વર્ષ ૨૦૦૩ના એક દિવસે એ સાહસિકે મેક્સિકોની કેવ ઓફ સ્વેલો તરીકે ઓળખાતી ૪૦૦
મીટર ઊંડી ગુફામાં બેઝ જમ્પ માર્યો. એ દિવસે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી
ગુફાની આસપાસના ખડકો ભીનાં હતા. ભેજના કારણે ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની
ઊંચાઈ (૩૧૯ મીટર)થી પણ વધુ ઊંડાઈ ધરાવતી એ ગુફામાં વાદળો પણ સર્જાયા હતા. ભેજવાળા
વાતાવરણમાં ઝાંકળ પડયું હોવાથી તેનો પેરાશૂટ ભીનો થઈ ગયો હતો. એણે એકાદ વર્ષ
પહેલાં જ બેઝ જમ્પિંગની શરૂઆત કરી હતી પણ એ પહેલાં તે વિશ્વભરમાં જાંબાઝ રોક
ક્લાઈમ્બર તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યો હતો. જોકે, બધું સમૂસુતરું પાર પડશે એવો તેને વિશ્વાસ હતો. તેનો
સાથીદાર ગુફામાં કૂદીને સફળતાપૂર્વક નીચે પહોંચી ગયો હતો.
હવે તેનો વારો હતો. થ્રી... ટુ... વન... જમ્પ... અને ગુફામાં અડધે રસ્તે પહોંચતા
જ તેણે પેરાશૂટ ખોલ્યો. જોકે, ભીના પેરાશૂટમાં હવા બરાબર ના ભરાઈ અને પેરાશૂટ તેના શરીર
અને ચહેરા ફરતે વીંટળાઈને ખોટી રીતે ખૂલ્યો. હવે છ ફૂટ પાંચ ઈંચ ઊંચો અને ૯૦ કિલો
વજન ધરાવતો એ યુવક અધકચરા ખૂલેલા પેરાશૂટ સાથે રોકેટ ગતિએ જમીન તરફ ધસી રહ્યો હતો.
આ સ્થિતિમાં પણ એ જાંબાજ પેરાશૂટને યોગ્ય સ્થિતિમાં લાવવા હવામાં પોતાનું શરીર
ફંગોળી રહ્યો હતો. તેને થયું કે, આજે ખેલ ખતમ. જોકે, આ સાહસિક જમીનથી માંડ બે મીટર ઊંચે હતો
ત્યાં જ પેરાશૂટમાં થોડી જાન આવી અને તે ઉપર તરફ ખેંચાયો...
ડીન પોટર |
આ યુવક એટલે જેના માટે સાહસિક, જાંબાઝ, ડેરડેવિલ અને બ્રેવહાર્ટ્સ જેવા તમામ શબ્દો નાના પડે, એ ડીન
પોટર અને તેનો સાથીદાર એટલે વિખ્યાત બેઝ જમ્પિંગ ગાઈડ જિમી પોચર્ટ. આ અકસ્માત વખતે
ડીનની હથેળીઓમાં પેરાશૂટના મજબૂત નાયલોન રોપ ઘૂસી ગયા હતા. સ્વાભાવિક રીતે જ આ
અકસ્માતની વાત ગ્લોબલ એડવેન્ચર સ્પોર્ટ્સ કોમ્યુનિટીમાં ફેલાઈ એ પછી લોકો ડીનને
ચમત્કારિક માનવા લાગ્યા હતા. ડીનના સાથી ક્લાઈમ્બરો તેને પ્રેમથી ડાર્ક વિઝાર્ડ કે
રોક મોન્ક (કાળો જાદુગર કે પહાડોનો સાધુ) કહેતા હતા. વિશ્વના ધુરંધર એડવેન્ચર
સ્પોર્ટ્સ પર્સન્સ પણ કહી ચૂક્યા છે કે, સેફ્ટી રોપ વિના વિશ્વની અઘરામાં અઘરી પર્વતમાળાઓમાં રોક
ક્લાઈમ્બિંગ, સ્પિડ ક્લાઈમ્બિંગ, બેઝ જમ્પિંગ કે જમીનથી હજારો ફૂટ ઊંચા બે પર્વતો વચ્ચે
દોરડા બાંધીને સેફ્ટી ટૂલ્સ વિના ચાલવાની હાઈલાઈનિંગ જેવી રમતોમાં વિશ્વ વિક્રમો
કર્યા પછીયે કોઈ જીવિત રહ્યું હોય તો તે ડીન પોટર જ હોય.
