24 June, 2015

આપણી નદીઓ ‘નાળાં’ કેમ થઈ ગઈ?


ભારતીય હવામાન વિભાગના મતે, આ વર્ષે અલ નિનો ઈફેક્ટના કારણે દેશભરમાં વરસાદ સામાન્ય કરતા ઘણો નીચો રહેશે. આ પ્રકારની સામુદ્રિક ગતિવિધિ વધારે ગરમી કે ઠંડી તેમજ નબળો વરસાદ જેવી સ્થિતિનું સર્જન કરે છે. અલ નિનોના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ ગરમી વધી હતી અને હવે ચોમાસું નબળું રહેવાનું છે. નબળા ચોમાસાનો અર્થ છે ઓછું પાણી. ભારત માટે ઓછું પાણી એટલે નદીઓના પાણીના જથ્થામાં ઘટાડો અને કૃષિ અર્થતંત્રમાં ગાબડું. આઝાદીના આટલા વર્ષો પછીયે ભારતની ખેતી ચોમાસા પર આધારિત છે કારણ કે, આપણે મજબૂત સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી. એવું નથી કે, ભારતમાં પાણીના સ્રોતોનો અભાવ છે. સમગ્ર ભારતીય ઉપખંડમાં (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભુતાન) મૂળ સાત નદીઓનું વહેણ છે, જેની બીજી ૪૦૦ જેટલી નાની-મોટી પેટા નદીઓ છે. ભારતનો સવાલ છે ત્યાં સુધી કૃષિથી લઈને ખેડૂતોની આત્મહત્યાઓ સુધીના અનેક પ્રશ્નોને મૂળમાંથી દૂર કરવા નદીઓના આ સમગ્ર તંત્રને સમજવું અત્યંત જરૂરી છે.

વિશ્વના કોઈ પણ પ્રદેશ માટે નદી એ ફક્ત વહેતું પાણી નથી. નદી સાથે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાં પણ સંકળાયેલા હોય છે. નદી સમૃદ્ધ જીવનની ભેટ આપતી માતા છે. હાડમારીઓમાંથી મુક્તિ અપાવતી દેવી છે. કરોડો લોકોની રોજીરોટી છે. અબજો જીવોનું ઘર છે. અર્થતંત્રનો આત્મા છે. મહાન સંસ્કૃતિઓ નદીઓના કિનારે જ જન્મે છે અને વિકસે છે. ભારતીય ઉપખંડની વાત છે એટલે તાત્ત્વિક રીતે કહીએ તો હિમાલયમાંથી ફૂટીને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને સમુદ્રમાં ભળી જતી નદીઓના વહેણ ‘સમુદ્રથી પણ ઊંડા અને આસમાનથી પણ ઊંચા’ છે. ભારતીય ઉપખંડની મોટા ભાગની નદીઓનો જન્મ ખૂબ ઊંચાઈ પર હિમાલયમાં થાય છે. આ નદીઓ બંગાળની ખાડી કે અરેબિયન સમુદ્રમાં ભળી જાય છે. ભારતની મૂળ સાત નદીઓના વહેણમાં કુલ ૧૪ વહેણ ખૂબ જ મોટા છે, જેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. દેશની ૮૦ ટકા જેટલી વસતી સીધી કે આડકતરી રીતે આ ૧૪ નદી પર નભે છે. ઈતિહાસ સાક્ષી છે કે, વિશ્વની અનેક મહાન સંસ્કૃતિઓ પાણીનું આયોજન નહીં કરી શકવાને કારણે નાશ પામી છે, લુપ્ત થઈ ગઈ છે.

વધારે ગરમી પડે કે ઠંડી પડે, વરસાદ વધારે થાય કે ઓછો થાય એવી પર્યાવરણીય મુશ્કેલીઓ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ઠેરવવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ પણ ક્લાઈમેટ ચેન્જનો જ એક ભાગ છે. ગ્લોબલ વોર્મિંગ માટે ઓછા જંગલોથી લઈને કાર્બન ડાયોક્સાઈડ જેવા કેટલાક ગ્રીનહાઉસ ગેસમાં વધારો જવાબદાર હોવાનું કહેવાય છે. કેનેડાના પ્રખ્યાત પર્યાવરણવાદી અને બ્લુ પ્લેનેટ પ્રોજેક્ટના સહ-સ્થાપક મોડ બાર્લો કહે છે કે, ‘‘ક્લાઈમેટ ચેન્જના કોયડામાં કોઈ કડી ખૂટે છે. આ મુશ્કેલીનો ઉકેલ શોધતા પહેલાં એ કડી શોધવી જરૂરી છે. આ ખૂટતી કડી એટલે પાણીનો દુરુપયોગ, ગેરવહીવટ અને પાણીના વહેણ સાથે સમજ્યા વિના કરાયેલી છેડછાડ... જો આપણે ક્લાઈમેટ ચેન્જનો સફળતાપૂર્વક ઉકેલ નથી લાવી શકતા તો પાણીના દુરુપયોગનું વિશ્લેષણ કરવું જરૂરી છે. પાણીનો દુરુપયોગ પણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. આ મુશ્કેલીના ઉપાયોમાં પાણીનું રક્ષણ અને નદીઓને સજીવન કરવાની બાબત પણ સમાવવી પડશે...’’ બ્લુ પ્લેનેટ પ્રોજેક્ટ પાણીના વેપારીકરણને અટકાવવાનું કામ કરે છે.



