વડાપ્રધાન નરેન્દ્ર
મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યા પછી વર્ષ ૨૦૧૪માં ભુતાન,
મ્યાંમાર, નેપાળ અને વર્ષ ૨૦૧૫માં બાંગ્લાદેશ
જેવા નાનકડા પાડોશી દેશોની મુલાકાત લઈને પડદા પાછળનું યુદ્ધ જીતવામાં ઘણી
મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જોકે, વડાપ્રધાને હજુ સુધી
પાકિસ્તાનની મુલાકાત લીધી નથી અને નજીકના ભવિષ્યમાં પણ ત્યાં જવાના નથી, એ રસપ્રદ બાબત છે. એનડીએ સરકાર માટે વડાપ્રધાનના પાડોશી દેશોના પ્રવાસ પછી
સૌથી મહત્ત્વની બાબત મ્યાંમારની ધરતી પર બોડો ઉગ્રવાદીઓને ખદેડવા કરાયેલું ઓપરેશન
છે. ભારતની આક્રમક સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વર્તુળોએ આવકારી છે. આ
સાથે ભારતને ટકોર પણ કરાઈ છે કે, મ્યાંમાર પાકિસ્તાન નથી.
પાકિસ્તાન પણ કહે છે કે, અમે મ્યાંમાર નથી. અમે ન્યુક્લિયર
નેશન છીએ. વાત તો સાચી છે. પાકિસ્તાન ન્યુક્લિયર શસ્ત્રો ધરાવતો દેશ છે. આ
પ્રકારના દેશ સાથે મિલિટરી પાવરનો સમજી વિચારીને જ ઉપયોગ થઈ શકે. નહીં તો બંને
દેશોએ પસ્તાવાનો વારો આવે.
મ્યાંમારની ધરતી પર
વિદેશી આતંકવાદીઓ નહીં પણ સ્થાનિક બળવાખોરો હતા, જેમનું
લક્ષ્ય આસામના બોડો લોકો માટે સ્વાયત્ત બોડોલેન્ડ રચવાનું છે. સ્થાનિક બળવાખોરો
અને દુશ્મન દેશના આતંકવાદ સામે લડવું એ બંનેમાં બહુ ફર્ક છે. ઈતિહાસબોધ કહે છે કે,
હવેના જમાનામાં આતંકવાદ સામે લડવા હાર્ડ પાવરની સાથે સોફ્ટ પાવરની
પણ જરૂરિયાત
છે. આક્રમક લશ્કરી ઓપરેશનો, ન્યુક્લિયર
શસ્ત્રોના ભંડારો અને મજબૂત અર્થતંત્રની મદદથી નબળું અર્થતંત્ર ધરાવતા દેશને
કાબૂમાં રાખવાની નીતિરીતિ હાર્ડ પાવર છે, જ્યારે આતંકવાદીઓ
સામે આક્રમક વલણની સાથે સાથે લશ્કરી તાકાતના દેખાડા વિના આંતરરાષ્ટ્રીય સ્તરે એક
મજબૂત રાષ્ટ્ર તરીકેનો દબદબો જળવાઈ રહે એ સોફ્ટ પાવર છે. હાર્ડ પાવરની સરખામણીએ
સોફ્ટ પાવર વધારવા અનેકગણી વધારે મહેનત કરવી પડે છે. હાર્ડ પાવર દેશનું અર્થતંત્ર
ડામાડોળ કરી શકે છે. દુશ્મન દેશો (વાંચો ભારત-પાકિસ્તાન) ન્યુક્લિયર શસ્ત્રોનો
કદાચ ક્યારેય ઉપયોગ નહીં કરવાના હોવા છતાં કરોડો ડોલરના ખર્ચે છોગામાં મિસાઈલો
ઉમેરતા જાય છે. આતંકવાદને હાર્ડ પાવરથી ડામી શકાતો નથી. ઊલટાનો હાર્ડ પાવરનો ઉપયોગ
વધુને વધુ આક્રમક આતંકવાદ પેદા કરે છે. ગમે તેવો હાર્ડ પાવર ધરાવતો દેશ આતંકવાદનો
સામનો કરતા કરતા થાકી જાય છે અને ઈઝરાયેલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઈઝરાયેલે જ કરેલા
અનેક સર્વેક્ષણો પ્રમાણે, ઈઝરાયેલ અને
પેલેસ્ટાઈનના વધુને વધુ લોકો ટુ-સ્ટેટ થિયરી સાથે સહમત થઈ રહ્યા છે. આ થિયરીમાં 'સ્ટેટ ઓફ ઈઝરાયેલ'માંથી એક ટુકડો અલગ કરીને 'પેલેસ્ટાઈનિયન સ્ટેટ'ની રચના કરવાની વાત છે. વર્ષ
૨૦૧૧માં ઈઝરાયેલની હિબ્રુ યુનિવર્સિટીએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે, ૫૮ ટકા ઈઝરાયેલી અને ૫૦ ટકા પેલેસ્ટાઈની ટુ-સ્ટેટ થિયરીની તરફેણ કરે છે.
