10 June, 2015

પાકિસ્તાની જાસૂસીઃ ચપડ ઝુનઝુનથી સફેદ કબૂતર


ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરી, ઘૂસણખોરોની ધરપકડ કે ઘૂસણખોરોને ઠાર માર્યા હોય એ મતબલબના સમાચારો બહુ સામાન્ય બાબત છે અને તેથી તેની ખૂણેખાંચરે નોંધ લેવાય છે. જોકે, થોડા સમય પહેલાં પંજાબના પઠાણકોટમાં આવો જ એક ઘૂસણખોર ઝડપાયો પણ આ સમાચારને ભારત, પાકિસ્તાન અને પશ્ચિમી મીડિયામાં પણ વિશિષ્ટ સ્થાન મળ્યું કારણ કે, આ વખતે ભારતમાં ઘૂસેલો ઘૂસણખોર માણસ નહીં પણ એક સફેદ કબૂતર હતું. આ કબૂતરની ઘૂસણખોરીને લઈને ભારતીય પોલીસ, લશ્કર અને જાસૂસી તંત્રએ દાખલેવી ગંભીરતા થોડું રમૂજ ઉપજાવે એવી હતી. આ ઘટનાક્રમ એટલો ફિલ્મી હતો કે, તેને લઈને પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર 'ડોન' અને અમેરિકાના ઓનલાઈન ન્યૂઝ પોર્ટલમાં દિગ્ગજ લેખકોએ હાસ્યલેખો લખ્યા, જ્યારે ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયામાં એક એકથી ચડિયાતા જોક ફરતા થઈ ગયા.

આ કબૂતરે પાકિસ્તાન સરહદથી માંડ ચાર કિલોમીટર દૂર પંજાબના બામિયાલ તાલુકાના મનવાલ ગામમાં રહેતા રમેશ ચંદ્રા નામના વાળંદના ઘર નજીક ઉતરાણ કર્યું હતું. કબૂતરને જોતા જ વાળંદના ૧૪ વર્ષીય પુત્રને કંઈક શંકાસ્પદ લાગ્યું કારણ કે, કબૂતર પર ઉર્દૂ ભાષામાં કંઈક લખ્યું હતું. સફેદ કબૂતર પર 'ઉર્દૂ માર્કિંગ' જોતા જ ૧૪ વર્ષના છોકરાને પણ પાકિસ્તાનની જાસૂસીની ગંધ આવી અને તે કબૂતરને લઈને સીધો સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યો. જો કબૂતર પર ઉર્દૂમાં કંઈ લખ્યું ના હોત તો એ છોકરો કબૂતરને પોતાની પાસે રાખી લેવાનો હતો અને એટલે પોલીસે તેની પણ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં હાજર નાના-મોટા પોલીસમેનથી લઈને ઉચ્ચ અધિકારીઓ પણ પેલું ઉર્દૂ લખાણ જોઈને પાકિસ્તાન દ્વારા કોઈ મોટું જાસૂસી ષડ્યંત્ર થઈ રહ્યું હોય એમ હરકતમાં આવી ગયા હતા.જોકે, પંજાબ પોલીસે પાકિસ્તાની કબૂતરને બહુ ગંભીરતાથી લીધું એનું પણ કારણ છે. વાત એમ હતી કે, આ સફેદ કબૂતરે હાઈટેક ડ્રોન (માનવરહિત વિમાન)ની સ્ટાઈલમાં પઠાણકોટના મનવાલ ગામમાં લેન્ડિંગ કર્યું એના બે જ દિવસ પહેલાં ઈન્ડિયન ઈન્ટેલિજન્સે જમ્મુ-કાશ્મીર અને પઠાણકોટમાં ઈન્ડિયન મુજાહિદ્દીન ટૂંક સમયમાં સક્રિય થશે એવી ચેતવણી આપી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો ભારતીય સરહદમાં ઘૂસીને જાસૂસી કરે, આતંકી સંગઠનોને મદદ કરે કે ભાંગફોડ પ્રવૃત્તિમાં સામેલ થાય એ સમજી શકાય એમ છે પણ આ કબૂતર શું કરવાનું હતું? ખરેખર તો શું કરી શકવાનું હતું એ મતલબનો પ્રશ્ન થવો જોઈએ કારણ કે, કબૂતર પર ગમે તેવા જાસૂસી ઉપકરણો ફિટ કર્યા પછીયે પાકિસ્તાનને બહુ બહુ તો શું હાથ લાગે?

