03 August, 2016

તમે શોષિતો માટે 'કમ્ફર્ટ ઝોન' છોડવા તૈયાર છો?


ઉનાના દલિત અત્યાચાર કાંડની ગરમી હવામાં હતી ત્યાં જ બે મહત્ત્વના યોગાનુયોગ સર્જાયા. પહેલો, કર્ણાટકના બેઝવાડા વિલ્સનને રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત કરાયા અને બીજો, મહાશ્વેતા દેવીનું મહાપ્રયાણ. વિલ્સને માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરવાની પ્રથા બંધ કરાવવા ઐતિહાસિક આંદોલન ચલાવી રહ્યા છે, જ્યારે મહાશ્વેતા દેવીએ આદિવાસીઓ અને સમાજના સૌથી છેવાડાના વર્ગની વેદનાને વાચા આપવાનું કામ કર્યું. ફેસબુક પર વિચરતા ડાઘિયા કૂતરા જેવા દૂધપીતા અભિપ્રાયબાજો પાટીદાર-દલિત આંદોલનને એક જ લાકડીએ હાંકી રહ્યા છે અને બધી વાતમાં રાજકીય કાવતરું સૂંઘીને હાઉ હાઉ કરી રહ્યા છે ત્યારે બેઝવાડા વિલ્સન અને મહાશ્વેતા દેવીને યાદ કરીને થોડું મનોમંથન કરીએ.

પાટીદાર આંદોલન ફક્ત અનામત માટે હતું, જ્યારે દલિતોનું કાચુંપાકું આંદોલન હજારો વર્ષોથી સહન કરાતા અન્યાય, પીડા, અપમાન અને આક્રોશમાંથી ઊભું થઈ રહ્યું છે. પાટીદાર આંદોલનનો હેતુ અનામત મેળવવાનો હતો એટલે પાટીદારોને સમાજના બીજા વર્ગનો ટેકો ના મળે એ સમજી શકાય છે, પણ દલિત આંદોલનને સવર્ણો સહિત આખા સમાજનો મજબૂત ટેકો કેમ ના મળે? દલિતોને માર મારતો વીડિયો વાયરલ થયો એમાં રાજકીય કાવતરું ક્યાંથી આવ્યું? દલિતોને મારતો વીડિયોનું શૂટિંગ તેમને માર મારનારા લોકોએ જ કર્યું હતું. શરૂઆતમાં આ વીડિયો વહેતો કરવાનું કામ પણ તેમનું જ હતું. બાદમાં વીડિયો વાયરલ કરવામાં રાજકીય કાવતરું ભળ્યું હોય તો પણ શુંઆ પ્રકારની ગુંડાગર્દીનો વિરોધ ફક્ત દલિતો જ નહીં, બધાએ કરવો જોઈએ. દલિત આંદોલનને યોગ્ય દિશા આપવા દલિત સંગઠન, દલિત આગેવાન કે કોઈ દલિત હીરો બનીને બહાર આવે એની રાહ કેમ જોવી પડે?





પાટીદારોએ અનામત માગી. પણ કોના માટે? આખા પાટીદાર સમાજ માટે. ભલે પછી એ પાટીદાર આર્થિક-સામાજિક રીતે સંપન્ન હોય કે નિષ્પન્ન. એનાથી કશો ફર્ક નથી પડતો. ટૂંકમાં દરેકે દરેક પાટીદારને અનામત જોઈએ, એવું નહીં કે જેને ખરેખર જરૂર છે એવા કોઈ પણ ધર્મ-જાતિ-સમાજના વંચિત વર્ગને. અહીં અનામતની માગ યોગ્ય છે કે નહીં એની નહીં પણ કોણ કોના માટે લડી રહ્યું છે એની વાત કરવાનો ઈરાદો છે. ટૂંકમાં માણસના મૂળભૂત અધિકારની લડાઈ કોઈ જ પ્રકારનું લેબલ નહીં ધરાવતા લોકો એકજૂટ થઈને કેમ નથી લડતા?