વળી, આવું માનતા ઈઝરાયેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ
૨૦૦૩માં ફક્ત ૪૭ ટકા ઈઝરાયેલી અને ૩૯ ટકા પેલેસ્ટાઈની ટુ-સ્ટેટ થિયરીના તરફદાર
હતા. ઈઝરાયેલની આક્રમક પ્રજા પણ પોતાના દેશનો એક ટુકડો પેલેસ્ટાઈનીઓ પાસે જતો રહે
તો ખુશ છે. આ બાબત શું દર્શાવે છે? ઈઝરાયેલ ચારેય તરફ આરબ
રાષ્ટ્રોથી ઘેરાયેલું છે. ઈઝરાયેલ માટે દાયકાઓથી ફક્ત બે જ વિકલ્પ છે, જિંદગી અને મોત. આ કારણોસર આતંકવાદ સામે આક્રમક વલણ રાખવું એ ઈઝરાયેલની જરૂરિયાત છે. એનો અર્થ એ નથી કે,
ઈઝરાયેલને આતંકવાદ સામે લડવામાં મજા આવે છે. જે પ્રજાએ યુદ્ધની
ભયાનકતા જોઈ નથી એ લોકો જ યુદ્ધને દેશભક્તિ સમજવાની ગુસ્તાખી કરે છે. ન્યુક્લિયર
શસ્ત્રોની ભયાનકતા જોઈને હાર્ડ પાવરની અર્થહીનતા સમજનારો સૌથી શ્રેષ્ઠ દેશ કોઈ હોય
તો તે જાપાન છે. હીરોશીમા અને નાગાસાકી પરના હુમલા પછી જાપાનનો ચકાચૌંધ વિકાસ આ
સમજને આભારી છે.
આટલી ચર્ચા પછી સોફ્ટ
પાવર શું છે અને આજના જમાનામાં તેનું શું મહત્ત્વ છે એ સમજીએ. વર્ષ ૧૯૯૦માં
અમેરિકન સ્ટ્રેટેજિક થિંકર અને હાવર્ડ યુનિવર્સિટીના અધ્યાપક જોસેફ એસ. નાયે 'સોફ્ટ પાવર' શબ્દનો પહેલીવાર ઉપયોગ કર્યો હતો. જો 'પાવર' એ બીજા પર પ્રભાવ પાડીને ઈચ્છીએ તે મેળવવાની
ક્ષમતા હોય તો કોઈ પણ દેશે એવી શક્તિ મેળવવા ત્રણ વસ્તુની જરૂર પડે- મિલિટરી પાવર,
આર્થિક જોડાણો અને સોફ્ટ પાવર. સોફ્ટ પાવર એક પ્રકારનું 'આકર્ષણ' છે. જો વિદેશી તાકાતો તમારા દેશથી આકર્ષાશે
તો જ તેમને પ્રભાવિત કરીને સફળતા મેળવવામાં સરળતા રહે એ વાત પ્રો. નાયે સાબિત કરી
છે. આજના વિશ્વમાં સોફ્ટ પાવર ધરાવતા અગ્રણી દેશો અમેરિકા, ચીન
અને રશિયા છે. સોફ્ટ પાવર શું છે એ સમજવા ભારત માટે સૌથી યોગ્ય ઉદાહરણ ચીન છે કારણ
કે, અમેરિકા ધનવાન દેશ છે અને રશિયાની રાજકીય વ્યવસ્થા તેમજ
અર્થતંત્ર ભારતથી અલગ છે પરંતુ ચીનનો આર્થિક વિકાસ દર અને તેની મુશ્કેલીઓ લગભગ
ભારત જેવી જ છે. ચીને માંડ ત્રણ વર્ષ પહેલાં સોફ્ટ પાવરનું મહત્ત્વ સમજીને આગળ
વધવાની શરૂઆત
કરી હતી. વર્ષ ૨૦૧૨માં 'ચાઈના પોસ્ટ'એ ગુસ્સેલ મુદ્રા ધરાવતો ડ્રેગન અત્યંત ગંભીરતાથી શુભેચ્છા આપી રહ્યો હોય