જો કબૂતર ભારતીય પ્રદેશની એરિયલ ફોટોગ્રાફી કરવાનું હોય તોય ગભરાવા જેવું કશું નહોતું કારણ કે, સેટેલાઈટ જાસૂસી અને ગૂગલ મેપના યુગમાં પાકિસ્તાન પાસે ભારતના વિવિધ પ્રદેશોના ઝીણામાં ઝીણી વિગત ધરાવતા નકશા ના હોય એ શક્ય જ નથી. જોકે, કબૂતર પર ચોંટાડેલા એક સ્ટેમ્પમાં અંગ્રેજી ભાષામાં 'નારોવલ' અને 'શક્કરગઢ' લખ્યું હતું, જ્યારે કેટલુંક લખાણ ઉર્દૂમાં હતું. આ સિવાય એક પાકિસ્તાની ફોન નંબર પણ લખ્યો હતો. આ નંબર કદાચ તેના માલિકનો હોઈ શકે! પાકિસ્તાનના પંજાબ પ્રોવિન્સના નારોવલ જિલ્લામાં શક્કગઢ નામનું નાનકડું શહેર આવેલું છે, જેના અમુક વિસ્તારો ભારતીય સરહદની ખૂબ જ નજીક છે. પાકિસ્તાનમાં પંજાબ પ્રોવિન્સ સહિત અનેક જગ્યાએ આજેય કબૂતરોને પાળવાની અને તેમને તાલીમ આપવાની કળાના જાણકારો હયાત છે. અહીં કબૂતરો ઉડાવવાની હરીફાઈ પણ યોજાય છે.

આ બધું જાણતા હોવા છતાં પઠાણકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સફેદ કબૂતરની ઘૂસણખોરીને ગંભીરતાથી લીધી અને કબૂતરના શરીરમાં કંઈ છુપાવાયું છે કે નહીં તે જાણવા વેટરનરી હોસ્પિટલ મોકલીને એક્સ રે રિપોર્ટ પણ કઢાવ્યા. આ રિપોર્ટમાં પણ કશું વાંધાજનક ન મળ્યું. જોકે, કબૂતર પાકિસ્તાની હોવાથી પઠાણકોટના બામિયાલ પોલીસ સ્ટેશનમાં તેની સામે એક ઘૂસણખોર સામે થાય એવી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ અને કબૂતરને કસ્ટડીમાં લેવાયું. આ પોલીસ સ્ટેશનમાં સફેદ કબૂતરની ડાયરી એન્ટ્રી પણ 'શંકાસ્પદ જાસૂસ' તરીકે કરાઈ છે. બાદમાં પોલીસે આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઈન્ડિયન ઈન્ટેલિજન્સ સુધી પહોંચાડી. કબૂતર પાકિસ્તાનનું હોવાથી તેને પંજાબના જલંધર સ્થિત બીએસએફ ફ્રન્ટિયર વડામથકે પણ લઈ જવાયું. અહીં પણ બીએસએફના ઉચ્ચ અધિકારીઓએ કબૂતરની 'સંપૂર્ણ' તપાસ કરી અને પછી કબૂતર પોલીસને સુપરત કર્યું.

કબૂતરની આટલી ઊંડી તપાસ પછી પઠાણકોટના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાકેશ કૌશલે મીડિયાને જણાવ્યું હતું કે, ''આ કબૂતર કદાચ નિર્દોષ છે, પણ અમે કોઈ ચાન્સ લેવા નથી માગતા... પાકિસ્તાનનું પક્ષી અહીં આવી જાય એવું ભાગ્યે જ બને છે. અમે પહેલાં પણ અહીં કેટલાક જાસૂસોને પકડયા છે. જમ્મુની નજીક હોવાથી આ વિસ્તાર સંવેદનશીલ છે કારણ કે, અહીં ઘૂસણખોરી બહુ સામાન્ય છે.''  પોલીસ ચાન્સ લેવા નથી માગતી કારણ કે, પોલીસનું માનવું છે કે કબૂતર પર ઉર્દૂમાં લખેલું વણઉકલ્યું લખાણ સિક્રેટ કોડ પણ હોઈ શકે છે.