કમનસીબે આપણા આંદોલન પણ જાતિવાદી, વર્ગવિગ્રહી અને ધર્મઆધારિત હોય છે એટલે જ તેને ખૂબ ઝડપથી 'રાજકીય રંગ' લાગી જાય છે. પાટીદાર કે દલિત આંદોલનની હવામાં પણ 'મુખ્યમંત્રી હટાવો'ની બદબૂ આવવા માંડી હતી. આ પ્રકારના ‘રાજકીય આંદોલન’નો હેતુ પૂરો થઈ ગયા પછી સામાન્ય માણસ ત્યાંનો ત્યાં રહે છે. જાતિવાદી આંદોલનમાંથી પેદા થયેલા નેતાઓ ચોક્કસ વર્ગના જ નેતાઓ હોય છે. રાજકારણમાં ઝંપલાવ્યા પછી જાતિવાદના જોરે ઊભરેલા નેતાઓએ પણ મતબેંકના રાજકારણમાં રચ્યાપચ્યા રહેવું પડે છે. આ રીતે ચોક્કસ સમાજ કે જાતિની ન્યૂસન્સ વેલ્યૂ ઊભી કરીને મેળવેલી સત્તા ખુદ નેતાને જ ‘ન્યૂસન્સ વેલ્યૂ’ બનાવી દે છે. આજે દેશમાં આવા નેતાઓની ભરમાર છે. કોઈ દલિત નેતા છે, કોઈ હિંદુ નેતા છે, કોઈ મુસ્લિમ નેતા છે, કોઈ મરાઠી-તમિલ તો કોઈ આદિવાસી નેતા છે. આ બધા માટે જવાબદાર કોણ? રાજકારણીઓ કે પછી ભારતવર્ષની મહાન ‘લેબલ-શૂરી’ પ્રજા? ભારતને તમામ શોષિત વર્ગ માટે કામ કરે એવો નેતા કેમ નથી મળતો?

કદાચ શોષિતો લાચાર છે અને સંપન્નો તેમના 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર નથી આવતા.

***

હજુ ડિસેમ્બર ૨૦૧માં જ બેઝવાડા વિલ્સને દેશભરના ૫૦૦ જિલ્લામાં ૧૨૫ દિવસની એક બસ યાત્રાનું આયોજન કર્યું હતું, જેને તેમણે ભીમ યાત્રા નામ આપ્યું હતું. ભીમ યાત્રા માટે વિલ્સને દેશના ૫૦૦ જિલ્લા કેવી રીતે પસંદ કર્યા હતા ખબર છે? દેશના કુલ ૬૮૬ જિલ્લામાંથી વિલ્સને પસંદ કરેલા ૫૦૦ જિલ્લાની ગટરો, સૂકા જાજરૂ વગેરેમાંથી માનવમળની સફાઈ કરતી વખતે ઓછામાં ઓછા એક સફાઈ કર્મચારીનું મોત થયું હતું, એટલે ત્યાં જાગૃતિ ફેલાવવા તેઓ ભીમ યાત્રા લઈને ગયા હતા.  

વિલ્સનનું કહેવું છે કે, માનવમળની હાથથી સફાઈ કરવાની, માથે મેલું ઉપાડવાની અને સૂકા જાજરૂની પ્રથા સદંતર બંધ કરાવવાની મારી ત્રણ દાયકાની યાત્રાનું આ સૌથી તાજું પગલું એટલે ભીમ યાત્રા. આ યાત્રામાં મારી સાથે મોટા ભાગે દલિતો જોડાયા હતા, જે સૂકા જાજરૂ (મોટા ભાગે ખાડા સંડાસ)માંથી માનવ વિષ્ટાની સફાઈનું કામ કરતા. આજેય દેશમાં બે લાખથી વધારે સફાઈ કામદારો માનવ વિષ્ટાની હાથથી સફાઈ કરે છે. આ બધા જ સફાઈ કર્મચારી મોટા ભાગે દલિત સ્ત્રીઓ છે. 

વર્ષ ૧૯૯૩માં વિલ્સને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથા સંપૂર્ણપણે બંધ કરાવવા 'સફાઈ કર્મચારી આંદોલન' શરૂ કર્યું હતું. એ પછી તેમણે જિલ્લે-જિલ્લે સાત હજાર જેટલા કાર્યકર્તા તૈયાર કર્યા અને હાથથી માનવમળ સાફ કરાવવાની પ્રથા સદંતર બંધ કરાવવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. એટલું જ નહીં, આ લોકોના પુનર્વસવાટ માટે પણ તેમણે કાયદાકીય લડત આરંભી. દેશમાં પાણીની સુવિધા નહીં ધરાવતા સૂકા સંડાસની સંખ્યા કેટલી છે એનો ડેટા પણ સરકારને વિલ્સનના અશોકા ફાઉન્ડેશને જ આપ્યો હતો.