એવી પોસ્ટલ સ્ટેમ્પ જારી કરી હતી. આ પોસ્ટલ સ્ટેમ્પનો ચીનની લોકપ્રિય સોશિયલ
મીડિયા વેબસાઈટ સિના વેઇબો પર ભરપૂર ટીકા થઈ. હજારો વર્ષો પુરાણા રાજાશાહી ધરાવતા
ચીનથી લઈને આધુનિક ચીનમાં રાજકીય પ્રતીક તરીકે આગ ઓકતા ડ્રેગનનો ઉપયોગ સામાન્ય
હતો. આમ છતાં, અનેક મેઘાવી યુવાનો, પત્રકારો,
લેખકો અને રાજકારણીઓનું માનવું હતું કે, આ
ડ્રેગન ચીનની ઈમેજ બગાડે છે.
આ લોકોના
સાનંદાશ્ચર્ય વચ્ચે ચીનની સર્વોચ્ચ નેતાગીરીને પણ આ વાતમાં દમ લાગ્યો અને ચીન
સરકારે 'સોફ્ટ' ઈમેજ
ધરાવતા ટેડી બેર જેવા 'પોચા' પાન્ડાનો
નવા રાજકીય પ્રતીક તરીકે સ્વીકાર કર્યો. હવે ચીનમાં રાજકીય ભેટ તરીકે પાન્ડાની
પ્રતિકૃતિ અપાય છે. ચીને અમેરિકા સાથે કદમ મિલાવવા આગામી વીસ વર્ષમાં જબરદસ્ત સોફ્ટ પાવર ઊભો
કરવાનો મજબૂત એજન્ડા બનાવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ચીન વિશ્વમાં ચીની સંસ્કૃતિનો
વ્યૂહાત્મક રીતે પ્રચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ જ ચીન સરકારે પોતાની સોફ્ટ
સાઈડ પ્રોજેક્ટ કરવા ચીની ડ્રેગનને ફગાવીને પાન્ડાનો ઉપયોગ શરૂ કર્યો છે. એક સમયે ચીનને યાદ કરતા
ચીની ડ્રેગન યાદ આવતો હતો પણ હવે સમય બદલાઈ રહ્યો છે. વિશ્વમાં ચીનની ખંધાઈ
દર્શાવવા 'ચીની ડ્રેગન' શબ્દનો ઉપયોગ સામાન્ય છે પણ ચીનના વિઝનરી નેતાઓને વિશ્વાસ છે કે, સમય ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. ચીન જાણે છે કે, તે
ખૂબ ઝડપથી વૈશ્વિક તાકાત બની રહ્યું છે તેથી ઈમેજ મેકઓવર કરવું ખૂબ જરૂરી છે. ઈમેજ મેકઓવર કરવા
ચીને સરકારની માલિકીની મીડિયા કંપનીઓ અને કોન્ફ્યુશિયન ઈન્સ્ટિટયુટમાં કરોડો
ડોલરનું રોકાણ કર્યું છે. કોન્ફ્યુશિયન ઈન્સ્ટિટયુટ ચીનના શિક્ષણ વિભાગ સાથે
સંકળાયેલી નહીં નફો-નહીં નુકસાન કરતી શૈક્ષણિક સંસ્થા છે. ચીનની કોમ્યુનિસ્ટ
પાર્ટીનું માનવું છે કે, જે રાષ્ટ્ર પાસે સોફ્ટ
પાવર હશે તેઓ આંતરરાષ્ટ્રીય હરીફાઈની દુનિયામાં મેદાન મારશે... જોકે, સોફ્ટ પાવર પર ભાર મૂકવાનો અર્થ એ નથી કે, મિલિટરી
પાવરનો ઉપયોગ નહીં કરવો.