આ ફિલ્મી ઘટનાનું વર્ણન કરવાનો ઈરાદો એ છે કે, આજથી છ દાયકાથી પણ વધુ સમય પહેલાં ઉર્દૂ ભાષાના પ્રખ્યાત વાર્તાકાર સઆદત હસન મંટોએ ભારત પાકિસ્તાનના ભાગલા થયા એ પછી 'ટિટવાલ કા કુત્તા' નામની એક હૃદયદ્રાવક વાર્તા લખી હતી. વાર્તાના નામ પરથી જ ખ્યાલ આવે છે કે, વાર્તાનો નાયક એક કૂતરો છે. નવાઈની વાત તો એ છે કે, ભારત-પાકિસ્તાન એકબીજાના પશુ-પંખીઓને લઈને પણ કેટલા શંકાશીલ થઈ રહ્યા છે એનું આ વાર્તામાં મંટોએ વર્ષો પહેલાં આબાદ વર્ણન કર્યું હતું. પઠાણકોટના સફેદ કબૂતરની ઘટના આ વાર્તાની યાદ અપાવે છે.

મંટોએ તેમની આગવી શૈલીમાં ટિટવાલ નામના એક નાનકડા કસબામાં આ વાર્તા ઉપસાવી છે, જ્યાં બંને દેશોએ પોતપોતાના વિસ્તારમાં લશ્કરી ચોકી ઊભી કરી છે. જોકે, અહીં સૈનિકો ફક્ત એકબીજાના ભયે ચોકીપહેરો કરતા હોય છે અને તેથી વચ્ચે વચ્ચે 'બસ એમ જ' ફાયરિંગ કરી લેતા હોય છે. આ સમયે એક કૂતરો પાકિસ્તાન તરફથી ભારત તરફ આવી જાય છે અને સૈનિકોને મજા પડી જાય છે. સૈનિકો કૂતરાને જોઈને મસ્તીએ ચઢે છે. સૈનિકો કૂતરાને બહુ ગંભીરતાથી નથી લેતા પણ તે હિંદુસ્તાની છે કે પાકિસ્તાની એવી ચર્ચા જરૂર કરે છે. સૈનિકો કૂતરાને 'ચપડ ઝુનઝુન' નામ આપે છે. આ શબ્દસમૂહનો કોઈ જ અર્થ નથી થતો એમ કહીને મંટો પ્રતીકાત્મક રીતે કહે છે કે, બંને દેશો માટે કૂતરાનું કે કૂતરા જેવા ઘરવિહોણા લોકોનું અસ્તિત્વ જ નથી.

આ દરમિયાન કૂતરો રખડતો ભટકતો બંને દેશો સરહદની વચ્ચે જતો રહે છે ત્યારે બંને દેશના સૈનિકો તેની આસપાસ ગોળીઓ છોડીને મજા લૂંટે છે. એક સૈનિક ગભરાઈને હાંફી રહેલા કૂતરાનો એક પગ ગોળીથી વીંધી નાંખે છે. હવે મૂંઝાયેલો કૂતરો ત્રણ પગે ઢસડાઈ રહ્યો હોય છે કારણ કે, બંને તરફથી ગોળીઓ છૂટતી હોવાથી તે નિર્ણય નથી લઈ શકતો કે કઈ તરફ જવું? છેવટે એક સૈનિક નિશાન તાંકીને ગોળી મારે છે અને 'ચપડ ઝુનઝુન' ત્યાં જ ઢેર થઈ જાય છે. ભારતીય સૈનિકની ગોળીથી વીંધાયેલા કૂતરાને જોઈને પાકિસ્તાની સૈનિક ડચકારા બોલાવે છે અને કહે છે, શહીદ થઈ ગયો બિચારો... એવી જ રીતે, ભારતીય સૈનિક ગરમ થઈ ગયેલી બંદૂકની નાળ પર હાથ ફેરવીને બોલે છે, ''એ જ મોત મર્યો, જે કૂતરાની હોય છે...''