બેઝવાડા વિલ્સન

વિલ્સનના આંદોલનના કારણે જ વર્ષ ૨૦૧૦માં સફાઈ કર્મચારીઓને પંચવર્ષીય યોજનામાં મહત્ત્વનું સ્થાન અપાયું હતું. એ જ વર્ષે નેશનલ એડવાઈઝરી કાઉન્સિલે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને હાથથી માનવમળની સફાઈ કરવાની પ્રથાને 'રાષ્ટ્રીય શરમ' જાહેર કરવાની તેમજ તેને સદંતર બંધ કરાવવા પ્રાથમિકતા આપવાનું સૂચન કર્યું હતું.

એ પછી તો સરકારે જ દેશભરમાં હાથથી માનવમળની સફાઈ કરતા કર્મચારીઓનું સર્વેક્ષણ કરવા, તેમનું પુનર્વસન કરાવવા અને કાયદાની મદદથી આ પ્રથા રોકવા એક ટાસ્કફોર્સની રચના કરી. આયોજન પંચે પણ  વિલ્સન બેઝવાડાની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓના એક જૂથની રચના કરી, જેમનું કામ સરકારને વિવિધ અહેવાલો આપવાનું છે. આ આંદોલન હજુયે ચાલી રહ્યું છે.

***

દુનિયાના સૌથી યુવાન દેશમાં ફક્ત બેઝવાડા વિલ્સનને આવું આંદોલન કરવાનું કેમ સૂઝ્યું એ સમજવા જેવું છે. તેમનો જન્મ કર્ણાટકના કોલર ગોલ્ડફિલ્ડમાં જેકબ બેઝવાડા અને રશેલ બેઝવાડા થોટી દંપતિના ત્યાં થયો હતો. થોટી જાતિના લોકો હજારો વર્ષોથી માનવમળની સફાઈનું કામ કરે છે. આ પ્રકારનું કામ કરતા હોવાના કારણે જ આ સમાજના લોકો પાંચેક હજાર વર્ષથી છૂતાછૂત પણ સહન કરી રહ્યા છે. બેઝવાડા વિલ્સનના પિતા જેકબ વિલ્સને ગુજરાન ચલાવવા બીજી નોકરીઓ શોધવાના પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ તેમને બીજું કામ આપવા તૈયાર ન હતું. ટૂંકમાં વંશપરંરાગત વ્યવસાય વ્યક્તિ બદલી જ ના શકે. કેટલું અન્યાયી!

વિલ્સને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા માતાપિતા માનવમળની સફાઈ કરવાનું કામ કરે છે એવું જાણ્યા પછી હું દુઃખી થઈ ગયો હતો. આ વાતને લઈને સ્કૂલમાં પણ બીજા લોકો મને ચીડવતા.

થોટી પરિવારમાં વિલ્સન પહેલો યુવક હતો જેને ઉચ્ચ શિક્ષણ નસીબ થયું હતું. વર્ષ ૧૯૮૬માં ફક્ત વીસ વર્ષની ઉંમરે વિલ્સને કર્ણાટકમાં સૂકા જાજરૂ બંધ કરાવવા તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીને સંખ્યાબંધ પત્રો લખ્યા હતા. વિલ્સનના આંદોલનની સફળતા પાછળ તેમનો આક્રોશ, માતાપિતાની બદતર સ્થિતિ, બાળપણમાં અનુભવેલી શરમ, અન્યાયની ભાવના અને એ બધામાંથી સર્જાયેલી પોતાના સમાજ માટે કંઈક કરવાની ખેવના જેવા અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે!

જોકે, બેઝવાડા વિલ્સનના આંદોલનને હજુ પૂરેપૂરી સફળતા મળી નથી. તેઓ પોતેય જાણે છે કે, આ આંદોલન ઘણું ધીમું ચાલી રહ્યું છે એટલે જ તેમણે કાયદાકીય શક્યતાઓ તપાસીને આ પ્રથા બંધ કરાવવાના પ્રયાસ કર્યા છે.

હવે મૂળ વાત એ છે કે, આ પ્રથા બંધ કરાવવા માટે બીજા લોકો પણ કેમ આગળ ના આવે? પાંચેક હજાર વર્ષ જૂની અન્યાયી, ક્રૂર અને ભારત જેવા મહાન દેશ માટે શરમજનક કહેવાય એવી પ્રથા બંધ કરાવવા દલિત સમાજ સિવાયના લોકો પણ કેમ આગળ નથી આવતા?