જોકે, ૧૬મી મે, ૨૦૧૫ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કમાં ત્રણેક હજાર ફૂટ ઊંચા એક ખડક પરથી બેઝ
જમ્પિંગ કરતી વખતે ડીન પોટર અને તેના સાથીદાર ગ્રેહામ હન્ટનું મૃત્યુ થયું ત્યારે
અનેક લોકોને બિલકુલ આશ્ચર્ય ના થયું એ પણ હકીકત છે. એડવેન્ચર સ્પોર્ટ્સની રાજધાની
ગણાતા યોસેમાઈટ નેશનલ પાર્કમાં તમામ પ્રકારનું બેઝ જમ્પિંગના ગેરકાયદે છે પણ
અમેરિકામાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વને લીધે ડીન જેવા સાહસિકો સામે આંખ આડા
કાન કરાય છે. કાયદાકીય પ્રતિબંધો પછીયે ડીન છેલ્લાં બે દાયકાથી યોસેમાઈટ નેશનલ
પાર્કનો સૌથી સક્રિય વિંગ સૂટ બેઝ જમ્પર હતો. માંડ દસેક વર્ષ જૂની વિંગ સૂટ બેઝ
જમ્પિંગ વિશ્વની સૌથી જોખમી રમત છે. આ રમતમાં વિંગ સૂટ પહેરીને આસમાની ઊંચાઈ
ધરાવતી બિલ્ડિંગો, પુલો અને ખડકોની ધાર પરથી કૂદવાનું હોય છે.
મેક્સિકોની કેવ ઓફ સ્વેલોમાં બેઝ જમ્પિંગ કરતી વખતે થયેલી ગરબડ કેટલી ગંભીર હતી
એનો અંદાજ એ વાત પરથી આવે છે કે, આ અકસ્માત પછી ડીન જેવો ડેરડેવિલ પણ સતત બે વર્ષ સુધી
ડિપ્રેશનમાં રહ્યો હતો. આ અકસ્માતમાં તેના હાથના મસલ્સને જોરદાર નુકસાન થયું હતું.
આ ઘટના પછી ડીને બીજી વાર બેઝ જમ્પિંગ અને ક્લાઈમ્બિંગ શરૂ કરવાનો પ્રયાસ કર્યો પણ
તે નિષ્ફળ રહ્યો હતો. શક્તિના ધોધ જેવો ડીન માનસિક રીતે ઢીલોઢફ્ફ થઈ ગયો હતો. જોકે,
ડીન અત્યંત હકારાત્મક અને કંઈક અંશે અલગારી-આધ્યાત્મિક હોય એવા એડવેન્ચર સ્પોર્ટ્સના
રસિયાઓ વચ્ચે રહેતો હોવાથી બે વર્ષમાં ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો હતો. છેવટે વર્ષ
૨૦૦૫માં ડીને ફરી એકવાર બેઝ જમ્પિંગ અને રોક ક્લાઈમ્બિંગ શરૂ કરીને એડવેન્ચર
સ્પોર્ટ્સની દુનિયામાં એક પછી એક કદાચ ક્યારેય ના તૂટે એવા વિશ્વ વિક્રમો કર્યા
હતા.