થોડી રમૂજી શૈલીમાં લખાયેલી હોવા છતાં આ વાર્તામાં કૂતરો વીંધાય છે ત્યાં સુધી મંટો વાચકને પણ વીંધી નાંખે છે. ભૂતકાળમાં પણ પાકિસ્તાનના શંકાસ્પદ કબૂતર પકડાયાના એકલદોકલ કિસ્સા નોંધાયા છે. જોકે, હકીકત એ છે કે આજ સુધી કબૂતરો પાસેથી કશું વાંધાજનક મળ્યું નથી. માર્ચ ૨૦૧૦માં અમૃતસર (પંજાબ) અને મે ૨૦૧૫માં જામનગર (ગુજરાત)માંથી પણ પગમાં ચિપ અને રિંગ હોય એવા કબૂતરો ઝડપાયા હતા. આ ચિપ પર 'બેન્ઝિંગ ડયુઅલ' લખ્યું હતું, જે રેસિંગ માટે તાલીમ અપાયેલા કબૂતરોને લગાવવામાં આવે છે. એવી જ રીતે, તેની પાંખો પર ઉર્દૂ અને અરેબિકમાં 'રસૂલ ઉલ અલ્લાહ' લખ્યું હતું, જેનો અર્થ 'અલ્લાહનો સંદેશાવાહક' થાય છે.

ખેર, પઠાણકોટ પોલીસે ચોથી જૂને સફેદ કબૂતર રમણજિત સિંઘ નામના સ્થાનિક પક્ષી પ્રેમીને સોંપી દીધું છે. તેમણે પાકિસ્તાનથી આવેલા માદા કબૂતરને તણાવમુક્ત રાખવા તેની જ જાતિનું એક નર કબૂતર ખરીદી લીધું છે. સિંઘનું કહેવું છે કે, કબૂતરો ખૂબ ઝડપથી એકબીજા પર વિશ્વાસ કરીને મૈત્રી કરી લે છે.

કાશ, હિંદુસ્તાની-પાકિસ્તાની વિશે પણ આવું કહી શકાતું હોત!

છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી, એ આને કહેવાય... 

જાસૂસી માટે પશુ-પંખીઓ ખાસ ઉપયોગી નથી થઈ શકતા પણ ગેરકાયદે માલસામાનની હેરાફેરી માટે તેમનો ઉપયોગ જરૂર થાય છે. વર્ષ ૨૦૦૦માં ત્રણ પાકિસ્તાની કચ્છ સરહદે એક ઊંટ પર આરડીએક્સ લાદીને ભારતમાં ઘૂસ્યા હતા. જોકે, ઘૂસણખોરો છટકી ગયા હતા પણ ઊંટ ઝડપાઈ ગયું હતું. આ ઊંટને સૈનિકોએ ‘મુશર્રફ’ નામ આપ્યું હતું, જે વર્ષ ૨૦૧૨માં જીવનના અંત સુધી ભારતીય લશ્કરની કસ્ટડીમાં રહ્યું હતું. એ પછી વર્ષ ૨૦૦૨માં કચ્છ સરહદે ખોરાકની શોધમાં એક પાકિસ્તાની ઘોડી આવી ગઈ હતી. જોકે ઘોડી પાસેથી કશું શંકાસ્પદ મળ્યું હતું પણ ‘મુશર્રફ’ના અનુભવ પછી ભારતીય લશ્કર કોઈ ચાન્સ લેવા નહોતુ માંગતુ. આ ઘોડી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને કસ્ટડીમાં લેવાઈ હતી, જેને સૈનિકોએ ‘બેનઝિર’ નામ આપ્યું હતું. એવી જ રીતે, વર્ષ ૨૦૧૧ ભારતનો એક વાંદરો પાકિસ્તાનમાં ઘૂસી ગયો હતો. વાંદરા પાસે કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી પણ તે ભારતથી આવ્યો હોવાથી પાકિસ્તાન કોઈ જોખમ લેવા નહોતુ માંગતુ અને તેને પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દીધો હતો. ભારતની પૂર્વીય સરહદે ભારતના હાથી બાંગ્લાદેશની સરહદમાં ઘૂસી જાય ત્યારે બાંગ્લાદેશી સૈનિકો હાથી પાસે કશું વાંધાજનક ના હોય તો પણ તેને ગોળી મારી દે છે એવા અહેવાલ પણ સમયાંતરે વાંચવા મળતા હોય છે. એ  હાથીઓની નહીં બંને દેશની કમનસીબી ગણાવી જોઈએ.

4 comments:

 1. ,મંટો ને સાચા પાડતી વ્યવસ્થા પર હસવું કે રડવું...?

  ReplyDelete
 2. very nice connect.. superb subtle and overt satire

  ReplyDelete
 3. btw toy pathankot upar humalo thayo ne...!

  ReplyDelete
  Replies
  1. વાત એ જ છે. મંટો સાચો પડ્યો... બંને દેશો વચ્ચે આટલો અવિશ્વાસ સર્જાશે. સો સેડ.

   Delete