ભારત તો ચીન કરતા પણ વધારે ઝડપથી સોફ્ટ પાવર
હાંસલ કરી શકે છે પણ એ માટે ચીનના નેતાઓ જેવી રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ. ભારતમાં લોકશાહીનો
પણ ફાયદો છે, જ્યારે ચીનમાં જડબેસલાક
ઈન્ટરનેટ સેન્સરશિપ છે. ચીન પાસે ગૂગલ કે વિકિપીડિયાનું સેન્સર્ડ વર્ઝન છે અને
ફેસબુક કે ટ્વિટર પણ નથી. ચાઈના રેડિયો ઈન્ટરનેશનલ હવે ૬૦થી પણ વધુ ભાષામાં
પ્રસારિત થાય છે, જ્યારે ઓલ ઈન્ડિયા રેડિયોની ગ્લોબલ
પ્રેઝન્સ કેટલી છે? લગભગ શૂન્ય. ચાઈના સેન્ટ્રલ ટેલિવિઝન
(સીસીટીવી) પણ ચીન અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવામાં આક્રમક ભૂમિકા ભજવી
રહ્યું છે. વર્ષ ૨૦૧૨ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણી વખતે સીસીટીવીના અમેરિકા વિભાગે
વધારાના ૧૦૦ પત્રકાર અને સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી હતી. સીસીટીવી વૈશ્વિક
પ્રસારણમાં સીએનએન, બીબીસી અને અલ જઝિરા સાથે હરીફાઈ કરી
રહ્યું છે. ચીનની ઝિન્હુઆ દસ હજારના સ્ટાફ અને ૧૦૭ હાઈટેક બ્યુરો સાથે વિશ્વની
સૌથી મોટી ન્યૂઝ એજન્સી બની ગઈ છે. વૈશ્વિક સ્તરે એપી, રોયટર
કે બ્લુમબર્ગ ન્યૂઝ સાથે હરીફાઈ કરવી જ અશક્ય છે પણ ચીન એ ચીન છે. ભારતની પ્રાઈવેટ
ન્યૂઝ ચેનલો પણ ચીનના નેશનલ મીડિયા હાઉસથી જોજનો દૂર છે.
ભારત પાસે વિશ્વને
પ્રભાવિત કરવા વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો છે પણ ગંગા નદીથી લઈને આપણા ધાર્મિક
અને ઐતિહાસિક સ્થળોની હાલત કેવી છે એ આપણે જાણીએ છીએ. જોકે,
ચીન એ ભારત નથી. ચીનને અમેરિકાની જેમ ગ્લોબલ અપીલ ઊભી કરવી છે.
અમેરિકા પાસે એપલથી લઈને કોક, સુપરમેનથી લઈને સ્પાઈડરમેન,
હોલિવૂડથી લઈને ડિઝની વર્લ્ડ, ન્યૂયોર્ક
ટાઈમ્સથી લઈને ટાઈમ મેગેઝિન અને મેકડોનાલ્ડ્સથી લઈને લિવાઈઝ જિન્સ છે. વિશ્વના
અનેક દેશોના લાખો લોકોને અમેરિકામાં ભણવું છે અને ત્યાં જ સેટલ થવું છે. આ
અમેરિકાની તાકાત છે. એક સરેરાશ અમેરિકન સરેરાશ ચાઈનીઝ કરતા આઠ ગણો શ્રીમંત છે પણ
પડકારોથી ડરે એ 'ચીની ડ્રેગન' નહીં!
આગામી વર્ષોમાં ચીન
શબ્દ સાંભળતા-વાંચતા નજર સમક્ષ ડ્રેગનના બદલે પાન્ડા આવે તો નવાઈ ના પામતા!
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે.
Majedar....
ReplyDeleteThx a lott buddy. This one word give me tons of motivation. Keep WORTH Reading.
Delete