ડીને બેઝ જમ્પિંગ શીખીને તુરંત જ એક નવી હાઈબ્રીડ સ્પોર્ટ વિકસાવી હતી. તે
એકાદ હજાર ફૂટ (૩૦૪.૮ મીટર) ઊંચા રોક પર ફ્રી સોલો ક્લાઈમ્બિંગ (કોઈ પણ પ્રકારના
સેફ્ટી રોપ વિના થતું ક્લાઈમ્બિંગ) કરતી વખતે બેઝ જમ્પિંગ સૂટનો ઉપયોગ કરતો હતો. આ
રમતમાં સેફ્ટી માટે બેઝ જમ્પિંગ સૂટ હોવા છતાં જરા-સરખી ચૂક થાય તો મોત નિશ્ચિત
હોય છે કારણ કે, ક્લાઈમ્બરની પકડ છટકે કે તરત જ વિંગ સૂટ પેરેશૂટ ખોલી શકાતો નથી. એ વખતે નીચે
પડતી વખતે અનિયમિત આકારો ધરાવતા ખડકો પર ટકરાવાની ભરપૂર તક હોય છે. પકડ છટકે તો ક્લાઈમ્બર
પ્રતિ કલાક ૧૬૦ કિલોમીટરની ઝડપે નીચે પડે છે. આ રમતને ડીન પોટરે ફ્રી બેઝ નામ
આપ્યું છે. નવાઈની વાત તો એ છે કે, બેઝ જમ્પિંગ કરનારા વીરલા તો વિશ્વમાં માંડ ૪૦૦ છે,
જ્યારે રોક ક્લાઈમ્બિંગ
અને બેઝ જમ્પિંગમાંથી સર્જાયેલી હાઈબ્રીડ રમત ફ્રી બેઝની પ્રેક્ટિસ આખી દુનિયામાં
ફક્ત ડીન જ કરતો હતો. જે ખડકો પર પકડ છટકવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યાં સેફ્ટી
ગિયર્સ વિના ક્લાઈમ્બિંગ કરવા માટે ડીને આ પદ્ધતિ વિકસાવી હતી.
યોસેમાઈટમાં બેઝ જમ્પિંગ ગેરકાયદે હોવાથી ડીન જેવા કેટલાક લોકો નેશનલ પાર્કના
રેન્જર્સની નજરથી બચવા રાત્રે આછો પ્રકાશ હોય ત્યારે અથવા ધુમ્મસનું પ્રમાણ વધારે
હોય ત્યારે બેઝ જમ્પિંગની પ્રેક્ટિસ કરે છે. આ અંગે એડવેન્ચર સ્પોર્ટ્સના તરફદારો
અમેરિકન કાયદાનો વિરોધ કરતા કહે છે કે, આ કાયદો એડવેન્ચર સ્પોર્ટ્સના રસિયાઓને રક્ષણ આપવા માટે
કેવી રીતે હોઈ શકે? કારણ કે, આ કાયદાના કારણે જ બેઝ જમ્પર્સ પાર્કના અધિકારીઓની નજરથી
બચવા અંધારામાં પ્રેક્ટિસ કરીને તેમનો જીવ જોખમમાં મૂકે છે. અમેરિકાના બેઝ જમ્પિંગ
વિરોધી કાયદાથી વ્યથિત ડીન હંમેશાં પાયાની સ્વતંત્રતા પર ભાર મૂકીને અમેરિકન
સરકારનો વિરોધ કરતો હતો. ડીને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,
''પર્યાવરણને નુકસાન ના
થાય એ રીતે કુદરતમાં પ્રવાસ કરવો ગેરકાયદે ના હોવો જોઈએ...''
નાનપણથી જ બળવાખોર મિજાજના ડીને ફક્ત ૧૬ વર્ષની વયે ન્યૂ હેમ્પશાયર રાજ્યની
આશરે ૩૮૮ મીટર ઊંચી જો ઈંગ્લિશ હિલનું ગેરકાયદે ચઢાણ કર્યું હતું, જે તેનું પહેલું
ફ્રી સોલો ક્લાઈમ્બિંગ હતું. વળી, આ ચઢાણ ડીને ખુલ્લા પગે કર્યું હતું. આ હિલ પર
ન્યૂ બોસ્ટન એરફોર્સ સ્ટેશન બેઝનો કંટ્રોલ હોવાથી ત્યાં કોઈને ક્લાઈમ્બિંગ કરવાની
મંજૂરી ન હતી પણ ડીને પોતાની સાહસવૃત્તિ સંતોષવા ત્યાં ગેરકાયદે ચઢાણ કર્યું હતું.