***

વંચિત, શોષિત અને કચડાયેલા વર્ગની સ્થિતિ સમજવા, નક્સલવાદી હિંસા કે કાશ્મીર હિંસા જેવા તમામ જટિલ મુદ્દે ‘એક ઘા અને બે કટકા’ જેવી ‘તાળીઉઘરાઉ અભિવ્યક્તિ’ કરવાનો ફેસબુકિયો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે ત્યારે મહાશ્વેતા દેવીનું સાહિત્ય ‘કાળઝાળ ગરમીમાં શીતળતા’નો અનુભવ કરવા અકસીર છે.

મહાશ્વેતા દેવીની વાર્તાઓમાં એવી અનેક આદિવાસી જાતિઓ વિશે જાણવા મળે છે, જે વંશપરંપરાગત ધંધા-વ્યવસાયના કારણે આદિવાસી (કે દલિત) બની જાય છે. ઉદાહરણ તરીકે, મહાશ્વેતા દેવીની 'અનાજની બિછાત' વાર્તામાં ગંજુ નામના આદિવાસી સમાજ કે સંપ્રદાયની વાત આવે છે. આ લોકોનું વંશપરંપરાગત કામ જ મરેલા ઢોરોની ચામડી ઉતારવાનું છે. આ વાત કરીને તેઓ જે તે સમાજનો જન્મ કેવી રીતે થાય છે તેની પુરાણ કથા પણ આલેખે છે. આ માહિતી આપીને તેઓ નવલકથા કે વાર્તાઓમાં ફક્ત નાટકીય તત્ત્વ નથી ઉમેરતા પણ શોષિત વર્ગને ઈતિહાસના પટ સામે ઊભા રાખીને ઉચ્ચ વર્ગના 'શિકાર' તરીકે રજૂ કરે છે.

મહાશ્વેતા દેવી

'હજાર ચૌરાસી કી માં', 'અગ્નિગર્ભ', 'અરણ્યેર અધિકાર' અને 'રુદાલી' તેમની જાણીતી કૃતિઓ છે, પરંતુ મહાશ્વેતા દેવીના સાહિત્યમાં એ દરિયામાં ટીપાં સમાન છે. મહાશ્વેતા દેવીએ આશરે ૧૦૦ જેટલી નવલકથા અને વીસ વાર્તા સંગ્રહ આપ્યા છે, જેમાં તેમણે ફક્ત છેવાડાના માણસ માટે અવાજ ઉઠાવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, તેમણે જે સામે જોયું એને શબ્દોથી વાચા આપી, બસ. મહાશ્વેતા દેવીએ સામ્યવાદના બે મહાન પ્રણેતા માર્ક્સ કે લેનિનને વાંચ્યા ન હતા. 

મહાશ્વેતા દેવીના પિતા મનીષ ઘટક બંગાળી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ બંગાળી સાહિત્યના  અત્યંત મહત્ત્વના ગણાતા કલ્લોલ આંદોલન સાથે પણ સંકળાયેલા હતા. મનીષ ઘટકના ભાઈ એટલે જાણીતા ફિલ્મમેકર રિત્વિક ઘટક. મહાશ્વેતા દેવીના માતા ધારિત્રી દેવી પણ જાણીતા લેખિકા અને સામાજિક કાર્યકર હતા. ધારિત્રી દેવીના ભાઈ, એટલે કે મહાશ્વેતા દેવીના મામા સચિન ચૌધરીએ 'ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વિકલી ઓફ ઈન્ડિયા' જેવું અત્યંત પ્રતિષ્ઠિત સામાયિક શરૂ કર્યું હતું.  

શિક્ષિત-પ્રતિષ્ઠિત બંગાળી પરિવારમાં જન્મેલા મહાશ્વેતા દેવી ચૈનની જિંદગી જીવી શકતા હતા, પરંતુ તેમણે શોષિત વર્ગ માટે પોતાનો 'કમ્ફર્ટ ઝોન' છોડી દીધો. તેઓ દેશની એકમાત્ર વ્યક્તિ હતા જેમને સાહિત્ય-પત્રકારત્વની સેવા બદલ જ્ઞાનપીઠ અને રેમન મેગ્સેસે એમ બંને પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

અત્યારે ગુજરાતીઓ પાસે શોષિત-દલિત વર્ગને સંપૂર્ણ માનવીય હક્કો આપીને દેશમાં જ નહીં વિશ્વભરમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની તક છે. ખરા અર્થમાં ગુજરાતની અસ્મિતાનો ઝંડો લહેરાવવાની તક છે.

આ તક આવી છે ત્યારે એક સવાલ પૂછવાનું મન થાય છે. શું તમે શોષિત વર્ગ માટે તમારો 'કમ્ફર્ટ ઝોન' છોડવા તૈયાર છો?

3 comments: