંકો રાખીને જ ૨૬ મેડલ જીતવાની પ્રચંડ સિદ્ધિ હાંસલ કરી છે.

આ લેખના શીર્ષકમાં એક સવાલ છે. તેનો જવાબ કદાચ આ છેઃ મહાન ઓલિમ્પિયન આવા હોય છે.

No comments:

Post a Comment