ડીન માટે રોક ક્લાઈમ્બિંગ કે બેઝ જમ્પિંગ આધ્યાત્મિક પ્રવાસ હતો. કદાચ એટલે જ ડીન
યોસેમાઈટના અલ કેપિટન જેવા અત્યંત અઘરા ખડકો પર સ્પિડ ક્લાઈમ્બિંગના પણ અનેક રેકોર્ડ
બનાવી શક્યો હતો. આ પ્રકારનું ક્લાઈમ્બિંગ આધુનિક ક્લાઈમ્બિંગ વિશ્વમાં 'ગ્લેડિયેટર સ્ટાઈલ' તરીકે ઓળખાય છે. સ્વિત્ઝર્લેન્ડની આલ્પ્સ પર્વતમાળામાં
આવેલા ૩,૯૭૦ મીટર ઊંચા ઈગર પર્વત પરથી બેઝ જમ્પ કરીને બે મિનિટ અને ૫૦ સેકન્ડ સુધી
હવામાં તરવાનો રેકોર્ડ પણ ડીનના નામે છે. આ સિદ્ધિ બદલ ડીનને વર્ષ ૨૦૦૯માં 'નેશનલ જિયોગ્રાફિક એડવેન્ચરર ઓફ ધ યર'નું સન્માન મળ્યું હતું.
એક્સ્ટ્રિમ રોક ક્લાઈમ્બિંગ અને ફ્રી બેઝ જેવી રમતોમાં પાર્ટ ટાઈમ પ્રેક્ટિસને
કોઈ અવકાશ નથી હોતો. એ માટે અલગારી જીવન ગુજારવાની તૈયારી રાખવી પડે છે. હાલના અમેરિકન
કાયદા પ્રમાણે યોસેમાઈટ નેશનલ પાર્કમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી કેમ્પિંગ કરી
શકાતું નથી. આ કારણોસર ડીન રેન્જર્સની નજરથી બચવા યોસેમાઈટની ગુફાઓમાં સૂઈ રહેતો
હતો. ડીનને રોલ મોડેલ માનતા કેટલાક વિદ્રોહી લોકો કંઈક પામવા માટે અત્યારે પણ યોસેમાઈટ
નેશનલ પાર્ક નજીક કાર પાર્ક કરીને જીવન વીતાવી રહ્યા છે,
જેથી તેઓ પોતાનું જીવન
ક્લાઈમ્બિંગને સમર્પિત કરી શકે. ડીનનો જન્મ ૧૪મી એપ્રિલ,
૧૯૭૨ના રોજ કેન્સાસ
રાજ્યમાં થયો હતો અને બાળપણ ન્યૂ હેમ્પશાયરમાં વીત્યું હતું. ડીનના પિતા મિલિટરી
ઓફિસર હોવાથી બાળપણથી જ તે સારા શારીરિક સૌષ્ઠવ અને સાહસવૃત્તિની સાથે થોડું
આધ્યાત્મિકપણું ધરાવતો હતો. ડીન વ્યક્તિ નહીં પણ એક ઘટના હતી.
પશ્ચિમી દેશોમાં કાયદેસર હોય એવી તમામ એડવેન્ચર સ્પોર્ટ્સને સ્પોન્સર મળી રહે
છે અને એટલે જ ત્યાં તેનો સતત વિકાસ થઈ રહ્યો છે. પશ્ચિમી દેશોના પોપ્યુલર ફિઝિકલ
આર્ટ કલ્ચરમાં એડવેન્ચર સ્પોર્ટ્સનું પ્રકરણ લખાશે ત્યારે પહાડોના સાધુ ડીન
પોટરનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ડીન રોક ક્લાઈમ્બિંગ,
સ્પિડ ક્લાઈમ્બિંગ,
બેઝ જમ્પિંગ અને
હાઈલાઈનિંગને સાહસિક રમત કરતા 'કળા' વધુ ગણતો હતો. ડીનના સાથી ક્લાઈમ્બર અને લેખક સિડર રાઈટે 'ટાઈમ' મેગેઝિનમાં નોંધ્યું છે કે, અમે થોડા વિદ્રોહી અને અરાજકતાવાદી બ્રહ્મની શોધ કરનારા છીએ,
જેમને હળવી નિરાશા દૂર
કરવા ખડકોની જરૂર પડે છે.
નોંધઃ ડીન પોટરની સાહસિકતા કેવી હતી એ સમજવા ગમે તેવા શબ્દો ઓછા પડે. આ લેખ વાંચતા કે વાંચ્યા પછી ડીનની સાહસવૃત્તિની ઝલક મેળવવા વીડિયો જોવા જરૂરી છે.
No comments:
Post a Comment