પર્યાવરણને લગતા પ્રશ્નો એકબીજા સાથે એટલા ઊંડી રીતે ગૂંથાયેલા છે કે, વિજ્ઞાન હજુ તેને સમજવાની કોશિષ કરી રહ્યું છે. પર્યાવરણને લગતા ફેરફારો હજારો વર્ષના પટમાં ફેલાયેલા હોય છે. જંગલો કપાશે તો નદીને શું નુકસાન થશે અને એ પછી માણસજાત કેવી રીતે પ્રભાવિત થશે એની ભયાનકતાનો અંદાજ થોડી સદીઓ પહેલાં સુધી કોઈને નહોતો. છેલ્લાં ચાર હજાર વર્ષમાં ઉત્તર ભારતમાં કપાયેલા જંગલોના કારણે  જ અત્યારની ગંગાના માર્ગમાં કાંપના વિશાળ મેદાનો અસ્તિત્વમાં આવ્યા છે. હાલ ગંગાના મેદાની પ્રદેશો છે ત્યાં એક સમયે ગાઢ વરસાદી જંગલો હતા એના એક નહીં એક હજાર મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. આ જંગલો ખતમ થયા એનો અર્થ એ છે કે, અહીંનું ફ્લોરા એન્ડ ફૌના (એકબીજા પર આધારિત સમગ્ર વનસ્પતિ અને જીવસૃષ્ટિ) પણ ખતમ થઈ ગયું અથવા તો તેમાં ભંગાણ પડ્યું. ૨,૫૨૫ કિલોમીટર લાંબી ગંગા નદીનો જન્મ હિમાલયના ગંગોત્રી, સતોપંથ અને ખાટલિંગ ગ્લેશિયર તેમજ નંદા દેવી, નંદા કોટ, ત્રિશૂલ, કેદારનાથ અને કામેત જેવા નાના-મોટા શિખરોમાંથી થાય છે. આ મહાન નદીના મુખ્ય વહેણ અને તેની પેટા નદીઓનો તટપ્રદેશ ૪,૧૬,૯૯૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. વિશ્વની એકેય નદીના તટપ્રદેશની જીવસૃષ્ટિમાં ગંગા જેટલું વૈવિધ્ય જોવા નથી મળતું.  

૧૭મી સદી સુધી હિમાલયની તળેટી તેમજ હાલના રાજાજી નેશનલ પાર્ક, જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને દૂધવા નેશનલ પાર્કના ગંગાના પટ્ટામાં વાઘ, હાથી, ગેંડા, બારાશિંગા, સ્લોથ બેર, ચોશિંગા, જંગલી ભેંસ અને સિંહોની ભારે વસતી હતી. ૨૧મી સદી સુધીમાં અહીં ફક્ત હરણ, જંગલી ડુક્કર, જંગલી બિલાડી, વરુ અને શિયાળની વસતી બચી છે, જ્યારે રોયલ બેંગાલ ટાઇગર નામે ઓળખાતા વાઘ સુંદરવન પૂરતા મર્યાદિત થઈ ગયા છે. જોકે, સુંદરવનમાં મગરો અને બારાશિંગા પણ જોવા મળે છે. ગંગા તટપ્રદેશમાં વાઘ, હાથી, ગેંડા, સ્લોથ બેર અને ચોશિંગાની પ્રજાતિ પણ ઝડપથી લુપ્ત થઈ રહી છે. ગંગા ૧૪૦ પ્રજાતિની માછલી અને ૯૦ જાતના ઉભયજીવીનું પણ ઘર છે. ઝડપથી લુપ્ત થઈ રહેલી 'ગંગા ડોલ્ફિન'નો જન્મ પણ ગંગામાં થયો છે, જે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. ગંગામાં ઘડિયાળ નામની જાતિના મગરો અને શાર્કનો પણ વસવાટ છે. ગંગાના પાણી, મેદાનો, કિનારા, જીવો અને જંગલો પર હજારો પક્ષીઓ પણ નભે છે. વિશ્વભરમાં ફક્ત ગંગામાં જોવા મળે એવા અનેક જીવો અહીં રહે છે. ગંગાની વનસ્પતિ સૃષ્ટિ પણ સમૃદ્ધ છે અને એમાંય જીવ છે.  આ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આપણે ‘સૃષ્ટિ વિરુદ્ધ’નું કૃત્ય કર્યું છે.

આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે, નદીઓ પર મોટા બંધો બાંધવા કરતા નાના બંધો બાંધવા વધુ યોગ્ય છે કારણ કે, મોટા બંધો અણુબોમ્બના વિસ્ફોટ જેવી તારાજી સર્જવા પૂરતા છે. એટલું જ નહીં, જેટલા મોટા બંધ એટલી કુદરતી વહેણ સાથે વધુ છેડછાડ અને જેટલી વધુ છેડછાડ એટલું પર્યાવરણને વધુ નુકસાન. આ સમજ આવ્યા પછીયે સ્થિતિ એ જ છે. ઔદ્યોગિક કચરો અને ગટરોનું ગંદુ પાણી શુદ્ધિ પ્રક્રિયા કર્યા વિના ગંગા સહિતની નદીઓમાં ઠાલવવામાં આવે છે. તાજેતરમાં જ જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા નવીનીકરણ વિભાગના રાજ્ય મંત્રી સાંવરલાલ જાટે રાજ્ય સભામાં માહિતી આપી હતી કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (સીપીસીબી) ગંગા અને તેની પેટા નદીઓમાં રોજનો ૫૦.૧ કરોડ લિટર ઔદ્યોગિક કચરો ઠાલવતા ૭૬૪ ઔદ્યોગિક એકમોની યાદી બનાવી છે. આ ઉપરાંત ૧૪૪ ગટરોને પણ ઓળખી લેવાઈ છે, જે રોજની ૬૬૧.૪ કરોડ લિટર ગંદકી ગંગાના મુખ્ય પ્રવાહમાં ઠાલવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગંગા સર્વોચ્ચ સ્થાને બિરાજતી હોવા છતાં આ સ્થિતિ છે તો બીજી નદીઓની શું સ્થિતિ હશે! સીપીસીબીના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૫માં શહેરી ભારતમાં પ્રતિ દિન ૬૨૦૦ કરોડ લિટર ગંદકી થશે, જ્યારે આ ગંદકીના શુદ્ધિકરણ માટેના ૮૧૬ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા રોજની માંડ ૨૩૨૭.૭ કરોડ લિટર છે. 

આશરે બે દાયકા પહેલાં સીપીસીબીએ અહેવાલ આપ્યો હતો કે, ભારતીય ઉપખંડની એક પણ નદીનું પાણી ન્હાવાને લાયક નથી, તો આજે શું સ્થિતિ હશે એની કલ્પના થઈ શકે છે. દેશની સૌથી ગંદી નદીઓમાં ગુજરાતની સાબરમતી, મહારાષ્ટ્રની મીઠી અને ગોદાવરી, પૂણેની પવન, ઉત્તરપ્રદેશની હિન્દો, પંજાબ-હરિયાણાની ઘાઘર, પંજાબની સતલજ, તમિલનાડુની આડયાર અને કૂમ,હૈદરાબાદની મુસી અને કર્ણાટકની ભદ્રાનો સમાવેશ થાય છે. એક અહેવાલ પ્રમાણે, પર્વતીય પ્રદેશોમાં વહેતી સતલજ, બિયાસ, રાવિ, ચિનાબ, ઝેલમ, ભગીરથી, અલકનંદા, ગૌરી ગંગા, મંદાકિની અને તિસ્તા જેવી નદીઓ આગામી દાયકાઓમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે. કેમ? કારણ કે, આ નદીઓના વહેણને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં વાળવામાં આવ્યું છે. નદીઓના વહેણને સમજ્યા વિના રોકવાથી કે બીજે વાળવાથી તે વધુ પ્રદૂષિત થાય છે. કુદરતી રીતે વહેતી નદીઓ આપોઆપ ચોખ્ખી રહે છે એવું નિષ્ણાતો કહે છે.

સરકારો નદીઓને લગતી કોઈ યોજના બનાવે ત્યારે તેને ફક્ત એક વહેણ તરીકે જુએ છે. ગંગાને શુદ્ધ કરવા પણ ફક્ત ‘એન્જિનિયરિંગ સોલ્યુશન’ શોધાઈ રહ્યું છે. આપણી નદીઓ ‘નાળાં’ થઈ ગઈ એનું મૂળ પણ એમાં જ છે.

2 comments:

  1. માહિતી સભર અને દુઃખ વધારનાર તથ્યો વાળો લેખ-

    ReplyDelete